Get The App

ગરમી સહન કરવાની માનવીની ક્ષમતાના અખતરા

Updated: Apr 20th, 2025

GS TEAM


Google News
Google News
ગરમી સહન કરવાની માનવીની ક્ષમતાના અખતરા 1 - image


- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- ઉષ્ણતાના અતિરેકથી હૃદયના ધબકારા વધી જાય છે. વિમાનમાં એસી સિસ્ટમ ખોરવાઈ જાય તો પ્રવાસીઓ ભડથું થઈ જાય

ઉ નાળાની કાળઝાળ ગરમીમાં તડકો વેઠવો પડે તેણે અનુભવ્યું હશે કે શરીર કેવું શેકાય છે. થોડો શ્રમ વેઠો કે પાંચ મિનિટ તડકામાં ચાલો તો શરીર પરસેવાથી રેબઝેબ થઈ જાય છે. તો જે માણસો રણ પ્રદેશમાં રહેતા હશે અથવા જેને પોલાદની ભઠ્ઠી કે લુહારની ધમણ પાસે કામ કરવું પડતું હોય તેની શી હાલત હશે? વિચારી જુઓ કે બટાટા શેકી શકાય કે  બ્રેડ ગરમ કરી શકાય તેવા ઓવનમાં માણસને મૂકવામાં આવે તો શું થાય? આ પ્રશ્નને બીજી રીતે પૂછીએ તો માનવશરીર વધુમાં વધુ કેટલી ગરમી સહન કરી શકે? આ જાણવા ખાતર કોઈ માનવી પ્રયોગ કરે તો એ દાઝી જવાનો ભય પણ રહેવાનો જ. છતાં કેલિફોર્નિયા યુનિવર્સિટીના ડૉક્ટરે અખતરા કરીને આ સવાલનો જવાબ શોધી કાઢ્યો છે જે વિમાની ઉદ્યોગ માટે અત્યંત મહત્ત્વનો છે. અવાજ કરતાં પણ વધુ ઝડપે ઊડતાં આજનાં સુપરસોનિક વિમાનોની વાત બાજુએ રાખીએ તો પણ સાધારણ જેટ પ્લેનમાં એર કમ્પ્રેશન અને ઘર્ષણને કારણે કેબિન ખૂબ જ ગરમ થઈ જતી હોય છે. જો વિમાનની એરકન્ડિશનિંગ સિસ્ટમ એકાએક ખોટકાઈ જાય તો અંદર બેઠેલા ઉતારુઓ ગરમીમાં ભડથું જ થઈ જાય. પાઈલટની કેબિન તો આમેય ભઠ્ઠી જેવી ગરમ થઈ જતી હોય છે.

એરફોર્સનાં ફાઈટર પ્લેનોના સંદર્ભમાં આ બાબત અંગે સંશોધન કરવું બહુ જરૂરી હતું. પાઈલટ કેટલી ગરમી સહન કરી શકે છે અને જરાય દાઝ્યા વગર કે બીજી કોઈ ઈજા વગર વધુમાં વધુ કેટલો સમય ભીષણ ગરમી વચ્ચે પણ કોકપીટમાં બેસી શકે એ જાણવા ડૉક્ટરે જાત-અનુભવ લઈને અખતરા કરેલા.

પ્રયોગ દરમિયાન ડૉક્ટર ટેઈલર ૨૬૨ ડિગ્રી ફેરનહીટ જેટલા ગરમ વાતાવરણમાં પણ રહેલા. એક વખત ૨૨૦ ડિગ્રી ફેરનહીટ ઉષ્ણતામાન ધરાવતી કેબિનમાં તેઓ ૨૫ મિનિટ પુરાઈ રહ્યા હતા. તેઓ પોતે એક કેબિનમાં અંદર પુરાઈ ગયા પછી તેમના મદદનીશોએ કેબિનનું ઉષ્ણતામાન વધારવા માંડયું. ડૉક્ટરની આંખ સામે જ તાવડી પર આમલેટ શેકવા માંડી હતી. તેમણે જાતે ગરમીની નોંઘ લે તેવા થર્મોમીટર માથા પર, મોઢામાં ગોઠવ્યા હતા. તેમનું વજન પણ શરૂઆતમાં જ નોંધી લેવાયું હતું.  આંખ ઉપર ગરમીની શી અસર થાય છે તે જાણવા આંખના ડોળા ઉપર પણ 'થર્મોકપલ' નામક ઉપકરણ બેસાડાયું હતું. ધબકારા માપવાનું યંત્ર પણ સાથે રાખ્યું હતું.

