માનવકરુણાની 'થર્ડ આઈ' .
આજકાલ - પ્રીતિ શાહ
તા મિલનાડુના કોઇમ્બતુરના પોલાચીમાં રહેતી સરન્યા રેંગરાજે મનોવિજ્ઞાાનના વિષયમાં માસ્ટર કર્યું અને અમેરિકા જઈને એપ્લાઇડ બિહેવીયર એનાલિસ્ટ તરીકે અભ્યાસ કર્યો. અઢાર વર્ષની ઉંમરે એ લગ્ન કરીને પતિ સાથે અમેરિકા ગઈ. એચ.આર.માં એમ.બી.એ. કરનાર સરન્યાએ અમેરિકામાં ત્રણ વર્ષ કામ કર્યું અને ત્યારબાદ એ બંને યુ.કે. આવ્યા, પરંતુ સરન્યાએ ત્યાં કોઈ નોકરી સ્વીકારી નહીં, કારણ કે તેને ભારતમાં સ્થાપેલ શરણ્યાલયમ એન.જી.ઓ.માં એની માતાને મદદ કરવા આવવાનું રહેતું. સરન્યાની માતા વનિતા રેંગરાજ પોલાચીમાં કૉલેજમાં ઇતિહાસના પ્રોફેસર હતા, પરંતુ ૨૦૦૧માં અનાથ બાળકો માટે શરણ્યાલયમની સ્થાપના કરી અને નોકરીને તિલાંજલિ આપી. સેક્રેટરી અને ટ્રસ્ટી તરીકે કામગીરી બજાવતી સરન્યા વારંવાર ભારત આવતી અને સેવાનું કામ કરતી. કોઇમ્બતૂરથી ત્રેવીસ કિમી. અને પોલાચીથી વીસ કિમી. દૂર કિનાથુકડાવુમાં આવેલા શરણ્યાલયમમાં આજે અનાથ, ત્યજાયેલા, એચ.આઈ.વી. પોઝીટીવ, સેક્સ વર્કર તેમજ ભિક્ષુકોનાં બાળકો રહે છે. માનસિક રીતે અસ્વસ્થ અને મંદબુદ્ધિનાં બાળકો-કિશોરો રહે છે તેમજ વૃદ્ધાશ્રમ પણ છે. શરણ્યાલયમમાં સાત્વિક સેન્ટર અંતર્ગત ઓટીઝમવાળા બાળકોને થેરાપી આપવામાં આવે છે.
માતાની મદદ માટે આવતી સરન્યાએ જોયું કે સમાજમાં ઓટીઝમ અંગે કોઈ જાગૃતિ નથી. માતાપિતા તેને એક માનસિક બીમારી સમજીને કોઈ ઉપાય કરતા નથી. સૌથી મુશ્કેલ વાત તો એ છે કે તેમને આ અંગે સમજાવવા છતાં તેઓ ઓટીઝમ જેવી કોઈ બીમારી હોઈ શકે તે સ્વીકારવા માટે તૈયાર હોતા નથી. સરન્યા પોલાચી પરત આવી અને ૨૦૧૩માં થર્ડ આઈની સ્થાપના કરી. એક હેવાલ પ્રમાણે ભારતમાં એક કરોડ એંશી લાખ બાળકોને કોઈને કોઈ સ્વરૂપે ઓટીઝમની અસર છે. એકથી દોઢ ટકા બાળકો બેથી નવ વર્ષની ઉંમરમાં તેનો ભોગ બને છે. સરન્યાએ પોતાનું ધ્યાન ઓટીઝમવાળા બાળકો પર કેન્દ્રિત કર્યું. ૨૦૧૫માં અમેરિકા જઈને એપ્લાયડ બિહેવીયર એનાલિસિસનો કોર્સ કર્યો. સરન્યાએ સ્કૂલ, કૉલેજ અને જાહેર સ્થળોએ ઓટીઝમ અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા કાર્યક્રમો કર્યા. દરેક બાળકની જરૂરિયાત પ્રમાણે સારવાર શરૂ કરી. સાથે સાથે એ બાળકોના માતા-પિતાને પણ તાલીમ આપવાનું શરૂ કર્યું, જેથી તેઓ પોતાના બાળક સાથે એવું વર્તન કરે, જેથી તે ઝડપથી સમાજમાં ભળી શકે. 'થર્ડ આઈ'નો ઉદ્દેશ જ એ છે કે આવા બાળકોને સશક્ત બનાવવા. વૈજ્ઞાાનિક અને પુરાવા આધારિત સારવાર દ્વારા તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં ભેળવી દેવા. સરન્યાને સૌથી મુશ્કેલ કામ આવા બાળકોના માતા-પિતાને સમજાવવાનું લાગે છે. તેમને સમજાવે છે કે જો તેઓ લાગણીવશ થઈને બાળકની દયા ખાઈને બિચારા કહ્યા કરશે તો તેની સમસ્યાનો ઉકેલ આવશે નહીં. અહીં તેઓ રોજિંદા જીવનમાં ઉપયોગી એવાં કાર્યો શીખવે છે. જેમકે બ્રશ કરવું, તૈયાર થવું, યોગ્ય રીતે ખાવું, તેને ચાવવું, ચાવ્યા પછી ગળવું, કેવી રીતે બેસવું, ગોળાકારમાં બેસીને ખાવું, નામ દઈને બોલાવવું, અન્ય સાથે આંખો મેળવવી વગેરે. સરન્યાએ જોયું કે ઘણા બાળકો અનુકરણ કરી શકતા નથી તેથી અન્ય શું કરે છે તે દર્શાવે અને તેને ફરીથી કરે. તેમ ધીમે ધીમે અનુકરણ કરતાં શીખવે છે.
