આ તમારી શ્રદ્ધા છે કે બેવકૂફી? .
- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર
- સ્વામી રામકૃષ્ણ પરમહંસે કહ્યું, 'તમે હકીકતમાં સંસારમાંથી મુક્તિ ઇચ્છતા નથી, પરંતુ મુક્તિને નામે તમારી જીવનની જવાબદારીમાંથી ભાગી રહ્યા છો. મુક્તિ તો તમારે માટે એક બહાનું છે.
- શ્રી રમણ મહર્ષિએ કહ્યું, 'હા, એમ ન હોય, તો ઇશ્વર કે આત્મા સર્વરૂપ છે, એમ કહેતાં જ કેમ માણસ ઇશ્વર કે આત્માને અનુભવતો નથી?'
ચા લો, તપાસીએ આપણી ભીતરમાં આપણામાં વસેલી અધ્યાત્મશ્રદ્ધાને. આ અધ્યાત્મશ્રદ્ધા વિશે આપણા પ્રાચીન ગ્રંથોએ ઊંડું માર્ગદર્શન આપ્યું છે. એ આધ્યાત્મિકશ્રદ્ધા તરફ આપણે જઇએ. ત્યારે જે જ્ઞાન આપણા ભીતરમાં જાગે છે એ હકીકતે મુક્ત જ્ઞાન હોય છે.
આજનો માનવી માહિતીના ખડકલા વચ્ચે જીવી રહ્યો છે, અખબારો, ટેલિવિઝન અને સોશિયલ મીડિયા દ્વારા એ બહારનાં જગતની ઘટનાઓ જાણે છે. એ એના ચિત્તમાં સતત રમ્યા કરે છે, પરંતુ અધ્યાત્મશ્રદ્ધા પામનારે એક તપશ્ચર્યા કરવાની છે. ઉત્કટ જિજ્ઞાસાથી પોતાના ગહન આંતર અનુભવોના માર્ગે ચાલવાનું છે અને માર્ગે ચાલતા એની સામે ઘણી સમસ્યાઓ પણ ઊભી થવાની છે. હું કહું છું કે આપણે જ્ઞાત જગતની વસ્તુઓથી વાકેફ છીએ, પરંતુ આ અધ્યાત્મજગતની ભાવિ ઘટનાઓથી સાવ અજ્ઞાત છીએ અને જ્યારે તમે આવા અજ્ઞાત અધ્યાત્મજગત તરફ પ્રયાણ કરો છો, ત્યારે તમારામાં પૂર્ણ વિશ્વાસ હોવો જોઇએ.
એ વિશ્વાસ ઇશ્વરપ્રાપ્તિ માટેનો હોય, એ વિશ્વાસ પરમાત્મભક્તિ માટેનો હોય અને ત્યારે એ વિશ્વાસનો આધાર લઇને તમે ઇશ્વરખોજમાં નીકળ્યા હશો. આ સમયે તમને સંત કબીરના એ દોહાનું પણ સ્મરણ થશે,
'મોકૂં કહાં તું ઢુંઢે બંદે
મૈં તો તેરે પાસમેં,
કહત કબીર સુનો ભાઈ સાધો
મૈં તો હું વિશ્વાસમેં.'
આમ ઈશ્વરની ખોજ આપણા એના પ્રત્યેના અખૂટ વિશ્વાસમાં અને આપણી દ્રઢ શ્રદ્ધામાં રહેલી છે અને ત્યારે એ શ્રદ્ધાવાન કેવો હોય ? એનું વર્ણન કરતાં કહ્યું છે કે એનું ચિત્ત પરમાત્માના ચરણકમળ વિશે ભ્રમણ સમાન, ઉત્સુક હોય, ગુણ ગ્રહણ કરવામાં અનુરત્ત હોય, ઉત્તમ પુરુષો, મહાત્માઓ અને સંતો પ્રત્યે વિનયવાન હોય, સ્વ-દોષોને પારખનારો અને એની એટલે કે પોતાના દોષોની નિંદા કરનારો હોય, પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા ધરાવનાર અને એ અંગે ઉલ્લાસ ધરાવનાર હોય. આવો સાધક સમ્યક્ દ્રષ્ટિવાન સાચો સાધક કહેવાય.