પ્રયોગનું પહેલાં તેમણે ચારેક કલાક ૮૫ ડિગ્રી ફેરનહીટ ઉષ્ણતામાન ધરાવતા બંબુમાં ગાળ્યા. પછી પ્રયોગ માટેની પૂર્વ તૈયારીઓ કરી લીધા બાદ એક ચેમ્બર (હીટ બૉક્સ)માં તેમને બેસાડી બહારથી બારણું બંધ કરી દેવાયું. જોતજોતામાં ગરમી વધીને ૨૬૨ ડિગ્રી ફેરનહીટ સુધી પહોંચી ગઈ. પરંતુ ત્યાં સુધીમાં તો ડૉક્ટર પાણી પાણી થઈ ગયા હતા. તેમણે તરત જ બટન દબાવી બહાર મદદનીશોને બારણું ખોલી નાખવાનો આદેશ આપવો પડયો.

જોકે તેઓ બહાર આવ્યા ત્યારે તેમને કોઈ જાતની શારીરિક ઈજા થઈ નહોતી. પરંતુ હૃદયના ધબકારા ૮૨થી દર મિનિટે ૧૬૨ સુધી પહોંચી ગયા હતા. કારણસર જ તેમણે વધુ લાંબો સમય ટેસ્ટ લેવાનું માંડી વાળવું પડયું.

પરંતુ  આ પ્રયોગ પરથી પણ ઘણી વાતો જાણવા મળી. આપણું શરીર બહુ ગરમ ન થઈ જાય એ માટે કુદરતે શરીરમાં એક પ્રકારની 'કુલિંગ સિસ્ટમ' ગોઠવી છે. બહારનું ઉષ્ણતામાન વધુ હોય તો શરીર પરસેવો કાઢી શરીરને ઠંડું પાડતું રહી 'બોડી ટેમ્પરેચર' જાળવી રાખે છે. શરીરની આવી ગોઠવણને કારણે જ શ્વાસમાં લીધેલી (નાક વાટે) હવા અંદર જાય એ ફેફસાં સુધી પહોંચે ત્યાં સુધીમાં તો ગરમી શરીરના ઉષ્ણતામાનની સરખામણીએ આવી જાય છે. ખૂબ ગરમ વાતાવરણમાં પણ શરીર ઊકળી જતું નથી. ફક્ત સામાન્ય ઉષ્ણતામાન કરતાં બોડી ટેમ્પરેચર એકાદ બે ડિગ્રી વધે. બસ એટલું જ.

શરીરનું આંતરિક ઉષ્ણતામાન જાળવી રાખવાની મથામણમાં હૃદયે બહુ કામ કરવું પડે છે. આસપાસની ગરમી વધતાં હૃદય ઝડપથી ધબકવા લાગી રક્તાભિસરણ ઝડપી બનાવે છે. પરિણામે વધુ પરસેવો થાય છે. તેથી શરીરનું ઉષ્ણતામાન જળવાઈ રહે છે. આમ હૃદયના ધબકારા ગરમીમાં વધી જાય એ એક જ ચિહ્ન નકારાત્મક છે. બાકી શરીરની ગરમી સહન કરવાની શક્તિ માન્યતા કરતાં ઘણી વધારે છે.

એક બીજી આડઅસર એ છે કે ગરમીમાં હૃદય વધુ ધબકવા લાગે, રક્તાભિસણ ઝડપી બને તેની સાથે પરસેવા રૂપે પાણી નીકળી જતાં શરીરનું વજન ઘટવા લાગે છે. ડૉક્ટર ટેઈલરે કરેલા પ્રયોગ દરમિયાન નોંધ્યું હતું કે એકધાર્યા ૨૨૦ ડિગ્રીના ઉષ્ણતામાને તેઓ ૨૫ મિનિટ બેસી રહ્યા એ ગાળામાં દર મિનિટે ૧.૨૫ ઔંસ વજન ઘટાડો થતો હતો.

