એક હત્યા, ચાર ચહેરા પ્રકરણ - 03 .
- મહેશ યાજ્ઞિાક
- 'જાડેજાસાહેબ! આપની ખ્યાતિની વાતો તો બહુ સાંભળી છે, પણ રૂબરૂ મળવાનો લાભ તો આજે પહેલી વાર મળ્યો.'
ઝા લાની વિદાય લઈને બંગલામાં પાછા આવ્યા પછી હવે શું કરવાનું છે એ જાણવા માટે અવિનાશ અને નંદિની તખુભા જાડેજાની સામે જોઈ રહ્યા હતા.
'ઝાલાબાપુએ આગ્રહ કરીને જમાડયા છે, એટલે એકાદ કલાક તો આરામ કરવો પડશે.' તખુભાએ કહ્યું. 'એ પછી સૌથી પહેલા તો અહીંના પોલીસસ્ટેશને જઈને આખા કેસની વિગત ચકાસવી પડશે. પોલીસે તપાસમાં શું કર્યું છે એ સમજી લીધા પછી આપણું કામ સરળ બનશે, પણ એ બધું કલાક પછી.'
'પણ એ પહેલા અમારી ગૂંચવણ દૂર કરો, બાપુ! પેલા ધારાસભ્ય ગણેશજીને પહેલી ઑફરની વાત કરીને તમે કહેલું કે મેં આ બંનેને પણ વાત નથી કરી, અને પાંચ લાખની ઑફર કરનારને ના પાડી દીધેલી.' નંદિનીએ તખુભા સામે જોયું. 'તમે અમને તો કંઈ કહ્યું જ નથી કે એ વાત શું હતી?'
'કોઈ ભૂતભાઈની પણ ઑફર નથી આવી!' તખુભા હસી પડયા. 'નોકરી છોડીને આ એજન્સી શરૂ કરી છે, એટલે બિઝનેસની નાની-મોટી ટ્રિક તો શીખવી પડેને? વાર્તા બનાવીને ગણેશજીને મેસેજ આપી દીધો કે અમે કોઈ ગેરકાયદેસર કામ નથી કરવાના, એ ઉપરાંત કેટલી ફી હોઈ શકે એનો અણસાર પણ આપી દીધો! અલબત્ત, લાલજી નિર્દોષ હશે તો એના પિતા નારણ પાસેથી આપણે અગિયાર રૂપિયા જ લેવાના છીએ, પણ લાલજી હત્યારો હશે તો ગણેશજી પાસેથી ફી વસૂલ કરીશું!' બંનેની સામે જોઈને એમણે કહ્યું. 'ગૂંચવાડો દૂર થઈ ગયોને? હવે તમારા રૂમમાં જઈને આરામ કરો. કલાક પછી બહાર જવાનું છે.'
સવા કલાક પછી ત્રણેય તૈયાર થઈ ગયા હતા. તખુભાએ સ્ટીલ ગ્રે રંગનો થ્રીપીસ સૂટ પહેર્યો હતો. એમને જોઈને કોઈને પણ ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિ પોલીસ અધિકારી યા તો નિવૃત્ત લશ્કરી અધિકારી હશે. અવિનાશે સ્કાય બ્લ્યુ શર્ટ અને નેવી બ્લ્યુ પેન્ટ પહેર્યું હતું. બ્રાન્ડેડ કપડામાં એ કોઈ કંપની એક્ઝિક્યુટિવ જેવો લાગતો હતો. ઘેરા વાદળી રંગના પંજાબી ડ્રેસમાં નંદિનીની ગૌર ત્વચા વધુ ચમકદાર લાગતી હતી.
તખુભાએ કાર સ્ટાર્ટ કરી. નંદિની પાછળની સીટ પર બેઠી હતી અને અવિનાશ તખુભાની પાસે બેઠો હતો. 'સૌથી પહેલી ચાની લારી દેખાય ત્યાં ચા પીધા વગર નહીં ચાલે. ચાવાળા પાસેથી જાણકારી પણ લેવાની છે.' તખુભાએ અવિનાશને કહ્યું. 'કાલથી તું સવારમાં દૂધ લઈ આવજે, એટલે આપણા કિચનમાં જ ચાની વ્યવસ્થા થઈ જશે.' હકારમાં મસ્તક હલાવીને અવિનાશે સંમતિ આપી.