ઘણીવાર વ્યક્તિ પોતાના જીવનની નિષ્ફળતાઓથી ભાગીને, કંટાળીને કે ડરીને વૈરાગ્યનો અંચળો ઓઢી લેતો હોય છે. કોઈ વળી સંસારમાં આવનારી ભાવિ વિટંબણાઓની કલ્પનાથી દહેશત અનુભવીને, ગભરાઈને સાધુતા ગ્રહણ કરે છે. આવી ભાગેડુવૃત્તિ (એસ્કેપિઝમ)થી જાગેલી શ્રદ્ધા એ ટકાઉ અથવા ફળદાયી હોતી નથી અથવા તો એની પાછળ આંતર અનુભવનું સાચું બળ હોતું નથી. આ સંદર્ભમાં સ્વામી રામકૃષ્ણ પરમહંસના જીવનમાં બનેલી એક ઘટનાનું સ્મરણ થાય છે. એ જમાનામાં એક સંત તરીકેની સ્વામી રામકૃષ્ણ પરમહંસની ખ્યાતિ સાંભળીને મહાનગરોમાંથી કે પછી દૂરનાં ગામડાંઓમાંથી યુવાનો એમની પાસે આવતા હતા અને એમના શિષ્ય તરીકે રહીને સાધકજીવન ગાળવા ચાહતા હતા. એ સમયની યુવા પેઢીમાં તો એમના શિષ્ય બનવાની હોડ જામી હતી. આવો એક ઉત્સાહી યુવાન સ્વામી રામકૃષ્ણ પાસે દીક્ષા લેવા માટે આવ્યો અને એમનાં ચરણોમાં વંદન કરીને યાચના કરી, 'હે ગુરુદેવ ! આપ મારો શિષ્ય તરીકે સ્વીકાર કરો. મને ગુરુમંત્ર આપો, જેથી હું એક સંત તરીકે ઉચ્ચ જીવન પામી શકું.'
યુવાનનાં ઉત્સાહભર્યા વચનો સાંભળીને સ્વામી રામકૃષ્ણ પરમહંસે એને હસીને પૂછ્યું, 'પહેલાં એ તો કહે કે તારા પરિવારમાં તારા સિવાય બીજા કોણ કોણ છે ?'
યુવકે ઉત્તર આપતાં કહ્યું, 'ગુરુદેવ ! પરિવારમાં તો એક વૃદ્ધ મા છે. બીજું કોઈ નથી.'
સ્વામી રામકૃષ્ણ પરમહંસ થોડીવાર મૌન રહ્યા અને વળી પ્રશ્ન કર્યો, 'તારે ગુરુમંત્ર લઇને સાધુ બનવું છે ખરું ને ? શા માટે આ આધ્યાત્મિક પથ પર ચાલવાનો વિચાર કરે છે ?'
યુવકે પોપટિયું ઉચ્ચારણ કરતાં કહ્યું, 'મારે આ અતિ કષ્ટદાયક ભવભ્રમણમાંથી સદાને માટે મુક્તિ પામવી છે. આ સંસાર તો માયા છે અને મારે એની મોહમાયામાંથી મુક્ત બનવું છે. બસ, મનમાં એક જ ઇચ્છા છે કે આ ક્ષુદ્ર અને ભૌતિકવાદી સંસારનો ત્યાગ કરીને મુક્તિની પ્રાપ્તિ કરું.'
