રાજધર્મ .
- સુભાષિત-સાર-કુલીનચંદ્ર પો. યાજ્ઞિાક
धर्मेण राज्यं विन्देत
धर्मेन परिपालयत् ।
धर्ममूलां श्रियं प्राप्य
न जहाति न हीयते
- विदुर नीति (महाभारत, उद्योगपर्व)
સુભા. સૌરભ - (શ્લોક-૫૩)
(ધર્મથી રાજ્ય મેળવવું, અને ધર્મથી તેનું પાલન-સંવર્ધન કરવું. ધર્મથી મેળવેલી લક્ષ્મી (સંપત્તિ) કદી છોડીને જતી નથી અને કદી નાશ પામતી નથી.)
ધ ર્મનો એક અર્થ થાય છે આત્મા અને પરાત્માનો સંબંધ, ઇશ્વર પ્રાપ્તિ, સાધના, ભક્તિ, પુનર્જન્મ, મોક્ષ વ. વ.ને વિષયોને આવરી લેતું આધ્યાત્મિક શાસ્ત્ર. બીજો અર્થ થાય છે સામાન્ય વ્યક્તિગત અને સામાજિક નીતિ, ફરજો, ગુણધર્મો, વ.ના નિયમોનું શાસ્ત્ર.
આ અર્થમાં રાજ્ય અને રાજકારણ ને લગતા બનાવતી નીતિ તે રાજધર્મ અને રાજનીતિ કહેવાય છે. આ અર્થમાં અહીં 'ધર્મ' ને સમજવાનો છે. ધર્મના સામાન્ય અર્થના મૂળમાં પહેલો અર્થ રહેલો છે. હકીકતમાં માનવીના તમામ વિચારો અને વર્તનના પાયામાં આધ્યાત્મિક અર્થ હોવો જોઇએ એમ આપણા મહાત્માઓ માને છે.
રાજાઓ અને રાજકર્તાઓએ પોતાનું રાજ્ય જરૂર પડે ને વાજબી રીતે જ વધારવા યત્ન કરવો જોઈએ. ચક્રવર્તી થવા માટે યુદ્ધ કરીને વિજયી રાજાઓ પણ હારેલા રાજાને ખંડણી લઇને અને બીજી શરતો મૂકીને તેમનું રાજ પાછું સોંપી દેતા.
જર્મનીના સરમુખત્યાર હિટલરે ગઈ સદીના ચોથા દાયકામાં જર્મનોને નિવાસ માટે વધારે અવકાશ (લિવિંગ રૂમ) જોઈએ છે, તેવા બહાના હેઠળ પાડોશી રાજ્યો જીતીને સામ્રાજ્ય બનાવ્યું. તે અધર્મી કૃત્યે આખી દુનિયાને ભયંકર નુકસાન કર્યું. ભારતમાં પુરાણ કાળમાં રાવણ અને જરાસંઘ જેવાનાં ઉદાહરણો છે. ભારતને તો પરદેશી આક્રમકોની પણ નવાઈ નથી !
યુદ્ધ પણ ધર્મનું યુદ્ધ હોવું જોઈએ, નીતિ-નિયમો અનુસાર લડાવું જોઈએ એમ ભારત માનતું. મહાભારત યુદ્ધ માટે ભીષ્મ પિતામહે ધર્મ અનુસાર નિયમો કર્યા હતા, જે આજે વિશિષ્ટ અને કૌતુકભર્યા લાગે છે. પ્રજાનું પાલન અને સંવર્ધન પણ ધર્મ અનુસાર થવું જોઈએ. પ્રજાને રોજગારી ઉપરાંત ન્યાયી રીતે સમૃદ્ધિ મેળવવા માટે અવકાશ મળવો જોઈએ. રાજા પ્રજા ઉપર જુલમ તો ન જ કરે, અને પ્રજાની સુખાકારી માટે તેમની મુશ્કેલીઓ સમજે, લોકમત ધ્યાનમાં લે, પ્રજાને સરળ, ઝડપી અને સાચો ન્યાય મળે તેવી વ્યવસ્થા કરે.
રાજાએ (અને રાજકર્તાઓએ) પોતે અંગત રીતે કેવી રીતે વર્તવું, કામ કરવું, તે અંગેનું એક ઉત્તમ ઉદાહરણ આપણા ગુજરાતમાં જ છે. ગુજરાતનું એક ગરવું નામ વડોદરાના મહારાજા સયાજીરાવ ત્રીજા (૧૮૮૧ થી ૧૯૩૯). તે સગીર હતા ત્યારે રાજાની કાર્યશૈલી અને કારોબાર તેમજ વર્તણુંક વિષે તેમના ટયૂટર (અને દિવાન) સર ટી. માધવરાવે તાલીમ આપી હતી. તેનું વિગતવાર પુસ્તક 'શાસનનાં સૂત્રો' તમામ નેતાઓએ જ નહિ, પણ સામાન્ય નાગરિકે વાંચવા જેવાં છે. તેમાં આજના જમાનાને લાગુ પડે તેની પણ ઘણી બાબતો છે.
ધર્મને અનુસરીને જે લક્ષ્મી-સંપત્તિ-મેળવી હોય તે માણસને છોડીને કદી જતી રહેતી નથી, કે નથી તે નાશ પામતી. લોભી, જુગારી, ફિતુરી, ઉડાઉ, એશ આરામ અને મોજશોખ કરનાર, વ્યસની, ખુશામતને તાબે થનારા અને ભોળા માણસોને લક્ષ્મી તેમને ઝડપથી છોડી દે છે. કંજુસ, બેદરકાર, તુક્કાબાજ અને નિર્ણય શક્તિ વગરના માણસોની લક્ષ્મી નાશ પામે છે. પોતાની સંપત્તિને બરાબર સાચવનારા, સમજદારીથી રોકાણ અથવા વેપાર કરનાર અને સાચી પરખવાળા લોકોની સંપત્તિ જળવાય છે. અને વધતી જાય છે.
સત્તાધારીઓ માટેની સૂચનાઓ સામાન્ય માણસને પણ લાગુ પડે છે. સમય અને સંજોગોના પરિવર્તન મુજબ સુધારા સાથે અપનાવનાર માણસ સુખી થાય છે.