ઓલ ટાઈમ બેસ્ટસેલર પુસ્તકોમાં હાઈ ફેન્ટસીનો દબદબો
- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા
- હેરી પોટર સીરિઝની
- 60 કરોડ નકલો વેચાઈ ગઈ છે. વાત જો એક પુસ્તકની હોય તો ૧૬૬ વર્ષ પહેલાં પબ્લિશ થયેલું પુસ્તક આજેય પહેલા ક્રમે બિરાજે છે...
બેસ્ટસેલર પુસ્તક.
આની વ્યાખ્યા લેખકે લેખકે, પ્રકાશકે પ્રકાશકે બદલાતી રહે છે. ગુજરાતી સહિત કેટલીય ભાષાના પુસ્તકોમાં માત્ર માર્કેટિંગ ગિમિકના ભાગરૂપે 'બેસ્ટસેલર'નું ટેગ મૂકી દેવામાં આવે છે. ન તો એ બેસ્ટ હોય છે કે ન સેલર! આજે ગુજરાતી ભાષામાં જ એવા સેંકડો પુસ્તકોની ભરમાર છે જેના પર લખ્યું હોય બેસ્ટસેલર. એની રોયલ્ટીનું બેંક સ્ટેટમેન્ટ કઢાવો તો ખબર પડે કે લેખક-પ્રકાશકે જેને બેસ્ટસેલર કહ્યું છે એ પુસ્તક માટે લેખકને જે રકમ મળી છે એમાંથી દુનિયાનું ખરેખર બેસ્ટસેલર હોય એવું એક પુસ્તક પણ ખરીદી શકાય એમ નથી!
ઈનફેક્ટ, ઘણી વખત બેસ્ટ હોય એનું સેલિંગ મોડલ નથી હોતું. એવા દુનિયામાં કેટલાય કિસ્સા નોંધાયા છે કે જે પુસ્તક લેખકની હયાતીમાં પ્રસિદ્ધ થયું હોય ત્યારે ફ્લોપ રહ્યું હોય અને પછી અચાનક એ બેસ્ટસેલર બની જાય. લાઈક, હરમન મેલવિલનું 'મોબી ડિક' પુસ્તક લખાયું ત્યારે રીડર્સ મળ્યા ન હતા. એ પુસ્તક પ્રકાશક-લેખક બંને માટે કમર્શિયલ ફેલ હતું, પરંતુ ૧૮૯૧માં લેખકનાં મૃત્યુ પછી અચાનક એવું ઉપડયું કે પ્રિન્ટ થયા ભેગું 'આઉટ ઓફ પ્રિન્ટ' થઈ જતું.
તો ઘણી વખત અમુક પુસ્તકોનું ટૂંકાગાળાનું વેચાણ થાય છે, પરંતુ એ લેખનની રીતે, સાહિત્યની રીતે 'બેસ્ટ' નથી હોતું. એક જમાનામાં મસાલેદાર પુસ્તકોની ભરમાર હતી. એ મુખ્યધારાના સાહિત્યિક પુસ્તકોથી વધુ વેચાતાં હતાં. એનું ઓડિયન્સ અલગ હતું. એનું સેલિંગનું મોડલ બિલકુલ હતું, પરંતુ એમાં સાહિત્યના ધારાધોરણ જળવાતા ન હતાં.
વેલ, માર્કેટિંગ ગિમિકના ભાગરૂપે બેસ્ટસેલર ગણાવાયું ન હોય, ખરેખર લેખનની રીતે બેસ્ટ હોય અને વળી પાછું સેલિંગ મોડલ પણ હોય - એ બધા પેરામીટર્સ ધ્યાનમાં લઈએ તો દુનિયાના બેસ્ટસેલર પુસ્તકો કોને કહી શકાય?
***
'એ સૌથી શ્રેષ્ઠ સમય હતો, એ સૌથી ખરાબ સમય હતો, એ શાણપણનો યુગ હતો, એ મુર્ખતાનો યુગ હતો, એ વિશ્વાસનો યુગ હતો, એ અવિશ્વાસનો યુગ હતો, એ તેજોયમ સમય હતો, એ અંધારથી ભર્યોભર્યો યુગ હતો, તે વખતે નિરાશાની ઠંડી રાત હતી, તે વખતે આશાનું સૂર્યકિરણ હતું, તે પહેલાં આપણી પાસે બધું હતું, તે પહેલાં આપણી પાસે કશું જ ન હતું, આપણે સૌ સીધા સ્વર્ગના રસ્તે જતાં હતાં, આપણે સૌ સીધી નરકની ખાઈમાં ધકેલાતા હતાં. કેટલાક કકળાટિયા સત્તાધીશો એ વાત પર ભાર મૂકતા હતા કે સમય સારો છે કે ખરાબ એની તુલના અયોગ્ય છે, સમય તો એવો જ છે, જેવો પહેલાં હતો.'