તેમના આ અખતરાએ  એવિયેશન ઈન્ડસ્ટ્રી માટે કેટલાંક મહત્ત્વનાં તારણ પૂરાં પાડયાં છે: એરફોર્સના વિમાનમાં હવે પહેલાં કરતાં વધુ થર્મોસ્ટેટીક  ફિનિશિંગ કરી કોકપીટનું ઉષ્ણતામાન જળવાઈ રહે તેવી ગોઠવણ કરાય છે. વધુ પડતી ગરમીમાં મગજ જલદી થાકી જાય છે અને હૃદયના ધબકારા વધી જતાં માથામાં એક પ્રકારનો ખાલીપો પણ ડૉક્ટર ટેઈલરે અનુભવેલો. આવું એરફોર્સના પાઈલટ સાથે બને તો એ યુધ્ધમાં ઝડપી નિર્ણય લેવાની શક્તિ પણ ગુમાવી બેસે.

આ જોખમને ધ્યાનમાં રાખીને જ હવે પાઈલટની કોકપીટમાં ઉષ્ણતામાન બહુ ન વધે તે માટે પૂરતી કાળજી લેવાય છે. નવા ફિફ્થ જનરેશન  ફાઈટર પ્લેનમાં તો એ.સી. કુલિંગની  વ્યવસ્થા પણ હોય છે. માત્ર પાયલટો માટે જ નહીં, સ્ટીલના કારખાનામાં, બીજા હીટીંગ પ્રોસેસ ધરાવતી ફેક્ટરીઓમાં કોલસા કે સોનાની ઊંડી ખાણોમાં ખૂબ જ ભેજ અને ગરમી વચ્ચે કામ કરતાં મજદૂરોના સ્વાસ્થ્ય માટે પણ હવે નવેસરથી ગરમીની માનવ શરીર પર થતી અસર અંગેના પ્રયોગો થાય છે. એવા અવનવા રક્ષણાત્મક વસ્ત્રો તૈયાર કરાવાય છે. જેથી કામદારની કાર્યક્ષમતા ધટેે નહીં કે તેના સ્વાસ્થ્યને પણ અવળી અસર થાય નહીં.

જાણીને નવાઈ લાગશે પરંતુ  ભારતમાં  કૃષિને કારણે જ લોકોને ગરમી થઈ રહી છે. આમ તો ખેતરનું કામ ઠંડક આપવાનું છે, પરંતુ ખેતરમાં અપાતા પાણી (પિયત)થી લોકોની ગરમી સહન કરવાની શક્તિ ઘટી રહી છે. આ અંગેનું આધાર-પુરાવા સાથેનું સંશોધનપત્ર આંતરરાષ્ટ્રીય જર્નલ નેચરમાં પ્રગટ થયું હતું. મોઈસ્ટ હિટ સ્ટ્રેસ એક્સ્ટ્રીમ્સ ઈન્ડિયા એન્હાન્સ્ડ બાય ઈરિગેશન નામના સંશોધન પત્રમાં આ ચોંકાવનારી વિગતો પ્રકાશિત થઈ છે. એ અહેવાલ પ્રમાણે ભારતમાં સતત પિયત વિસ્તાર વધી રહ્યો છે. તેના કારણે વાતાવરણમાં ભેજ પણ વધે છે. વધતો ભેજ લાંબા ગાળે શરીરની ગરમી સહન કરવાની શક્તિ જ ખતમ કરી નાખે છે. ઉનાળામાં સૌ કોઈને અનુભવ હશે કે ગરમી થયા પછી લાંબો સમય શરીર ગરમ રહેતું હોય અને ક્યારેક તો એર કન્ડિશેનરમાં બેઠા પછી પણ શરીરને ઠંડું થતા ખાસ્સી વાર લાગતી હોય છે. 

ટૂંકમાં આરોગ્યની ભાષામાં જેને હિટ સ્ટ્રેસ (ગરમીને કારણે થતી આરોગ્ય સમસ્યા)ના કિસ્સા વધી રહ્યા છે. એટલું જ નહીં લોકોનું આયુષ્ય પણ ઘટી રહ્યું છે. આઈઆઈટી ગાંધીનગરના પ્રોફેસર તથા અમેરિકા અને જર્મનીની યુનિવર્સિટીના સંશોધકોએ મળીને આ તારણ રજૂ કર્યું હતું. રિપોર્ટ પ્રમાણે એકલા દક્ષિણ એશિયામાં દર વર્ષે હિટ સ્ટ્રેસનો ભોગ લગભગ ૪.૬ કરોડ લોકો બને છે.

