Get The App

અરૂણના આંચલમાં વીર 'જસવંત' ગઢ

Updated: Nov 18th, 2023


Google NewsGoogle News
અરૂણના આંચલમાં વીર  'જસવંત' ગઢ 1 - image


- રસવલ્લરી-સુધા ભટ્ટ

- કુદરતની કળા અને માનવસર્જિત કળાનો સંગમ

આસામના ગુવાહાટીને કેન્દ્રમાં રાખી પૂર્વોત્તરનાં સાત રાજ્યો ખેડવા માટે અનુકૂળ દિશાએ યોગ્ય યાતાયાતના સાધનો મળી રહે અને જો પોતાનું ખાસ વાહન હોય તો ભયો ભયો. મોટર માર્ગે સફરનો ફાયદો એ કે પસંદગીનાં સ્થળો અને રસના વિષયોને ધ્યાને રાખીને સમયસારણી બનાવી શકાય. જેમ જેમ આરોહણ કરતાં જઈએ તેમ તેમ ગુંજામાં ગમતો ગુલાલ ભરવાની મોજ પડી જાય. વળી, વચ્ચે વચ્ચે આંખને મિજબાની આપતા અને હૃદયને નિસર્ગ પ્રત્યેના શુધ્ધ પ્રેમથી ભરી દેતાં સ્થળોને દિલ દઈ બેસીએ. એના અંકમાં બિરાજીને પછી આળોટી પડીએ. પંદર હજાર ફૂટની ઊંચાઈએ આવેલ તવાંગ ન માત્ર ભારત - ચીન સરહદ માટે પ્રખ્યાત છે પણ માર્ગમાં મળતા અનેકાનેક અચરજને પામવાનો પથ પણ છે. નામેરી નેશનલ પાર્ક, યાક ઉછેર કેન્દ્ર, નામેરી નદીનો લીસ્સી રેતીવાળો પટ. ફળદ્રુપ ઊંડી ખીણો, ગરમ પાણીના ઝરા, નેમસેક નદી, કિતી, કોળાં, વિવિધ શાક અને ટમેટાના ફળના પાર્સેમમ ફળની વાડીઓ, ચાનાં લીલાં-પોપટી વર્ણ અને પર્ણ વાળાં ઢોળાવ ઉપરના બાગ, શંકુદ્રુમ જંગલો, ફીંગફીંગ મા ફોલ, જંગ ફોલ, સેંકડોની સંખ્યામાં માર્ગમાં પોતાનાં શિકારોની વર્ષા કરતા અન્ય નામી-અનામી ધોધ આપણા ગળા અને આંખની તરસને છિપવી કર્ણને પણ પોતાનો મર્મર ધ્વનિ સંભળાવી ધન્ય-તૃપ્ત કરી દે. અસાધારણ કદ અને સૌંદર્યયુક્ત તળાવો બોમ-લા-પાસ અને સે-લા પાસની આસપાસ વિલસે. પર્વતોની ભાગીદારી કરી તેમના ખોળામાં બિરાજેલ શુંગત્સર સરોવર ભારતની ધરોહર છે.

