Get The App

ક્રિકેટની હરાજી? .

Updated: Jan 18th, 2025


Google NewsGoogle News
ક્રિકેટની હરાજી?                                                   . 1 - image


- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ

- કોહલી અને રોહિતે સ્વ-પ્રસિદ્ધિમાં પાછું વાળીને જોયું નહીં, પરંતુ એમની ઘોર નિષ્ફળતાના ઓસ્ટ્રેલિયન ટીમે ભરપૂર ફાયદો ઉઠાવ્યો....

ભા રતીય ક્રિકેટમાં એના અદના, એકનિષ્ઠ અને અતિ ઉત્સાહી પ્રેક્ષકોની વિજય માટેની અપ્રતિમ અપેક્ષા અને એની સામે ખેલાડીઓની પાંગળી બની રહેલી રમત વચ્ચે આજે મોટો ગજગ્રાહ ચાલી રહ્યો છે. ભારતના ક્રિકેટ શોખીનો એના ક્રિકેટરોને ચાહનાનાં એવા ઊંચા શિખરે બેસાડે છે કે એ સુપરસ્ટાર ખેલાડીની નિષ્ફળતા સહન કરી શકતા નથી. ભક્તિભાવ અને આપણો સ્વભાવ છે અને તેથી એ ક્રિકેટર જ્યારે ઉત્કૃષ્ટ દેખાવ કરે, ત્યારે આપણો દર્શક એના પર 'દેવ'ની માફક વારી જાય છે. જો એ નિષ્ફળ જાય તો એના પર ટીકાનો મારો ચલાવે છે. છેલ્લાં પચાસ વર્ષથી વિનુ માકડ, વિજય હજારે, મન્સૂર અલીખાન પટૌડી, ગાવાસ્કર, સચિન તેંડૂલકર, સલીમ દુરાની એ બધાં ક્રિકેટરો વિશે એક ઝનૂન આપણે ત્યાં પ્રવર્તતું હતું. 'નો દુરાની, નો ટેસ્ટ' એ ઘટના જાણીતી છે.

આના પ્રતિભાવ રૂપે બે પ્રતિક્રિયા સર્જાય છે. એક તો ટીમની નિષ્ફળતા જેટલી મોટી, એટલો એને જનતાનો આક્રોશ વધુ સહન કરવાનો. એક અર્થમાં કહીએ તો સફળતાની ઉજવણી કરનારા આપણે નિષ્ફળતાને પચાવી જાણતા નથી. આથી ૧૯૭૧માં સુકાની અજિત વાડેકરે ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝને એમની જ ધરતી પર ટેસ્ટ શ્રેણીમાં પરાજય આપ્યો હતો. આથી ઇન્દોર ક્રિકેટચાહકોએ પ્રવાસે ગયેલી ભારતીય ટીમના ખેલાડીઓના હસ્તાક્ષરવાળું બેટનું સ્મારક બનાવ્યું. એ પછી ૧૯૭૪માં ભારતની ટીમ ઇંગ્લેન્ડ સામે ત્રણે ટેસ્ટમાં ઘોર પરાજય પામી, ત્યારે રોષે ભરાયેલા રમતચાહકોએ એ વિજયસ્મારકને તોડી નાખ્યું.

નિષ્ફળતા પછી સફળતા આવવાની છે, એવો વિચાર આપણે કરી શકતા નથી. એક જમાનામાં વિશ્વક્રિકેટમાં વેસ્ટ ઇન્ડિઝની ધાક હતી, ત્યારે એની ટીમ ઇંગ્લેન્ડમાં ખૂબ બૂરી રીતે હારીને પાછી આવી. આ સમયે વેસ્ટ ઇન્ડિઝના ચાહકોએ પોતાની ટીમને ઢોલ-નગારાંથી વધાવી હતી અને એના સમર્થ ખેલાડીઓની નિષ્ફળતાને ભૂલીને એમને હૂંફાળો આવકાર આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાના મિડલ ઓર્ડર બેટર માઇકલ કલાર્કનો જ વિચાર કરો. ૨૦૦૪ની છઠ્ઠી ઓક્ટોબરે ભારત સામે આ જમોડી બેટર અને ડાબોડી લેફટઆર્મ ઓર્થોડ્કસ ગોલંદાજે ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કર્યો. માંડ એક વર્ષ રમ્યો અને એને ટીમમાંથી ઘોર નિષ્ફળતાને કારણે વિદાય આપી દેવામાં આવી. સહુએ એના ક્રિકેટજીવન પર પૂર્ણવિરામ મૂકી દીધું અને અનુભવીઓએ એક મતે એમ કહ્યું કે, 'આ નબળી શરૂઆતના આઘાતમાંથી હવે એ ઉગરી શકશે નહીં.'

