પંચમુખી ગાયત્રી કે પંચકોશ અનાવરણ સાધના
- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- ગાયત્રી મંત્ર માત્ર પૂજા- ઉપાસનાનો કે ધ્યાન કરવાનો નાનો અમથો મંત્ર નથી. તે આ બ્રહ્માણ્ડની સર્વોપરિ શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે.
प्राणायामेन चितं शुद्धो भवति सुव्रत,
चित्ते शुद्धे शुचिः साक्षात्प्रत्यग्ज्योति व्यवस्थितः।
सर्वुपापविनिर्मुत्त्कः सम्यग्ज्ञानमवाप्नुयात्,
मनोजयत्वमाप्नोति पलितादि च नाश्यति ।।
હે સુવ્રત, પ્રાણાયામથી ચિત્તની શુદ્ધિ થાય છે. ચિત્ત શુદ્ધ થવાથી અન્ત:કરણમાં પ્રકાશ થાય છે અને તે પ્રકાશમાં આત્મ-સાક્ષાત્કાર થાય છે. તે સર્વ પાપથી મુક્ત થાય છે અને શ્રેષ્ઠ જ્ઞાન પ્રાપ્ત કરે છે. તે મન પર કાબૂ પ્રાપ્ત કરનારો બને છે.
- जाबाल दर्शनोपनिषद (૬/૧૬/૧૯)
મહાયોગી ગોરખનાથ કહે છે - सुषुम्रायां सदेवायं वहेत् प्राणसमीरणः एतद् विज्ञान मात्रेण सर्वपापैं प्रमुच्यते ।। . આ પ્રાણવાયુ સુષુમ્ણા નાડીમાં હમેશાં પ્રવાહિત થાય છે પરંતુ જે યોગી એને જાણી જાય છે તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે. માર્કણ્ડેય પુરાણમાં પ્રાણાયામના ચાર સ્તર દર્શાવવામાં આવ્યા છે અને તેમના દ્વારા ઉચ્ચ સ્તરની સિધ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે એવું જણાવવામાં આવ્યું છે - तस्माधुक्तः सदा योगी प्राणायाम परो भवेत् । श्रूयतां मुस्ति फलद तस्यावस्था चतुष्टयम् ।। ध्वस्तिः प्राप्तिस्तथा संवित् प्रसादश्च महीयते ।। તેથી યોગમાં જોડાયેલા યોગ સાધકે પ્રાણાયામ પરાયણ થવું જોઈએ. મુક્તિનું ફળ આપનારા પ્રાણાયામના પરાયણ થવું જોઈએ. મુક્તિનું ફળ આપનારા પ્રાણાયામના લાભ વિશે સાંભળો. તેની ચાર સ્થિતિ છે - ૧. ધ્વસ્તિ ૨. પ્રાપ્તિ ૩. સંવિત્ ૪. પ્રસાદ.
જેનાથી દૂષિત કર્મો અને મનોવિકારોનું શમન્ થાય છે તેને ધ્વસ્તિ કહે છે. જેનાથી લોભ, મોહ વગેરેનું નિર્મૂલન થયા બાદ સદ્ભાવો અને સદ્ગુણોનું પ્રસ્થાપન થાય છે તેને પ્રાપ્તિ કહેવાય છે. જેનાથી ગ્રહ-નક્ષત્ર અને સૂક્ષ્મ લોક સાથે સંબંધ જોડાઈ જાય છે અને દિવ્ય જ્ઞાનની જ્યોતિ દીપ્તિમાન થાય છે તથા અતીત (વીતી ગયેલ ભૂતકાળની બાબતો) અને અનાગત (જે હજુ આવી નથી, બની નથી એવી ભવિષ્યકાળની બાબતો) અને તિરોહિત (અપ્રગટ)ને જાણી લેવામાં આવે છે એને સંવિત કહેવાય છે. જે સ્થિતિમાં પાંચેય પ્રાણ અને દસેય ઈન્દ્રિયો વશમાં થઈ જાય છે, ચિત્તમાં ઉત્સાહ, ઉલ્લાસ અને આનંદની અનુભૂતિ થાય છે તેને પ્રસાદ કહેવામાં આવે છે.
