દેખા તો યહીં હૈ, ઢૂંઢા તો નહીં હૈ .
- એકનજરઆતરફ-હર્ષલપુષ્કર્ણા
- મામલો સીરિઅસ છે. ઇન્ટરનેટ પરથી લાખો વેબ પેજ ગાયબ થઈ રહ્યા છે, જેમની સાથે ભૂંસાતો જાય છે માહિતીનો અમૂલ્ય ખજાનો...હંમેશ માટે!
- ઇન્ટરનેટ પર ચડેલો ડિજિટલ ડેટા તેના યોગ્ય સરનામે સદાકાળ ટકી રહે તો કામનો, અન્યથા આજે લખો ને કાલે ભૂંસી નાખો જેવી ‘Digital Decay’ પ્રવૃત્તિ આવનારી પેઢીઓ માટે ઇતિહાસના ચોપડેથી અનેક અમૂલ્ય પાનાં ઉખેડી નાખશે.
વિષય ઇન્ટરનેટનો છે. પરંતુ વર્ણનમાં ટેક્નિકલ બાબતોનું અનાવશ્યક પિષ્ટપેષણ બિલકુલ નથી. ઊલટું, લેખનો હાર્દ સાવ જુદો છે. ડિજિટલ યુગમાં ઓનલાઇન ડેટાનું (જ્ઞાનનું તથા માહિતીનું) જે ઝડપે ‘બાષ્પીભવન’ થઈ રહ્યું છે તેની આપણી આવનારી પેઢીઓ પર કેવી માઠી અસરો પડશે તે બાબતનું વિશ્લેષણ અહીં કર્યું છે. મામલાની ગંભીરતા પામ્યા પછી મગજ વિચારોમાં ડૂબી જાય અને ખાસ તો ‘The Power of the Printed Words’ ઉક્તિનો અર્થાત્ છાપેલા શબ્દોની તાકાતનો ખરો મર્મ સમજાય તે સંભવ છે.
ચર્ચાની ગાડીને ફર્સ્ટમાં નાખીએ તે પહેલાં રિવર્સ ગિઅર પાડી ભૂતકાળમાં ચાલો કે જ્યારે અમેરિકન સરકારે દેશના કેટલાક મહત્ત્વપૂર્ણ ડેટાનું ડિજિટલાઇઝેશન હાથ ધર્યું હતું. માહિતીને કલમ વડે કાગળ પર ઉતારવાને બદલે 0 અને 1ની દ્વિઅંકી ભાષામાં પરબારી કમ્પ્યૂટરમાં સ્ટોર કરવાની પ્રક્રિયા ડિજિટલાઇઝેશન તરીકે ઓળખાય છે. સાઠના દસકામાં અમેરિકાએ તેનાં ઘણાં સરકારી એકમોમાં સ્ટીલના કબાટ જેવડી સાઇઝનાં મેઇનફ્રેમ કમ્પ્યૂટર વસાવ્યાં હતાં, જેમની ચુંબકીય પટ્ટી પર વિવિધ ડેટા અંકિત કરવામાં આવતો. લાંબા-પહોળા અને વજનદાર રજિસ્ટર ચોપડામાં કારકુનો પાસે લખાપટ્ટી કરાવવી, એ ચોપડાની જાળવણી માટે વિશાળ રેકોર્ડરૂમ રાખવા, જરૂર પડ્યે રેકોર્ડરૂમના અનેક કબાટોમાંથી ચોક્કસ રજિસ્ટર બહાર કાઢવું, કામ પૂરું થયે વળી તેને નિયત સ્થાને મુકાવવું વગેરે જેવાં લોથજનક કાર્યોમાંથી મુક્તિ જોઈતી હોય તો ડેટાના સંગ્રહની જવાબદારી કમ્પ્યૂટરને સોંપી દો, એટલે પત્યું! વજનદાર રજિસ્ટર કરતાં કમ્પ્યૂટરની ચુંબકીય પટ્ટી પર અનેકગણો ડેટા સમાઈ જાય એટલું જ નહિ, એવાં વીંટલાં કદમાં નાનાં હોવાને કારણે સાચવવાં સહેલાં પડે.
આ બધાં લાભ જોતાં અમેરિકાએ સાઠના દસકામાં સરકારી એકમોનું કમ્પ્યૂટરકરણ આદર્યું હતું. આવું એક એકમ Census/ સેન્સસ/ જનગણના બ્યૂરોનું હતું, જેની પાસે અમેરિકાની વસ્તી ગણતરીને લગતો સંકીર્ણ ડેટા હતો. અમેરિકાના પ્રત્યેક શહેરની વસ્તી, સ્ત્રી-પુરુષોની તથા બાળકોની સંખ્યા તેમજ વય, માથાદીઠ આવક, બીમારી તથા તેના ઇલાજ માટેની સુવિધાઓ, જે તે શહેરોમાં જન્મનું તથા મરણનું પ્રમાણ વગેરેને લગતી માહિતીને ફૂલ્સકેપ સાઇઝના કાગળ પર ઉતારો, તો દસથી બાર હજાર પાનાંનો ખપ પડે. બીજી તરફ, સેન્સસ બ્યૂરોના કાર્યાલયમાં આવેલા કમ્પ્યૂટરની મેગ્નેટિક ટેપ પર એ બધું માંડ બે-પાંચ વીંટલાંમાં સમાઈ ગયું હતું. બ્યૂરોના અધિકારીઓ માની બેઠા કે જનગણનાનો તમામ ડેટા મેગ્નેટિક ટેપ પર અંકિત કરી દીધો એટલે પત્યું! વર્ષોના વર્ષો સુધી તેને આંચ આવશે નહિ.
જો કે, માન્યતા ભૂલભરેલી પુરવાર થઈ. બન્યું એવું કે ૧૯૮૦માં પર્સનલ કમ્પ્યૂટરનું આગમન થતાં મેઇનફ્રેમ કમ્પ્યૂટરો કદ તથા બુદ્ધિમત્તા બાબતે ડાઇનોસોર પુરવાર થવાં લાગ્યાં. આથી તેમનો વપરાશ ઘટવા લાગ્યો અને થોડા વખતમાં ઉત્પાદકોએ કબાટ જેવડાં કદનાં મેઇનફ્રેમ કમ્પ્યૂટરો બનાવવાનું બંધ કર્યું. જમાનો ટેબલ પર મૂકી શકાતાં ડેસ્ક ટોપ કમ્પ્યૂટરનો આવ્યો. અમેરિકાની સરકારી કચેરીઓએ મેઇનફ્રેમ કમ્પ્યૂટરને જાકારો દઈ ડેસ્ક ટોપ વસાવ્યાં તો ખરાં, પણ એક બાબત તેમનું ધ્યાન ગયું નહિ—
સાઠ-સિત્તેરના દસકામાં થયેલી અમેરિકાની જનગણનાનો રિપોર્ટ હજી પેલી મેગ્નેટિક ટેપ્સનાં વીંટલાંમાં સચવાયેલો હતો. રિપોર્ટ લેખિત અગર તો પ્રિન્ટ આઉટ સ્વરૂપે ન હતો. કેટલાંક વર્ષ પછી તે રિપોર્ટની આવશ્યકતા ઊભી થઈ ત્યારે ધ્યાન પડ્યું કે મેગ્નેટિક ટેપને ‘વાંચી’ શકે તેવું એકેય મેઇનફ્રેમ કમ્પ્યૂટર અમેરિકાના કોઈ સરકારી કાર્યાલયમાં હતું જ નહિ. પુષ્કળ ખાંખાંખોળા કર્યા બાદ આખરે એક મેઇનફ્રેમ કમ્પ્યૂટર મળ્યું ખરું, પણ વોશિંગ્ટનના સ્મિથસોનિયન રાષ્ટ્રીય સંગ્રહાલયમાં!
કમ્પ્યૂટર નિષ્ણાતોએ જુરાસિક જમાનાનું તે કમ્પ્યૂટર ભારે મહેનતથી ચાલુ કર્યું. અમેરિકન જનગણનાનો ડેટા ધરાવતી મેગ્નેટિક ટેપ તેની પાસે ‘વંચાવી’, ખાસ બનાવેલા સોફ્ટવેર વડે તે ડેટા આધુનિક કમ્પ્યૂટરની મશીન લેન્ગેવેજમાં તબદીલ કર્યો અને છેવટે હાર્ડ ડિસ્ક પર અંકિત કરી નાખ્યો. આ બધી કાર્યવાહીમાં પુષ્કળ સમય અને ખર્ચ થયો. છતાં પણ જનગણનાનો સોએ સો ટકા ડેટા તો મેગ્નેટિક ટેપથી હાર્ડ ડિસ્ક પર આવી ન શક્યો. ઘણો ડેટા ગયા ખાતે માંડી વાળવાનો થયો, જે બહુ મોટી નુકસાની હતી. કારણ કે સાઠ-સિત્તેરના દસકામાં અમેરિકન શહેરોની વસ્તી, સ્ત્રી-પુરુષોની તથા બાળકોની સંખ્યા તેમજ વય, માથાદીઠ આવક, બીમારીઓ અને તેમના ઇલાજની સુવિધાઓ, જન્મ-મરણનું પ્રમાણ વગેરેને લગતી જાણકારી અમેરિકન સરકારને ફરી ક્યારેય મળી શકવાની ન હતી. આટલા મહત્ત્વપૂર્ણ ડેટાને (બેક-અપ તરીકે) કમ્પ્યૂટર પ્રિન્ટ આઉટ પર લઈ રાખ્યો હોત તો સારું થાત, પણ ડિજિટલાઇઝેશન અપનાવવાના મોહમાં એ પગલું ભરવામાં ન આવ્યું.
■■■
કોઈ પણ ડિજિટલ માહિતી યા ડેટાનો હાર્ડ કોપીમાં અર્થાત્ લેખિત-મુદ્રિત સ્વરૂપે બેક-અપ ન હોય ત્યારે કેવું ભોપાળું થાય તેનો ખ્યાલ ઉપરોક્ત ઘટનામાં મળી ગયો? તો હવે ચર્ચાની ગાડીને ફોરવર્ડ ગિઅરમાં નાખી વર્તમાનમાં આવીએ.
સૌ જાણે છે તેમ આજે સરકારી તથા પર્સનલ ડેટા, વિવિધ વિષયોને લગતું જ્ઞાન, જાણકારી, સમાચાર, માહિતી, મનોરંજન વગેરે બધું ઇન્ટરનેટના અદૃશ્ય cloud/ વાદળમાં સમાઈ ગયું છે. જુદા શબ્દોમાં કહો તો બધું જ ઓનલાઇન થઈ ચૂક્યું છે. નાનામાં નાની જાણકારી માટે લોકો ગૂગલના (વાંચો, ઇન્ટરનેટના) શરણે જઈ રહ્યા છે. મોટે ભાગે તો આવશ્યક જાણકારી જે તે વેબસાઇટ પરથી મળી જાય, પણ ઘણી વાર સ્ક્રીન પર અહીં લેખના શીર્ષકમાં બતાવ્યા મુજબ Error 404. Web page not found! નો મેસેજ ચમકે છે. સરળ શબ્દોમાં આનો સૂચિતાર્થ એટલો કે અગાઉ અહીં જે માહિતી ઉપલબ્ધ હતી તે હવે રહી નથી. કોઈ મકાનના દરવાજે દસ્તક દેતા રહીએ, પણ અંદરથી કોઈ પ્રતિસાદ ન મળે ત્યારે આપણે પડોશમાં પૃચ્છા કરીએ કે, ‘ફલાણી વ્યક્તિ અગાઉ અહીં રહેતી હતી, તો હવે ક્યાં ગઈ?’
આ માનવ સહજ પ્રકૃતિ છે. પરંતુ ઇન્ટરનેટ પર એવી ઉત્કંઠાને સ્થાન નથી. કોઈ વેબસાઇટ અથવા વેબપેજની ગેરહાજરી Error 404. Web page not found! ના સ્વરૂપે મળે ત્યારે આપણે ક્યારેય એવું વિચારતા નથી કે ત્યાં રહેલી માહિતી આખરે ગઈ ક્યાં હશે?
સદ્ભાગ્યે અમેરિકાની પ્યૂ રિસર્ચ સેન્ટર નામની સંસ્થા એવો અભિગમ સેવતી નથી. ઊલટું, અમુક તમુક કારણોસર ઇન્ટરનેટ પરથી ગાયબ થઈ રહેલી માહિતી પર પ્યૂ રિસર્ચ સેન્ટરની ચાંપતી નજર છે. જેમ કે, તાજેતરમાં તેણે એક અભ્યાસનો ચોંકાવનારો નિષ્કર્શ આપ્યો તે મુજબ ૨૦૧૩માં ઇન્ટરનેટ પર ઉપલબ્ધ વેબપેજ પૈકી ૩૮ ટકા આજે ગાયબ થઈ ચૂક્યા છે. ઓનલાઇન સમાચાર પ્રગટ કરતી ન્યૂઝ વેબસાઇટ્સ પૈકી ૨૮ ટકા એવી છે જેમના પર જઈને અમુક વર્ષ પુરાણા લેખોની લિંક પર ક્લિક કરો, તો Error 404. Web page not found! નો મેસેજ ચમકે છે. ઇન્ફર્મેશન ટેક્નોલોજિને લગતાં રસપ્રદ માહિતીલેખો રજૂ કરતી પચ્ચીસેક વર્ષ પુરાણી CNET નામની વેબસાઇટ પરથી અગાઉ પ્રગટ થયેલા લેખો છૂમંતર થઈ ચૂક્યા છે. અમેરિકાની ૨૧ ટકા સરકારી વેબસાઇટ્સમાં એકાદ-બે વેબપેજ ગાયબ છે. અવનવી માહિતી માટે જેનો વારંવાર સંદર્ભ લેવામાં આવે છે તે વિકિપીડિયાના તો પ૪ ટકા પાનાંની નીચે ‘References’ વિભાગમાં મિનિમમ એક લિંક (કડી) બ્રોકન (તૂટેલી) છે. મતલબ કે, તેના પર ક્લિક કરતાં સ્ક્રીન Error 404. Web page not found! મેસેજ રજૂ કરે છે.
ઠીક છે! ઇન્ટરનેટના અબજો પૈકી અમુક હજાર વેબ પેજ ન ખૂલે તેમાં શું આપણને વળી શો ફરક પડવાનો હતો?
■■■
બેશક, ફરક પડે. આ રીતે—
ઇન્ટરનેટ પર ઇન્ફર્મેશનનો રાફડો ફાટ્યો એ પહેલાં જ્ઞાન, માહિતી, વૈજ્ઞાનિક રિસર્ચ પેપર્સ, અભ્યાસ લેખો, સમાચારો વગેરે બધું એક યા બીજા સ્વરૂપે મુદ્રણ પામતું હતું. શાળા-કોલેજની લાઇબ્રેરીમાં તેમજ સરકારી પુસ્તકાલયોમાં તેમનો સંગ્રહ કરવામાં આવતો. એક ઉદાહરણ: ઇંગ્લેન્ડના નેશનલ આર્કાઇવ્ઝ કહેવાતા રાષ્ટ્રીય સંગ્રહાલયમાં ઈ.સ. ૧૦૮૬ના વર્ષનું ‘Domesday Book’ પુસ્તક હજી સચવાયેલું પડ્યું છે. અગિયારમી સદીનું ઇંગ્લેન્ડ કેવું હતું તેની અજીબોગરીબ જાણકારી એ પુસ્તક દ્વારા મળે છે. આવતી કાલે ધારો કે કોઈ અગમ્ય કારણસર ‘Domesday Book’ નાશ પામ્યું તો સમજી લો કે અગિયારમી સદીના ઇંગ્લેન્ડમાં ડોકિયું કરવાની એકમાત્ર બારી બંધ થઈ—હંમેશ માટે! સદ્નસીબે પુસ્તકોની જાળવણીમાં લેવાતી ચીકણાશ જોતાં આવું બનવાની શક્યતા નહિવત્ જેવી છે.
પરંતુ વેબસાઇટ અને વેબપેજ માટે જાળવણીના કોઈ માપદંડ હોતાં નથી. વળી તેમના પર કોઈ સરકારી હસ્તક્ષેપ હોતો નથી, એટલે વેબસાઇટ ચલાવતી કંપની ચાહે ત્યારે ચાહે તેટલી માહિતીને ગાયબ કરી શકે છે. અગાઉ CNET નામની જે કંપનીની વાત કરી તેણે પોતાની મુનસફી મુજબ રાતોરાત હજારો સંશોધનાત્મક તથા વિશ્લેષણાત્મક લેખોવાળા વેબપેજને જાકારો આપી દીધો. આમ કરવા પાછળનું એક સંભવિત કારણ થોકબંધ ડેટા વડે સર્વર કમ્પ્યૂટરની પુષ્કળ જગ્યા (હાર્ડ ડિસ્કના મેગાબાઇટ) ખવાતી હોવાનું હોઈ શકે. બિનજરૂરી યા પુરાણો ડેટા ભૂંસી દીધા પછી સર્વર પરનો બોજો હળવો થાય અને ખાલી પડેલી જગ્યામાં નવા લેખોરૂપી ડેટા સમાવી શકાય. પરંતુ આમ કરવામાં પાછલો જે ડેટા ગયો તેનું શું? આજે CNETના અગાઉ પ્રગટ થયેલા હજારો ડિજિટલ લેખો ઇન્ટરનેટ પર ક્યાંય નથી.