આવે સમયે માઇકલ કલાર્કે વિશ્વાસપૂર્વક કહ્યું કે, 'હું પાછો આવવાનો છું. એટલું જ નહીં, બલ્કે ઓસ્ટ્રેલિયાની ટીમનો સુકાની બનવાનો છું.' અને હકીકતમાં માઇકલ કલાર્ક પાછો આવ્યો. ૨૦૧૧થી ૨૦૧૫ દરમિયાન ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમનો ટેસ્ટ અને વન-ડેમાં સુકાની બન્યો. ૨૦૧૫નો ક્રિકેટ વર્લ્ડ કપ અપાવવામાં પણ એ કારણભૂત બન્યો અને એ પછી પણ ઓસ્ટ્રેલિયાના ઘણા વિજયોનો એ સાક્ષી અથવા સુકાની રહ્યો.

હકીકતમાં તો ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટની સફળતાને આપણે આગળ વધારી શક્યા નહીં અને છેલ્લી ટેસ્ટમાં જસપ્રીત બુમરાહના અભાવે ટીમની બદતર હાલત થઈ ગઈ. આનાથી ભારતીય પ્રેક્ષકો નિરાશ થાય તે સ્વાભાવિક છે. હવે ખરી જરૂર તો આ નિષ્ફળતામાંથી પાઠ શીખવાની છે. આ નિષ્ફળતા તે ખેલાડીની પોતાની રમવાની રીત વિશે, કોચ અને પસંદગીકાર વિશે અને એથીયે વધુ ક્રિકેટ બોર્ડ વિશે આત્મખોજ બનવાનો અવસર બનવી જોઈએ. જ્યારે આપણે તો નિષ્ફળતાને મૃત્યુ જેવી આઘાતજનક માનીને રમતથી જ પરવારી ગયા હોય તેવો વિષાદનો સૂર કાઢીએ છીએ.

૧૯૮૩માં ભારતે વર્લ્ડ કપની ફાઈનલમાં વેસ્ટ ઇન્ડિઝને પરાજય આપ્યો, પણ એ પછીની ટેસ્ટ શ્રેણીમાં એણે ભારતને પરાજિત કર્યું અને વિશ્વ ક્રિકેટમાં એવો દબદબો હાંસલ કર્યો કે વેસ્ટ ઇન્ડિઝની તાકાતનો એ સમયે જગતમાં મુકાબલો કરી શકતું નહીં. આવી જ રીતે ૨૦૦૫માં ઓસ્ટ્રેલિયા સાવ અણધારી રીતે 'એસીસ' સ્પર્ધામાં ઇંગ્લેન્ડ સામે પરાજિત થયું. ઘણાં લાંબા સમયે ઓસ્ટ્રેલિયાને નિષ્ફળતા મળી, પરંતુ એ પછીના અઢાર મહિનામાં તો ઓસ્ટ્રેલિયાએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજય મેળવ્યો. ઇંગ્લેન્ડને એના ઘર આંગણે પાંચેય ટેસ્ટમાં હાર આપી અને પોતાનો વર્લ્ડ કપ કશાય અવરોધ વિના જાળવી રાખ્યો.

ભારતના તાજેતરનાં પરાજયોથી હતાશ થવાની જરૂર નથી, પરંતુ આત્મખોજ કરવાની વિશેષ જરૂર છે. આ આત્મખોજ એટલે શું કરવાનું ? ભારતીય સિલેકટરોએ સાહસ કરવાની જરૂર છે. એક સમયે જેમ સિલેકશન કમિટીના ચેરમેન વિજય મર્ચન્ટે નિષ્ફળ જતા દિગ્ગજ ખેલાડીઓને એક સાથે વિદાય આપી દીધી હતી. એવી વિદાય આપવાનો સમય આવી ચૂક્યો છે. વિજય મર્ચન્ટ પોતાની રમતની ભૂલો શોધવા માટે મેચ દરમિયાન એની ફિલ્મ ઉતારતા હતા અને પછી પોતાની ટેકનિકની ખામી શોધીને એને દૂર કરવા પ્રયત્ન કરતા હતા. સચિન તેંડૂલકર પોતાની બેટિંગની ખામી શોધવા પોતાના ગુરૂ રમાકાંત આચરેકર પાસે દોડી જતો હતો. આજના ક્રિકેટરોની સ્થિતિ એવી છે કે દૂઝણી ગાય ક્રિકેટ પાસેથી વધુને વધુ ધનનું દૂધ દોહી લેવું. એ સતત કમાણી કરવા પાછળ દોડયો છે. આથી એને પોતાની બોલિંગ કે બેટિંગની ટેકનિકમાં થતી ખામી કે ભૂલ શોધવાનો સમય જ નથી. વિરાટ કોહલી ