Get The App

જીવીશ હું માત્ર પુસ્તકોથી .

Updated: Apr 19th, 2025

GS TEAM


Google News
Google News
જીવીશ હું માત્ર પુસ્તકોથી                            . 1 - image


- આજકાલ-પ્રીતિ શાહ

- સાગર આઝાદ સાહિત્યને સુલભ અને આકર્ષક બનાવીને ભારતના યુવાનો વચ્ચે વાંચવાની સંસ્કૃતિને વિકસિત કરવા માગે છે

૨૩ એપ્રિલે પુસ્તકદિનની ઉજવણી થશે. આજે પરિસ્થિતિ એ છે કે ટૅક્નૉલૉજીના આગમન સાથે વાચકોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે અને તે કારણે શિક્ષણવિદો અને સમાજશાસ્ત્રીઓ ચિંતિત છે, ત્યારે સાગર આઝાદે વાચકો અને લેખકોને પ્રોત્સાહિત કરતું વિશિષ્ટ પ્લેટફોર્મ શરૂ કર્યું છે. ૧૯૯૦માં જબલપુરમાં મધ્યમવર્ગીય પરિવારમાં સાગરનો જન્મ થયો હતો. ત્યાંની સેન્ટ ગેબ્રિયલ સિનિયર સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કર્યો. તેનું બાળપણ કેટલાય અવરોધો વચ્ચે પસાર થયું, પરંતુ હંમેશાં તેને પોતાનામાં એક આંત્રપ્રેન્યોર છુપાયેલો છે તેવું લાગતું. અભ્યાસ પૂર્ણ કરીને ૨૧ વર્ષની ઉંમરે કોટામાં પુસ્તકની એક દુકાનમાં નોકરીની શરૂઆત કરી. નોકરી કરતા કરતા એને પોતાના પુસ્તકપ્રેમની ઓળખ થઈ. છવ્વીસ વર્ષની ઉંમરે નોકરીમાંથી રાજીનામું આપ્યું અને ૨૦૧૬માં ચેમ્પ રીડર્સ પ્રા. લિ.ની સ્થાપના કરી.

ચેમ્પ રીડર્સ ઉભરતા લેખકોને પ્રોત્સાહિત કરવા માટેનું પ્લેટફોર્મ છે. પુસ્તકની દુકાનમાં નોકરી કરતાં એણે અનુભવ્યું કે યુવા લેખકો અને રચનાકારોને પોતાના સર્જનને દુનિયા સમક્ષ લાવવામાં કે વધુ વાચકો સુધી પહોંચાડવામાં મુશ્કેલી પડે છે. આ અંતર ઘટાડવા માટે તેણે પ્રયત્નો શરૂ કર્યા અને યુવા લેખકોને પ્રોત્સાહિત કરવા માટે પુસ્તક વિમોચનના કાર્યક્રમોનું આયોજન કર્યું. ખ્યાતનામ લેખકો પાસે તો ઘણા પ્રકાશકો, અન્ય સંસાધનો અને નેટવર્ક હોય છે, પરંતુ નવા લેખકોએ પોતાની ઓળખ ઊભી કરવા સંઘર્ષ કરવો પડે છે, તેથી એણે ચેમ્પ રીડર્સ મંચ ઊભો કર્યો. શરૂઆતમાં પુસ્તકોનું વિમોચન, સર્જનાત્મક લેખનશિબિર અને વાર્તાકથન પર તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું, પરંતુ ધીમે ધીમે ઑનલાઇન પ્રમોશન પાર્ટનરશિપ અને પ્રોફેશનલ વર્કશોપ પણ શરૂ કર્યા.

ચેમ્પ રીડર્સ સાથે કામ કરતા કરતા સાગરે અનુભવ્યું કે પુસ્તક પ્રકાશનના વ્યવસાયમાં પણ ખામી છે. તેને લાગ્યું કે ગુણવત્તાયુક્ત સ્ટોરી ટેલિંગ અને ઉભરતા લેખકોને પ્રાથમિકતા આપવી જોઈએ, તેથી તેણે ૨૦૨૧માં પોતાનું એનેકડોટ પબ્લિશિંગ હાઉસ શરૂ કર્યું. જોકે સાગર આઝાદ કહે છે કે આ ચેમ્પ રીડર્સનું જ વિસ્તરણ છે. તે એનેકડોટ અંતર્ગત પુસ્તક પ્રકાશનની સાથે સાથે ઈ-બુક અને ઓડિયોબુક જેવાં અનેક સ્વરૂપે પુસ્તકોને વાચકો સુધી પહોંચાડે છે. આ રીતે લેખકો અને વાચકો વચ્ચે અંતર ઓછું થાય છે અને એક મજબૂત સાહિત્યિક ઈકોસિસ્ટમ ઊભી કરવામાં તે સહાયભૂત થાય છે. કોટામાં તેણે નીતિન શર્મા, કપિલ રાજ, રવિન્દર સિંઘ, નિકીતા સિંઘ, આર્ય બબ્બર, મુક્તા મહાજની, દેવાંશી શર્મા વગેરે લેખકોનાં પુસ્તકોનું વિમોચન કર્યું. એ પ્રસંગે વિદ્યાર્થીઓ સહિત આશરે અઢી હજાર પ્રેક્ષકો ઉપસ્થિત હતા, જેની અનેક ખ્યાતનામ રાષ્ટ્રીય વર્તમાનપત્રોએ નોંધ લીધી.

