ઉપરણ, ઉપરાણું, ઊપણું... .
- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ
- ન કરવા જેવી વાત, જે ઠરી ગઇ હોય તેને પુન: તાજી કરી, ચર્ચામાં લાવવાની ક્રિયાને પણ 'ઊપણવું' કહે છે
સા માન્ય લાગતા ધ્વનિભેદથી ઘણો મોટો અર્થફેર પણ થાય, એવા ઘણા શબ્દો ગુજરાતી ભાષામાં જોવા મળે છે એ શબ્દોમાંથી ઉપરણ, ઉપરાણું, ઊપણું અને ઊપણવું શબ્દોને તપાસીએ 'ઉપરણ' એટલે ઉપરનું આવરણ, ઢોળ, ડોળ એ ઉપરનાં આવરણો છે. તેમાંથી 'ઉપરણું' એટલે ખેસ અને ઊપરણી એટલે ઓઢણી જેવા અર્થો મળે છે. અલબત્ત આવા શબ્દો ચલણમાંથી ભુંસાવા માંડયા છે. બહારનાં આવરણ ઉપરણો છે.
'ઉપરાણું' જેનો પક્ષ લેવાય, જેનાપક્ષમાં બોલાય, જેમાં એક તરફ પક્ષપાત હોય એ બધી ક્રિયાઓ 'ઉપરાણું' બને છે. પાકિસ્તાનનું ચીન ઉપરાણું લેનારો દેશ છે. એવું કહીએ ત્યારે તરફદારી કરવાનો અર્થ અભિપ્રેત છે. ઉપરાણું સત્યના પક્ષે હોય તો સમાજને શ્રેયકર-પ્રેરક બને છે. 'ભીષ્મપિતા કૌરવોના પક્ષે રહીને પાંડવોનું ઉપરાણું ઇચ્છતા હતા' એમ કહી શકાય. 'ઉપરાણું' જેવો બીજો એક શબ્દ 'ઉપાડ' છે. 'ઉપાડ' એટલે ઉચ્ચક પગારની રકમ, દુકાનમાં જે ચીજવસ્તુનો બજારખપ વધારે હોય તે પણ ઉપાડ, ખેતરમાંથી ધરુ ઉપાડાય... ડાંગર ઉપાડાય...કલ્લા ઉપાડાય, માણસ મૃત્યુ પામે ત્યારે પણ 'ભગવાને ઉપાડી લીધો' એવાં વિધાનો કરવામાં આવે છે. પણિયારી માથે હેલ્ય ઉપાડી ઘરે જતી હોય છે. જવાબદારી પણ ઉપાડવાની હોય છે. 'ઉપરાણું'નું ધ્વનિસામ્ય ધરાવતો ઉપરામણ શબ્દ પણ નોખો અર્થ ધરાવે છે. ઉપરામણ એ ચઢામણનો પર્યાય છે. ચઢાવવાની કિંમત એવો અર્થ છે 'ઉપણિયું' શબ્દ એટલે ઉપણવાનું સાધન, આવા શબ્દો હવે સાંભળવા મળતા નથી પરંતુ એ શબ્દોના અર્થો ભાષાને સમૃદ્ધ કરે છે.
'ઊપણું' શબ્દ પણ આપણને અજાણ્યો લાગે છે પરંતુ ગામડામાં ખાટલા, માંચા હતા. એ ખાટલાને ચાર પાયા હોય અને ચાર ઇસો હોય ખાટલો લંબચોરસ હોય માથા અને પગ તરફના લાકડાના છેડા ટૂંકા પણ ઊંચા એટલે કે ઉપર હોય, માથાના ભાગે આવતા લાકડાને ઊપણું કહે છે. સૂરત તરફ 'ઊપલું' પણ બોલે છે. ઘરે મહેમાન આવે ત્યારે તેમને ખાટલો ઢાળી ઉપરની તરફ બેસાડવાનો આગ્રહ રખાય છે. યજમાન પાંગથે બેસે અને અતિથિ ઉપણે બેસે. આવકાર રીતિની આ એક સામાજિક વ્યવસ્થા. જેમાં વ્યવહારિકજ્ઞાન સચવાયેલું છે. 'ઊપણું' ના બંને છેડા બંને પાયામાં પરોવાયેલા હોય. માથું ઊંચુ રહે તેવી વ્યવસ્થા પણ થઇ જાય. ખાટલો ભરવાની દોરીને વાણ કહેવાય, અને વાણ દ્વારા ખાટલો 'કાવાં' વાળીને ભરાય, ચાર-પાંચ દોરીનું કાવું હોય, ખાટલો ભરનારે વચ્ચેની ધુ્રવ દોરી જેને 'જીવી' કહેવાય તે તારવી પડે. એને ડૂબાડાય નહિ. પગ તરફનો ભાગ હોય તે પાંગથ કહેવાય. ખાટલાનું વાણ ટાઈટ કરવાની વ્યવસ્થા ત્યાં હોય છે.
