Get The App

કાશી કાકીના ઘરનો એ ઓરડો

Updated: May 18th, 2024


Google NewsGoogle News
કાશી કાકીના ઘરનો એ ઓરડો 1 - image


- ઝાકળઝંઝા - રવિ ઈલા ભટ્ટ

- મેં ચાર વર્ષ તેમના ઘરે રહીને જે ૫૦ રૃપિયા દર મહિને આપ્યા હતા તેને તેઓ પોસ્ટ ઓફિસની એક સ્કીમમાં મુકાવતા હતા. એ અભણ સ્ત્રીએ મારા પૈસા મારા માટે ઈન્વેસ્ટ કરાવ્યા હતા...

'અ નુ બા, એક સવાલ પૂછું. આ જે દિપેશ અંકલ આવ્યા હતા એની સાથે આપણા ફેમિલીનો રિલેશન શું થાય.' - ખનકે પોતાની દાદીને સહજ સવાલ કર્યો.

'બેટા, દિપેશના પપ્પા અને હું અમે કલીગ હતા. અમે સાથે જોબ કરતા હતા. હું જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ પછી નંદાસણ ગામમાં મને પહેલી જોબ મળી હતી. ત્યારે દિપેશ અંકલના પપ્પા એ સ્કુલમાં ગણિત અને વિજ્ઞાાન ભણાવતા હતા.' - અનુ બાએ જવાબ આપ્યો.

'દાદી કયા યરમાં તમે જોબ કરતા હતા.' - ખનકની જિજ્ઞાાસા વધવા લાગી હતી.

'૧૯૮૨માં મને નંદાસણમાં જોબ મળી હતી. મારે અંગ્રેજી ભણાવવાનું હતું. હું અમદાવાદથી ત્યાં અપડાઉન કરતી હતી. થોડા ટાઈમ પછી મેં ત્યાં ભાડે... એટલે કે રેન્ટ ઉપર ઘર લઈ લીધું હતું. હું જ્યાં રેન્ટ ઉપર રહેતી હતી તે સંજય દાદા એટલે કે દિપેશ અંકલના ડેડીનું ઘર હતું. હું તેમના ઘરમાં જ એક રૃમમાં રહેતી હતી. મન્ડે થી સેટરડે રહેતી અને સેટરડે બપોરે સ્કૂલ પૂરી થાય એટલે ઘરે આવી જતી. ફરીથી મન્ડે સવારે પહોંચી જતી.' - અનુબા 

એ કહ્યું.

'તમે સંજયદાદાના ઘરે રેન્ટ ઉપર રહેતા હતા તો પણ તમારે આટલા લાંબા રિલેશન છે. આપણા કાંકરિયાવાળા ઘરમાં અત્યાર સુધીમાં છ-સાત ફેમિલી રેન્ટ ઉપર રહેવા આવી ગયા પણ આપણે તો કોઈની સાથે રિલેશન નથી. તો પછી તમારે આટલો લાંબો રિલેશન કેવી રીતે ચાલ્યો.' - ખનકનો સવાલ 

વાજબી હતો.

'યુ આર રાઈટ બચ્ચા... પણ એ માણસો અલગ હતા. એ નોખી માટીના માણસો હતા. એમાંય અમારી કાશી કાકી... એની તો વાત જ થાય એવી નહોતી.' - અનુબા જવાબ આપતા આપતા જાણે કે ભૂતકાળમાં સરી પડયા.

'દાદી તમે શું કહો છો એ સમજાતું નથી. બટ ઈફ ધેર ઈઝ એ સ્ટોરી... આઈ એમ ઈન્ટ્રેસ્ટેડ... પ્લીઝ સ્ટોરી કહો ને.' - ખનકે અનુબાનો હાથ પકડી લીધો.

'બર્યું તમારું અંગ્રેજી. સારું પણ સ્ટોરી સાંભળ્યા પછી તારે મને ચા પીવડાવી પડશે. બનાવવી પણ તારે જ પડશે. તો જ સ્ટોરી કહીશ.' - અનુબાએ મીઠી જિદ કરી.

'સ્યોર સ્યોર દાદી... સ્ટોરી માટે કંઈપણ...' - ખનક અનુબાને વળગી પડી.

'બેટા હું જ્યારે એજ્યુકેશન પૂરું કરીને નંદાસણમાં જોબ કરવા માટે ગઈ ત્યારે મારી મુલાકાત સંજય ભાઈ, કિશોર ભાઈ અને એસ. કે. ઝા સાહેબ સાથે થઈ હતી. કિશોરભાઈ અમારી નંદાસણ એજ્યુકેશન ટ્રસ્ટ સ્કૂલના પ્રિન્સિપાલ હતા. સંજયભાઈ વાઈસ પ્રિન્સિપાલ અને એસ.કે. ઝા અમારા ક્લાર્ક હતા. મારી એપોઈન્ટમેન્ટ થઈ ગઈ પછી દરરોજ હું અમદાવાદથી બસ પકડીને નંદાસણ આવતી અને પાછી જતી હતી.'