દુનિયાનાં બેસ્ટસેલર પુસ્તકની શરૂઆત કંઈક આવાં વાક્યોથી થાય છે. ૧૮૫૯નું એ વર્ષ હતું. ટૂંકીવાર્તાઓ, નવલકથાઓના લેખનથી નામ કમાઈ ચૂકેલા ઈંગ્લિશ લેખક ચાર્લ્સ ડિકેન્સનું નવું પુસ્તક પ્રસિદ્ધ થયું. નામ એનું 'ધ ટેલ ઓફ ટુ સિટીઝ.' આ ઐતિહાસિક નવલકથાની સ્ટોરી ફ્રેન્ચક્રાંતિના સમયે લંડન અને પેરિસની વચ્ચે સેટ કરવામાં આવી હતી. લેખકે શરૂઆતમાં જ ફ્રેન્ચક્રાંતિના સમયગાળામાં કેવો માહોલ હતો એનું સાહિત્યિક વર્ણન કર્યું છે. પુસ્તક પ્રસિદ્ધ થયું તે સાથે જ લોકપ્રિય બન્યું તે આજે ૧૬૬ વર્ષ પછીય બેસ્ટસેલર પુસ્તકોના લિસ્ટમાં ૨૦ કરોડ નકલો સાથે પ્રથમ ક્રમે છે. એના પરથી સાયલન્ટ ફિલ્મો બની છે, કલર ફિલ્મો બની છે, ટીવી સીરિઝ, વેબસીરિઝ એમ હજુય કંઈકનું કંઈ નિર્માણ થતું રહે છે. આટ-આટલા એડોપ્શન છતાં આ પુસ્તક દુનિયાનું બેસ્ટસેલર બની રહ્યું છે.
બેસ્ટસેલરમાં બીજો ક્રમ છે ફ્રેન્ચ પુસ્તક 'ધ લિટલ પ્રિન્સ'નો. આ કલ્પનાકથાના લેખક એન્ટોની ડી સેન્ટ એક્સપરી કમર્શિયલ પાયલટ હતા. તેમણે નિબંધો, કાવ્યો સહિત બીજું ઘણું લખ્યું, પરંતુ ૧૯૪૩માં પ્રસિદ્ધ થયેલાં આ પુસ્તકથી તેમને ઓળખ મળી હતી. 'ધ લિટલ પ્રિન્સ'ની ૧૮ કરોડ નકલો વેચાણી છે. બાઈબલ પછી સૌથી વધુ ૫૦૦ જેટલી ભાષા-બોલીઓમાં એનો અનુવાદ થયો છે, એ તેની ખાસિયત છે.
૧૫ કરોડ નકલોના વેચાણ સાથે આ યાદીમાં 'ધ એલકેમિસ્ટ' ત્રીજા ક્રમે છે. પાઓલો કોએલોનું આ પુસ્તક ૧૯૮૮માં પોર્ટુગીઝ ભાષામાં લખાયું હતું, ૧૯૯૩માં એનો અંગ્રેજી અનુવાદ થયો ને પછી પુસ્તકે પોપ્યુલારિટીના નવા શિખરો સર કર્યા. ગુજરાતી સહિત અનેક ભાષાઓમાં થયેલા એના અનુવાદો પણ બેસ્ટસેલર બન્યાં છે.