આ બાબતને ફક્ત CNETને બદલે વૈશ્વિક સ્તરે બહોળા ફલકમાં મૂકો ત્યારે ખ્યાલ આવે કે આવો તો કોણ જાણે કેટલો ડેટા ઇન્ટરનેટને અલવિદા કહી ચૂક્યો છે. વર્ષ ૨૦૧૩માં કાર્યરત પૈકી ૩૮ ટકા વેબપેજનું અસ્તિત્વ મટી જવું કે પછી ઓનલાઇન સમાચાર પ્રગટ કરતી ન્યૂઝ વેબસાઇટ પૈકી ૨૮ ટકા વેબસાઇટ્સ પરથી કેટલાંક વર્ષ પહેલાંની ન્યૂઝ યા ફીચર સ્ટોરી ગાયબ થવી એ કંઈ જેવી તેવી વાત નથી. આને ઇતિહાસના દસ્તાવેજીકરણનો ધીમો, પણ નિશ્ચિત લોપ કહેવો જોઈએ. ઇન્ટરનેટ પર ચાલી રહેલી તે પ્રવૃત્તિને પ્યૂ રિસર્ચ સેન્ટરના સંશોધકોએ ‘Digital Decay’ (ડિજિટલ માહિતીનો ક્ષય) એવું નામ આપ્યું છે.
વિચારો કે મામલો કેવો ગંભીર છે. ચિંતાજનક પણ છે. કારણ કે, જ્ઞાન, માહિતી, વૈજ્ઞાનિક રિસર્ચ પેપર્સ, અભ્યાસ લેખો, સમાચારો વગેરે માટે આપણે મુદ્રણનો માર્ગ તજી ચૂક્યા છીએ અથવા તો તજી રહ્યા છીએ. જેમ કે, સવા બસ્સો વર્ષ સુધી જગતને અત્યંત સચોટ, રસાળ, સરળ અને સમૃદ્ધ માહિતી આપનાર એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકાએ ૨૦૧૨માં તેના જ્ઞાનકોશની મુદ્રિત આવૃત્તિ બંધ કરી દીધી. બધો ડેટા ઓનલાઈન મૂક્યો. (એ જ વર્ષે ‘ન્યૂઝવીક’ સામયિકે પણ મુદ્રણની ૮૦ વર્ષ પુરાણી પરંપરા તજી ડિજિટલ અવતાર ધારણ કર્યો હતો.) ભવિષ્યમાં રખે આર્થિક કારણોસર એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકાના સંચાલકો તેમની વેબસાઇટને ખંભાતી તાળું મારી દે, તો આવનારી પેઢીઓ બ્રિટાનિકાની જ્ઞાનસમૃદ્ધ માહિતી ક્યારેય પામી જ ન શકે.
આવાં તો હજી સેંકડો ઉદાહરણો આપી શકાય તેમ છે, પણ આખરે તે સૌનો નિષ્કર્શ એટલો કે જ્ઞાન, માહિતી, વૈજ્ઞાનિક રિસર્ચ પેપર્સ, અભ્યાસ લેખો, સમાચારો વગેરેને પેપર ઉપર ઢાળવાનું છોડી તેમને પિક્સેલ (ડિજિટલ) કરી નાખો, એટલે કંઈ તેમને અમરપટો મળી જતો નથી. ઇન્ટરનેટ પર ચડેલો ડિજિટલ ડેટા તેના યોગ્ય સરનામે સદાકાળ ટકી રહે તો કામનો, અન્યથા આજે લખો ને કાલે ભૂંસી નાખો જેવી ‘Digital Decay’ પ્રવૃત્તિ આવનારી પેઢીઓ માટે ઇતિહાસના ચોપડેથી અનેક અમૂલ્ય પાનાં ઉખેડી નાખશે.■