સ્વામી રામકૃષ્ણ પરમહંસે કહ્યું, 'તમે હકીકતમાં સંસારમાંથી મુક્તિ ઇચ્છતા નથી, પરંતુ મુક્તિને નામે તમારી જીવનની જવાબદારીમાંથી ભાગી રહ્યા છો. મુક્તિ તો તમારે માટે એક બહાનું છે. તમને એમ છે કે સાધુ બનીને તમારે જવાબદારીમાંથી મુક્ત થવું છે, પણ સાધના એ પલાયન નથી. જીવન પ્રત્યે ઉપેક્ષા કે બેજવાબદારી નથી. આમ કરવું એ તો શક્તિનો દુરુપયોગ કરવા જેવું છે.'
અને પછી સ્વામી રામકૃષ્ણ પરમહંસે જરા કઠોર અવાજે કહ્યું, 'એટલું પાકે પાયે સમજી લો, તમારી વૃદ્ધ માતાને અસહાય છોડીને અહીં આવશો, તો તમને ક્યારેય મુક્તિ નહીં મળે. તમારી સાચી મુક્તિ તો તમારી વૃદ્ધ અને બીમાર માતાની સેવામાં છે. એની સેવા એ જ ઇશ્વરભક્તિ છે. વળી માતાને તો ઇશ્વર સમાન માનવામાં આવી છે એટલે મુક્તિના ઓઠા હેઠળ જવાબદારી છોડીને ભાગવાનો વિચાર માંડી વાળો.' સ્વામી રામકૃષ્ણના આદેશને સ્વીકારીને યુવક પાછો ફરી ગયો અને ઘેર જઇને માની સેવા કરવા લાગ્યો.
આ ઘટના દર્શાવે છે કે સંસાર છોડીને વૈરાગ્ય લેનારમાં પણ સાચી શ્રદ્ધા હોવી જોઇએ. જો ભીતરમાંથી અધ્યાત્મની સાચી ખેવના જાગી નહીં હોય, તો એ અધ્યાત્મમાં પણ નવો સંસાર લાવશે. આજે ધાર્મિક કાર્યક્રમોની અતિ મોંઘી કંકોતરીઓ, એના ઉત્સવો પાછળનો લખલૂટ ખર્ચો, મોંઘા આયોજનો, દંભી ભપકા, એ સઘળું ક્યારેક સંસારમાં રહેતા હતા, ત્યારની અતૃપ્તિને તૃપ્ત કરવાનો માર્ગ બની રહે છે. આથી વ્યક્તિએ પોતાની શ્રદ્ધા ચકાસવી જોઇએ. પોતાના જીવન કર્તવ્યને છેહ દઈને એ અધ્યાત્મ માર્ગનો આશરો લે તો તે શ્રદ્ધાવાન ન કહેવાય, કારણ કે શ્રદ્ધા એ દ્રઢતા માગે છે, જ્યાં અધ્યાત્મની શ્રદ્ધા ન હોય ત્યાં દ્રઢતા ન આવે અને તેથી અધ્યાત્મ માર્ગ પ્રયાણ કરનારી વ્યક્તિએ કોઈ વ્યક્તિ પર ગુરુ કે માર્ગદર્શક પર શ્રદ્ધા મુક્તા પૂર્વે ઘણો વિચાર કરવો જોઇએ.
આપણે ત્યાં ટોળાની સંસ્કૃતિ છે. એક વ્યક્તિ અમુકની ઉપાસના પાછળ દોડે અને એ જોઇને બીજી વ્યક્તિઓ એની પાછળ દેખાદેખીમાં દોડે અને બાકીનાં આંખો મીંચીને દોડે એનો કશો અર્થ નથી, કારણ કે શ્રદ્ધાવાને શ્રદ્ધા મુકતા પહેલાં જ્ઞાન, સમજ અને યોગ્યતાપૂર્વક વિચારવું જોઇએ. કાકા કાલેલકરે કહ્યું છે તેમ,'એ સાચું કે અશ્રદ્ધાની અપેક્ષાએ શ્રદ્ધા વધુ સારી છે, પરંતુ બેવકૂફીની અપેક્ષાએ અશ્રદ્ધા સારી છે.' આમ શ્રદ્ધાસ્થાન નક્કી કરતા પૂર્વે વ્યક્તિએ સાવધાની રાખવી જોઇએ. ઘણીવાર એવું પણ બને છે કે વ્યક્તિ એકમાં શ્રદ્ધા મૂકે અને પછી આખા જગતને અશ્રદ્ધાથી જોવા લાગે. 'મારા જ ગુરુ સાચા અને બીજા બધા સાવ ખોટા' એવી ભ્રામક માન્યતાથી એ ચાલવા લાગે છે.
