ઈંધણાં વીણવા ગૈતી મોરી સૈયર... .
- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ
- અગ્નિરૂપ ખુદ ભગવાન છે - ઈંધણાં પણ અગ્નિનું નિમિત્ત છે અથવા કાચો અગ્નિ છે. 'ઈંધણાં' માત્ર ધાનને રાંધવાનું જ કામ કરે છે એ ખ્યાલ ઉપરછલ્લો છે...
આ પણા જ્ઞાનપીઠ વિજેતા કવિ રાજેન્દ્ર શાહે પણ એક સુંદર કાવ્ય ગીત લખ્યું છે એ કાવ્ય લોકપ્રિય પણ થઈ ગયું છે, તેમાં ઈંધણાની વાત છે પણ ઈંધણાં નિમિત્ત બન્યાં છે અને યૌવન પોતાના માણીગરનો સહવાસ કેળવે છે - આ ગીતમાં 'કામ' અગ્નિનું પ્રતીક બન્યાં છે. ઈંધણાં ઈંધણાં આધાર છે.
ઈંધણાં વીણવા ગૈતી મોરી સૈયર
ઈંધણાં વીણવા ગૈતી રેલોલ
કાવ્યની નાયિકા પોતાની સહિયરને, ખેતરમાં થયેલો સુખદ અનુભવ જણાવે છે. બપોરની વેળા એ યૌવનનું પ્રતીક બને છે અને ઈંધણાં કામનું પ્રતીક બને છે - એ શૃંગાર કાવ્ય છે અને પૂર્ણ સંયમથી લખાયું છે. આખા કાવ્યમાં 'ઈંધણાં' શબ્દ જ કાવ્યને ઉદ્ઘાટિત કરે છે. ઈંધણાં વીણવાની ઘટના- નો કાવ્યાત્મક વિનિયોગ થયો છે. ઈંધણાંના આધારે - સહારે લક્ષ્ય પ્રાપ્તિ સરળ બની છે.
આપણે ત્યાં ઋષિમુનિઓ શિષ્યોને 'ઈંધણાં' વીણવા જંગલમાં મોકલતા, એ વાત જૂની છે. એમાં પણ યજ્ઞાનાં સાધનો લાવી અને સહાયભૂત થવાની તાલીમ છે - મૂળે તો યજ્ઞા ને સફળ કરવાની વાત છે. ઋગ્વેદના મંત્રો થકી વિનોબાજીએ તારણ કાઢયું છે કે ખેતીની શોધ સર્વપ્રથમ ભારતમાં થઈ હોવી જોઈએ. એ શોધને કારણે માંસાહારથી છૂટવાનો માર્ગ મોકળો થયો. માંસાહારનો વિકલ્પ ઊભો થયો. આપણે અહિંસક રીતિથી જીવતાં શીખ્યા. ઈંધણાં જીવનને ઉપકારક બને છે.
આપણી પારંપરિક ખેતી કેવળ વ્યવસાય નથી. એમાં ઘણું મોટું આધ્યાત્મિક રહસ્ય છુપાયું છે.ચપટી દાણા નાખી મબલખ મોલ લણી લેવો, એટલે બીજાં પ્રાણીઓની જેમ ભટકવાનું ટળી ગયું.માણસ જીવનનિર્વાણ બાબતે નિશ્નિંત થઈ ગયો - ખેતી સાથે પરિશ્રમ જોડાય છે અને પરિશ્રમ પૂર્વક ધરતી નામના હવનકુંડમાંથી અઢળક ધાનના ઢગલા થાય છે. આ પણ એક યજ્ઞા છે - આ યજ્ઞામાં ખેડૂતનો પરસેવો જ ઘી ઘૃતમ બને છે... યજ્ઞા સફળ થાય છે. પરસેવો ઈંધણનું જ કામ કરે છે.
ઈંધણાં વીણવા ગૈતી કાવ્યની પંક્તિમાં આપણે ઈંધણ શબ્દમાંથી પ્રાદેશિક શબ્દ એંધણાં/રાં શબ્દ બન્યો છે. ઉત્તર ગુજરાતમાં તો 'એંધરાં' કહે છે - ચૂલો સળગાવવા માટેનું બળતણ. ઈંધણાં એટલે લાકડાં જ નહિ, છાણાં સુક્કી સાંઠી સુક્કો થોર, સુક્કી ડાળી, સુક્કા-ભીના કરચા, તુવર-કપાસ સુકાયેલા છોડ જેવું ઘણું બધું. સગવડ હોય તો ખેડુ ગાડામાં કે એકામાં ઘરે લાવે, નહિ તો ટોપલી કે ભારે ભારે ઘરે આવે. વીણવા પણ જવું પડે. રોજ રસોઈ કરવા રોજેરોજ જોઈએ એટલે ખેતર-સીમમાંથી ચૂલા સુધી લાવવાનું કામ કરવું પડે ઇંધણની યાત્રા સીમથી ચૂલા સુધીની.. એમ કહીએ કે હવનકુંડ સુધીની. ઈંધણ એક અર્થમાં હવનની સામગ્રી છે. અન્નદેવ તેની સહાયથી રીઝે છે. 'ઈંધણાં' ની સહાયથી યજ્ઞાકુંડ પ્રજવલિત થાય છે, એમાં પાકેલું ધાન વળી પાછું ઉદરના કુંડમાં પધરાવાય છે. જીવનનો આધાર અન્ન ભલે ગણાય પણ અન્નને પકવનાર ખેડૂત અને આહારમા પરિવર્તિત કરનાર ઈંધણનો ફાળો નાનોસૂનો નથી.
અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિત
પ્રાણાપાન સમાયુક્ત: પચામ્યન્નં ચતુર્વિધમ્ ાા ૧૪ ાા
(ગીતા. અધ્યાય-૧૫)
(હું સર્વ પ્રાણીઓનાં શરીરમાં સ્થિત થયેલો વૈશ્વાનર અગ્નિરૂપ થઈને પ્રાણ તથા અપાન વાયુથી યુક્ત થઈ ચાર પ્રકારના અન્નને પચાવું છું.)
અગ્નિરૂપ ખુદ ભગવાન છે - ઈંધણાં પણ અગ્નિનું નિમિત્ત છે અથવા કાચો અગ્નિ છે. 'ઈંધણાં' માત્ર ધાનને રાંધવાનું જ કામ કરે છે એ ખ્યાલ ઉપરછલ્લો છે. ઈંધણાં બધા પ્રકારની ભૂખને ઠારે છે. ઈંધણાં શક્તિ પેદા કરે છે...પેટ્રોલ, ડિઝલ ખનિજ સામગ્રી ઈંધણ જ છે. જેનું શક્તિમાં રૂપાંતરણ થાય છે તે બધું જ શક્તિસહાયક ઈંધણ હોય છે...
ખેતરે ઈંધણાં વીણવા ગયેલી કુમારિકાઓ, કિશોરીઓ વાડે વાડે ફરી, સુક્કા ઈંધણને ગોતે છે. સુક્કા છાણાં પણ ટોપલામાં ભરે છે. ત્યારે તો તેમનું લક્ષ કેવળ ચૂલાનું ઈંધણ વીણવાનું હોય છે પણ પરોક્ષ રીતે તેઓ યજ્ઞાની આહુતિ આપનારી ઋત્વિજાઓ બની રહે છે.
ધરતીના હવનકુંડમાં પરસેવારૂપી ઈંધણ પડતાં જે ધાનના ઢગ થાય, પછી વૃક્ષો, પશુ, પંખી બધાં જ એનાં હકદાર બને માણસનો પરિવાર મોટો થાય, બંધુત્વ ભાવના વિકસે માણસ દિવ્ય જીવનનો અનુભવ કરે. આને તમે 'બ્રહ્મકર્મ' કહો કે 'યજ્ઞાકર્મ' કહો પણ સ્વરૂપભેદે ઈંધણાંનું જ આ પરિણામ છે. જીવાતું જીવન પણ સૂક્ષ્મ અર્થમાં એક યજ્ઞા છે.
ભગવાન બુધ્ધ અને એક ખેડૂત વચ્ચેનો સંવાદ છે. બુધ્ધ ભગવાન એકવાર ભિક્ષા માંગતા માંગતા એક ખેડૂતને ત્યાં પહોંચ્યા, ત્યારે ખેડૂતે તેમને પૂછયું કે જેમ હું ખેતી કરીને મારું પેટ ભરું છું - મહેનત કરું છું, તમે તેમ નથી કરતા ? 'આ ભિક્ષા શા માટે માંગો છો ?' ભગવાન બુધ્ધ થોડીવાર સાંભળી રહ્યા, પછી તેમણે કહ્યું -
'હું પણ તારા જેવો ખેડૂત જ છું - બુધ્ધિ એ જમીન છે અને હું તેની પર તપસ્યાનું હળ ચલાવું છુ. ખેડ કરું છું. તેમાં સદ્ભાવનાનાં બીજ રોપું છું. હું તેના પર ફરી હળ ચલાવું છું.' ભગવાને શરીરશ્રમનો મહાન સિધ્ધાંત સમજાવ્યો છે. શરીરશ્રમ એક વિશિષ્ટ પ્રકારનાં ઈંધણાં છે.
ઈંધણાં સ્થૂળ અર્થમાં તો સળગે છે - પ્રકાશ અને ગરમી ઉજાસ આપે છે. પરંતુ પ્રત્યેક કર્મ ઈંધણ છે. કેટલાક લોકો બુધ્ધિથી કામ કરે છે ત્યાં બુધ્ધિ ઇંધણ બને છે કેટલાક શરીરશ્રમથી કામ કરે છે ત્યાં પરસેવો ઈંધણ બને છે. ઈશ્વરે દરેકને મગજ આપ્યું છે, અને ઉદર પણ આપ્યું છે. માણસનું સતત ચિંતન ચાલ્યા કરે છે. માણસને ભૂખ-તરસ પણ લાગે છે. એ ભૂખને સંતોષવા માણસ જે કંઈ વિચારે છે જે કંઈ આચરણમાં મુકે છે તે બધાં જ કર્મો નામફેરે ઈંધણ જ છે. એ ઈંધણ જ પેટને ઠારે છે. ઉદરને ભોજન આપે છે ઈંધણ ઓરતા જ રહેવું પડે, યજ્ઞા સતત ચાલવો જોઈએ હવનકુંડ અખંડ ચેતનવંતો હોવો જરૂરી છે, એ ચેતન માટે ઈંધણાંની આવશ્યકતા છે.