જે. કે. રોલિંગનું 'હેરી પોટર' સીરિઝની પ્રથમ નોવેલ 'હેરી પોટર એન્ડ ધ ફિલોસોફર્સ સ્ટોન' ૧૨ કરોડ નકલોના વેચાણ સાથે આ લિસ્ટમાં ચોથા ક્રમે છે. ૧૯૯૭માં પ્રસિદ્ધ થયેલાં આ પુસ્તકના અનેક ભાષાના અનુવાદો પણ બેસ્ટસેલર રહ્યા છે. અગાથા ક્રિસ્ટીનું 'એન્ડ ધેન ધેર વેર નન' નામનું ૧૯૩૯માં આવેલું પુસ્તક પ્રસિદ્ધ થયું તે સાથે જ લોકપ્રિય બન્યું હતું અને વર્ષો સુધી બેસ્ટસેલરની યાદીમાં બીજા-ત્રીજા ક્રમે રહેતું હતું. 'ધ એલકેમિસ્ટ' અને 'હેરી પોટર'ની લોકપ્રિયતા પછી એ પાંચમા ક્રમે ધકેલાયું હતું, છતાં ૮૫ વર્ષથી રહસ્યકથાના આ પુસ્તકે ટોપ-૫માં જગ્યા બનાવી રાખી છે.
દુનિયામાં ૧૦ કરોડથી વધુ નકલો વેચાઈ હોય એવા પુસ્તકોમાં છેક ૧૭૯૧માં આવેલું ચાઈનીઝ પુસ્તક 'ડ્રીમ ઓફ ધ રેડ ચેમ્બર' તથા ૧૯૩૭નું જે. આર. આર. ટૉલ્કિનનું 'ધ હોબિટ' અને ૧૮૬૫માં આવેલું 'એલીસીસ એડવેન્ચર ઓફ વન્ડરલેન્ડ'નો સમાવેશ થાય છે. આ પુસ્તકોની અગ્રેજી નકલો તો કરોડોમાં ખપી જ છે, પરંતુ એના ગ્લોબલી અનુવાદો થયા છે એનીય લાખો નકલો વેચાઈ છે.
***
બુક-સીરિઝની વાત હોય તો એમાં અંગ્રેજીમાં લખાયેલી સીરિઝ 'હેરી પોટર' ૬૦ કરોડ નકલો સાથે પહેલા ક્રમે છે. હેરી પોટરના સાત ભાગ અને તેને સંલગ્ન ત્રણ પુસ્તકોએ દુનિયાભરના રીડર્સમાં બેહદ ઉત્સુકતા જગાવી હતી. બુક-સીરિઝમાં બેસ્ટસેલર્સની યાદી બને એમાં બાળકથાઓ, કલ્પનાકથાઓનો દબદબો ઉડીને આંખે વળગે એવો છે. હોરર ચિલ્ડ્રન્સ નોવેલ સીરિઝ 'ગૂઝબમ્પ્સ'ની ૪૦ કરોડ નકલો ખપી છે. 'ડાયરી ઓફ ધ વિમ્પી કિડ' સીરિઝ ૩૦ કરોડ, 'બેરેન્સ્ટેન બીઅર્સ' ૨૬ કરોડ, 'સ્વીટ વેલી હાઈ' ૨૫ કરોડ, વિખ્યાત બાળવાર્તાકાર એનિડ બ્લાઈટનની 'નોબડી' સીરિઝ ૨૦ કરોડ સાથે ટોપ-૧૦માં વર્ષોથી અડીખમ છે.
હાઈ ફેન્ટસી પ્રકારનું જે સાહિત્ય કહેવાય છે એની પોપ્યુલારિટી પણ સદીઓથી અકબંધ છે. જે. આર. આર. ટોકીની 'ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ' સીરિઝ હોય કે તેમનાથી પ્રભાવિત લેખકો - જ્યોર્જ આર. આર. માર્ટિનની 'ગેમ ઓફ થ્રોન્સ', રોબર્ટ જોર્ડનની 'ધ વ્હીલ ઓફ ટાઈમ' જેવી સીરિઝની ૧૦ કરોડ નકલો વેચાઈ ચૂકી છે.
વેલ, આ કરોડો નકલોના 'ગ્લોબલ બેસ્ટસેલર' લિસ્ટમાં ભારતના પુસ્તકો નથી. અંગ્રેજી અનુવાદો થયા હોય એવા પુસ્તકો પણ ભારતીય ઉપખંડમાં હદ બહાર પોપ્યુલર થવા છતાં ૧૦ કરોડનો આંકડો પાર કરી શક્યા નથી.
આ યાદીમાં એકમાત્ર ભારતીય ભાષાનું પુસ્તક છે - 'સત્યના પ્રયોગો અથવા આત્મકથા.' ગાંધીજીની ગુજરાતીમાં લખાયેલી આત્મકથાના અંગ્રેજી સહિત અનેક ભાષામાં અનુવાદો થયા છે. ૨૦મી સદીના દુનિયાના ૧૦૦ શ્રેષ્ઠ પુસ્તકોમાં એક નામ હતું - સત્યના પ્રયોગો. ગુજરાતનું, ભારતનું એક પુસ્તક દુનિયાના ચોકમાં 'બેસ્ટસેલર'ના ટેગ સાથે મૂકવું હોય તો એ છે એકમાત્ર - સત્યના પ્રયોગો.