સ્મારક જાણે રાઈફલ મેન જસવંતસિંહનું રૂપચિત્ર

આ એ જ સ્થળ છે જ્યાં સ્મારક ઊભું કરાયું છે. સંકુલમાં છદ્માવરણ-સંતાવાની - યુધ્ધની વ્યૂહ રચનાની ઝાંખી કરાવતા બંકર્સની હયાતી પણ અનુભવાય. બંકર્સ 'હેરિટેજ' બની ગયા છે. આ મંદિરની બારીઓમાંથી ૧૯૬૨માં ખેલાયેલા ખરાખરીના ખેલની મનોમન ઝાંખી થાય છે. તો, વળી સ્મૃતિ સ્થળની અંદર નજર જાય ત્યારે દીવાલો પર ઓમ મણી પહ્મ ઓમનું રટણ જોવા મળે. જવાનના શિલ્પને ચાર સ્તંભવાળા મંડપ વચ્ચે સુંદર, શૃંગારિત રીતે ગોઠવવામાં આવ્યું છે. લાલ સ્તંભો, કમાનો અને બારસાખ જેવા પાટડા એકમેકનો હાથ ઝાલીને જાણે કે પ્રસન્ન વદન જણાય છે. ફળ, ફૂલ, વ્યાલ, પર્ણ, વલ્લરી, ગુલાબ, કમળ, શંખ,ફ્રી-હેન્ડ ભાત વળાંકદાર આકારોમાં વર્તુળ ૨૦ શોભામાં અભિવૃધ્ધિ કરે છે. ઘાટા, ઘેરા રંગો અનેરી છાપ છોડે છે. એક કોર ભયાવહ યુધ્ધનાં એંધાણ અને બીજી બાજુએ સ્થાપત્ય કલા, કાષ્ટકલા અને ચિત્રકલાનાં મંડાણ સમાંતરે આપણું ધ્યાન ખેંચે છે. હવે જુઓ, મંદિર ફરતે, ચોમેર હિમાલયના શિખરો અને ફરતે ખીણ! ગ્રીષ્મ અને વર્ષાઋતુમાં કથ્થઈ-લીલા રંગનું વર્ચસ્વ ધરાવતી વનરાજી અને શિયાળે હિમનાં છત્ર ધરાવતાં હિમ શિખરો! આવા સૌંદર્ય ખચિત - સમૃધ્ધ સ્થળે એવું તલ શું બન્યું આપણા જવાનો સાથે? પગથિયાં ઉતરીએ ત્યારે બારીકીથી જોવાનાં બાકી રહેલાં ચિત્રો શું કહે છે તે પહેલાં જાણીએ. બૌધ્ધ શૈલીનાં વિચાર પ્રેરક અઢળક ચિત્રોમાંનાં કેટલાંકને મળીએ. દરેક ચિત્ર ઘાટા રંગનું અને દરેકમાં ફૂલ, ચિત્રો પ્રતીકાત્મક. પરવાળાં : મૂલ્યવાન છે તેની રાણીનું પ્રતીક, ગેંડાનું શીંગડું, કીમતી ઘોડાનું પ્રતીક, અરીસો : બુધ્ધના શરીરનું પુન : બંધારણ સૂચવે, હાથીનું ગંડસ્થળ : મદમસ્ત હાથી, ત્રણ આંખવાળું રત્ન : મૂલ્યવાન ચક્રનું પ્રતીક હાથીદાંત : કીમતી કુદરતી તત્વ - નજરાણું, ગોળ બુટ્ટી-કડી : રત્નની મંજૂરી.

તવાંગમાં 150 ગુજરાતી સૈનિકોની કંપની તૈનાત!

હિમાલિયન-શ્રેણી તરફ કૂચ કરતાં વચ્ચે જસવંતગઢ ખાતે પડાવ નાખવો જ પડે. તવાંગથી ૨૫ કિ.મી. દુર ૧૦,૦૦૦ ફૂટની ઊંચાઈએ આવેલા અહીંના વોર મેમોરિયલની મુલાકાત લેવા જેવી. નુરાનંગ જિલ્લામાં આ સ્મારકનુેં સ્થાપત્ય એશિયન  પેગોડા જેવું છે. ઉત્તરાખંડના ''૪ ગઢવાલ રાઈફલ્સ'' કંપનીના વીર જવાન સ્વ.જસવંતસિંહ રાવતનું આ સ્મૃતિમંદિર છે. ટેકરી ચડતાં જ મસમોટી પરસાઈ આપણને ''ભલે પધાર્યા'' કહે. એની ડાબી જમણી બન્ને બાજુની દીવાલોએ બૌધ્ધકળાનુ પ્રતિનિધિત્વ કરતાં ચિત્રો અને સાથેની નોંધ જોવા મળે; પણ એને પછી વળતાં નિરાંતે જોઈએનો વાયદો કરી સન્મુખ દેખાતા મંદિરનાં ઊંભા દસ પગથિયાં ચડવા માંડીએ. સોપાનના આરંભે બે સ્તંભો પર વ્યાલ જેવી આકૃતિ, ફૂલ, વેલ, વળિયા આદિ સફેદ તથા ઘાટા વાદળી રંગોમાં જોવા મળે. મંદિર આમ તો સાદું બાંધકામ ધરાવે છે પણ સૌથી ઉપરના કઠેડા ઉપર પેગોડાને હોય એવી પાંખ સમબેછજા દેખાય. રાષ્ટ્રધ્વજ લહેરાતો જોઈ પવનની દિશા પકડાય. નાના, પ્રતીકાત્મક ઓરડામાં મધ્યમાં નાના ચબૂતરા પર એક અડધું શિલ્પ દેખાય. બસ, એ જ છે જવાન જસવંત સિંહ. બન્ને બાજુએ એક-એક મશાલ સાથે એમની જીવનીનું અંકન કરતી માહિતી. દીવાલો પર એમની સાથેના સૈનિકો ત્રિલોક અને ગોપાલ તથા અન્ય જવાનોની તસવીરો ફરતે કાચના કબાટોમાં એમની વસ્તુઓ - યુનિફોર્મ, કેપ, ઘડિયાળ, કમર પટ્ટો, હથિયારો આદિ મૂળ સ્વરૂપે યથાવત્ સાચવીને રાખ્યાં છે. ઓરડીના  એક ખૂણામાં એક વૃક્ષનું ઠૂંઠું દેખાય - જેની નીચે જસવંતસિંહે અંતિમશ્વાસ લીધા હતા. આ સ્થળને ''સ્મૃતિ સ્થળ'' કહે છે. એક સંતે આ સ્થળ સાચવ્યાની લોકકથા છે.

