Get The App

ગાંધી અને સરદારના અહિંસાના રસ્તા જુદા, સરનામા એક

Updated: Apr 19th, 2025

GS TEAM


Google News
Google News
ગાંધી અને સરદારના અહિંસાના રસ્તા જુદા, સરનામા એક 1 - image


- સરદાર @150-હસિત મહેતા

- એક છોકરો દંડના પૈસા લાવ્યો નહીં તો માસ્તરે એને વર્ગમાંથી કાઢી મૂક્યો, સરદારે હડતાળ પડાવીને દંડ માફ કરાવ્યો

પૂ રી પાકટે ન પહોંચેલો છોડ અને ઘટાદાર ગરીમાએ પહોંચેલું વૃક્ષ, એ બેનાં રૂપ, રંગ, ગંધ અને પરિણામમાં મોટો ફરક હોય છે. પરંતુ એ બંનેની નસોમાં વહેતો જીવનરસ તો એક સમાન જ હોય છે. પેલો નાનો છોડ વખતે પાકતાં પુખ્ત વૃક્ષનો આકાર અને આંતર ધારણ કરે છે. આટલી સાદી વાત એવા લોકોને ધ્યાને ન્હોતી રહી જે મૂછે તાલ દઈને કહેતાં કે 'અમે તો કાંઈ ગાંધીના ચેલા નથી, અમે તો સરદારના સિપાઈ છીએ.'

એ વખતે આવું વાતાવરણ હતું પણ ખરું. ગાંધીજીના આશ્રમ વિશે, ગાંધીજીના અભિગમ વિશે, ગાંધીજીના આદર્શો અને આજ્ઞાઓ વિશે સરદારે કરેલી મશ્કરી ખોટી સમજથી ઘટાવનારાઓ એ વાત ભૂલી જતાં હતા કે આખરે સરદાર ગાંધીજીના ચુસ્ત દેખતાં અનુયાયી હતા. પરંતુ એ બંનેનો સામાજિક, પારિવારિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક ઘડતર કાળ આભ-જમીન જેટલો છેટો હતો.

ગાંધીજી માપીને અને ગણીને ખાનારા, જ્યારે સરદારનો ખેડૂતપુત્રનો ખવાસ. શું ખાધું, શું પીધું એ વિશે કોઈ સભાનતા નહીં. મિષ્ઠાન હોય કે જેલનો કાંકરીવાળો રોટલો, બંને ફરિયાદ વગર એકસરખાં ભાવથી એ જમી શકે. ગાંધીજી ઘડિયાળને કાંટે કામ કરે, જ્યારે સરદાર કાંતવા વળગે તો દશ-દશ કલાક કાંતે. ગાંધીજીનો ઉંઘવા-ઉઠવાનો સમય ચુસ્ત, જ્યારે સરદાર ભજિયાત્મક મંડળીમાં મધરાત સુધી ટોળટપ્પે ચઢી શકે. ગાંધીજી વિરોધીઓના પણ માન-અપમાનનો વિચાર કરે, જ્યારે સરદાર વિરોધી અધિકારીનો ઉઘડો લેવામાં કાંઈ બાકી ના રાખે. ગાંધીજી મૂલ્યબોધના માણસ, સરદારની સમક્ષ કર્મબોધથી ઉપર કાંઈ જ નહીં.

નારાયણ દેસાઈએ તાજના સાક્ષી તરીકે લખ્યું છે કે ગાંધીજીના કોઈ નિર્ણય  સાથે મતભેદ હોય, ત્યારે સરદાર ખૂબ જ ચિંતિત અને વ્યથિત રહેતા હતા. બીજા વિશ્વયુદ્ધ વખતે કોંગ્રેસે અંગ્રેજ સરકારને કેટલો ટેકો આપવો, એ બાબતે ગાંધીજી અને બહુમતી કોંગ્રેસીઓ વચ્ચે મોટો મતભેદ. મુસ્લિમ લીગ સાથે કોંગ્રેસે કેવો સંબંધ રાખવો? આવા વિકટ પ્રશ્નોમાં જ્યારે મત લેવાયો ત્યારે ગાંધીજીની તરફેણમાં પાંચ મત અને સરદાર તથા રાજાગોપાલાચારીજીની તરફેણમાં સો મત પડયા હતા. 

એ વખતે સરદાર મુંબઈ રહે અને બાપુ સેવાગ્રામમાં, વર્ધા રહેતા. રોજ સાંજે સરદાર વર્ધા ફોન કરે, મહાદેવભાઈ દેસાઈ સાથે આખા દિવસના ઘટનાક્રમની ચર્ચા કરે ડીવીએસ વારેવારે મહાદેવભાઈને પૂછે કે 'પણ, ડોસો શું કહે છે?' આ રીતે બાપુને તોછડાઈથી, ડોસા સંબોધનથી બોલાવે તેમાં કોઈને કાંઈ અજૂગતું લાગતું નહીં. કારણ કે ગાંધીજી પ્રત્યેની સરદારનિષ્ઠા અનન્ય હતી. 