સાગર આઝાદ પોતાના એનેકડોટ પબ્લિશિંગ હાઉસ અંતર્ગત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેખકોને પ્રોત્સાહિત કરે છે. રાષ્ટ્રીય લેખકોને માર્ગદર્શન અને એમને સંપાદનમાં સહાય કરવી તેમજ ભારતીય દર્શકો માટે કાર્યક્રમોનું આયોજન કરે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય લેખકો માટે ઈ-બુક્સ અને ઓડિયોબુક્સના માધ્યમથી તેમની તેમજ સાથે પાર્ટનરશિપ કરીને વિવિધ જગ્યાએ પુસ્તકો પહોંચાડવામાં મદદરૂપ થાય છે. તેઓ ક્રાસ-કલ્ચરલ એક્સચેંજ દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેખકો વાચકોનો લાભ મેળવી શકે તેવું આયોજન કરે છે, પરંતુ આ બધા વચ્ચે તેઓ ગુણવત્તા સાથે સમાધાન કરતા નથી. તેમણે મૌનાક ધર, કાર્તિકેય લાધા, આદિત્ય સેન અને વરુણ વાધવા જેવા લેખકોના પુસ્તકોનું પ્રકાશન કર્યું છે.

આજે પ્રકાશકો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે સાગર આઝાદે તેના આર્થિક પાસાં પર પણ ધ્યાન આપ્યું છે. પુસ્તક વિમોચનના કાર્યક્રમ, સ્ટોરી ટેલિંગ અને ક્રિયેટિવ રાઈટિંગના વર્કશોપમાંથી આવક થાય છે. મોટેભાગે સ્કૂલો, કૉલેજો અને સાંસ્કૃતિક સ્થળે એનું આયોજન કરવામાં આવે છે. જ્યારે એનેકડોટ પબ્લિશિંગ હાઉસને પુસ્તકોના વેચાણમાંથી આવક થાય છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિતરકો સાથેની ભાગીદારી તેમજ સ્કૂલ, કૉલેજ, પુસ્તકાલયો અને કોર્પોરેટ પુસ્તકાલયોમાં પણ પુસ્તક વેચાણ કરે છે. તેમનું કહેવું છે કે મોટાભાગના ભારતીય લેખકોનું પબ્લિશિંગ નેટવર્ક સીમિત છે અને તેથી તેઓ આર્થિક તંગીનો સામનો કરે છે. હવે તો ઘણા લેખકો પોતે જ પુસ્તક પ્રકાશિત કરે છે. આવા સંજોગોમાં અમે લેખકોને એડિટિંગ, ડિઝાઈનિંગ, પ્રિન્ટિંગ, ઈ-બુક તથા ઓડિયોબુક જેવી ઘણી બાબતોમાં મદદ કરીએ છીએ. તેઓ લિટરરી ફેસ્ટ અને બુકસ્ટોરની યોજના બનાવી રહ્યા છે. તેઓ લેખકોને કહે છે કે લખતા રહો. દરેક પ્રકારની વાર્તા વાંચવાવાળા વાચકો છે. લેખન તો એક યાત્રા છે. સાગર આઝાદ સાહિત્યને સુલભ અને આકર્ષક બનાવીને ભારતના યુવાનો વચ્ચે વાંચવાની સંસ્કૃતિને વિકસિત કરવા માગે છે. આપણે મૃત્યુ પામીએ તે પહેલાં એ સમજવું જોઈએ કે જીવનનું લક્ષ્ય શું છે? જીવનના લક્ષ્યને હાંસલ કરવામાં, સ્વપ્નને સાકાર કરવામાં વાંચન મદદરૂપ થશે.

