Get The App

ઓલિમ્પિકમાં સુવર્ણચંદ્રક જીતવાનું પિતાનું અધુરું સ્વપ્ન પુત્ર ગેરી હોલે જુનિયરે સાકાર કર્યું

Updated: Jan 19th, 2025


Google NewsGoogle News
ઓલિમ્પિકમાં સુવર્ણચંદ્રક જીતવાનું પિતાનું અધુરું સ્વપ્ન પુત્ર ગેરી હોલે જુનિયરે સાકાર કર્યું 1 - image


- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત

- ગેરી હોલ જુનિયરે 1996થી 2004 સુધી ત્રણ ઓલિમ્પિકમાં જીતેલા પાંચ સુવર્ણ સહિત કુલ 10 ચંદ્રક દાવાનળમાં રાખ થઈ ગયા, હવે તેને તેની પ્રતિકૃતિ મળશે

- ઓલિમ્પિકમાં ચંદ્રક જીતનારા સ્વિમર પિતા-પુત્રની જોડીની દાસ્તાન

દ રેક સ્વપ્નને સાકાર કરવા માટે ભગીરથ પ્રયાસ કરવો પડે છે અને સતત નિર્ધારિત લક્ષ્યની દિશામાં આગળ વધતાં રહેવું પડે છે. મહેનતનો આ સૌથી કઠિન તબક્કો છે, જ્યારે શ્રેષ્ઠતાને પામવા માટે સતત પુનરાવર્તન કરતાં રહેવું. કારણ કે પ્રત્યેક પુનરાવર્તન માનસિક રીતે થકવી નાંખનારું બની રહે છે. આ જ અભ્યાસની એ પળ છે, જેમાં મોટાભાગના મેદાન છોડી દે છે કે, જેઓ આ કપરી સ્થિતિમાં ટકી જાય છે, તેઓ જ અનોખા કીર્તિમાનને સ્થાપિત કરવાની કુશળતાને પામી શકે છે. આવી જ સફળતા અમેરિકાના મહાન સ્વિમરોની અગ્ર હરોળમાં સ્થાન ધરાવતા ગેરી હોલ જુનિયરે હાંસલ કરી છે. જેણે પિતાનું ઓલિમ્પિકમાં એક સુવર્ણંચંદ્રક જીતવાનું અધુરું રહેલું સ્વપ્ન પાંચ-પાંચ સુવર્ણચંદ્રક જીતીને સાકાર કરી બતાવ્યું હતુ. આજ કારણે ગેરી હોલ સિનિયર અને જુનિયર બંનેનું નામ સ્વિમિંગજગતમાં ભારે આદર સાથે લેવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય સ્વિમિંગ જગતમાં અમેરિકાનો દબદબો રહ્યો છે. એક સમયના ધુરંધર માઈકલ સ્પિત્ઝથી શરુ કરીને હજુ થોડા વર્ષો પહેલા નિવૃત્તિ લેવાના માઈકલ ફેલ્પ્સ જેવા દિગ્ગજોના વિક્રમી ચંદ્રકોના કારણ અમેરિકન સ્વિમિંગ જગત આખી દુનિયામાં સૌથી વૈભવી હોવાનું ગૌરવ ધરાવે છે. આ બંને ધુરંધરોની સાથે અગ્રહરોળમાં સ્થાન ધરાવતા અમેરિકી સ્વિમરોમાં મેટ્ટ બિયોન્ડી અને ગેરી હોલ જુનિયરનું નામ સ્વાભાવિક રીતે જ આવે.

અમેરિકા અતિસમૃદ્ધ અને હાઈટેક ગણાતા દેશમાં પણ દાવાનળ કેવી ભીષણ તબાહી મચાવે છે, તેનું જીવંત ઉદાહરણ હાલમાં જ જોવા મળ્યું. જ્યારે લાસ વેગાસની નજીક આવેલા પહાડી વિસ્તારમાં રહેતાં વૈભવી મકાનોને જ પણ દાવાનળ ભરખી ગયો. જેમાં એક મકાન અમેરિકાના ધુરંધર સ્વિમર ગેરી હોલ જુનિયરનું હતુ. આગ એટલી ઝડપથી આગળ વધી કે ગેરી હોલને તેના પાંચ સુવર્ણ સહિતના ૧૦ ઓલિમ્પિક ચંદ્રકો અને ત્રણ સુવર્ણ સહિતના છ વર્લ્ડ ચેમ્પિયનશિપ સહિતના ચંદ્રકોને સલામત સ્થળે પહોંચાડવા જેટલો પણ સમય ન મળ્યો અને બધાને આગ ભરખી ગઈ.