'જબ દેશમેં થી દિવાલી, વો ખેલ રહે થે હોલી'

કવિ પ્રદીપજીએ દિવાળી-હોળીના ઉલ્લેખ સાથે જે જવાનોને બિરદાવ્યા છે એમણે કેવો જંગ ખેલ્યો? ૧૯૬૨માં ચીન સાથેની લડાઈમાં આપણી સંગીન વ્યૂહ રચના હતી. આ જ પોસ્ટ ઉપર આર્મિમેન જસવંતસિંહ રાવત અને અન્ય જવાનો પાસે લાઈટ મશીનગન હતી. ચીનીઓ પાસે મિડીયમ મશીનગન શશય્  હતી. જસવંતસિંહે એમની ગન ખૂંચવી અને અન્ય જવાનો તથા બે છોકરીઓ - સેલા અને નુરા સાથે ટેકરીઓ પાછળ સંતાયા. વારાફરતી જુદી જુદી જગ્યાએ રાઈફલ ગોઠવી સતત ત્રણ દિવસ સુધી ફાયરિંગ કર્યું. ચીનાઓ ગભરાયા. જસવંતસિંહ એકલે હાથે પોસ્ટની રક્ષા કરી અને ત્રણસો ચીનાઓનાં ઢીમ ઢાળી દીધાં - જેમની કબરો અહીં છે. સતત બોંતેર કલાક ઝઝૂમ્યા અંતે તેઓ દુશ્મનોના હાથે હણાયા. અન્ય સૈનિકો અને પેલી બે દીકરીઓ- સૌ શહીદ થઈ ગયા. તે સમયે અરૂણાચણ ''નેફા'' ને નામે ઓળખાયું ત્યાં નજીકમાં બોમડીલા ગામ સુધી દુશ્મનો પહોંચી ગયેલા. જસવંતસિંહને મરણોત્તર મહાવીર ચક્ર (પ્રથમ) એનાયત થયો. અન્ય બે મિત્રો-ત્રિલોક અને ગોપાલને મરણોત્તર વીરચક્ર મળ્યા. બસ, આ જ વાત સ્પર્શી જાય કે આપણા જવાનોની વીરતા, આત્મસમર્પણની ભાવના અને હિંમત કાબિલે દાદ છે. ઉચ્ચતમ ગેલેન્ટ્રી એવોર્ડ પણ મેળવનાર જસવંતસિંહ ૧૯૪૧માં જન્મ્યા અને ૧૭ નવેમ્બર ૧૯૬૨માં બાવીસ વર્ષની કાચી વયે દેશને કાજે દેશની માટીમાં ભળી ગયા. બોમડીલા ગામના ''અગનગોળા'' મ્યુઝિયમમાં આ યુધ્ધની સ્મૃતિ સચવાઈ છે. ૨૦૦૨ સુધી એમને ''જીવતા માનદ કેપ્ટન'' તરીકે બિરદાવાયેલા. એકમેવ ''૪ ગઢવાલ રાઈફલ''ને  ''બેટલ ઓફ ઓનર''નું બિરૂદ મળ્યું : જય હિંદ

લસરકો : 

સ્મૃતિ મંદિરના પ્રત્યેક પગથિયે લખાયેલા શબ્દો: શૌર્ય, કર્તવ્ય, બલિદાન, વીરતા જઝબા, સંકલ્પ, હિંમત, સાહસ, નિષ્ઠા, હૌંસલા.


Google NewsGoogle News