વિકટ પ્રશ્નોના વહેવારું ઉકેલમાં તેઓ જેટલી દક્ષતા અને દ્રઢતા દાખવી શક્તાં, એવું ભાગ્યે જ કોઈ કરી શક્તું. તેઓ એક તરફ ગાંધીજીનો અહિંસાનો રસ્તો છોડતા નહીં, અને બીજી તરફ ગાંધી રહેમથી સામાવાળાને છોડી દેવામાં માનતા નહીં.

ગાંધીજી સાથે અનેક અભિગમોથી જુદા પડતા સરદાર ક્યારે ગાંધીમાર્ગના ચુસ્ત પ્રવાસી બની ગયા, એનો વિચાર કરવામાં ગાંધીવાદીઓ અને સરદારપ્રેમીઓ, બંને ઉણા ઉતર્યા છે. ખાસ કરીને અહિંસાની બાબતમાં એ બંને વચ્ચે ભલે આભજમીનનો ફેર જણાય, પણ એ બંનેના આખરી ઉદ્દેશો એક જ હતા. ગાંધીજીનો અહિંસાભાવ આધ્યાત્મિક હતો, જ્યારે સરદાર લોકોની નાડને સમજીને ચાલનારા આગેવાન હતા.

પ્રજાને દબાવનાર સરકાર સામે તેમનું અંતર કકળી ઊઠતું. લોકોનું તેજ વધારવા અને દબાવનારાઓનું તેજહરણ કરવા તેઓ બાળી મૂકે તેવી વાણી વહેવડાવતા. તેઓ હિંસા અને અહિંસાની તાત્ત્વિક ચર્ચા  નહીં, કર્મનિષ્ઠાથી વિરોધીને હરાવવામાં જ માનતા. એ માટેનો ગાંધીજીનો મૂલ્યબોધ અને સરદારનો કર્મબોધ સામસામા છેડાના હોવા છતાં, બંનેના મૂળિયા એક જ ભૂમિના હતા.

સરદારનો આવો કર્મબોધ જન્મજાત હતો. શાળાએ ભણતાં વલ્લભભાઈમાં પણ આ જ મિજાજ હતો. છઠ્ઠી અંગ્રેજીના ઈ.સ.૧૮૯૫ના વર્ષોમાં એમની હાઈસ્કૂલના એક પારસી શિક્ષક એટલાં તો કડક હતા કે નાનકડી વાતે પણ વિદ્યાર્થીને નેતરની સોટીથી ફટકારવા માંડતા. બેરહેમીથી દંડ કરવામાં અને જાતજાતની સજાઓ કરવા માટે તેઓ કુખ્યાત થયેલાં.

એક દિવસ બન્યું એવું કે એમના વર્ગના એક છોકરાને પેલા પારસી માસ્તરે મોટો દંડ ફટકાર્યો. બીજે દિવસે એ છોકરો દંડના પૈસા લાવ્યો નહીં એટલે તેને વર્ગમાંથી બહાર કાઢી મૂક્યો.  વલ્લભભાઈએ આખા વર્ગની સેનાપતિ કરીને હડતાળ પડાવી. સંગઠન એટલું પાકું કર્યું કે હડતાળના કિલ્લાની એક કાંકરી પણ ખરી નહીં. એક પણ છોકરો સ્કૂલે જાય નહીં તેની તકેદારી રાખવા ચોકીપહેરા ગોઠવ્યાં. વિદ્યાર્થીઓને બેસી રહેવા બાજુની ધર્મશાળામાં ગોઠવણ કરી, ત્યાં પીવાનું પાણી પણ મૂકાવ્યું. હડતાળ જડબેસલાક ૩ દિવસ ચાલી. છેવટે હેડમાસ્તરે વલ્લભભાઈને બોલાવીને સમજાવ્યાં અને પારસી શિક્ષકના વર્તનમાં ફેરફારની ખાતરી આપી, ત્યારે એ હડતાળનું સમાધાન થયું.

નાનપણથી જ આ પ્રકારની નેતાગીરીના ગુણોથી સજ્જ વલ્લભભાઈ ગાંધીજીની મૂલ્યનિષ્ઠ અહિંસાને કેવી રીતે વળગી રહી શકે? છતાં એ કુમળો છોડ પાકટ વયે તો ગાંધીગીરાની ઉચ્ચોચ્ચ કેડીનો પ્રવાસી બન્યો હતો, એ કોણ નથી જાણતું?

Tags :