જ્યાં વિશ્વભરના ખેલાડીઓ તો ઓલિમ્પિકમાં ક્વોલિફાય થઈને જ માત્ર ધન્યતા અનુભવતા હોય, ત્યારે તેમાં શ્રેષ્ઠતાના શિખર સુધી એકથી વધુ વખત પહોંચેલા ખેલાડીના ચંદ્રકો આ પ્રકારે પળવારમાં રાખ થઈ જાય, ત્યારે તેના પર શું વીતતી હશે, તેની તો કલ્પના જ કરવી રહી ! અલબત્ત, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ ગેરી હોલ જુનિયરને આશ્વાસન આપતાં તેના તમામ ચંદ્રકોની હૂબહૂ પ્રતિકૃતિ તેને એનાયત કરવાની બાયંધરી પુરી પાડી છે. જોકે, નકલ ક્યારેય અસલની તોલે ન આવે તેમાં કોઈ શંકા નથી.

સ્પીત્ઝ અને ફેલ્પ્સની ઝળહળતી સિદ્ધિઓને કારણે ગેરી હોલ જુનિયરની સફળતાનો ચમકારો ઢંકાયેેલો રહ્યો. અલબત્ત, આંચકાનજક ઘટનાએ ફરી તેને રમત ચાહકોમાં ચર્ચામાં આવી લીધો છે. અમેરિકા જ નહીં, વિશ્વ સ્વિમિંગ જગતમાં ગેરી હોલ જુનિયરનું સ્થાન અમીટ છે. વિશ્વના સર્વોચ્ચ રમતોત્સવ - ઓલિમ્પિકમાં ગેરી જુનિયરે ૧૯૯૬થી લઈને ૨૦૦૪ સુધી સતત ત્રણ ઓલિમ્પિકમાં ભાગ લીધો અને ફ્રિસ્ટાઈલ સ્વિમિંગમાં તેેણે આગવુ પ્રભુત્વ જમાવ્યુ. તેણે પાંચ ચંદ્રકો વ્યક્તિગત સ્પર્ધામાં અને પાંચ રિલે ઈવેન્ટમાં મેળવ્યા હતા.

ગેરીની સફળતા માત્ર પિતાને જ નહીં, પણ પરિવારને પણ આભારી છે. તેના પિતા ગેરી હોલે સિનિયર ૧૯૬૮, ૧૦૭૨ અને ૧૯૭૬ એમ ત્રણ ઓલિમ્પિકમાં ભાગ લીધો અને બે રજતની સાથે એક કાંસ્ય ચંદ્રક હાંસલ કર્યો હતો. ગેરી સિનિયર ૧૯૬૮ના મેક્સિકો સીટી ઓલિમ્પિકમાં અમેરિકાના જ ચાર્લી હિચકોક્ષ સાથેની ૪૦૦ મીટરની મેડલી રેસમાં માત્ર ૦.૩ સેકન્ડના અંતરથી સુવર્ણચદ્રક ચૂકી ગયા હતા. આ પછી ૧૯૭૨ના ઓલિમ્પિકમાં અમેરિકાના ધુરંધર માઈકલ સ્પીત્ઝે સાત સુવર્ણચંદ્રક જીતીને વિશ્વવિક્રમ સ્થાપિત કર્યો હતો અને આ સાતમાંનો એક એટલે ૨૦૦ મીટર બટરફ્લાયનો સુવર્ણ તેમણે ગેરી હોલ સિનિયરને હરાવીને જીત્યો હતો. આ પછી ૧૯૭૬ના ઓલિમ્પિકમાં કાંસ્ય જીતી શક્યા હતા. રસપ્રદ બાબત એ હતી કે, ગેરી હોલ વ્યવસાયે તબીબ હતા અને તેઓ નેત્ર સર્જરીના નિષ્ણાત હતા. ગેરી હોલ સિનિયરના પિતા ચાર્લ્સ કેટિગ જુનિયર ૧૯૪૦ના દશકમાં અમેરિકાના રાષ્ટ્રીયસ્તરના વિજેતા સ્વિમર રહી ચૂક્યા હતા. આ ઉપરાંત પણ તેના પરિવારના ઘણા સભ્યો સ્વિમિંગ સાથે સંકળાયેલા રહ્યા હતા.

