Get The App

સેવા એ જ જીવનમંત્ર .

Updated: Jan 18th, 2025


Google NewsGoogle News
સેવા એ જ જીવનમંત્ર                                                           . 1 - image


- આજકાલ-પ્રીતિ શાહ

- ડૉ. પ્રવીણે આરોગ્ય અંગે જાગૃતિ અભિયાન ચલાવ્યું, કિશોરીઓ અને સગર્ભા સ્ત્રીઓને એનીમીયા વિશે ફોટા અને વીડિયો દ્વારા સમજ આપી

આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના પુંગનુર ગામમાં જન્મેલા ડૉ. પ્રવીણ નેપર્લાના પિતા ડૉ. આનંદ રાવ જાણીતા ગાયનેકૉલૉજીસ્ટ હતા અને કોઈ ડૉક્ટર ન જાય એવા અંતરિયાળ ગામોમાં તેઓ વિઝીટ કરવા જતાં અને દર્દીઓની નિ:શુલ્ક સેવા કરતા. ડૉ. પ્રવીણ કહે છે કે તેમના પિતા જ તેમના પ્રેરણામૂર્તિ બની રહ્યા. તેમની નિ:સ્વાર્થ સેવા માટેની લગનીએ ડૉ. પ્રવીણ પર ઊંડો પ્રભાવ પાડયો. તેમના માતા સૌભાગ્યવતીએ પણ સમાજકલ્યાણની દ્રષ્ટિ કેળવવામાં અને પ્રોત્સાહન આપવામાં મહત્ત્વનો ફાળો આપ્યો.

પિતા પાસેથી પ્રેરણા મેળવીને પ્રવીણ નેપર્લાએ ડૉક્ટર બનવાનું વિચાર્યું અને ચીનમાં અભ્યાસ કરીને એમબીબીએસની ડિગ્રી મેળવી. તેઓ ડૉક્ટર નહોતા બન્યા, ત્યારે પણ તેમના મનમાં એક વાત નક્કી હતી કે ભારત પાછા આવીને તેના મેડિકલ વ્યવસાયથી જનસેવા કરવી. ૧૯૯૪માં તેમના માતા-પિતાએ રૂરલ હેલ્થ એજ્યુકેશનલ સોસાયટીની સ્થાપના કરી હતી, જેનો હેતુ સ્વાસ્થ્યની સંભાળ અને શિક્ષણનો છે. ડૉ. પ્રવીણ માત્ર તેર વર્ષની ઉંમરથી તેમાં સ્વયંસેવક તરીકે જોડાયા હતા. ડૉક્ટર બન્યા પછી આ સંગઠન સાથે જોડાયેલા ડૉ. પ્રવીણ નેપર્લાએ જોયું કે ગામડાંમાં બીમારીનું મુખ્ય કારણ એનીમીયા છે. તેઓ જ્યારે કાલેજમાં હતા, ત્યારે તેમના એનીમીયાને કારણે એક મિત્રની માતાનું અવસાન થયું. એ ઘટનાથી તેમના જીવનમાં વળાંક આવ્યો અને તેમણે એનીમીયા અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે અભિયાન ચલાવ્યું.

રૂરલ હેલ્થ એજ્યુકેશનલ સોસાયટી દ્વારા આયરનની ગોળીઓ આપી, લોહીની તપાસ કરાવી અને તેમને હાઈજીન અંગે શિક્ષિત કર્યા. ધીમે ધીમે માતાઓનાં મૃત્યુ ઓછાં થવાં લાગ્યાં અને હજારો સ્ત્રીઓના આરોગ્યમાં સુધારો થયો. આરોગ્ય સંભાળની સાથે સાથે તેમણે ૨૦૦૮થી પર્યાવરણનું કામ શરૂ કર્યું. તેની પાછળનું કારણ દર્શાવતાં તેઓ કહે છે કે તેમની માતાએ નાનપણથી એમને શીખવ્યું છે કે આરોગ્ય અને પર્યાવરણને નજીકનો સંબંધ છે. કુદરત આપણી લાઈફલાઈન છે અને તેને આપણે જાળવવી જોઈએ. સ્વાસ્થ્ય એ માત્ર શરીરની જ વાત નથી, પરંતુ આપણી આસપાસના જીવંત તત્ત્વો સાથે સંવાદિતા સાધવી એ પણ એમાં સમાવિષ્ટ છે. તેઓ આરોગ્ય, પ્રકૃતિ અને માનવતા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવે છે. તેમણે ભાગ્યાનંદ બોટનિકલ સોસાયટીની સ્થાપના કરી છે. તેની પાછળ તેમનો હેતુ લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ આવે અને પ્રકૃતિનું સંરક્ષણ થાય. ભાગ્યાનંદ બોટનિકલ સોસાયટી અંતર્ગત તેઓ પ્રદૂષણથી કેટલું નુકસાન થાય છે તે અંગે લોકોને સમજાવે છે અને ઈકો-ફ્રેન્ડલી વસ્તુઓ વાપરવાથી કેટલો ફાયદો થાય છે તે અંગે લોકોમાં જાગૃતિ જગાવે છે. તેમની ટીમે પચાસ હજારથી વધારે છોડ વાવ્યા છે. આ સોસાયટી દ્વારા તેઓ કોમ્યુનિટી પ્રોગ્રામ કરીને શહેરમાં રહેતા લોકોને ક્લીન એનર્જી અને સસ્ટેનેબિલિટી વિશે સમજાવે છે.

