ચેતનાની યોગશક્તિથી સપ્તલોકની અંતર્યાત્રા!
- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- આપણા પ્રાચીન યોગશાસ્ત્રના ગ્રંથોમાં ચેતનાના સાત આયામ વિશે જણાવવામાં આવ્યું છે. કેટલાક એને સપ્ત લોક તો કેટલાક સપ્ત શરીર કહે છે. એની ભીતર બ્રહ્માંડના ગૂઢ રહસ્યો છુપાયેલા છે
'અથ યદિદમસ્મિન્બ્રહ્મપુરે દહરં પુણ્ડરીકં વેશ્મ
દહરોડસ્મિન્નન્તરાકાશઃ તસ્મિન્યદન્તસ્તદન્વેષ્ટવ્યં
તદ્વાવ વિજિજ્ઞાાસિતવ્યમિતિ ।
હ વે આ બ્રહ્મપુરની અંદર જે આ સૂક્ષ્મ કમળ આકારનું સ્થાન છે એમાં જે સૂક્ષ્મ આકાશ છે તેની અંદર જે રહેલું છે તેનું અન્વેષણ કરવું જોઈએ અને તેને જાણવાની ઈચ્છા કરવી જોઈએ.'
'યાવાન્વા અયમાકાશસ્તાવાનેષોડન્તહૃદય આકાશ
ઉભે અસ્મિન્દ્યાવાપૃથિવી અન્તરેવ સમાહિતે
ઉભાવગ્નિશ્ચ વાયુશ્ચ સૂર્યચંદ્રમસાવુભૌ વિદ્યુન્નક્ષત્રાણિ
યચ્ચસ્યેહાસ્તિ યચ્ચ નાસ્તિ સર્વ તદસ્મિન્સમાહિતમિતિ ।।
જેટલું આ ભૌતિક આકાશ છે તેટલું જ અંતઃકરણમાં
રહેલું આકાશ છે. દ્યુ લોક અને પૃથ્વી આ બન્ને લોક
આનાં અંદર જ રહેલા છે. આવી રીતે અગ્નિ અને વાયુ
આ બન્ને, સૂર્ય અને ચંદ્ર આ બન્ને અને વિદ્યુત
અને નક્ષત્ર જે કંઈ આ લોકમાં છે અને જે નથી
તે બધું સમ્યક્ પ્રકારે આમાં રહેલું છે.'
- છાંદોગ્ય ઉપનિષદ, અધ્યાય-૮, ખંડ પ્રથમ, શ્લોક - ૧, ૩
આપણા પ્રાચીન યોગશાસ્ત્રના ગ્રંથોમાં ચેતનાના સાત આયામ વિશે જણાવવામાં આવ્યું છે. કેટલાક એને સપ્ત લોક તો કેટલાક સપ્ત શરીર કહે છે. એની ભીતર બ્રહ્માંડના ગૂઢ રહસ્યો છુપાયેલા છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે તેરમા અધ્યાયમાં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞાની વાત કરી છે. તેમાં તે પ્રાણીઓના શરીરને 'ક્ષેત્ર' કહે છે અને તેને જાણનાર-અનુભવનાર જે જીવાત્મા છે તેને તે ક્ષેત્રજ્ઞા કહે છે. પંચ મહાભૂત , અહંકાર, બુદ્ધિ, મૂળ, પ્રકૃતિ, દસ ઈન્દ્રિયો, મન, ઈન્દ્રિયોના પાંચ વિષયો - શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, સ્થૂળ શરીર, અંતઃકરણમાં રહેલી જ્ઞાાન શક્તિ જેનાથી લાગણીઓ અનુભવાય છે અને ધૃતિ આટલી વસ્તુઓના સંયોગથી જેમાં વિકાર આવે છે એવું ક્ષેત્ર બનેલું છે. જેટલા પણ સ્થાવર-જંગમ પદાર્થો કે પ્રાણીઓ જન્મે છે તે બધા ક્ષેત્ર અને ક્ષેત્રફળના સંયોગથી ઉદ્ભવે છે.