આપણે સૌ જાણીએ છીએ  કે  જળવાયુપરિવર્તનને કારણે આખી દુનિયામાં હવામાનમાં અચાનક પલટો સામાન્ય બની ગયો છે. એક અભ્યાસ અનુસાર તાપમાનમાં માત્ર અડધી ડિગ્રીનો વધારો થાય તો પણ પૃથ્વીનો મોટો હિસ્સો એટલો ગરમ બની જશે કે તે માણસોના વસવાટને લાયક રહેશે નહીં. આ અભ્યાસ નેચર રિવ્યુઝ અર્થ એન્ડ એન્વાર્યનમેન્ટમાં પ્રકાશિત થયો છે. 

વિજ્ઞાનીઓના એક જૂથે એવી ચેતવણી આપી છે કે  પૃથ્વીના સરેરાશ તાપમાનમાં અડધી ડિગ્રીનો પણ વધારો થાય તો   જમીન એટલી બધી ગરમ થઇ જશે કે ૧૮થી ૬૦ વર્ષના તંદુરસ્ત માણસો માટે પણ તે ખૂબ ગરમ હવામાન બની રહેશે.  

૨૦૨૪માં તાપમાનના તમામ વિક્રમો તુટી ગયા હતા. ૨૦૨૪માં દુનિયાનું તાપમાન ઔદ્યોગિક યુગ પૂર્વેના પૃથ્વીના સરેરાશ તાપમાન કરતાં ૧.૫ ડિગ્રી વધારે રહ્યું હતું.

સંશોધકોની ટીમે નોંધ્યું હતું કે ૨૧મી સદીની ત્રણ ઘાતક ગરમીની ઘટનાઓમાં  કુલ બે લાખ લોકો કરતાં પણ વધારે લોકોના મોત થયા હતા. જેમાં ૨૦૦૩માં યુરોપમાં ૭૨,૦૦૦ જણાંના, ૨૦૨૨માં સમગ્ર યુરોપમાં ૬૨,૦૦૦ જણાંના અને ૨૦૧૦માં રશિયામાં આવેલાં હીટવેવમાં ૫૬,૦૦૦ જણાંના મોત થયા હતા.

સરકારી આંકડાઓ અનુસાર ૨૦૧૩થી ૧૦ વર્ષના સમયગાળામાં ભારતમાં વધારે ગરમી અને લૂ લાગવાને કારણે ૧૦,૬૩૫ લોકોનાં મોત થયા છે. હવામાન વિભાગ મુજબ ભારતમાં ૨૦૨૪નું વર્ષ છેલ્લા ૧૪ વર્ષનું સૌથી ગરમ વર્ષ રહ્યું હતું.

ગયા વર્ષે લગભગ ૫૦ ડિગ્રી સેલ્સિયસ (૧૨૨ ફેરનહીટ) સુધી તાપમાન પહોંચી ગયું હતું. આ તાપમાન કોઈપણ સ્થિતિમાં અસહ્યનીય હોય છે. અહેવાલ મુજબ ભારતમાં આ ગરમી સતત વધતી જનસંખ્યાના લીધે વધુ અસહ્યનીય થઈ રહી છે. અમેરિકાના એક ક્લાઇમેટ ચેન્જ વૈજ્ઞાનિક કીરન હંટે જણાવ્યું હતું કે ભારત સામાન્ય રીતે સહારા જેવા ગરમ સ્થળોની તુલનાએ ભેજવાળુ છે. તેનો અર્થ એમ થાય છે કે પરસેવાના લીધે ગરમીથી બચવાની શક્યતા ઘણી ઓછી રહે છે.  ભારત વિશ્વભરના તે સ્થળોમાં એક બની શકે છે જ્યાં વેટ-બલ્બનું તાપમાન ૩૫ ડિગ્રીને વટાવી શકે છે. વર્લ્ડ બેન્કના એક અન્ય રિપોર્ટમાં પણ દાવો કરવામાં આવ્યો છે કે   વિશ્વમાં આગામી સમયમાં જબરજસ્ત તોફાન આવી શકે છે. ભારતમાં ગરમીની એટલી બધી તીવ્રતા હશે કે તે પોતાની મહત્તમ મર્યાદાને અતિક્રમી જશે. 