લારી પર ચા પીધા પછી પૈસા આપતી વખતે તખુભાએ કીટલીવાળાને પૂછયું. 'દોસ્ત, તમારા ગામમાં એક ગાંડાબાપુ હતા, એ જીવે છે કે ઉપર પહોંચી ગયા?'
'એવા નમૂનાને ઉપર બોલાવીને ભગવાનને શું કામ હોય?' કીટલીવાળાએ હસીને કહ્યું. 'ગાંડાબાપુ હજુ અડીખમ છે. રોજ મારે ત્યાં આવીને આખી ચા ટટકારે છે! એ પછી એમનો રાઉન્ડ શરૂ થાય. બજારમાં ને ગામમાં આંટો મારીને પેટ ભરીને ખવડાવે એવા કોઈ દયાળુને શોધી કાઢે છે!'
'એ ભાઈ તમને તો ચાના પૈસા આપે છેને?' આટલી વાત સાંભળીને અવિનાશે જિજ્ઞાાસાથી પૂછયું.
'હું એકલો નહીં, પણ આખા ગામનો એકેય ચાવાળો ગાંડાબાપુ પાસેથી પૈસા ના લે. એ તો મસ્તાન કહેવાય. એમને ખવડાવીએ-પીવડાવીએ તો પુણ્ય થાય.' ચાવાળાએ જાણકારી આપી. 'બજારમાં ગાંડાબાપુનું સ્થાન હાથવાટકા જેવું. કોઈને કંઈ પણ કામ હોય તો ગાંડાબાપુ દોડીને પતાવી દે. લઘરવઘર લાગે, પણ માણસ સાફ દિલનો. લાખ રૂપિયા પડયા હોય તોય એમની દાનત ના બગડે.'
ત્રણેય કારમાં ગોઠવાયા પછી અવિનાશે પૂછયું. 'આ ગાંડાબાપુને તમે કઈ રીતે ઓળખો?'
'હું એમને ક્યારેય મળ્યો નથી, પણ માણસ મળવા જેવો છે અને તારે તો એમને મળવું જ પડશે.' તખુભાએ અવિનાશને સમજાવ્યું. 'એ માણસ અગાઉ પોલીસનો ખબરી હતો. એક ઈન્સ્પેક્ટર સાથે પૈસાની માથાકૂટ થયા પછી ગાંડાબાપુ ખાખી કપડાંથી દૂર ભાગે છે. સતત આંખ-કાન ખુલ્લા રાખીને એ આખ્ખો દિવસ અને ઊંઘ ના આવે ત્યાં સુધી-મોડી રાત સુધી ગામમાં ફરતો હોય છે. ગાંડો માનીને એની હાજરીની કોઈનેય પરવા નથી હોતી, એટલે બધાની વાત એને સાંભળવા મળે છે. એની યાદશક્તિ પણ ગજબનાક છે, એટલે આખા ગામના તમામ માણસોની કરમકુંડળીનો ખજાનો એની પાસે હશે એવી મારી ધારણા છે. એ ફક્કડ ગિરધારીનું ઘર છે, પણ ઘેર જવાને બદલે ઊંઘ આવે ત્યારે ગમે તે દુકાનના ઓટલા પર ઊંઘી જાય છે. ગાંડાબાપુ વિશેની આવી અનેક વાતો મેં એક ઈન્સ્પેક્ટર પાસેથી સાંભળેલી છે.' લગીર અટકીને એમણે ઉમેર્યું. 'આજે પોલીસસ્ટેશનમાંથી જે કંઈ જાણકારી મળે એના આધારે આપણે કોઈ પણ માણસની માહિતી જોઈતી હશે તો એના માટે તારે ગાંડાબાપુને મળવું જરૂરી બનશે.'