'ઘણી વખત શિયાળામાં બસ વહેલી મોડી થતી. ચોમાસામાં તો પાણી ભરાઈ જાય ત્યારે દસ દસ કિલોમીટર ચાલીને બસ પકડવા જવું પડતું હતું. આ બધું જોઈને એક દિવસ સંજયભાઈએ મને કહ્યું કે, બેન તમને વાંધો ના હોય તો અહીંયા જ ક્યાંક ભાડે મકાન લઈ લો ને. તમારે સોમથી શુક્ર અહીંયા રહેવાનું અને શનિવારે સવારે સ્કૂલ ભરીને બપોરે અમદાવાદ જતા રહેવાનું.'

'તેમનો આઈડિયા મને સારો લાગ્યો. મેં જ તેમને કહ્યું કે, તમે જ આઈડિયા આપ્યો છે તો તમે જ ઘર બતાવો. તેઓ મને પહેલાં તો તેમના જ ઘરે લઈ ગયા. ત્યાં હું જઈને તેમના પત્ની વિમળાબેનને મળી. તેમના મમ્મી કાશી કાકી પણ તેમની સાથે જ રહેતા હતા. તેમના ઘરની સામેની તરફ તેમના મોટાભાઈનું મકાન હતું. થોડે દૂર તેમની બહેન શારદાનું સાસરું હતું. તેમનો મોટાભાગનો પરિવાર આસપાસ જ રહેતો હતો.'

'હું તેમના ઘરમાં ગઈ તો કાશી કાકીએ મને પ્રેમથી આવકારી અને તેમની જોડે જ ખાટલામાં બેસાડી. સંજયભાઈએ બધી વાત કરી કે બેનને એક મકાન ભાડે જોઈએ છે. એવું હોય તો શારદીના જેઠનું મકાન અપાવી દઉં. આમેય એમનું ઘર ખાલી પડયું છે. બેનને સગવડ થઈ જશે અને એમનું ઘર સચવાઈ જશે.'

'બેન શું નામ તારું.' - કાશી કાકીએ પ્રેમથી બરડો પસવારતા મને પૂછયું હતું. 'મેં કહ્યું અનિલા ઉમાશંકર દવે.' 

'નાનકા... તારી બુદ્ધિ ચરવા ગઈ છે. બામણની દિકરીને આમ પારકા ઘરમાં એકલી ભાડે રેવા દેવાય. મારા ઓરડામાં બેનના રહેવાની વ્યવસ્થા કરજે. બેન હું મહિના ૫૦ રૃપિયા ભાડું લઈશ. ખાવાની વ્યવસ્થા જાતે કરવાની. ઘણી વખત મને પણ ખવડાવવું પડશે. બોલ મારા ભેગી રહીશ.' - કાશી કાકીએ કહ્યું.

'હું અને સંજયભાઈ તો એમની સામે જ જોઈ રહ્યા. સારો દિવસ જોઈને મેં થોડા કપડાં, એક પ્રાઈમસ અને થોડા વાસણો સાથે નંદાસણમાં કાશી કાકીના ઓરડામાં ધામા નાખ્યા. શરૃઆતનો એક મહિનો તો કાશી કાકીએ કડકાઈથી પસાર કરાવ્યો પણ ધીમે ધીમે તેમનું વલણ બદલાવા લાગ્યું. લગભગ બે મહિના પછી તો હું જાણે કે તેમની દીકરી જ હોઉં તેમ મને રાખવા લાગ્યા. ગામમાં પણ મારું માન ખૂબ જ જળવાતું હતું. ગામના છોકરાઓ, તેમના માતા-પિતા પણ ખૂબ હેત વરસાવતા.'

'હું છોકરાઓને ફટકારતી, મારતી અને અંગ્રેજી ભણાવતી. કોઈના મા-બાપ ફરિયાદ કરવા આવતા નહોતા. બેન જે કરે એ ફાઈનલ કહીને છોકરાઓને સુધરવા માટે માતા-પિતા દબાવતા. આ રીતે દિવસો પસાર થતા હતા. ઘણી વખત હું રજાઓમાં અમદાવાદ જતી તો ક્યારેય મારા મમ્મી અને મારી બહેન અમદાવાદથી નંદાસણ આવતા હતા.'

'આ દરમિયાન કાશી કાકી જોડે મારો સંબંધ અત્યંત ગાઢ થઈ ગયો હતો. એક મજાની વાત એ હતી કે, દર મહિનાની સાતમી તારીખે તેઓ મારી પાસેથી ભાડાના ૫૦ રૃપિયા અચૂક લઈ લેતા હતા. તેઓ આ બાબતે કોઈ બાંધછોડ કરતા નહીં. લગભગ એકાદ વર્ષથી તો અમે બધા સાથે જ ભોજન કરતા હતા. મેં મારો પ્રાઈમસ પણ વાપર્યો નહોતો. સમય પસાર થતો હતો અને બધું રાબેતા મુજબ ચાલતું હતું.'

'સમયના પ્રવાહ વચ્ચે અમારો સંબંધ વધારે મજબૂત થયો હતો. તું માત્ર સંજયભાઈ જ નહીં સમગ્ર નંદાસણ ગામનો એક ભાગ બની ગઈ હતી. આ દરમિયાન સંજયભાઈને ત્યાં દિપેશ અને તેની નાની બેન સોનલનો જન્મ થયો. ત્યારે હું વિમળાભાભીનું ધ્યાન રાખતી અને રસોઈનું કામ સંભાળતી. થોડા વખત પછી કાશી કાકી બિમાર પડયા. તેમને શું થયું એ સમજાતું નહોતું પણ અમે તેમને અમદાવાદ લઈ ગયા. ત્યાં સિવિલમાં તેમને એક મહિનો રાખ્યા. તેમની સારવાર કરાવી અને દર અઠવાડિયે ચાર મહિના સુધી ઈન્જેક્શન લેવા લાવવાનું કહેવામાં આવ્યું. આ જવાબદારી મેં સ્વીકારી હતી. દર શનિવારે હું બપોરે કાશીકાકીને લઈને બસમાં અમદાવાદ આવતી. તેમને સિવિલ લઈ જઈને ઈન્જેક્શન અપાવતી અને મારા ઘરે લઈ જતી. ત્યાં અમે એક દિવસ રોકાતા અને સોમવારે નંદાસણ પાછા 

આવી જતા.'

'આ અમારો સંવેદનાનો ગણો કે સ્નેહનો ગણો પણ સંબંધ જળવાયેલો હતો. આ દરમિયાન મારા લગ્ન નક્કી થયા. તારા દાદા સરકારી નોકરી કરતા હતા. તેઓ આણંદ ટ્રેઝરી વિભાગમાં હતા. તેઓ પણ અપડાઉન કરતા હતા. અમારા લગ્ન થયા બાદ અમે અમદાવાદમાં એક મકાન લીધું. અમને મકાનમાં શિફ્ટ થવામાં એક વર્ષ લાગ્યું. પૈસાની વ્યવસ્થા અને અમદાવાદ બદલી કરાવવામાં એક વર્ષ જેટલો સમય લાગ્યો હતો.'

'મેં જ્યારે કાશી કાકીનો ઓરડો ખાલી કર્યો ત્યારે અમે બંને એકબીજાને ભેટીને ખૂબ રડયા હતા. 

છેલ્લાં ચાર વર્ષથી અમે એકબીજાના સાથી હતી. એ મારી મા અને હું એની દીકરી હતા. તને ખબર છે હું જ્યારે અમદાવાદ શિફ્ટ થઈ ત્યારે તેમણે મને જે ગિફ્ટ આપી તેની કલ્પના મેં કરી નહોતી અને કદાચ કોઈ કરી શકે તેમ પણ નહોતું.' - અનુ બા આટલું બોલ્યા અને સહેજ ઢીલા પડી ગયા.

'વાઉ દાદી... એવું તો તમને શું આપ્યું હતું. કોઈ વસ્તુ હતી કે, બીજું કશું હતું... કે પછી જ્વેલરી હતી.' - ખનકના અવાજમાં ખૂબ જ ઉત્સાહ હતો.

'મેં ચાર વર્ષ તેમના ઘરે રહીને જે ૫૦ રૃપિયા દર મહિને આપ્યા હતા તેને તેઓ પોસ્ટ ઓફિસની એક સ્કીમમાં મુકાવતા હતા. એ અભણ સ્ત્રીએ મારા પૈસા મારા માટે ઈન્વેસ્ટ કરાવ્યા હતા. મારા ૨૪૦૦ રૃપિયા ત્યારે વ્યાજ સાથે મને પરત કર્યા અને બીજા એટલા જ રૃપિયા તેમણે મને દીકરીના કરિયાવર તરીકે પણ આપ્યા.'

'જેમના માટે હું એક અજાણી છોકરી હતી તેમણે એક દીકરી તરીકે મને સાચવી. મારી કાળજી રાખી. મને જીવની જેમ રાખી અને વિદાય કરી. જીવનના છેલ્લાં શ્વાસ સુધી કાશી કાકીએ મને તેમની નજીક રાખી હતી. સંજય ભાઈએ પણ કાશી કાકીના દેવ થયાના આટલા વર્ષો પછી પણ મારી સાથે એટલું જ જોડાણ રાખ્યું છે. દિપેશ અને સોનલ પણ મને મોટી બેન જેટલું જ માન આપે છે અને વહાલ કરે છે. મારા જીવનના કપરાં સમયમાં સંજયભાઈ હાજર હોય છે અને તેમના કપરાં સમયમાં હું અને દાદા તેમની પડખે હોઈએ છીએ. કાશી કાકીનો એ ઓરડો મારા સ્નેહના સંબંધોનું બીજ હતું જે આજે વટવૃક્ષ થયું છે.' - અનુબાએ વાત પૂરી કરી અને ખનકના ચહેરા ઉપર અનાયાસે જ સ્મિત આવી ગયું.



Google NewsGoogle News