મે અને જૂનની ગરમી  સહન  કરવી  સરળ નથી. ખાસ કરીને ઉત્તર ભારતમાં  આકરી  ગરમી  પડી રહી  છે. કાળઝાળ ગરમીના કારણે માણસો, પશુ-પક્ષીઓ પણ પરેશાન થઈ રહ્યા છે. ગરમ પવન અને તીવ્ર સૂર્યપ્રકાશ શરીરમાંથી તમામ પાણીને શોષી લે છે. ઉનાળા દરમિયાન, ડાકટરો ગરમીના મોજાથી બચવા માટે શક્ય  તેટલું  વધુ પાણી પીવાની ભલામણ કરે છે. જો કે, ક્યારેક પાણીની અસર પણ બિનઅસરકારક બની જાય છે. હવે  સવાલ એ  થાય છે કે   માનવ  શરીર કેટલું તાપમાન  સહન કરી  શકે છે?  આવો જાણીએ  આ અંગે  વૈજ્ઞાનિકો અને ડોક્ટર્સનું શું મંતવ્ય છે.

ડોકટરોના મતે, માનવ શરીર ૩૭. ૫  ડિગ્રી   સેલ્સિયસ સુધીના   તાપમાનનો  સામનો   કરી  શકે છે. ઉનાળો હોય કે શિયાળો, શરીરની  આંતરિક  વ્યવસ્થા ૩૭.૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાન  જાળવી  રાખવાનું કામ કરે છે. મગજની પાછળનો ભાગ હાયપોથેલેમસ નામનો ભાગ શરીરની અંદરના તાપમાનને   નિયંત્રિત કરવાનું કામ કરે છે. માનવ શરીર ૩૭.૫ ડિગ્રી સેલ્સિયસ પર કાર્ય કરવા માટે રચાયેલ છે. જો  તાપમાન ૨-૪ ડિગ્રી ઉપર અને નીચે હોય તો શરીરને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી, પરંતુ જો તે વધુ હોય તો સમસ્યા વધી શકે છે.

જ્યારે  શરીરનું  તાપમાન  વધે છે, ત્યારે રક્તવાહિનીઓ પહોળી થવા લાગે છે અને શરીરના તમામ ભાગોમાં લોહી સરળતાથી પહોંચવા લાગે છે.

આ  બધી  વસ્તુઓ શરીરના વધેલા તાપમાનને નિયંત્રિત કરવામાં  પણ  મદદ  કરે છે. સૂર્યપ્રકાશ  અને હીટ સ્ટ્રોકથી બચવા માટે   પુષ્કળ પાણી પીવો. 

મજબૂત સૂર્યપ્રકાશના સંપર્કમાં  આવવાનું  ટાળો. જે જગ્યાએ ભેજ હોય, તો  તમને  ઘણો પરસેવો થાય છે, તેથી શક્ય તેટલું વધુ પાણી  પીવો. તીવ સૂર્યપ્રકાશના અચાનક સંપર્કમાં આવવાનું ટાળો. આ તાવ જેવી સ્થિતિ અથવા હાઈપર થર્મિયાનું જોખમ  વધારે  છે.  જો તાપમાન ધીમે ધીમે વધે છે, તો શરીર તેને સરળતાથી સમાયોજિત વિપરીત સ્થિતિમાં શરીરને ખૂબ હાનિ પહોંચે છે.

આ નુકસાન નીવારવા માટે આપણે નીતિગત સ્તરે પગલાં લેતા શહેરમાં ગ્રીન ઝોન ઊબા કરવા જોઈએ, વાતાનુકૂલિત જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવું જોઈએ. બિલ્ડિંગની ડિઝાઇનો વધારે વેન્ટિલેશનવાળી બનાવવી જોઈએ તથા બિલ્ડિંગો વધારે ઝડપથી ગરમ થઈ જાય તેવા ન હોવા જોઈએ. ઊર્જાનો ઓછો વપરાશ કરતાં કૂલિંગ યુનિટ બનાવવા જોઈએ. વૃક્ષો વાવવાનું પ્રમાણ વધારવું જોઈએ. 

શું ભારત સરકાર અને દેશની પ્રજા આ ચેતવણી ધ્યાનમાં રાખી યોગ્ય પગલાં લેશે?

Tags :