'થર્ડ આઈ'માં બાગકામ, કલા, પુસ્તકાલય, સંગીત, નૃત્ય, પાળેલા પ્રાણીઓ, શારીરિક શિક્ષણ, યોગ, રમત, કમ્પ્યૂટર, ટૅક્નૉલૉજી સાથે શિક્ષણ જેવી અનેક બાબતો સારવારમાં ઉપયોગી થાય છે અને બાળકોમાં પરિવર્તન જોવા મળે છે. માતા-પિતા માટે સૌથી મુશ્કેલ કામ તેને લઈને શોપીંગ મૉલ, રેસ્ટોરન્ટ કે પ્લે એરિયામાં લઈને જવું તે છે. કારણ કે તેને ખબર જ નથી પડતી કે કેવી રીતે વર્તવું. સાત-આઠ વર્ષની પુત્રીને માતા-પિતા અમેરિકાથી લઈને આવેલા તેને કેવી રીતે ખાવું અને બાથરૂમનો ઉપયોગ કેવી રીતે કરવો તેની સમજ નહોતી પડતી. થર્ડ આઈમાં ત્રણ મહિનામાં ઘણો સુધારો જોવા મળ્યો. અમેરિકામાં માત્ર પાસ્તા ખાતી પુત્રી અહીં બધું જ જમતી હતી. છ મહિના પછી આનંદ સાથે અમેરિકા પરત ફર્યા અને ત્યાં થેરાપી ચાલુ છે. સરન્યા કહે છે કે ઘણા વર્ષોથી તે આ કામ કરે છે, પરંતુ નવું બાળક આવે ત્યારે તે નર્વસ થઈ જાય છે. કોઈ બે બાળકો સરખા હોતા નથી. દરેક બાળક પાસેથી નવું જ શીખવા મળે છે. આજે ભારતના જુદા જુદા રાજ્યો ઉપરાંત દુબઈ-ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાંથી પણ બાળકો આવે છે.
કિનાથુકવાડુમાં પ્રથમ સેન્ટર ૨૦૧૩માં શરૂ કર્યું હતું. આજે કોઇમ્બતૂર શહેર, કોઇમ્બતૂર સરકારી હોસ્પિટલ અને કોઇમ્બતૂરથી ૮૫ કિમી. દૂર ગોબીચેટ્ટીપલમ - એમ કુલ ચાર સેન્ટર ચાલે છે. તાલીમ પામેલો સ્ટાફ અને તાલીમ લઈ રહેલા ચાળીસ કર્મચારીઓ આ કેન્દ્રો સંભાળે છે. બાળકને ક્યારેય ઓટીસ્ટીકનું લેબલ લગાડતા નથી. થોડી મદદ કરવાથી તેની વર્તણૂક સુધરી જશે એવી આશા સાથે કામ કરે છે. અત્યાર સુધીમાં ચારસો બાળકોને મુખ્યધારામાં સામેલ કર્યા છે. દર વર્ષે દસ-પંદર બાળકો મુખ્યધારાની સ્કૂલમાં યુનિફોર્મ પહેરીને જતાં જોઈને આનંદ થાય છે. સરન્યાની ઇચ્છા હવે બેંગાલુરુ, ચેન્નાઈ અને તિરુપુરમાં સેન્ટર ખોલવાની છે. આ ઉપરાંત સરન્યા પ્રીતમ રીટાયરમેન્ટ હોમ ચલાવે છે. જેમાં ૧૨૦ રૂમ છે તથા સ્વાસ્થ્ય રીટાયરમેન્ટ હોમની પોલાચીમાં સ્થાપના કરી છે. જેમાં સિનિયર સીટીજન વિલા ખરીદીને રહી શકે. આ બધા છતાં તેનો મુખ્ય રસ તો વધુને વધુ બાળકો ઓટીઝમમાંથી નીકળીને મુખ્યધારામાં સ્થાન પામે તેમાં છે.
- અમોલની અમૂલ્ય દેન
જી વનમાં નાનપણમાં અનેક સંઘર્ષ વેઠીને સફળતા મેળવનાર અમોલ સૈનવાર આજે અનેક લોકોને મદદ કરી રહ્યા છે. મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના સાવ નાના ગામ રાજોરામાં અમોલનો જન્મ થયો હતો. આઠ વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવનાર અમોલ પોતાની ત્રણ બહેનોની સંભાળ લેવા માતાને મદદ કરવા લાગ્યા. તેને માટે નાની ઉંમરમાં બ્રેડ વેચવા જતા. રસ્તા પર કોલસા પડયા હોય તેને એકઠા કરતા, જેથી માતા ભોજન બનાવી શકે. વેકેશનમાં ટાયર બદલવાનું કામ કરતા. અભ્યાસમાં તેજસ્વી અમોલે બારમા ધોરણની પરીક્ષા સારા માર્ક્સ સાથે પાસ કરી, પરંતુ આર્થિક મુશ્કેલીને કારણે એન્જિનીયરીંગને બદલે ડી.એડ.માં પ્રવેશ મેળવવાનું નક્કી કર્યું. આ સમયે બે શિક્ષકો અને સ્કૂલના પ્રિન્સિપાલે આર્થિક મદદ કરી અને બી.ટેક્.માં પ્રવેશ અપાવ્યો. બી.ટેક્.ની અંતિમ પરીક્ષામાં કૉલેજમાં પ્રથમ નંબર અને યુનિવર્સિટીમાં દ્વિતીય સ્થાન મેળવ્યું. ત્યારબાદ થોડો સમય યુગાન્ડા અને દુબઈમાં કામ કર્યું, પરંતુ સતત વતનનો સાદ સંભળાતો. એને થતું કે એના જેવા કેટલાય અમોલ છે અને બધા એવા ભાગ્યશાળી તો ક્યાંથી હોય કે તેને શિક્ષકોની મદદ મળી શકે?
પોતાના જેવા અનેક લોકોના ઉજ્જ્વળ ભવિષ્ય માટે તેણે ૨૦૦૭માં 'હેલ્પ અવર પીપલ ફૉર એજ્યુકેશન'(હોપ)ની સ્થાપના કરી. હોપ દ્વારા મળતી મદદથી ઘણા વિદ્યાર્થીઓ પોતાનું સ્વપ્ન પૂર્ણ કરી શક્યા છે. પોતાના જેવા અનેક લોકોને એન્જિનીયર, ડૉક્ટર, શેફ અને આઈએએસ અધિકારી બનાવવામાં મદદ કરી રહ્યા છે. ૨૦૧૩માં ભારતમાં બત્રીસમી રેન્ક મેળવનાર આઈએએસ વરુણ કુમાર બરનવાલે સોળ વર્ષની ઉંમરે પિતાને ગુમાવ્યા અને પરિવારની જવાબદારીને કારણે અભ્યાસ છોડી દેવાના હતા, પરંતુ અભ્યાસમાં તેજસ્વી વરુણ બરનવાલને માટે માતા અને બહેને મહેનત કરી. ત્યારબાદ હોપમાંથી મદદ મળી અને આઈએએસ બન્યા. પ્રભાકર પાચપુતેને ફાઈન આર્ટમાં માસ્ટર પૂરું કરવામાં હોપે મદદ કરી. યવતમાલ જિલ્લાના લોનવાડી ગામમાં વીજળી ન હોવાથી વિદ્યાર્થીઓ કેરોસીનથી ચાલતા લેમ્પમાં અભ્યાસ કરતા હતા, ત્યારે સોલર લેમ્પ 'વિદ્યા દીપ' આપ્યા, જેથી વિદ્યાર્થીઓ મોડી રાત સુધી અભ્યાસ કરી શકે અને સૌર ઊર્જાથી ચાલતી સ્ટ્રીટ લાઈટ લગાવી.
એન્જિનીયર અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ અમોલ સૈનવારે પુણેમાં ૨૦૦૭માં શિવપ્રભા ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી. આ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ, ગામડાંઓનો વિકાસ, ગામડાંઓને દત્તક લેવા, આરોગ્યની સેવાઓ, મહિલા સશક્તીકરણ, સેનિટેશન, મેડિટેશન જેવાં અનેક કાર્યો ચાલી રહ્યા છે. ટ્રસ્ટ દ્વારા એથ્લેટને સ્પોન્સર કરે છે. શિક્ષણ માટે સ્કોલરશિપ આપે છે. સેવ ફાર્મર ફેમિલી અંતર્ગત ૨૦૧૫માં તેત્રીસ વિધવાઓને સિલાઈ મશીન અને તેની તાલીમ આપવામાં આવી હતી. છ ગામોમાં આજે વીજળી આવી ગઈ છે. લોનવાડી ગામ પહાડ પર હોવાથી પાણી લેવા નીચે જવું પડતું હતું. તેના ઉકેલ માટે સોલરથી ચાલતી જળવિતરણ પ્રણાલી સ્થાપિત કરી. અમોલ સૈનવારે જોયું કે આ બધા ગામોમાં ખેડૂતો અને શ્રમજીવીઓના સંતાનો અભ્યાસ કરે છે, પરંતુ જ્યાં ખેતમજૂરોને દિવસના દોઢસો રૂપિયા મળતા હોય, ત્યાં સંતાનોને અભ્યાસ ક્યાંથી કરાવે ? દોઢસો રૂપિયા પણ મોટેભાગે છ મહિના સુધી જ મળતા હોય છે. ત્રણ એકર જમીન ધરાવતા ખેડૂત વર્ષે એક લાખ વીસ હજાર મેળવે છે, પરંતુ તેમાં કોઈ નફો મળતો નથી. આને કારણે તેના જીવનધોરણ પર અસર થાય છે. આવી મુશ્કેલીઓને કારણે સંતાનોને અભ્યાસમાંથી ઉઠાડી લે છે અથવા તો નોટબુક કે સ્કૂલબેગ ન હોવાથી વિદ્યાર્થી પોતે જ સ્કૂલે જવાનું પસંદ કરતો નથી. અમોલ સૈનવારે વિચાર્યું કે સ્કૂલબેગ, સ્ટેશનરી અને નોટબુકનો ખર્ચ સરેરાશ પાંચસો રૂપિયા થાય, પરંતુ ઘરમાં વધારે સંતાનો હોય તો માતા-પિતાને કેવી રીતે પોષાય ? ૨૦૧૪માં તેમણે એક લેખ વાંચ્યો જેમાં લખ્યું હતું કે ગામડેથી તાલુકા સુધી પહોંચવા માટેનો બસનો પાસ ન હોવાથી દસમા ધોરણના વિદ્યાર્થીએ આપઘાત કર્યો. તેમને લાગ્યું કે આપણને જે નાનો ખર્ચ લાગે છે તે આ લોકો માટે કેટલો મોટો છે ? તે લોકોને એક પેન કે નોટબુક લાવવાની હોય તો કેટલો વિચાર કરવો પડે છે ? અને જો સ્કૂલમાં તે લઈને ન જાય તો શિક્ષકની વઢ ખાવી પડશે આવા ભયથી તે સ્કૂલે જવાનું ટાળે છે.
આ પરિસ્થિતિને કારણે ૨૦૨૪ના પ્રજાસત્તાક દિને 'ગિફ્ટ એ સ્કૂલ કીટ' અભિયાન ચલાવ્યું. પાંચસો રૂપિયાની સ્કૂલ કીટમાં સ્કૂલ બેગ, નોટબુક, ડ્રોઇંગ બુક, વેક્સ ક્રેયોન, સ્લેટ, પેન્સિલ બૉક્સ અને અન્ય સ્ટેશનરી આપવામાં આવે છે. અંગ્રેજી માધ્યમની સ્કૂલ માટે બૂટ-મોજાં પણ આપવાની સગવડ કરી. આ અભિયાનને સારો પ્રતિસાદ મળ્યો અને નવ હજાર બાળકોને સ્કૂલ કીટ આપવામાં આવી. વીસ જિલ્લા પરિષદની ગામડાંની સ્કૂલોમાં આ કીટ વહેંચી જેથી કોઈ વિદ્યાર્થી અભ્યાસ છોડી ન દે. કોઈ બાળક આર્થિક મુશ્કેલીને કારણે અભ્યાસ ન છોડે તેવો આ ટ્રસ્ટનો હેતુ છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ લાઇબ્રેરીમાંથી પુસ્તકો મળી રહે તેવું આયોજન કર્યું છે. આજે અમોલ સૈનવાર અને તેની ટીમ ભારતના નવ રાજ્યો અને ૪૩ જિલ્લાઓમાં શિક્ષણ, આરોગ્ય, વીજળી, ગ્રામવિકાસનું કામ કરે છે.