ડૉ. પ્રવીણ સાદા ઇન્ફેક્શનથી માંડીને ક્રોનિક રોગોની સારવાર કરે છે. બટ્ટમડોડ્ડી નામના ગામમાં રહેતા ચાળીસ વર્ષના સરોજમા એક વર્ષથી હેરાન થતાં હતાં, પણ કોઈ નિદાન થતું નહોતું. ડૉ. પ્રવીણે એનીમીયાની સારવાર કરી અને બધી તકલીફો દૂર થઈ ગઈ. આવી સફળતા તેમના કામમાં ઉત્સાહ પૂરે છે, પરંતુ વીસ વર્ષથી સેવા કરતાં ડૉ. પ્રવીણને મુશ્કેલીઓનો સામનો કરવો પડયો છે. આદિવાસી વિસ્તારમાં કે અન્ય નાનાં ગામોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે. તે ઉપરાંત ભાષા અને સંસ્કૃતિનો ભેદ હોવાથી તેમની સાથે સંવાદ સ્થાપવામાં મુશ્કેલી પડે છે. તેમના સુધી પહોંચવા માટે ખૂબ ધીરજ જોઈએ. તેના માટે ડૉ. પ્રવીણે સ્થાનિક નેતાઓ અને ગામડાંના અધિકારીઓનો સંપર્ક સાધીને, તેમનો વિશ્વાસ સંપાદન કરીને આરોગ્ય અંગે જાગૃતિ અભિયાન ચલાવ્યું, કેમ્પ કર્યા. કિશોરીઓ, યુવતીઓ અને સગર્ભા સ્ત્રીઓને એનીમીયા વિશે ફોટા અને વીડિયો દ્વારા સમજ આપી. હાથ ધોવાનું અને સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવ્યું. તેમણે ચિત્તૂર ઉપરાંત કુર્નૂલ અને નેલ્લોરનાં ગામોમાં પણ કામ કર્યું. તેઓ કહે છે કે, 'આ ગામોમાં મેડિકલનાં અદ્યતન સાધનો નથી, પરંતુ અમારા હાથ, અમારું જ્ઞાાન અને તેમને મદદ કરવાની ઇચ્છા જ કામ કરે છે.' કૅન્સરના વેળાસરના નિદાન માટે તેઓ પ્રયત્નશીલ છે. તેઓ ડૉક્ટર, સામાજિક કાર્યકર અને પર્યાવરણવિદની સાથે સાથે તેલુગુ સાહિત્યના અભ્યાસી અને લેખક છે. તેમણે 'મહા સ્વાસ્થર્યમ' નામનું પુસ્તક લખ્યું છે. તેઓ માને છે કે દર્દીની સારવાર હોય, છોડ રોપવાનો હોય કે પુસ્તક લખવાનું હોય - આ બધાં નાનાં કામો ભેગા મળીને વિશ્વને વધુ સારું બનાવે છે. આપણા નાના કામથી કોઈનું જીવન સુધરે તેનાથી મોટો કોઈ પુરસ્કાર નથી. તેઓ ઇચ્છે કે આજના યુવાનો એ સમજે કે નાનામાં નાનું અનુકંપાનું કામ મોટું પરિવર્તન લાવે છે.