'એ અલગારી મને રિસ્પોન્સ આપશે? કોઈ ઓળખાણ-પિછાણ વગર એ મારા પ્રશ્નોના જવાબ આપશે ખરો?' અવિનાશે શંકા વ્યક્ત કરી.
'સો ટકા જવાબ આપશે.' તખુભાએ ખાતરી આપી. 'એ મસ્તાનનું મોઢું ખોલાવવાની માસ્ટર કી પણ એ ઈન્સ્પેક્ટરે મને જણાવેલી. તારે એને તારી બુલેટ પર બેસાડીને એ કહે એ દુકાને કે હોટલે લઈ જવાનો, એ જે ઑર્ડર આપે એટલું એને ખવડાવવાનું-ધેટસ્ ઑલ! ગાંડાબાપુનું પેટ પૂરેપૂરું ભરાઈ જશે, એ પછી તું જે પૂછીશ એના જવાબ તને મળી જશે, એ પણ સાવ સાચા!'
આવા અજબગજબના માણસો પણ હોય છે અને તખુભા જાડેજા પાસે એમની જાણકારી હોય છે- અવિનાશ અને નંદિની આશ્ચર્યથી સાંભળી રહ્યા હતા.
કારને સહેજ ધીમી પાડીને તખુભાએ એક રાહદારીને પોલીસસ્ટેશનનો રસ્તો પૂછયો. શ્યામઘાટ સ્કૂલની સામે જ નવું બિલ્ડીંગ છે એવું કહીને પેલાએ રસ્તો બતાવ્યો અને તખુભાએ કારને એ તરફ લીધી.
પોલીસસ્ટેશનની અંદર પોલીસકર્મીઓ ઉપરાંત નાગરિકોની પણ ચહલપહલ હતી. કારમાંથી ઊતરીને આ ત્રણેય પોલીસસ્ટેશનમાં પ્રવેશ્યા એટલે તખુભા જાડેજાનું પ્રભાવશાળી વ્યક્તિત્વ અને એમની સાથે એક અપટુડેટ યુવાન અને રૂપાળી યુવતીને જોઈને બધાની નજર એમની સામે જ હતી.
'સાહેબની ચેમ્બર ક્યાં છે?' અવિનાશે એક કોન્સ્ટેબલને પૂછયું એટલે ઈન્સ્પેક્ટરની ચેમ્બર બતાવવા માટે એ આ ત્રણેયની સાથે આવ્યો. ચેમ્બરની સામે સોફા પર બે મુલાકાતીઓ રાહ જોઈને બેઠેલા હતા. ચેમ્બરની બહાર નેઈમ પ્લેટ પર નામ હતું ઈન્સ્પેક્ટર એન.એમ.દેસાઈ. બારણાં પાસે સ્ટૂલ પર બેઠેલો કોન્સ્ટેબલ હથેળીમાં તમાકુ મસળી રહ્યો હતો. તખુભાને જોઈને એણે તમાકુ ખંખેરી નાખી અને ઊભો થઈ ગયો. 'દેસાઈ સાહેબ છે?' અવિનાશે એને પૂછયું અને જવાબની રાહ જોયા વગર ઉમેર્યું. 'એમને કહો કે અમદાવાદથી તખ્તસિંહ જાડેજાસાહેબ મળવા આવ્યા છે.' ચેમ્બરનું બારણું ખોલીને પેલો અંદર ગયો. બહાર બેઠેલા મુલાકાતીઓ આ ત્રણેયની સામે જોઈ રહ્યા હતા.
કોન્સ્ટેબલ બહાર આવ્યો. એની પાછળ ઈન્સ્પેક્ટર દેસાઈ પોતે તખુભાને આવકારવા બહાર આવ્યો. યુવાન દેસાઈએ આદરપૂર્વક તખુભાની સામે હાથ જોડયા. 'પધારો, સર!' એમ કહીને એણે ચેમ્બરનું બારણું ખોલીને ત્રણેયને આવકાર આપ્યો.