સ્વિમિંગ અને અભ્યાસ બંનેમાં અવ્વલ રહેનારા ગેરી હોલ સિનિયરે સાન ડિએગોમાં એક સ્વિમિંગ કલબ શરુ કરી, જેને રેસિંગ કલબ નામ આપવામાં આવ્યું. તેમની રેસિંગ કલબમાં તૈયાર થયેલા ધુરંધર સ્વિમરોની વચ્ચે તેમના પુત્ર ગેરી હોલ જુનિયરે પણ તાલીમ મેળવી. ત્યાંથી જ તેની સ્વિમિંગની કારકિર્દીની શરુઆત થઈ. પાન અમેરિકન ચેમ્પિયનશિપ, પાન પેરેફિક ચેમ્પિયનશિપની સફળતા બાદ ગેરી હોલ જુનિયરે ૧૯૯૪ અને ૧૯૯૮ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ત્રણ સુવર્ણ અને ત્રણ રજત એમ કુલ મળીને છ ચંદ્રક જીત્યા હતા.

ગેરી હોલ જુનિયર આ પછી સતત ત્રણ ઓલિમ્પિકમાં ચંદ્રકોનો ઢગલો ખડકીને આગવો ઈતિહાસ રચી દીધો. રસપ્રદ બાબત એ છે કે, ગેરી હોલ જુનિયરની પ્રત્યેક ૧૦ ઓલિમ્પિક ચંદ્રક-સફળતાના સાક્ષી તેના પિતા ગેરી સિનિયર પણ બન્યા હતા. ગેરી હોલ જુનિયરે સળંગ ૧૨ વર્ષ સુધી ઓલિમ્પિકમાં ઐતિહાસિક સફળતા મેળવી તેની પાછળ અંગત સંઘર્ષ પણ રહેલો છે. ગેરી હોલ જુનિયરે ૧૯૯૬ના ઓલિમ્પિકમાં ભાગ લીધો તે પછી તેને ડાયાબિટીસ ટાઈપ-વન હોવાનું નિદાન થયું. આ બીમારીને જો નજર અંદાજ કરવામાં આવે તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે તેમ હતો. જોકે નિયમિત દવા અને સારવારની સાવધાની રાખવાની સાથે પરેજી પાળીને પણ ગેરી હોલ જુનિયરે સ્વિમિંગ જારી રાખ્યુ અને બધાના અંદાજને ઊંધો વાળી દેતા ચંદ્રકો જીતવાનો સિલસિલો જારી રાખ્યો.

લાંબા વાળ અને ગ્લેમરસ લૂક ધરાવતા ગેરી હોલ જુનિયરનો અંદાજ હંમેશાથી સ્ટાઈલીસ્ટ રહ્યો છે. આ જ કારણે તે સફળતાની સાથે ચર્ચામાં પણ રહ્યા છે. ઓલિમ્પિકમાં સ્વિમિંગની ઈવેન્ટ અગાઉ શેડો-બોક્સિંગ થકી વોર્મઅપ કરવાની આદત ધરાવતા ગેરી હોલ જુનિયર બોક્સિંગનો રોબ પહેરતા. આ કારણે એક સમયે ઓલિમ્પિકમાં તેમને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. જોકે આ બધા વિઘ્નો ગેરી જુનિયરની કારકિર્દીનો ચમકારો જરાય ઝાખો પાડી શક્યા નહતા.

૨૦૦૪ના એથેન્સ ઓલિમ્પિકના બે વર્ષ બાદ તેઓ ફ્લોરિડામાં પરિવારની સાથે માછીમારી કરી રહ્યા હતા, ત્યારે તેમની બહેેન બેબે હોલ પર એક શાર્કે હૂમલો કર્યો. આ સમયે ગેરી જુનિયર કશુ પણ વિચાર્યા વિના બહેનની પાસે પહોંચી ગયા અને શાર્કને હાથથી મુક્કા મારવા લાગ્યા. આ તબક્કે શાર્કની પકડ ઢીલી થઈ અને તેમની બહેને ભાલા વડે શાર્કને મારી નાંખી. આ હૂમલામા બેબે હોલને ૧૯ ટાંકા આવ્યા, પણ તેનો જીવ બચી ગયો.

સતત ચોથા ઓલિમ્પિકમાં ભાગ લેવાનું સ્વપ્ન સાકાર કરવા માટે તેઓ ૩૪ વર્ષની ઊંમરે ૨૦૦૮ના ઓલિમ્પિકની ટ્રાયલ્સમા ઉતર્યા, પણ તેમાં તેમને સફળતા મળી શકી નહતી. સ્વિમિંગને અલવિદા કહ્યા બાદ પણ તેઓ યુવાનોને તૈયાર કરવાથી લઈને વિવિધ પ્રકારની સેવાકિય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા રહ્યા છે. લોકોને આશ્ચર્યની સાથે આંચકો આપવા માટે જાણીતા ગેરી હોલ જુનિયરની જિંદગીને દાવાનળે તહસ-નહસ કરી નાંખી છે, પણ તેઓનો ઈરાદો ફિનિક્સ પંખીની જેમ બુલંદ છે.


Google NewsGoogle News