જીવન કોઈ વ્યાકરણ કે ગણિત નથી, કાવ્ય છે .
- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ
અંતત; આપણે સૌ વાર્તાઓ બની જવાના છીએ.
- માર્ગારેટ એટવુડ
આવી રહેલા 'વિશ્વ પુસ્તક દિવસ' નિમિત્તે જીવન-ગ્રંથમાંથી સેરવી લીધેલી એક સાચ્ચી વારતા વહેંચવી છે- એક જીવંત દ્રશ્ય !
ઉત્તર પ્રદેશની એકાદ બુલડોઝર કાર્યવાહી દરમ્યાનનો એક વિડીઓ સોશિઅલ મીડિયા પર વાયરલ થયો છે. એક નાનકડી દીકરી તેની તૂટી રહેલ ઝૂંપડીમાંથી પોતાના ભણવાના પુસ્તકો બચાવીને દોડી રહી છે. તે દ્રશ્ય જોઈને આપણને થાય કે કોઈ દીકરી તેના સ્વપ્નોની આવતીકાલ બચાવવા એકલ પંડે આખા જગત સાથે લડી રહી હોય.
જીવનના અર્થ માટેની લડાઈ સ્વયં જીવનને જ એક મૂલ્યવાન ગ્રંથ બનાવી દે છે. વ્યક્તિગત જીવન માત્ર સમાચાર નથી કે જેને પસ્તી બનાવીને ભૂલી શકાય, ફેંકી શકાય. આવી વિદ્રોહી પળ તો ચિંધાતી આંગળી છે કોઈ અર્થમય- ઉજાસમય ઘટના તરફ જેના જોનારનું ચિત્ત અને ચૈતન્ય બદલાઈ જાય છે. આ દીકરી જેવા જીવતા ગ્રંથને સલામ છે. દરેક વ્યક્તિ ધબકતો અને ઝળહળતો ગ્રંથ છે. પૃથ્વી પરનો દરેક માનવી તેના છેલ્લા શ્વાસ સુધી એકાદ આત્મવાન પંક્તિ કે પાઠ, વાત કે વાર્તા, અર્થ કે આધારની ખોજમાં હોય છે. જેને સમગ્રતાથી જીવી શકાય. આ અર્થમાં જીવન એટલે જીવાતો ગ્રંથ અને ગ્રંથ એટલે જીવાયેલું જીવન.
મેરી એન્ન વિલીઅમસન કહે છે 'જીવન એક અંતહીન ગ્રંથ છે. પ્રકરણનો અંત આવે છે પણ ગ્રંથનો ક્યારેય નહીં.' તેનો અર્થ, આપણે અભિવ્યક્ત થઈએ ત્યારે કૃતિ રચાય પણ જ્યારે જીવન વ્યક્ત થાય ત્યારે આપણે રચાઈએ છીએ. જીવન આપણને એક કાવ્ય કે કથા માફક લખે છે. તેથી આપણે જ્યારે જ્યારે જીવીએ છીએ ત્યારે ત્યારે કાવ્ય-કથા લખીએ છીએ. વિશ્વના સર્વશ્રેષ્ઠ પુસ્તકો મહાન પળોનું પ્રતિબિંબ છે. મહાન સર્જક સાથે રહેવામાં અને મહાન પળ સાથે જીવવામાં ચૈતન્ય ભેદ છે. જો પસંદગી મળે તો મહાન પળ સાથે રહેવું. તે અધિકૃત પળમાં શાશ્વતીનો સાદ સંભળાય છે.
જીવન કોઈ વ્યાકરણ કે ગણિત નથી, કાવ્ય છે. તેના થકી જ જીવનને સત્વ અને સૌંદર્ય મળે છે. જીવન સર્જકની અદાથી આપણને સૌને કાવ્ય જેમ લખે છે, ગીત જેમ ગાય છે, ચિત્ર જેમ દોરે છે, શિલ્પ જેમ ઘડે છે. આ માટે આપણે શબ્દો અને વિચારોના શિખર પર જઈને આકાશને ચૂમવાનું હોય છે અને પળોને પડકારવાની હોય છે. જોસેફ બ્રોડસ્કી એક અફલાતુન સત્ય ઉચ્ચારે છે, ' પુસ્તકોને બાળવા થી પણ વધારે અધમ પાપ છે-તેને ન વાંચવા તે.' ચાલો, વિશ્વગ્રંથોના આંખો આંજતા અને અંતસ ઉજાળતા ઝળહળાટને વંદન કરીએ. પેલી દોડીને પોતાના પુસ્તકો અને આસ્થા બચાવતી દીકરીને જોઈને નોબલ પ્રાઈઝ વિનર મલાલા યુસુફજાઈનું એક કથન યાદ આવે છે;
એક બાળક,
એક શિક્ષક,
એક ગ્રંથ
અને એક કલમ વિશ્વ બદલી શકે છે.