ધાર્મિક પુસ્તકોમાં ભગવદ્ ગીતા બેસ્ટસેલર
ગિનેસ વર્લ્ડ રેકોર્ડે નોંધ્યું છે એ પ્રમાણે દુનિયાનું બેસ્ટસેલર પુસ્તક બાઈબલ છે. બાઈબલની ૫૦૦ કરોડ પ્રત વેચાઈ છે અથવા વિતરણ કરવામાં આવ્યું છે. ખ્રિસ્તી ધર્મમાં બાઈબલ પવિત્ર છે તે સિવાય એનું યહૂદી, અબ્રાહમ આઈડિયોલોજીમાં પણ મહત્ત્વ છે. ખ્રિસ્તી ધર્મના બધા સંપ્રદાયો એનું વિતરણ કરે છે. દુનિયામાં ૨૪૦ કરોડ લોકોનો ધર્મ ખ્રિસ્તી છે એ જોતાં બાઈબલનો પ્રચાર બધે થવો સ્વાભાવિક છે. બીજા નંબરે આવે છે કુરાન. ઈસ્લામના પવિત્ર ગ્રંથની ૧૦૦ કરોડથી વધુ પ્રતો વેચાઈ છે કે વિતરિત થઈ છે. દુનિયામાં ૧૮૦ કરોડ લોકોનો ધર્મ ઈસ્લામ છે.
ત્રીજા ક્રમે આવે છે
ભગવદ્ ગીતા. ગ્લોબલી સનાતમ ધર્મના આ પવિત્ર ગ્રંથ ભગવત્ ગીતાની ૭૦ કરોડ નકલો વેચાઈ કે વિતરિત થઈ હોવાનો અંદાજ છે, પરંતુ આંકડો કદાચ ઘણો મોટો હશે. ભારતમાં ભગવદ્ ગીતાના પ્રકાશન પર કોઈ એક સંસ્થાનું સીધું નિયંત્રણ નથી. સેંકડો પ્રકાશકોની વિભિન્ન ટીકાકારોની કૃતિઓ ઉપલબ્ધ છે. ઈસ્કોનના ગીતા વિતરણ પ્રોજેક્ટ હેઠળ જ દુનિયામાં ૫૦ કરોડ નકલો વિતરિત થઈ છે. ગીતા પ્રેસ, ગોરખપુરે જ ભગવદ્ ગીતાની વીસેક કરોડ નકલો પ્રિન્ટ કરી છે. સનાતમ ધર્મના ગ્રંથોની આધારભુત વિદ્વાનો પાસે ટીકા લખાવવા માટે એક સમયે ખૂબ જ વિશ્વસનીય ગણાતા ગીતા પ્રેસે મહાભારત, ભગવદ્ ગીતા, રામાયણ સહિતના ધાર્મિક ગ્રંથોની ૫૦ કરોડ નકલો વેચી હોવાનો દાવો થાય છે.
મોર્મોનિઝમના સ્થાપક જોસેફ સ્મિથની બુક ઓફ મોર્મોનની ૨૦ કરોડથી વધુ નકલોનો ફેલાયો થયો હતો. ક્રિસ્ટિયાનિટીનો જ ભાગ ગણાતી લેટર ડે સેન્ટ મૂવમેન્ટના કારણે આ પંથ જાણીતો થયો હતો.
આ બધા જ ધાર્મિક ગ્રંથો નોંધાયેલા આંકડાથી વધુ વેચાયા હોય એવી પૂરી શક્યતા છે. કેટલીય સંસ્થાઓ પોત-પોતાના ધર્મનો પ્રચાર કરવા અને ધાર્મિક મેસેજ આપવા આ અને આવા પવિત્ર ગ્રંથોનું વિતરણ કરે છે. ધાર્મિક ગ્રંથોનું જેટલું વેચાણ થયું હશે એટલું દુનિયાના ટોપ-૧૦ બેસ્ટસેલર લેખકોનાં પુસ્તકોનું સંયુક્ત વેચાણ પણ નહીં હોય!