પ્રજા, પૃથ્વી ને પ્રગતિ

રશ્મિ ભારતીનો મુખ્ય હેતુ પારંપરિક કળા અને ખેતી આધારિત પ્રવૃત્તિઓનો પુનરોદ્ધાર અને સંવર્ધન કરીને રોજગારીની તકો ઊભી કરવાનો છે

વિજ્ઞાાન અને ટૅક્નૉલૉજીના ઉપયોગથી પર્યાવરણને જાળવીને ગ્રામીણ વિકાસ કેવી રીતે કરી શકાય તેનં  સુંદર ઉદાહરણ રશ્મિ ભારતીએ પૂરું પાડયું છે. રશ્મિ ભારતીએ ઉત્તરાખંડના કુમાઉ ક્ષેત્રમાં કામ કરતી સ્વૈચ્છિક સંસ્થા અવનીની ૧૯૯૯માં સ્થાપના કરી. પિથોરાગઢ જિલ્લાના બેરીનાગ પાસે આવેલા ત્રિપુરાદેવીમાં તેઓ કામ કરે છે. તેમનો મુખ્ય હેતુ પારંપરિક કળા અને ખેતી આધારિત પ્રવૃત્તિઓનો પુનરોદ્ધાર અને સંવર્ધન કરીને રોજગારીની તકો ઊભી કરવાનો છે. તેમની પાયાની વાતમાં પીપલ, પ્લેનેટ અને પ્રોસ્પેરિટી કેન્દ્રમાં છે. તેઓ પારંપરિક જ્ઞાાન અને હસ્તકલાને અત્યારે શહેરીજનોની જરૂરિયાત અને મુખ્યધારાના બજાર સાથે જોડી આપે છે. અવની હેન્ડલૂમ અને અવની ટેક્સટાઇલ અંતર્ગત તેઓ હાથેથી કાંતેલા સૂતરથી હાથવણાટ દ્વારા કાપડ તૈયાર કરાવે છે.

અવની સંસ્થાએ ૨૦૦૫માં કુમાઉ અર્થક્રાફ્ટ સેલ્ફ રીલાયન્ટ કો-ઓપરેટીવની સ્થાપના કરી, જે અર્થક્રાફ્ટ તરીકે ઓળખાય છે. કુમાઉમાં રહેતી શૌકા અને બોરા કુથલિયા જાતિના લોકોના કૌશલ્યનો ઉપયોગ કરીને ઘણી વસ્તુઓ બનાવે છે. ૧૯૯૯માં વીસ પરિવાર સાથે કામનો પ્રારંભ કર્યો હતો, તે ધીમે ધીમે ૨૦૦૫માં પચાસ પરિવારનો થયો અને અર્થક્રાફ્ટની સ્થાપના કરી. આમાં ખેડૂતો, કારીગરો, સામગ્રીનો સંગ્રહ કરનારા અને પ્રાકૃતિક રંગ કરનારા સામેલ થતા હતા. પાસઠ ગામોના દોઢ હજાર લોકો કામ કરવા લાગ્યા, જેમાં ૭૬ ટકા સ્ત્રીઓ છે. તેઓ એરી અને મુગા સિલ્ક, મેરિનો અને હર્શીલ ઉન તથા લિનન કાપડ પર કામ કરે છે અને તેમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળું કાપડ તૈયાર કરે છે. તેઓ પરંપરાગત કલા અને આધુનિકતાનો સંગમ કરીને સ્ત્રી, પુરુષ અને બાળકોનાં કપડાં તૈયાર કરે છે. તે ઉપરાંત શાલ, સ્ટૉલ, મફલર, ટોપી, હેન્ડબેન્ડ, જેકેટ અને રમકડાં બનાવે છે. તેઓ પચાસ જાતના છોડમાંથી ત્રીસ જેટલા રંગો બનાવે છે. તેમાં ઇંડિગો, ગલગોટા, બોનેસેટ, આંબળા, હળદર મુખ્ય છે. આમાંથી જ તેઓ વોટર કલર, ક્રેયોન અને ટેક્સટાઇલ ડાય બનાવે છે, તેથી કાર્બન ઉત્સર્જન થતું નથી અને પાણી તેમજ જમીન પ્રદૂષિત થતા નથી. આજે તેમાં દોઢ હજાર કારીગરો અને એકત્રીસ કર્મચારીઓ કામ કરે છે. જેઓએ છેલ્લાં પાંચ વર્ષમાં કુલ બે કરોડથી વધુ આવક મેળવી છે. તેને કારણે ીઓ તેમના બાળકોનો શિક્ષણ અને લગ્નનો ખર્ચ ઉઠાવી શકી છે અને જીવનધોરણના સ્તરમાં પણ સુધારો થયો છે. આને કારણે ગળીની ખેતી શરૂ થઈ છે. ૨૦૧૬માં ૧૨૮ ખેડૂતોએ સાડા છ હજાર કિલો ગળીના પાંદડા એકત્ર કર્યા અને તેમાંથી આશરે દોઢથી પોણા બે લાખની આવક થઈ.