મનુષ્યની મૂળ પ્રકૃતિ આદ્યાત્મિક છે. એનું મુલ્યાંકન ખગોળના પિણ્ડો કે ભૌતિક પદાર્થોની જેમ લંબાઈ-પહોળાઈ-ઊંચાઈ જેવા ત્રિ-આયામી માપોથી કદાપિ થઈ ના શકે. માનવી અત્યંત ઘનીભૂત ચેતનાનો પુંજ છે જેની ભીતર વધારેને વધારે ઉચ્ચતર કહેવાય એવા અગણિત ક્ષેત્રો છે. માનવીની ચેતના અનેક-આયામી (મલ્ટિ ડાઈમેન્શનલ) છે જેને સમય અને સ્થળના બંધનો લાગતા નથી. અમુક દશામાં તે ભૌતિક નિયમોનું અતિક્રમણ કરી લે છે.
જહોન સી. લીલી (John C. Lilly) નામના અમેરિકન ન્યૂરોસાયન્ટિસ્ટ અને સાઈકોએનાલિસ્ટ એમના 'હ્યુમન બાયોકોમ્પ્યુટર' પુસ્તકમાં જણાવે છે કે આપણા ચેતનાગત અસ્તિત્વમાં 'સંજ્ઞાાનાત્મક અનેક આયામી પ્રક્ષેપણ અવકાશો' (Cognitional Multidimensiona Projection Spaces) રહેલા છે જેમાં અગણિત વિશ્વો એકબીજાની અંતર્ગત સમાવિષ્ટ થયેલા છે. અમેરિકાની જ્યોર્જ ટાઉન યુનિવર્સિટી સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અને રેડફોર્ડ યુનિવર્સિટીના નામાંકિત પ્રાધ્યાપક અને સાઈકિઆટ્રીના તજજ્ઞા કાર્લ એચ. પ્રિબરામ (Karl H. Pribram) તેમના લેંગ્વેજીસ ઓફ ધી બ્રેઈન (Languages of the Brain) માં જણાવે છે There are universes inside our heads- universes superimposed upon universes & આપણા મસ્તિષ્કમાં એકબીજાની અંદર આરોપિત એવા અનેક જગતો રહેલા છે.
વર્ષો પુર્વે મહાન ભૌતિક વિજ્ઞાાની આલ્બર્ટ આઈન્સ્ટાઈને પણ કહ્યું હતું કે જ્યારે માનવી ચતુર્થ આયામ (Fourth Dimension) ના તથ્યોને કાર્યરૂપે ઉપયોગમાં લેવા લાગશે ત્યારે એનો જ્ઞાાનબોધ અનેકગણો વધી જશે અને એને એવી શક્તિ પ્રાપ્ત થશે જેને ચમત્કારિક કહેવી પડશે. અમેરિકન મનોવિજ્ઞાાની હર્બર્ટ વૂડ્રોએ પણ જણાવ્યું હતું કે ચેતનાના અનેક આયામો છે જે રહસ્યમય અનુભૂતિ કરાવનારા છે. મોટેભાગે તો માનવી એના સૌથી બહારના ભૌતિક ક્ષેત્રનો જ અનુભવ કરે છે, એની ચેતના બીજા ઉચ્ચતર આયામોમાં જતી જ નથી હોતી. યોગાભ્યાસ, સાધના કે ઉપાસનાથી ચેતનાનું ઊર્ધ્વારોહણ થાય છે, કુંડલિની શક્તિ ચક્રોને ભેદીને ઉપર ઉઠે છે ત્યારે એ ચક્રો સાથે સંબંધિત જગતોની અંદર ગતિ કરે છે.
ગાયત્રી મંત્રની સાથે પ્રાણાયામ કરતી વખતે ૭ વ્યાહૃતિઓનું ઉચ્ચારણ કરવામાં આવે છે - ભૂઃ, ભુવઃ, સ્વઃ, મહઃ, જનઃ તપઃ, સત્ય. આ સાત વ્યાહૃતિઓ સાત લોકનો પરિચય આપનારી છે. ભૂઃ, ભુવઃ, સ્વઃ આ ત્રણ લોક ભૌતિક છે. એમને ધરતી, પાતાળ અને આકાશ પણ કહેવાય છે. આગળના ચાર લોક સૂક્ષ્મ છે. ચોથો મહઃ લોક ભૌતિક અને આત્મિક લોકની વચ્ચેનું મધ્યવર્તી ક્ષેત્ર છે. જનઃ, તપઃ અને સત્ય લોક વિશુદ્ધ ચેતનાત્મક છે. એ ક્ષેત્રોને પદાર્થની સત્તાથી ઉપરના ક્ષેત્રો કહેવામાં આવે છે. એમ પણ કહેવાય કે ભૂઃ, ભુવઃ અને સ્વઃ એ સામાન્ય જગત છે. તપઃ લોક એ સૂક્ષ્મ જગત છે અને જનઃ, મહઃ અને સત્ય એ ત્રણ દેવલોક છે.