વિશાળ ટેબલ ઉપર વાદળી રંગનું ટેબલક્લોથ હતું. બે ટેલિફોન, બે મોબાઈલ ઉપરાંત ફાઈલોની ત્રણ થપ્પીઓ પડી હતી. ટેબલની પાછળ ઈન્સ્પેક્ટરની રિવોલ્વિંગ ખુરસી હતી અને સામેની તરફ મુલાકાતીઓ માટે પાંચ ખુરસીઓ હતી. રૂમની જમણી તરફ કોન્ફરન્સ થઈ શકે એ રીતે સોફા અને ખુરસીઓ ગોઠવાયેલી હતી.
'જાડેજાસાહેબ! આપની ખ્યાતિની વાતો તો બહુ સાંભળી છે, પણ રૂબરૂ મળવાનો લાભ તો આજે પહેલી વાર મળ્યો.' આટલું કહીને દેસાઈએ પોતાની ખુરસી તરફ આંગળી ચીંધીને કહ્યું. 'સર, આપ ત્યાં બેસો.'
નકારમાં મસ્તક ધૂણાવીને તખુભાએ કહ્યું. 'એ યોગ્ય ના કહેવાય, દેસાઈભાઈ! દોઢ મહિના અગાઉ આવ્યો હોત, તો ત્યાં વટથી બેસતો, પણ વર્દીમાંથી મુક્તિ મેળવ્યા પછી ત્યાં બેસવાનો મારો અધિકાર નથી.'
તખુભા, અવિનાશ અને નંદિની હજુ ઊભા જ રહ્યા હતા. 'આપે રાજીનામું આપ્યું એવા સમાચાર મળ્યા હતા.' દેસાઈએ કહ્યું. 'બેસો તો ખરા. આજે અહીં આવ્યા છો, તો ફરમાવો. શું સેવા કરું?'
ચેમ્બરની બહાર બે મુલાકાતી બેઠા હતા, એનો તખુભાને ખ્યાલ હતો. એમણે કહ્યું. 'દેસાઈભાઈ, અમારા કામમાં વધારે સમય જશે. બહાર બે સજ્જન બેઠા છે, એમને આપ નિપટાવી લો, ત્યાં સુધી અમે અહીં સોફા પર બેઠા છીએ.' 'જેવી આપની મરજી.' કહીને દેસાઈએ કોન્સ્ટેબલને કહીને પેલા બંનેને અંદર બોલાવ્યા. તખુભા, અવિનાશ અને નંદિની સોફા પર ગોઠવાઈ ગયા.
પેલા બંને ભાઈઓ અંદર આવીને હાથ જોડીને દેસાઈની સામેની ખુરસી પર બેઠા. એમની કરિયાણાની દુકાનના નોકરે આઠ હજાર રૂપિયાની ચોરી કરી છે એવી વાત કરીને એમણે કહ્યું કે ઑફિસિયલ ફરિયાદ કરીને અમારે કાગળિયાની લપ નથી કરવી. તમે એ હરામીને થોડોક ઠમઠોરીને જેલમાં પૂરવાની ધમકી આપશો, એટલે એ ગભરાઈને આઠ હજાર પાછા આપી દેશે. તમે આટલું કામ કરી આપો. એમની વાત સાંભળીને દેસાઈએ કહ્યું. 'જેવી તમારી મરજી. આજે તો મહેમાન છે, એટલે કાલે એને લઈને આવજો. ધમકાવવાથી જ તમારું કામ પતી જશે.' દેસાઈને ફરીથી હાથ જોડીને આભારવશ ચહેરે એ બંનેએ વિદાય લીધી.
