બ્રિડિંગ માટે વિદેશી પક્ષીઓ ભારતના પ્રવાસે
- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી
- પક્ષીઓ સૂર્યની દિશાને આધારે, તારાઓની ગોઠવણીને આધારે તેમજ ચૂંબકીય ક્ષેત્રની મદદથી સ્થળાંતર કરે છે
દર શિયાળામાં સાઈબેરિયાથી હજારો પક્ષીઓ ભારતમાં આવે છે. સૌથી વધુ પક્ષીઓ રાજસ્થાનના કિઓલાડિઆ નેશનલ પાર્કમાં જોવા મળે છે. આ વિસ્તાર ભરતપુર નેશનલ પાર્ક તરીકે પણ ઓળખાય છે. પક્ષીઓની લગભગ ૨૩૦ જાતો આ વિસ્તારમાં જોવા મળે છે.
શિયાળામાં સાઇબેરિઆ ખૂબ ઠંડુ થઇ જાય છે. પક્ષીઓ માટે જીવન કઠીન બની જાય છે એટલે વિશાળ ગુ્રપમાં તેઓ ભારતના રાજસ્થાનમાં અને અન્ય શહેરમાં આવે છે. તેમને છીછરા પાણીના તળાવ પસંદ છે. તેમાં તેઓ સરળતાથી શિકાર કરી શકે છે. સાઇબેરિઅન ક્રેઇન અને બીજા પક્ષીઓ શીતળ લોહીવાળા હોવાથી અતિનીચું તાપમાન સહન કરી શક્તાં નથી. વળી શિયાળામાં ત્યાં ખોરાકનું ઉત્પાદન ઘટે છે અને ખોરાક મળતો નથી.
કેટલાક પક્ષીઓ ઉનાળામાં પણ આવે છે ભૂરા ગાલવાળું 'બ્લ્યુ-ચીકડ બી ઇટર' એવું પક્ષી છે.
પક્ષીઓ હજારો માઇલનું સ્થળાંતર કરે છે. ઉત્તરથી દક્ષિણ તરફ અને દક્ષિણથી ઉત્તર તરફના આ સ્થળાંતરમાં અનેક પક્ષીઓ માર્યા જાય છે. ક્યાં ગામના લોકોના શિકાર બને છે. શા માટે આ પક્ષીઓ સીઝન પ્રમાણે સ્થળાંતર કરતાં હશે ?
સ્થળાંતરનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ એ છે કે તેઓ અંગ્રેજી વી આકારમાં ઊડતાં રહી વાર્ષિક ભ્રમણ કરતાં રહે છે. તેઓ બ્રિડિંગ હોમ્સ (ઊનાળો) અને તેમના નોન બ્રિડિંગ હોમ્સ (શિયાળો) વચ્ચે સ્થળાંતર કરતાં રહે છે. ઉત્તર અમેરિકાના પક્ષીઓની ૬૫૦ જાતોમાંથી અડધા સ્થળાંતર કરનારા પક્ષી છે. પક્ષીઓ કે જે પૃથ્વીના ઉત્તરાર્ધમાં માળા મૂકે છે તેઓ વસંત ઋતુમાં ઉત્તર તરફ આગળ વધે છે.
ઉત્તરમાં ઠંડી વધતાં કિટકો ઘટે છે. ખોરાક પણ ઓછો મળે છે. એટલે પક્ષીઓ દક્ષિણનો પ્રવાસ શરૂ કરે છે. કેટલાંક પક્ષીઓ ઊંચાઈના સ્થળો છોડી પર્વત પર નીચે આવે છે. કેટલાંક મિડિયમ ફ્લાયર એક રાજ્યથી બીજા રાજ્યમાં જાય છે. મોટા ભાગે પક્ષીઓ ટૂંકા અને મધ્યમ સ્થળાંતર કરે છે. પરંતુ કેટલાંક નોર્થ અમેરિકન અને કેનેડાના પક્ષીઓ (૩૫૦ જાતો) ઉત્તરથી છેક મધ્ય કે દક્ષિણ અમેરિકી પહોંચે છે.
ચીન-રશિયા વચ્ચે આવેલી આમુર નદીના બાજ ૩૦,૦૦૦થી ૩૫,૦૦૦ કિ.મી.નું અંતર કાપી દક્ષિણ આફ્રિકા પહોંચે છે. વસંતમાં ૫ લાખ ક્રેન નેબ્રાસ્કાની પ્લાટે નદી પર ઉતરે છે.
પક્ષીઓનું ઉડાન, વિરામ સ્થળ, દિશાઓ જાણવા માટે વૈજ્ઞાાનીકો પક્ષીઓના ગળામાં કોલર પહેરાવે છે જે જીપીએસ રિસીવર અને ટ્રાન્સમીટર તરીકે કામ કરે છે. તેમાં ગોઠવાયેલી નાનકડી સૂર્યશક્તિથી ચાલતી બેટરી વિજળી આપે છે.
પક્ષીઓ સૂર્યની દિશાને આધારે, તારાઓની ગોઠવણીને આધારે તેમજ ચૂંબકીય ક્ષેત્રની મદદથી સ્થળાંતર કરે છે. પક્ષીના મગજમાં આવેલા લોહકણો પૃથ્વીનું ચૂંબકીય ક્ષેત્ર ઓળખી શકે છે. કબુતરની સુંઘવાની શક્તિ અખૂટ હોવાથી તે ગંધ ને આધારે સ્થળાંતર કરે છે. વૃક્ષો, જંગલો, પર્વતોની ગંધને આધારે તેમના મગજમાં નકશો બનતો રહે છે અને એ તેમને યાદ પણ રહે છે...!! શિયાળાની ઋતુમાં બાળકો સાથે દૂરબીન, કેમેરા, પુસ્તકો લઇ જરૂરથી પક્ષી જોવા જજો..!