સાધારણ માનવી સામાન્ય જગતમાં રહે છે. યોગી પુરુષો અને સિદ્ધ મહાત્માઓ તપઃ લોકમાં રહે છે. જે સૂક્ષ્મ જગત છે. ત્યાં તપોબળનું પ્રાધાન્ય છે અને ત્યાં વસનારા અનેક ચમત્કારિક ચૈતસિક શક્તિઓ, સિદ્ધિઓ ધરાવતા હોય છે. જનઃ, મહઃ અને સત્યના તત્વો પર આધારિત એ ત્રણ લોકમાં દૈવી, અલૌકિક ગુણો અને શક્તિઓ ધરાવતા દેવ-દેવીઓ, દેવતાઓ રહે છે. આ સાત લોક આપણી ચેતનાની અંતર્ગત રહેલા સ્થૂળ-સૂક્ષ્મ ક્ષેત્રો જ છે.
મહાયોગ વિજ્ઞાાન પણ દર્શાવે છે કે આત્મસત્તામાં સપ્ત ચક્ર ભેદન કરી એની અંદર ચેતનાને પ્રવિષ્ટ કરવાથી આ સાત લોકની અનુભૂતિ થાય છે. ભૂઃ લોક મૂલાધાર ચક્રમાં પ્રાપ્ત થાય છે. ભુવઃ લોક સ્વાધિષ્ઠાન ચક્રમાં પ્રાપ્ત થાય છે. સ્વઃ લોકમાં મણિપુર ચક્ર થકી જવાય છે. મહઃ લોક હૃદય પાસે આવેલા અનાહત ચક્રમાં પ્રાપ્ત થાય છે. જનઃ લોકમાં ગળામાં આવેલા વિશુદ્ધિ ચક્ર થકી જવાય છે. કપાળમાં બન્ને ભ્રમરની વચ્ચે આજ્ઞાા ચક્ર આવેલું છે. આ ચક્રની ભીતરના ક્ષેત્ર કે અવકાશમાં તપઃ લોક આવેલો છે. મસ્તિષ્કની ટોચ પાસે આવેલા બ્રહ્મરંધ્રમાં રહેલા સહસ્ત્રાર ચક્રની ભીતર સત્યલોક આવેલો છે. કુંડલિની યોગ કહે કે નિમ્ન સ્તરની કાયિક ચેતનાનો સંબંધ મૂુલાધાર અને સ્વાધિષ્ઠાન ચક્ર સાથે છે.
અગોચર, અતીન્દ્રિય માનસિક, સૂક્ષ્મ ચેતનાનો સંબંધ મણિપુર ચક્રથી શરૂ થાય છે. અનાહત ચક્રનું ભેદન કરવાથી વધારે અતીન્દ્રિય શક્તિઓ વિકસે છે. તેનાથી સ્પર્શાતીત નિપુણતા મળે છે. વિશુદ્ધિ ચક્ર અને આજ્ઞાા ચક્ર વૈશ્વિક ચેતના સાથે મનનું જોડાણ કરે છે. તેનાથી યોગની અષ્ટસિદ્ધિઓ પ્રાપ્ત થઈ જાય છે. કુંડલિની શક્તિ સહસ્ત્રાર ચક્રમાં પહોંચી જાય છે અને સત્યલોકમાં રહેલા દેવ-દેવીઓ તથા સદાશિવ સાથે જોડાઈ જાય છે ત્યારે પરમ આનંદ, અમૃતત્વની અનુભૂતિ કરાવનાર આત્મ-સાક્ષાત્કાર થાય છે. તે પરમેશ્વર સાથે સાયુજ્ય પ્રાપ્ત કરાવે છે.