'આવો સાહેબ, હવે હુકમ ફરમાવો.' તખુભા સામે જોઈને દેસાઈએ પોતાની સામેની ખુરસીઓ તરફ ઈશારો કર્યો એટલે ત્રણેય દેસાઈની સામે ગોઠવાયા. દેસાઈના પેલા લોકો સાથેના સંવાદ સાંભળીને તખુભાના મનમાં ચચરાટ થયો હતો. 'દેસાઈભાઈ! આપ ખોટું ના લગાડતા, પણ અનુભવી વડીલ તરીકે મારાથી બોલ્યા વગર નથી રહેવાતું. અહીંના ઈન્ચાર્જ તરીકે આપે લોકોનો આદેશ માનવાને બદલે કાયદાની કલમોનો આદર કરવો જોઈએ. એ લોકો ફરિયાદ આપે એ પછી જ કાયદેસર જે કરવાનું હોય એ કરવાની આપણી ફરજ છે. એની વે, અહીંના સ્થાનિકો સાથેના આપના સંબંધો કઈ રીતના છે, એની જાણકારી નથી, એટલે વધારે કંઈ કહેતો નથી.' દેસાઈના ઝંખવાણા પડી ગયેલા ચહેરા સામે જોઈને તખુભાએ હસીને ઉમેર્યું. 'ચાલો, જવા દો એ વાત. હવે હું ડીસીપી નથી, એ વાત મગજમાંથી નીકળી જાય છે!'
'આપની ટકોર હું યાદ રાખીશ, સાહેબ!' દેસાઈએ ઢીલા અવાજે કહ્યું. 'હવે મારે લાયક કામ ફરમાવો.'
'ગયા મહિને રાજીનામું આપીને મારા આ બે સાથીઓ સાથે મેં પ્રાઈવેટ ડિટેક્ટિવ એજન્સી ખોલવાનું સાહસ કર્યું છે. એમાં અમને જે પહેલો કેસ મળ્યો એના માટે અહીં આવ્યા છીએ.' અવિનાશ અને નંદિનીનો પરિચય કરાવીને, ડુંગરપુરના ધારાસભ્ય ગણેશજીએ આવીને જે કામ સોંપ્યું હતું એની વિગત સમજાવીને તખુભાએ દેસાઈ સામે જોયું. 'સૌથી પહેલા તો આપ મેમરી રિકોલ કરીને કાશીબા હેરિટેજ હોટલમાં એક્ઝેટ શું બન્યું હતું
એ કહો.'
'છેલ્લા ચાર મહિનામાં આ પહેલો મર્ડર કેસ આવેલો એટલે મને બધુંય યાદ છે.' ટેબલ પર પડેલો પાણીને ગ્લાસ હાથમાં લઈને દેસાઈએ બે ઘૂંટડા પાણી પીધું. પછી સામે બેઠેલા ત્રણેયને પૂછયું. 'ચા, કૉફી કે કૈંક ઠંડુ- આપ અત્યારે શું લેશો? એ પછી સમયની અનુકૂળતા હોય તો જમવા માટે પણ મારા ઘેર જ આવવું પડશે.'
'જમવાનો તો મેળ નહીં પડે, પણ અત્યારે ચા ચાલશે.' તખુભાએ કહ્યું અને દેસાઈએ કોન્સ્ટેબલને ચા માટે સૂચના આપી.
'નવમી ડિસેમ્બરે બપોરે બે વાગ્યે હોટલમાંથી મેનેજર પંકજનો ફોન આવ્યો કે સાહેબ, જલ્દી આવો, અહીં એક મર્ડર થઈ ગયું છે. એ જ દિવસે મારા દીકરાનો બર્થ ડે હતો એટલે તારીખ બરાબર યાદ રહી ગઈ છે.' આટલો ખુલાસો કરીને એ બોલ્યો. 'અહીંથી એ હોટલ ચાર કિલોમીટર દૂર છે. કોઈ માણસ ત્યાં કોઈ ચીજને અડે નહીં એવી પંકજને સૂચના આપીને ફોટોગ્રાફર અને ફોરેન્સિક ટીમને ત્યાં આવવાનું કહીને બે કોન્સ્ટેબલ સાથે હું ત્યાં પહોંચ્યો. ત્યાંના સ્ટાફનું ટોળું ચિંતાતુર બનીને મારી રાહ જોઈને ઊભું હતું. હોટલ ત્રણ માળની છે. ત્રીજે માળ ઓગણીસ નંબરના રૂમમાં બારણાં પાસે જ રસિક રાઠોડની લાશ પડી હતી. કોઈએ પ્રચંડ તાકાતથી એના માથા પર બોથડ હથિયારથી એવો પ્રહાર કરેલો હતો કે રસિકની ખોપરી છૂંદાઈ ગઈ હતી. આસપાસ લોહી થીજીને કાળું પડી ગયું હતું અને માખીઓ બણબણતી હતી. એ જોઈને ખ્યાલ આવ્યો કે આ માણસની હત્યા તો દસ-બાર કલાક અગાઉ થઈ હશે. હોટલની માલિક એટલે કાશીબાની ચોથી પેઢીની વારસદાર અંજલિ. એ અને એનો પતિ પંકજ બંને ભયંકર ગભરાટમાં હતા.'