પારાવાર વ્યથાની પેલે પાર

આજે નૂરી બાવીસ જેટલી સંસ્થાઓ સાથે સંકળાયેલી છે. પાસપોર્ટ અને રેશનકાર્ડ મેળવનાર તમિળનાડુની પ્રથમ ટ્રાન્સજેન્ડર છે

ત મિળનાડુના રામનાથપુરમમાં રૂઢિચુસ્ત પરિવારમાં નૂર મોહમ્મદનો જન્મ થયો, પરંતુ માત્ર ચાર વર્ષની ઉંમરે માતાને ગુમાવી અને પિતા સલીમ મોહમ્મદે માતાના અવસાન પછી માત્ર ચાળીસ દિવસમાં બીજા લગ્ન કર્યા. નૂર મોહમ્મદને છોકરીઓ સાથે રહેવું વધારે ગમતું. લોકો સલીમને કહેતા કે તેનો દીકરો તો છોકરી જેવું ચાલે છે. આવા મ્હેણાં-ટોણાંને કારણે તેમણે નૂરને સ્કૂલે જવાનું બંધ કરાવી દીધું. જે શિક્ષણ નૂરને આવા તમામ મ્હેણાંથી મુક્ત કરાવી શકત તે અધિકાર તેની પાસેથી છીનવાઈ ગયો. નૂરને એક દિવસ પિતાએ માર માર્યો અને તેર વર્ષની ઉંમરે ઘરમાંથી ભાગીને ચેન્નાઈ આવ્યો.

ચેન્નાઈમાં તો એને કોઈ ઓળખતું નહોતું. એવામાં રેલવે સ્ટેશન પર ટ્રાન્સજેન્ડર સાથે મુલાકાત થઈ. તેને નૂરની મૂંઝવણ સમજતા વાર ન લાગી. તેણે તેને પાસે બેસાડીને સમજાવ્યું કે, 'નૂર, આપણા જેવા લોકો પાસે બે જ રસ્તા હોય છે. ક્યાં બાર ડાન્સર બની જા અથવા સેક્સ વર્કર બન.' પરંતુ નૂરે તેને કોઈ અન્ય કામ અપાવવા વિનંતી કરી અને ટ્રાન્સજેન્ડરે તેની ઓળખાણથી એક ઘરમાં નોકર તરીકે કામ અપાવ્યું. ત્રણેક વર્ષ વીત્યા હશે એવામાં માતાનો સંદેશ આવ્યો કે તેના પિતાની તબિયત સારી નથી. નૂરને બાળપણમાં ભોગવેલી શારીરિક-માનસિક યાતનાઓ યાદ આવી ગઈ, પરંતુ મૃત્યુની સમીપ પહોંચેલા પિતાની ઇચ્છાનું માન ન રાખ્યું એવા અફસોસ સાથે આખી જિંદગી જીવવાનું પણ એને પસંદ નહોતું. નૂર પિતાને મળવા પહોંચ્યો અને ત્રીજા દિવસે પિતાનું મૃત્યુ થયું. ત્યારબાદ તેની માતાને નૂરની સ્થિતિનો ખ્યાલ હોવા છતાં એક સ્ત્રી સાથે તેના લગ્નનું નક્કી કરી નાખ્યું એટલે મુંબઈની ટ્રેનમાં બેસીને મુંબઈ પહોંચ્યો.

મુંબઈમાં ટ્રાન્સજેન્ડર સમુદાયમાં તેને આશરો મળ્યો. સાત વર્ષ મુંબઈમાં વીતાવ્યા તે સમયે તેની મુલાકાત દત્તા નામના એક સૈનિક સાથે થઈ. દત્તા મુંબઈ તાલીમ માટે આવેલા. બંને વચ્ચે પ્રેમ પાંગર્યો. નૂર સર્જરી કરાવીને નૂરી બન્યો. જાતિપરિવર્તનનો નિર્ણય સહેલો નહોતો, કારણ કે ત્યારે અત્યાર જેટલી સુવિધા નહોતી. દત્તાએ નૂરી સાથે લગ્ન કર્યા અને સોળ વર્ષ સુધી બંનેએ સુખી દામ્પત્યજીવન ગાળ્યું, પરંતુ ૧૯૮૫માં વિમાન અકસ્માતમાં દત્તાનું મૃત્યુ થયું અને તેનું સર્વસ્વ લૂંટાઈ ગયું. નૂરી મોહમ્મદ કહે છે કે સોળ વર્ષ જીવનના સૌથી સુખી વર્ષો હતાં, પરંતુ દત્તાના મૃત્યુ પછી બધું બદલાઈ ગયું. તેને નોકરી પર રાખવા કોઈ તૈયાર નહોતા. છેવટે નાછૂટકે કોઈ રસ્તો ન મળતાં લાચારીથી સેક્સવર્કર બનવું પડયું અને એચ.આઈ.વી. પૉઝિટીવ રોગનો ભોગ બની. ૧૯૮૭માં એચ.આઈ.વી. પાઝિટીવનો ભોગ બનનાર તે ભારતની બીજી વ્યક્તિ હતી. ડાક્ટરોએ એને કહ્યું કે તેની પાસે જીવનના માત્ર બે વર્ષ છે.

