રહેવા દે, રહેવા દે આ સંહાર, યુવાન, તું!
- વિન્ડો સીટ-ઉદયન ઠક્કર
ડી એચ લોરેન્સ (૧૮૮૫-૧૯૩૦) અંગ્રેજીના અગત્યના કથાકાર, નાટયકાર અને કવિ ગણાયા છે. તેમની ચાર નવલકથાઓ ઉપર અશ્લીલતાના ખટલા ચાલ્યા હતા. તેમના કાવ્ય 'ડુંગરનો સાવજ'માંથી પસાર થઈએ.
'જાન્યુઆરીનો બરફ
કોતરમાંથી નીકળતાં સ્પ્રૂસનાં વૃક્ષો
થીજેલું જળ, પાતળી પગદંડી.'
આવા વાતાવરણમાં કાવ્યનાયકે શું જોયું?
'બે માણસ!
તેઓ ખમચાયા.
અમે ખમચાયા
તેમના હાથમાં બંદૂક
અમારા હાથ બંદૂક વિનાના
શું કરતા હશે તેઓ
આવા સૂમસામ સ્થળે?
શું ઊંચક્યું છે તેમણે....
પીળાશ પડતું? હરણ?
'ભાઈ, આ શું ઉપાડી ચાલ્યો?'
'સાવજ'
પેલો હસ્યો, મૂર્ખાની જેમ
જાણે કશું ખોટું કરતાં પકડાઈ ગયો હોય
ડુંગરનો સાવજ હતો
લાંબો, પાતળિયો, મૃત.
'આજે સવારે વીંધ્યો!'
ફરી પાછું એ જ મૂર્ખામીભર્યું સ્મિત.
સાવજનું મુખ:
હિમકણની જેમ ઝગારા મારતું
આંખો:
કાળવી, મોહક,મરેલી.
તેઓ ચાલતા થયા
અમે ભેંકાર કોતરમાં પ્રવેશ્યા
ઉપરના વિસ્તારમાં ગુફા દેખાઈ
રક્તરંગી ચળકતી શિલાઓ વચ્ચે
થોડાં હાડકાં, થોડી ડાળખીઓ
તે હવે કદી નહિ છલંગે
પીળા ઝબકાર સાથે
તેનું ઝગારા મારતું મુખ
કદી નહિ નિહાળે
કોતર અને કંદરાને
તેને બદલે હું નિહાળું છું:
ઝાંખુંપાંખું રણ, ડી ક્રિસ્ટોના ડુંગરા પરનું હિમ
સામેના બરફછાયા પર્વતે સ્થિર ઊભેલાં વૃક્ષો
નાતાલના રમકડાં જેવાં
અને મને લાગે છે
આ ખાલીખમ જગતમાં જગ્યા હતી
મારે માટે અને એક ડુંગરના સાવજ માટે
જગતમાં બે-ચાર લાખ મનુષ્યો ઓછા હોતે
તો કશો ફેર નહિ પડતે
પણ કેવો ખાલીપો સર્જાયો
હિમકણની જેમ ઝગારા મારતા મુખવાળા
એક પાતળિયા પીળા સાવજના ન હોવાથી'
સાંભરે છે કલાપીની કવિતા? 'શિકારીને'? - 'રહેવા દે, રહેવા દે આ સંહાર, યુવાન ! તું/ ઘટે ના ક્રૂરતા આવી : વિશ્વ આશ્રમ સન્તનું.' ડી એચ લોરેન્સે વાત તો આ જ કહેવી છે. કલાપી સીધેસીધો ઉપદેશ આપે છે. લોરેન્સ શિકારીને ઠપકો નથી આપતા, પણ કાવ્ય વાંચ્યા પછી આપણા ચિત્તમાં શિકારી પ્રત્યે અણગમો અને શિકાર પ્રત્યે અનુકંપા જાગે છે. કવિએ પોતાનું જગત પોતે સર્જવાનું હોય, માટે વૃક્ષ અને ડુંગરાના નામો અપાયાં છે, પરિવેશનું બારીકીથી વર્ણન કરાયું છે. આ પંક્તિ જુઓ : 'બે માણસ!' અહીં ક્રિયાપદ વપરાયો નથી, છતાં ચોટપૂર્વક ભાવ વ્યક્ત થાય છે. આ 'રેટરિક' (વક્તૃત્વકળા)ની પ્રયુક્તિ છે જેને 'શેસિસ ઓનોમેટન' કહે છે.