ત્રિપુરાદેવીમાં આવેલા કૅમ્પસમાં શ્રમદાન, ખેતી, કોમ્યુનિટી કીચન અને મેડિટેશનની પ્રવૃત્તિઓ નિયમિત ચાલે છે. શરૂઆતમાં તેમણે જોયું કે ગામડાંનાં પરિવારોમાં વીજળી નહોતી, તેથી સૌર લાઇટ પહોંચાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ સૌર લાઇટ ખરીદવાના ત્રીસ રૂપિયા પણ તેમની પાસે નહોતા. કેમ્પસમાં સોલર એનર્જીનો તેમજ દેવદારનાં વૃક્ષોનાં પાંદડાં અર્થાત્ પાઈન નીડલ ગેસિફિકેશનનો બળતણ તરીકે ઉપયોગ કરે છે. તેમણે ૨૦૦૬માં બાયો એનર્જી પ્રોગ્રામ શરૂ કર્યો અને ૨૦૦૯માં કલાકના નવ કિલોવોટ વીજળી આપે તેવું પાઈન નીડલ પાવર સ્ટેશન શરૂ કર્યું. આજે સમગ્ર કેમ્પસમાં વીજળી માટે કોઈ ખર્ચ કરવો પડતો નથી. ૨૦૧૩માં નજીકના ચચરેટ ગામમાં ૧૨૦ કિલોવોટનો કોમર્શિયલ પાવર પ્લાન્ટ શરૂ કર્યો છે અને આસપાસનાં જુદાં જુદાં આઠ ગામોમાં પણ પાવર પ્લાન્ટ શરૂ કર્યા છે. તેમાંથી કેટલાક પ્લાન્ટ ગ્રામજનો જ ચલાવે છે. આશરે સો પરિવારોને રોજગારી મળે છે.

રશ્મિ ભારતીના આ કામમાં તેમના પતિ રજનીશ જૈનનો સંપૂર્ણ સહયોગ મળ્યો છે. તેઓ બંને કારીગરોને સતત નવું નવું શીખવતા રહે છે. કચ્છની સોમૈયા કલા વિદ્યાલય સાથે મળીને વણકરોને ડિઝાઈનની તાલીમ અપાવી છે. પર્યાવરણ, રોજગારી, ટકાઉ વિકાસ, કારીગરોનું આર્થિક ઉત્થાન વિશે વિચારનાર શિક્ષણથી કઈ રીતે અલિપ્ત રહી શકે? ૨૦૧૧થી તેમના કેમ્પસમાં તેમણે અભિવ્યક્તિ નામે પ્રાથમિક સ્કૂલ શરૂ કરી છે, જેમાં બાળકોનો સમગ્રતયા વિકાસ થાય તેના પર ધ્યાન આપવામાં આવે છે. તેમણે મોન્ટેસોરી પદ્ધતિ અપનાવીને બાળકને દરેક પ્રકારનું કૌશલ શીખવવામાં આવે છે, જેથી બાળકની સર્જનાત્મકતા અને કલ્પનાશીલતાનો વિકાસ થાય. અહીં કાંતણ, વણાટકામ, ભરતકામ, બાગકામ, ખાતર બનાવવાની પદ્ધતિ, પોટરી વર્કશોપ, રસોડાનું કામ તેમજ રમતગમત શીખવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય વિદ્વાનોનો લાભ પણ તેમને મળે છે. રશ્મિ ભારતી અને તેમનાં પતિનું લક્ષ્ય વધુને વધુ લોકોને રોજગારી મળે તેવું છે. તેમની સંસ્થાનું નામ અવની અર્થાત્ પૃથ્વી ગ્રહને સાચવીને તેઓ ટકાઉ વિકાસ સાધવા માગે છે. હજારો મહિલાઓ આથક રીતે સ્વનિર્ભર બને તેનાથી લૈંગિક સમાનતા અને સ્ત્રી સશક્તિકરણના દ્વાર ખૂલે. તેની સાથે ટકાઉ અને પર્યાવરણ અનુકૂળ આર્થિક વિકાસ થાય તેવું સુંદર મોડલ તેમણે આપ્યું છે.


Google NewsGoogle News