'ઊપણવું' શબ્દનો અર્થ કૃત્રિમ પવન નાખીને ધાનને ચોક્ખું કરવું તે હવે પંખા આવ્યા, પંખા ચાલે ત્યાં સુપડાથી ધાન ઊંચેથી નંખાય, ફોતરાં દૂર થતાં જાય અને ધાનની ઢગલી થતી જાય. પંખા દૂર થતાં જાય અને ધાનની ઢગલી થતી જાય. પંખા ન્હોતા ત્યારે ઊપણવા માટે પછેડીના બે છેડે દોરી બાંધી, બે માણસ પકડી રાખે, અથવા બે ખીલા ઠોકી બે બાજુના છેડા બાંધી દેવાય. વચ્ચેનો ભાગ માણસ પકડે અને હલાવે જેનાથી પવન આવે, જ્યાં પવન આવે ત્યાં ધાન ઊંચેથી નંખાય અને એમ ધાન ચોક્ખું થઇ ઢગલો થાય. આ ધાનમાં આવેલી ફોતરી, ધૂળ, નકામી વનસ્પતિ, કચરું દૂર થતાં જાય - એ દૂર કરવાની ઘટના ઊપણવું કે 'વાવલવું' કહે છે પરંતુ એ પવન નાખવો પડે. કૃત્રિમ વ્યવસ્થા ઊભી કરવી પડે. આ 'ઊપણવું' શબ્દનો લાક્ષણિક પ્રયોગ પણ સમાજમાં થતો હોય છે - ન કરવા જેવી વાત, જે ઠરી ગઇ હોય તેને પુન: તાજી કરી, ચર્ચામાં લાવવાની ક્રિયાને પણ 'ઊપણવું' કહે છે. બિનજરૂરી ચર્ચા કરી કોઇને ખુલ્લા કરવાની વાતને પણ ઊપણવું કહે છે. ઊપણવું એટલે 'પરવા' નાખવો એમ પણ કહે છે. 'ધૂળ ઊપણવાથી ધાન ના મળે' એવી ઉક્તિમાં ધાન ઊપણવાથી ધૂળ દૂર થાય એવો લક્ષ્યાર્થ રહેલો છે. ઊપણવું એ સાહજિક ક્રિયા નથી એ માણસે ઊભી કરેલી પવન પેદા કરવાની ક્રિયા છે. ઊપણવાની ક્રિયા પૂર્ણ થયા પછી જે ધાનનો ઢગલો થાય તેનો તોલ કરી કોથલા ભરી કોઠારમાં નંખાય તે ઉત્પાદનને 'ઉતાર' કહેવામાં આવે છે એ ઉતારો કે 'ઉતાર' શબ્દના પણ અનેક અર્થો છે - આરતી ઉતારવી એટલે પ્રકાશને ઉપરથી નીચેની તરફ લાવવાની ઘટના, એમાં પણ ઉપરનો પ્રકાશ (પરમ) નીચે (આત્મા) તરફ આવે - એ ક્રિયા થાય છે. બાબરી ઉતારવી, બોર ઉતારવાં, દૂધી ઉતારવી એ દરેકના અર્થ સહેજ સહેજ નોખા છે. વાળ ઉતારવા એટલે એની મૂળ જગ્યાએથી હટાવવા. કેરી ઉતારવી એટલે આંબેથી તોડીને નીચે ઉતારવી. દૂધી ઉતારવીમાં પણ એ જ ક્રિયા છે. તાવ ઉતરવો માં તાવનો પારો નીચે આવવો... હાડકું ઉતરી જવુંમાં પણ હાડકું મૂળ જગ્યાએથી ખસી જતું હોય છે, તેને ચઢાવવું પડતું હોય છે. વૈદ્ય હાડવૈદ્ય એ કામ જાણે છે. કોઇની નોટમાંથી બેઠી નકલ કરવાની ક્રિયાને પણ 'ઉતારવું' જ કહેવામાં આવે છે. વાંદરાં કાઢવાની ઘટનાને 'વાંદરાં ઉતારવાં' કહીએ છીએ - અમુક તોફાની છોકરાં 'વડનાં વાંદરાં ઉતારે' એવાં હોય છે. એવું ભાષક બોલતો હોય છે. છેલ્લી કક્ષાની વ્યક્તિને પણ આપણે 'ગામનો ઉતાર' કહીએ છીએ અને ખાવાનું - વાસી થઇ જાય છે ત્યારે પણ ઊતરી ગયું એવો પ્રયોગ કરીએ છીએ. મજર ઉતારવી અને 'ઊતર્યો અમલદાર કોડીનો' જેવો રૂઢિપ્રયોગ અને કહેવત પણ પ્રજામાં જાણીતી છે. આંખે બરાબર દેખાવા લાગે તો 'નંબર ઉતરી ગયા' એવું કહીએ છીએ. નદીમાંપાણી ઊતરી જતાં હોય છે એટલે પ્રવાહ પાછો પડતો હોય છે. આમ થોડાક ધ્વનિભેદે કેવો અર્થભેદ - ચમત્કૃતિ સર્જે છે ! જોયું ને?