ગાયત્રી મંત્ર માત્ર પૂજા- ઉપાસનાનો કે ધ્યાન કરવાનો નાનો અમથો મંત્ર નથી. તે આ બ્રહ્માણ્ડની સર્વોપરિ શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. આ શક્તિ સાથે ગાયત્રી ઉપાસનાના માધ્યમથી જે જેટલો સંપર્ક સ્થાપિત કરી શકે છે તે એટલો લાભ મેળવી શકે છે. આ શક્તિને 'પ્રાણ' પણ કહી શકાય છે. પ્રાણ એ શક્તિશાળી આધાર છે જેને કારણે સમગ્ર વિશ્વ - બ્રહ્માણ્ડમાં જીવન ચેતના વિદ્યમાન રહેલી જોવા મળે છે. બ્રહ્માણ્ડમાં વ્યાપક રૂપે વ્યાપ્ત હોવાથી તેને 'બ્રહ્માગ્નિ' પણ કહેવાય છે. તે જ પિણ્ડ (શરીર) સત્તામાં સમાયેલો છે એટલે તેને આત્માગ્નિ પણ કહેવામાં આવે છે. ગાયત્રી એ પ્રાણ શક્તિની અધિષ્ઠાત્રી સત્તા છે અને પ્રાણાયામ એ શક્તિને આકર્ષિત કરવાનું મહત્વનું સાધન છે એટલા માટે પ્રાણશક્તિનું ઉપાર્જન કરવા માટે ગાયત્રી અને પ્રાણાયામની સમન્વિત સાધના કરવી પડે છે.
સાધનાનો ઉદ્દેશ્ય આત્મ-સત્તાને પરિષ્કૃત કરવાનો છે. પ્રસુપ્ત શક્તિને જાગૃત કરવાથી આત્મ-સત્તાની અનુભૂતિ થઈ શકે છે. આ પ્રક્રિયામાં અનેક અતીન્દ્રિય શક્તિઓ કે યોગસિદ્ધિઓ પ્રાપ્ત થવા લાગે છે. બ્રહ્મ તેજ કે આત્મબળના ઉપાર્જનમાં જે સાધના કરવામાં આવે છે તેમાં પંચમુખી ગાયત્રી કે પંચકોશ અનાવરણ કહેવામાં આવે છે. પાંચ કોશોના અનાવરણની સાધનામાં પાંચ યોગોનો સમાવેશ થાય છે - ૧. ત્રાટક- બિંદુ યોગ ૨. સૂર્યવેધન પ્રાણાયામ - પ્રાણયોગ ૩. શક્તિચાલિની - કુણ્ડલિની યોગ ૪. ખેચરી મુદ્રા-લય યોગ ૫. સોહમ્ સાધના - હંસયોગ.
૧. ત્રાટક-બિન્દુ યોગ ભગવાન શિવ અને પાર્વતીની બન્ને ભ્રમરોની વચ્ચે ત્રીજું નેત્ર દર્શાવવામાં આવે છે. આજ્ઞા ચક્ર પાસે આવેલું આ ત્રીજું નેત્ર દૂર દર્શનની અતીન્દ્રિય ક્ષમતાનું દ્યોતક છે. તે દિવ્ય દ્રષ્ટિ આપે છે જેનાથી ત્રણેય કાળની ઘટનાઓનું દર્શન થઈ શકે છે. તે દૂરદર્શિતા, વિવેકશીલતા અને વેધક દ્રષ્ટિ આપે છે. એ નેત્ર ખૂલતાં પ્રચંડ વિદ્યુત શક્તિ પ્રવાહિત થાય છે. ભગવાન શિવજીએ એ તૃતીય નેત્ર ખોલીને એના દિવ્ય અગ્નિથી કામદેવને બાળી નાંખ્યો હતો. આ શક્તિને જાગૃત કરવાની સાધના ત્રાટક છે. જે દૂરદર્શી, તત્ત્વદર્શી વિવેક જાગૃત થાય છે તેને ઋતંભરા પ્રજ્ઞા કહે છે. તે ગાયત્રી મંત્રનું 'ધિય:' તત્ત્વ છે. એનાથી જ આત્મ-જાગરણ થાય છે.