મૃત્યુના ભય કરતાં વધુ દુ:ખ તો એને એ હતું કે પરિવાર કે સમાજે તેને ટ્રાન્સજેન્ડર તરીકે સ્વીકારી લીધી હોત તો આવી પરિસ્થિતિ ઊભી ન થાત. પરંતુ નસીબદાર એટલી કે તેની મુલાકાત ડૉ. ઉષા રાઘવન સાથે થઈ. તેણે નૂરીનું કાઉન્સેલિંગ કર્યું. ચેન્નાઈની એક સરકારી હૉસ્પિટલમાં નોકરી અપાવી. ત્યાં તે ડ્રેસિંગ કરવું, દવાની ઓળખ કરવી જેવી બાબતો શીખી ગઈ અને તેને માટે ડૉ. રાઘવન એને દર મહિને આઠસો રૂપિયા આપતા, જેથી નૂરીની પ્રાથમિક જરૂરિયાત પૂરી થઈ શકે. ડૉક્ટરે તેને કોમ્યુનિટી એક્શન નેટવર્કમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરી. નૂરી કહે છે કે એક તો ટ્રાન્સજેન્ડર અને બીજું એચ.આઈ.વી. આ બંને વસ્તુને કારણે સમાજનો તેના પ્રત્યેનો વ્યવહાર અમાનુષી, ભેદભાવભર્યો અને નફરત ભરેલો હતો. 

આ સમયે ડૉ. જોસેફ વિલિયમ્સ સાથે મુલાકાત થઈ. તેમણે સાથે મળીને સાઉથ ઇન્ડિયા પોઝિટીવ નેટવર્કની સ્થાપના કરી અને નૂરી તેની પ્રમુખ બની. તેને ડૉક્ટરો અને તમિળનાડુ સરકારનો સાથ મળ્યો. એચ.આઈ.વી. સંક્રમિત લોકોને મૃત્યુ પહેલાં થતા માનસિક ત્રાસમાંથી તેમને બચાવવાનો નિર્ણય કર્યો. તેનામાં વક્તૃત્વશક્તિ ઘણી સારી હતી તેણે તેને ઘણી સફળતા અપાવી. ડૉ. જોસેફના માર્ગદર્શન હેઠળ નૂરી ઘણું શીખી અને આગળ વધી. તેની ત્રણ મિત્ર-સેલ્વી, ઇન્દિરા અને પેઝાની - કે જે એચ.આઈ.વી.થી મૃત્યુ પામી હતી તેની સ્મૃતિમાં ૨૦૦૩માં સિપ મેમોરિયલ ટ્રસ્ટની સ્થાપના કરી અને આ રોગ વિશે સમાજમાં ફેલાયેલી ગેરસમજને દૂર કરવાનો પ્રયત્ન કર્યો. ૨૦૦૬માં તેને બે દિવસની એચ.આઈ.વી.ગ્રસ્ત બાળકી સરકારી હોસ્પિટલ પાસેથી મળી. ત્યારથી તે એચ.આઈ.વી.ગ્રસ્ત બાળકોને સામાન્ય બાળકની જેમ સાચવે છે. આજે નૂરી બાવીસ જેટલી સંસ્થાઓ સાથે સંકળાયેલી છે. પાસપોર્ટ અને રેશનકાર્ડ મેળવનાર તમિળનાડુની પ્રથમ ટ્રાન્સજેન્ડર છે. અત્યાર સુધીમાં ત્રણ કરોડ રૂપિયા ખર્ચીને ચારસો જેટલા એચ.આઈ.વી.ગ્રસ્ત બાળકોની માતા બનીને તેમને શિક્ષણ, ભોજન અને રક્ષણ આપ્યું છે. તેનાથીયે વિશેષ મા સમાન પ્રેમ અને હૂંફ આપીને નવી જિંદગી આપી છે.

Tags :