એ યાદ કરીને બોલતો હતો. ત્રણેય શ્રોતાઓ ધ્યાનથી સાંભળતા હતા.
'મને સૌથી પહેલો એ સવાલ થયો કે બપોરે બે વાગ્યા સુધીમાં એ રૂમમાં સફાઈ માટે કે ચાદર બદલવા માટે પણ કેમ કોઈ નહોતું ગયું? મેં પૂછયું એટલે પંકજે જવાબ આપ્યો કે સફાઈ કરનાર લીલા નવ વાગ્યા અગાઉ આ કામ પતાવી દે છે, પરંતુ એ ગઈ ત્યારે રૂમ પર 'ડુ નોટ ડિસ્ટર્બ' નું પાટિયું ઝૂલતું હતું, એટલે એ પાછી આવેલી.
એ પછી બે વાગ્યે એ ફરીથી ગઈ ત્યારે ત્યાં એ પાટિયું નહોતું. લીલાએ બેલ વગાડયો, પણ બારણું ખોલવામાં ના આવ્યું એટલે લીલાએ ધક્કો માર્યો તો બારણું ખૂલી ગયું. બારણાંની પાસે જ લોહીથી લથબથ લાશ જોઈને એ ચીસ પાડીને નીચે આવી ગઈ ને અમને જણાવ્યું. એ પછી મેં તમને ફોન કર્યો.
પંકજે આટલી માહિતી આપી. ત્યાં સુધીમાં ફોટોગ્રાફર અને ફોરેન્સિક ટીમ પણ આવી ગઈ હતી. એમણે એમનું કામ શરૂ કર્યું. મૃતકની બેગ વિંખાયેલી હતી એટલે ચોરી માટે હત્યા થઈ હશે એવું મારું પ્રાથમિક તારણ હતું. મેં પંકજને પૂછયું કે હત્યા અડધી રાત્રે થઈ હશે, એ સમયે બહારનું તો કોઈ હોટલમાં આવે નહીં, એટલે તમારા સ્ટાફના એકેએક માણસની પૂછપરછ કરવી પડશે. પંકજે કહ્યું કે સ્ટાફમાં ચોરી કરે એવો એક માત્ર માણસ છે, એ લાલજી અત્યારે અહીં હાજર નથી, એ નશામાં ચૂર થઈને એની ઓરડીમાં પડયો હશે. હોટલની પાછળના ભાગમાં પંકજ અને અંજલિના બંગલાની પાસે જ સર્વન્ટ ક્વાર્ટર્સ જેવી ચાર ઓરડી છે. એ બંનેની સાથે હું ત્યાં ગયો ત્યારે સ્ટાફના બધા પણ અમારી સાથે આવ્યા.
લાલજીની ઓરડીનું બારણું ખાલી અટકાડીને જ બંધ કરેલું હતું. સહેજ ધક્કો માર્યો કે તરત ઉઘડી ગયું. સ્ટાફને બહાર ઊભા રહેવાનું કહીને હું, પંકજ અને અંજલિ અંદર ગયા. ફરસ પરની પથારીમાં પહેલવાન જેવો લાલજી ઘસઘસાટ ઊંઘતો હતો. ઓરડીના ખૂણામાં પડેલો હથોડો જોઈને હું ચોંકી ગયો. એ હથોડો લોહીવાળો હતો! લાત મારીને મેં લાલજીને ઉઠાડયો ત્યારે એ ઝબકીને જાગ્યો. એની આંખો તો હજુ નશામાં હોય એવી જ દેખાતી હતી. લોહીવાળો હથોડો જોઈને મેં ફોરેન્સિક ટીમને ત્યાં બોલાવી લીધી. એમણે હથોડો કબજે કરીને ઓરડીમાં તપાસ કરી તો લાલજી સૂતો હતો એ ગાદલાની નીચેથી રસિક રાઠોડનો મોબાઈલ, પાકીટ અને પાંત્રીસ હજાર રૂપિયા પણ મળ્યા. ઓપન એન્ડ શટ જેવો જ કેસ હતો એટલે લાશને પી.એમ. માટે મોકલીને લાલજીને પકડી લીધો. પંકજે ફરિયાદ નોંધાવેલી. લાલજીને કોર્ટમાં રજૂ કરીને ચૌદ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી અને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા. અમે થાકી ગયા પણ લાલજીનું શરીર તો ગજવેલ જેવું છે. પોતાના ગુનાની એ કબૂલાત નથી કરતો. કસ્ટડીનો સમય પૂરો થયો એટલે એને જેલમાં મોકલી આપ્યો છે.'
આટલી માહિતી આપીને દેસાઈએ તખુભા સામે જોયું. 'કેસની ફાઈલ જોવા મળશે?' તખુભાએ પૂછયું એટલે દેસાઈએ ઊભા થઈને કબાટમાંથી કાઢીને એ ફાઈલ તખુભાના હાથમાં આપીને ઉમેર્યું. 'આપને જોવા હોય તો તમામ પુરાવા મુદ્દામાલ રૂમમાં મૂકાવ્યા છે.'
'અત્યારે એની જરૂર નથી.' આટલું કહીને ફાઈલ હાથમાં લઈને તખુભાએ દેસાઈને કહ્યું. 'દેસાઈભાઈ! આટલા વર્ષની નોકરીમાં લગભગ એંશી મર્ડર કેસમાં મેં ઈન્વેસ્ટિગેશન કર્યું છે. હત્યાનું હથિયાર આવી રીતે મૂકીને ઊંઘી જનાર ડફોળ હત્યારો તો એકેય વાર નથી મળ્યો!' આટલું કહીને એમણે ફાઈલ જોવાનું શરૂ કર્યું.
બાપુ વ્યંગમાં બોલ્યા છે, એ વાત અવિનાશ ને વિભાને સમજાઈ ગઈ. એ બંનેએ તરત એકબીજાની સામે જોયું.
આંખો પાસેથી માઈક્રોસ્કોપનું કામ લેતા હોય એમ દસેક મિનિટમાં જ પોતાનું કામ પતાવીને તખુભાએ ફાઈલ અવિનાશને આપી. 'ફોટોગ્રાફસ્, હોટલના રજીસ્ટરની ઝેરોક્સથી માંડીને આ કેસની તમામ વિગત આમાં છે. એ જોઈ લે.'
ઝીણવટથી ફાઈલ જોવામાં અવિનાશે પચીસેક મિનિટ લીધી. એ પછી એણે તખુભા સામે જોયું. આંખોથી જ એમણે સંમતિ આપી એટલે અવિનાશે દેસાઈ સામે જોઈને કહ્યું. 'દેસાઈસર! એક વાતની સમજ ના પડી. મુંબઈથી આવેલા રસિક રાઠોડે છઠ્ઠી તારીખે સવારે દસ વાગ્યે હોટલમાં એન્ટ્રી લીધેલી. રજીસ્ટરમાં એને વીસ નંબરનો રૂમ એલોટ થયેલો છે, તો પછી નવમી તારીખે બપોરે બે વાગ્યે એની લાશ રૂમ નંબર ઓગણીસમાંથી કઈ રીતે મળી?'
(ક્રમશ:)