તો બીજી બાજુ અધ્યાત્મના માર્ગમાં એવું પણ જોવા મળે છે કે વ્યક્તિ પોતે કોઈ ઇશ્વર, સંપ્રદાય, વાદ કે ગુરુ પ્રત્યે આંધળી શ્રદ્ધા રાખતો હોય છે અને જેમ અંધવ્યક્તિ જેમ જગતને જોઈ શકે નહિં, એ રીતે અંધશ્રદ્ધા ધરાવનારને જગતની અન્ય તમામ બાબતો અશ્રદ્ધાયુક્ત લાગે છે. સમય જતાં એ અંધશ્રદ્ધા ઘેલછા અને ઝનૂનમાં પરિવર્તન પામે છે અને એને પરિણામે એ ધર્મ કે અધ્યાત્મને માર્ગે જનારી વ્યક્તિ મોટો અધર્મ આચરતી હોય છે. વિરોધી મતવાળાની કનડગત કરતી હોય છે અને તક મળ્યે એની હત્યા પણ કરતી હોય છે.
આથી મારે એટલું જ કહેવું છે કે તમે જેના પર શ્રદ્ધા મૂકો એ શ્રદ્ધાસ્થાનનું ગહન ચિંતન અને મનન કરો, અનુભવ પામો અને પછી એ શ્રદ્ધાસ્થાન પર તમારી શ્રદ્ધાને ટેકવો, કારણ કે તમે મુકેલી એ શ્રદ્ધા તમારા અધ્યાત્મમાર્ગ પરનું સમર્પણ છે.
આ સંદર્ભમાં એક વાર એક જિજ્ઞાસુએ રમણ મહર્ષિને પ્રશ્ન કર્યો, 'સત્યની બૌદ્ધિક સમજ આવશ્યક છે?'
શ્રી રમણ મહર્ષિએ કહ્યું, 'હા, એમ ન હોય, તો ઇશ્વર કે આત્મા સર્વરૂપ છે, એમ કહેતાં જ કેમ માણસ ઇશ્વર કે આત્માને અનુભવતો નથી ? એ દર્શાવે છે કે એની અંદર દ્વિધા મોજૂદ છે. એની શ્રદ્ધા દ્રઢ બને ત્યાં સુધી એણે પોતાની સાથે દલીલો ચાલુ રાખીને ધીમે ધીમે પોતે સત્યની ખાતરી મેળવવી જોઇએ.'
આ રીતે બૌદ્ધિક સમાધાન થતા સંનિષ્ઠ સાધક અનુભવે છે કે કોઈ ઉચ્ચતર શક્તિ સહુને દોરે છે અને એવી ખાતરી દ્રઢ થાય ત્યાં સુધી આવો અભ્યાસ ચાલુ રહે છે. એ દ્રઢ શ્રદ્ધા પછી એના બધાં સંશયો નષ્ટ થતા વધુ માર્ગદર્શનની જરૂર રહેતી નથી અને જોઇએ રમણ મહર્ષિનું એક શાશ્વત વિધાન : 'સર્વશક્તિમાન મહેશ્વરમાં શ્રદ્ધાને કારણે મનુષ્ય સર્વદા પૂર્ણપણે પ્રસન્ન રહે છે.'