આજે સૌ વચ્ચે સંપર્ક છે પણ સંવાદ નથી .
- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ
સિં ગાપોર રેડીયો પરથી સિમોન હેન્ગ નામની એક રેડીયો જોકીએ પ્રશ્ન પૂછયો, 'જો તમને આ વિશ્વમાં કોઈ સુપર પાવર મળવાનો હોય તો તે શું હોઈ શકે?' સામે છેડેથી થોડાક ડર અને મૂંઝવણ સાથે એક સ્ત્રીનો જવાબ આવ્યો, 'હું મિ શૂઆન બોલું છું. મને જો કોઈ સુપર પાવર મળવાનો હોય તો તે અન્ય માનવી સાથે જોડાવાની કે સંબંધાવાની ક્ષમતા મળે. મને ખબર છે કે આ કોઈ અસામાન્ય સુપર પાવર નથી પણ મને લાગે છે કે આજે જ્યારે બધા માનવી એકબીજા સાથે ટાઢોબોળ વ્યવહાર કરે છે ત્યારે સૌથી વધુ જરૂર ઉષ્માપૂર્ણ સંબંધોની છે.'
જીવનમાં ઊંડાઈ એકાદ મૈત્રીપૂર્ણ સંબંધ થકી આવે છે. આજે મોબાઈલ-મિડિયા થકી કોમ્યુનિકેશન તો વધ્યું છે પણ કનેક્શન ઘટયુ છે. જાણે કે દરેક વ્યક્તિ એકલવાયા ટાપુ જેમ જીવી રહી છે. ઉપગ્રહ જેમ રખડી રહી છે. ઈ.સ ૨૦૧૮માં સિગ્ના લોન્લીનેસ ઇન્ડેક્ષે ૨૦૦૦૦ અમેરિકનનો અભ્યાસ કરીને એકલતાને એપીડેમીક ગણેલી. ત્યારબાદ બ્રિટને તો પ્રથમ વખત મિનીસ્ટર ઓફ લોન્લીનેસની પણ નિમણૂક કરેલી. આજે એકલતા આપણા યુગનું સૌથી જીવલેણ કેન્સર બની ગયું છે. જાણે તકનોલોજી એ એક રથ સાથે અસંખ્ય અશ્વો જોડયા છે- દરેક અશ્વોની દિશા અલગ છે પણ ગતિ ખુબ છે. પરિણામે રથ ક્યાંયે પહોંચતો નથી. જહોન હેનરી કિલપીન્જર તો આપણને ડરાવે છે તે આવી અવસ્થાને 'ક્રાઉડ ઓફ વન : ધ ફ્યુચર ઓફ ઈન્ડીવિડયુલ આઈડેન્ટીટી' તરીકે ઓળખાવે છે. આજે દરેક વ્યક્તિ ડીસકનેક્ટ અને ડીટેચ છે.
ભલે આખી પૃથ્વી વાય-ફાય ફ્રેન્ડલી બની જાય, પાડોશી સાથે તો વાંધો જ છે, પત્ની સાથે છૂટાછેડાનો કેસ તો ચાલે જ છે. આજે સૌ વચ્ચે સંપર્ક છે પણ સંવાદ નથી, સોબત નથી, સગપણ નથી. માનવીય સ્નેહ અને આત્મીય સમજ ઘટી છે. મોનોલોગ ચાલ્યા કરે છે, ડાઈલોગ નથી. એકમેક વચ્ચેની વેવલેંથ વિખેરાઈ છે. ચૈતન્યના સ્તરે એકમેકનો સ્વીકાર ખોરવાયો છે. તેથી હૃદયના સ્તરે માનવીય પ્રતિબિંબ નથી ઝીલાતું અને મનના સ્તરે સંવેદનશીલ પ્રતિઘોષ નથી સંભળાતો. જ્યારે 'સ્વ'ના સાક્ષાત્કાર માટે તો અન્ય અનિવાર્ય છે. રોબીન ડનબારનો એક અભ્યાસ કહે છે કે એક વ્યક્તિની અર્થપૂર્ણ અને આત્મીય સંબંધ બાંધવાની ક્ષમતા ૧૫૦ વ્યક્તિઓ સાથેની છે. જ્યારે આજે તો એકાદ આત્મવાન મૈત્રીના પણ ફાંફા છે. લગભગ સૌને ડિજિટલ ફ્રેન્ડ સાથે ફાવે છે ચૈતન્યના ધબકારા વાળો દોસ્ત ખપતો નથી. અભ્યાસો કહે છે કે પૃથ્વી પરની લોન્લીએસ્ટ પેઢી એટલે જનરેશન-ઝેડ એટલે કે ૧૮ થી ૨૨ વય ધરાવનારા. કદાચ, આપણી કન્વેનીઅન્સ અને ઈફીસીઅન્સીની લાલચ આપણને અહીં સુધી લઈ આવી છે. તેથી આપણે સંબંધમાં પણ આ બન્ને તત્વોને શોધીએ છીએ. પરિણામે આપણે મોબાઇલ સાથે કલાકો વિતાવી શકીએ છીએ પણ માનવી સાથે નહીં. આપણે બે અંતિમો વચ્ચે ભીંસાઈએ છીએ; આપણને હોંશ છે કે બધા મને ઓળખે અને આપણને ડર છે કે બધા મને ઓળખી ન જાય તો સારું. આજે જ્યારે ફ્રેન્ડઝની અને ફ્રેન્ડશીપની તાતી જરૂરિયાત છે ત્યારે કેટલાક લોકો માત્ર ફોલોઅર્સથી રાજી છે.