Get The App

ડાયાબિટીસ હોય તો કેરી ખાવામાં આટલું ધ્યાન રાખો

Updated: May 18th, 2024


Google NewsGoogle News
ડાયાબિટીસ હોય તો કેરી ખાવામાં આટલું ધ્યાન રાખો 1 - image


- હેલ્થકેર - ડો.સંજીવ ફાટક

બ જારમાં ફળોના રાજા કેરીનું આગમન થતાં જ ડાયાબિટીસના દર્દી માટે એક પ્રશ્ન ઊભો થાય છે કે સ્વાદ,સુગંધ અને પૌષ્ટિકતામાં ઉત્તમ એવું આ ફળ આપણે ખાઈ શકીએ કે નહીં.ઉનાળાની ગરમીમાં આ ફળને ટાળવું ઘણું જ અઘરું હોય છે. આપણે જાણીએ છીએ એમ દરેક વ્યક્તિએ ફળો અને શાકભાજી લેવા જ જોઈએ. ફળો ખનીજતત્વો અને વિટામીન્સનો ઉત્તમ સ્ત્રોત છે તેમજ તેમાં દ્રાવ્ય  (Soluble) અને અદ્રાવ્ય (Insoluble) ફાઇબરનું યોગ્ય મિશ્રણ હોય છે. તેઓ એન્ટિઓક્સિડન્ટથી પણ ભરપૂર છે તેથી તેના સેવનથી હાઇબ્લડપ્રેશર, હૃદયરોગ, સ્થૂળતા અને કેન્સરનું જોખમ ઘટી શકે છે. ફળોના સંદર્ભમાં ઘણી બધી અનિશ્ચિતતા જોવા મળે છે કે તે ડાયાબિટીસના દર્દીઓ લઈ શકે કે નહીં. ખાસ કરીને આપણું પ્રિય ફળ કેરી આપણે ખાઈ શકીએ કે કેમ એ વિશે ખુબ જ મતમતાંતર છે તો આજે આપણે કેરી વિશે વિગતવાર ચર્ચા કરીશું.

કેરીને ફળોનો રાજા કેમ ગણવામાં આવે છે.

૧) પોષકતત્વો ઃ કેરીમાં પુષ્કળ પ્રમાણમાં પોષકતત્વો અને વિટામીન્સ હોય છે જેમ કે વિટામીન B6, વિટામિન A, E, K,, વિટામિન C, નાયાસીન, ફોલિક એસિડ, થાયામીન, રાઈબોફ્લેવિન વગેરે. તે ઉપરાંત તેમાં ખનીજતત્વો પણ વિશેષ પ્રમાણમાં હોય છે જેમ કે પોટેશિયમ, મેગ્નેશિયમ વગેરે.

૨) ઓછી કેલરી ડેન્સિટીઃ બીજા ફળોની જેમ કેરીમાં પણ કેલરી ઓછી હોય છે. એક કપ એટલે કે ૧૬૫ ગ્રામ કેરીમાં ૧૦૦ કરતાં ઓછી કેલરી હોય છે. 

૩) ઓછી ગ્લાયસીમિક ઇન્ડેક્સ (૫૬-૫૮)ઃ કેરીમાં સુગર અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે હોય છે તેમ છતાં ગ્લાયસીમિક ઇન્ડેક્સ ઓછી હોવાના કારણે ડાયાબિટીસના દર્દી તે માપસરમાં લે તો બ્લડ સુગરમાં ખાસ વધારો થતો જોવા મળતો નથી. અલબત્ત એ ધ્યાનમાં રાખવું જોઈએ કે ડાયાબિટીસ કાબુમાં ન હોય તો ડોક્ટરની સલાહ હોય તો જ કેરી લઈ શકો. પણ જો ડાયાબિટીસ સારો કાબુમાં હોય તો દિવસમાં 100 કે 200 gm કેરી ખાવાથી સામાન્ય રીતે બ્લડ સુગરમાં કોઈ વધારો થતો નથી. જોકે કેરીનો રસ લેવામાં આવે અને એમાં પણ જો ઉપરથી ખાંડ નાખવામાં આવે તો તેની ગ્લાયસીમિક ઇન્ડેક્સ ઘણી વધી જાય છે અને બ્લડ સુગર એકદમ વધી શકે છે.   (ક્રમશઃ)

૪) એન્ટિઓક્સિડન્ટઃ કેરીમાં પોલીફિનોલ અને મેંગીફેરીન જેવા એન્ટિઓક્સિડન્ટ તત્વો પુષ્કળ પ્રમાણમાં મોજુદ છે. જે શરીરના ઘણા કાર્યો માટે ઉપયોગી છે અને ઘણા બધા રોગો સામે રક્ષણ પણ આપે છે. 