૨. સૂર્યવેધન પ્રાણાયામ - પ્રાણયોગ: ઈડા અને શરીરગત બે વિદ્યુત પ્રવાહો છે જે મેરુદણ્ડની અંદર પ્રવાહિત થઈ કામ કરે છે. એનું મિલન થાય છે તે 'સુષુમ્ણા' કહેવાય છે. પિંગલા સાથે સંબંધિત શ્વાસ પ્રવાહને ઊલટો-પુલટો કરવાની પ્રક્રિયાનું મહત્વ અપાય છે. આ લોમ-વિલોમ ક્રમથી કરાતો પ્રાણયોગ સૂર્યવેધન પ્રાણાયામ કહેવાય છે.
૩. શક્તિ-ચાલિની-કુણ્ડલિની યોગ : બ્રહ્મશક્તિનું કેન્દ્ર બ્રહ્મલોક અને જીવ શક્તિનો આધાર ભૂ-લોક છે. બન્ને શરીરમાં સૂક્ષ્મ રૂપે વિદ્યમાન છે. ભૂ-લોક જીવ સંસ્થાન મૂલાધાર ચક્ર છે. મૂલાધાર એટલે જનનેન્દ્રિય મૂલ. કુણ્ડલિની શક્તિ આ જગ્યાએ મૂલાધાર ચક્રમાં સુષુપ્ત દશામાં પડેલી હોય છે. તેને જાગૃત કરી ઊર્ધ્વગામી બનાવવાની પ્રક્રિયા શક્તિચાલિની મુદ્રાના રૂપમાં શરૂ કરાય છે. શક્તિચાલિની મુદ્રા ગુદા સંકોચનની એક વિશેષ પધ્ધતિ છે જેને સિદ્ધાસન કે મુદ્રાસ બેસી વિશિષ્ટ પ્રાણસાધના સાથે સંપન્ન કરવામાં આવે છે.
૪. ખેચરી મુદ્રા - લયયોગ: અંતર્જગતના બ્રહ્મલોકમાંથી સ્રવિત થતી અમૃત વર્ષાનો અનુભવ કરવા ખેચરી મુદ્રાનું સાધન દર્શાવાયું છે. ધ્યાન મુદ્રામાં શાંત ચિત્તે બેસી જીભના અગ્ર ભાગને તાલુ મુર્ધા (તાળવાનો ભાગ) સાથે અડકાડવામાં આવે છે. આને ખેચરી મુદ્રા કહેવાય છે. તાંત્રિક હઠયોગી એનાથી અનુભવાતા આનંદને બ્રહ્માનંદ કહે છે. તે દિવ્યલોકથી આત્મલોક પર થનાર અમૃત વર્ષાનું પ્રતીક છે. દેવલોકથી જે સોમરસ ઝરે છે તે ખેચરી મુદ્રા થકી જીભ દ્વારા આસ્વાદિત થઈ શકે છે.
૫. સોહમ્ સાધના - હંસયોગ : સોહમ્ સાધનામાં મન: સ્થિતિને બ્રહ્મભૂત બનાવવી પડે છે. પોતાને શરીર અને મનની ઉપરની સ્થિતિની અનુભૂતિ કરાવનારી બ્રહ્મચેતનાનો સાક્ષાત્કાર કરવો પડે છે. પ્રાણાયામમાં શ્વાસ ખેંચવાની પ્રક્રિયાને 'પૂરક' કહેવાય છે. હંસયોગમાં આ રીતે પોતાનો શ્વાસ ખેંચીને અંદર લેવાની સાથે થતો 'સો' (સ:-તે, પરબ્રહ્મ) ધ્વનિ સાંભળવાનો - અનુભવવાનો હોય છે. તે રીતે શ્વાસ બહાર છૂટે ત્યારે 'અહં' (હું)નો ધ્વનિ સાંભળી, તે ભાવ અનુભવવાનો હોય છે. એટલે, હું તે (પરબ્રહ્મ) છું (સ: અહં-સોહં)ની સ્થિતિનો અનુભવ હંસયોગ દ્વારા થતાં પરબ્રહ્મ-પરમાત્મા સાથે અદ્વૈત રચાતા અમૃતત્વ પામી શકાય છે. સાધક બ્રહ્મવિદ્ બ્રહૌવ ભવતિ કથન અનુસાર બ્રહ્મરૂપ, પરમાત્મામય બની જાય છે.