પેટ ભરવા માટે શિકાર કરવો કદાચ ન્યાયી ગણી શકાય, પણ સાવજનું માંસ ખવાતું ન હોવા છતાં તેને મારી નખાયો છે. આ કાર્યની સૂગ હોવાથી કવિ કલ્પે છે કે શિકારીને પણ અપરાધભાવ હતો. સાવજ પ્રત્યે વાચકને આકર્ષણ થાય માટે તેનું મનમોહક વર્ણન કરાયું છે. સાવજ હિંસક હોય, તેનું મૃત્યુ પણ હિંસાથી થયું, માટે તેની બોડને રક્તરંગી કહી છે. હવે કવિ પરકાયાપ્રવેશ કરે છે. સાવજ નહિ નિહાળી શકે તે કોતર-કંદરા નિજની આંખે નિહાળે છે. રણ-ડુંગરા-વૃક્ષોને નાતાલના રમકડાં જેવાં કહી કવિ સૃષ્ટિના સૌંદર્યનું મંડન કરે છે. એક સાવજના જવાથી સૌંદર્યનું ખંડન થયું એવું પ્રતિપાદન કરે છે. મનુષ્ય અને પ્રાણીનું સહજીવન શક્ય છે, આ વિશે નિસ્બત વ્યક્ત કરાય ત્યારે પર્યાવરણનું સાહિત્ય બને, જેને અંગ્રેજીમાં ઇકો-ક્રિટિસિઝમ કહે છે. ૧૯૭૮માં વિલિયમ રુકાર્ટે 'ઇકો-ક્રિટિસિઝમ' શબ્દપ્રયોગ પહેલી વાર કર્યો. જોકે માણસ-પશુ-પંખી- વનસ્પતિ સૌ પરસ્પર જોડાયેલાં છે, એકનું ભલું થાય તો સૌનું ભલું થાય, એ વાત આપણી સદીઓ જૂની લોકવાર્તામાં પણ મળી આવે છે. સાંભળો:
કૂકડી પડી રંગમાં
એનો કૂકડો ગયો ઢંગમાં
પીપળો બોલ્યો : અરરર
ને એનાં પાન ખરી પડયાં
ત્યાં આવ્યો હોલો,
'પીપળાભાઈ, કેમ સુકાણા?'
પીપળો 'કે:
'કૂકડી પડી રંગમાં
ને કૂકડો ગયો ઢંગમાં
પીપળો બોલ્યો : અરરર
પાન ખર્યાં ખરરર'
હોલો 'કે:
'ભારે કરી ભાઈ!'
ને હોલાની પાંખ ખરી પડી
નદી 'કે:
'હોલા, તારા આ હાલ?'
હોલો 'કે:
'કૂકડી પડી રંગમાં
કૂકડો ગયો ઢંગમાં
પીપળાનાં પાન ખરી પડયાં
હોલાની પાંખ ખરી પડી'
નદી 'કે: અરરર
ને નદીનાં નીર સુકાઈ ગયાં
ભેંશ પાણી પીવા આવી
એણે જાણ્યું
ને એનાં શિંગડાં ખરી પડયાં
એવી રીતે શિયાળની પૂંછડી સરી પડી
ગોવાળ માંડયો ઠેકવા
ભતવારી લાગી નાચવા
ગામ થઈ ગયું ખાલી, ઉસડટટ્ટ
ત્યાં આવ્યો રંગારો
દોડતાંને અટકાવ્યાં
કૂકડીને રંગના કૂંડામાંથી કાઢી
કૂકડીને કળ વળી
કૂકડો એના સંગમાં
આવી ગયો રંગમાં
પીપળો 'કે:
'રંગારાભાઈ, મને લીલો કરો!'
ને પીપળો થઈ ગયો લીલોછમ
હોલાને ફૂટી પાંખો
નદી વહેવા લાગી બે કાંઠે
ભેંશને ઊગ્યાં શિંગડાં
બાંડી શિયાળ પૂંછડિયાળી
ગોવાળ ગાયું ચારતો થયો
ભતવારી ભમતી મટી
ખેડૂ હળ હાંકતો થયો!