૫) રોગપ્રતિકારક શક્તિમાં વધારોઃ વિટામીન છ, ભ અને ફોલિકએસિડની સારી માત્રાના કારણે કેરી વાયરસ, ઇન્ફેક્શન અને બીજા કેટલાક રોગો સામે રોગપ્રતિકારક શક્તિ પણ પૂરી પાડે છે.

૬) હૃદય રોગ માટે ઉપયોગીઃ કેરીમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ તત્વો તેમજ મેગ્નેશિયમ અને પોટેશિયમ, લોહીમાં રહેલી ચરબી અને લોહીના પરિભ્રમણ માટે ઉપયોગી છે અને તેથી હૃદય રોગ સામે પણ રક્ષણ આપે છે.

૭) પાચન શક્તિમાં સુધારોઃ કેરીમાં ફાઇબર્સની માત્રા સારા પ્રમાણમાં હોવાના કારણે અને કેટલાક પાચકરસો પણ હોવાના કારણે પાચન માટે પણ કેરી એક ઉપયોગી ફળ છે. 

૮) આંખોની તંદુરસ્તીઃ વિટામિન છ અને લ્યુટીન તેમજ જીયાજેનથીન જેવા એન્ટિઓક્સિડન્ટ તત્વોને કારણે કેરી આંખના રોગો સામે પણ કેટલાક અંશે રક્ષણ આપે છે.

ડાયાબિટીસના દર્દીઓ એક દિવસમાં કેટલી કેરી ખાઈ શકે છે?

કેરીના ૪  ટુકડામાં ૧૫ ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. ભોજન દીઠ ૨-૩થી વધુ કેરીના ટુકડા ન લેવા જોઈએ. સામાન્ય રીતે જો ડાયાબિટીસ કાબુમાં હોય તો ૧૦૦ થી ૨૦૦ ગ્રામ કેરી રોજ ખાઈ શકાય. કેરીનો રસ લેવા કરતાં કાપીને અથવા ચૂસીને કેરી ખાવી વધુ યોગ્ય છે. રસ ખાવો જ હોય તો ઉપરથી ખાંડ ન નાખવી અને રેસાવાળો રસ ખાવો. શક્ય હોય તો એક રોટલી ઓછી ખાઓ અને/અથવા ભાત ન લો. કેરી એકલી ખાવાને બદલે બીજા બે ત્રણ ફળો સાથે મિક્સ કરીને લઈ શકાય.

 બીજી અગત્યની વસ્તુ કે કેરીના રસ કરતા હંમેશા કેરીને છાલ સાથે ખાવાનો આગ્રહ રાખો. કેસર કે હાફૂસ એ વધારે મીઠી હોય છે અને એનું ફળ પણ ઘણું મોટું હોય છે તો આવી કેરી જ્યારે ખાવ ત્યારે ચાર-પાંચ ચીરીઓથી વધારે ન લેવી જોઈએ. દેશી કેરી કે જે ખટમીઠી હોય તેમ જ એનું ફળ નાનું હોય છે તે નાસ્તા તરીકે આખી લઈ શકાય. કેરીની સાથે મુઠ્ઠીભર નટ્સ, સિડસ કે ચણા લેવા વધારે હિતાવહ છે કે જેથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે અને આપણને સંતોષ થાય. કેરીના મિલ્કશેક, આઈસ્ક્રીમ કે શ્રીખંડ લેવાને બદલે કેરીનું રાયતું કે પછી કાકડી, ટામેટા, કોથમીર અને ડુંગળી નાખી અને કેરીનું સલાડ બનાવો.

જો કોઈ દર્દીનું બ્લડ સુગર વધારે રહેતું હોય તો એ દર્દીએ જ્યાં સુધી ડાયાબિટીસ કાબુમાં ન આવે ત્યાં સુધી કેરી લેવી જોઈએ નહીં.

 કેરીમાં પોતાની જ મીઠાશ હોય છે તો ઉપરથી ખાંડ કે સાકર નાખવાનું ટાળો અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન(ADA) ના પ્રમાણે ફળ એ કાર્બોદિત પદાર્થ છે એટલે તે મર્યાદિત માત્રામાં જ લઈ શકાય. આજકાલ જે ડાયાબિટીસના દર્દીઓ કંટીન્યુઅસ ગ્લુકોઝ મોનિટરિંગ સિસ્ટમ (CGMS) ઉપર હોય તેમનું સુગર તપાસ કરતાં એવું જાણવા મળે છે કે કેરીના સેવન પછી પણ ઘણા દર્દીઓનું સુગર વધતું નથી પરંતુ દરેક દર્દીમાં આવું જ થાય એ જરૂરી નથી. તેથી કેરી હંમેશા તમારા આહાર નિષ્ણાત અને ડોક્ટરોની સલાહ પ્રમાણે તમારું બ્લડ સુગર લેવલ ચેક કરીને પછી જ લેવી એ હિતાવહ છે.



Google NewsGoogle News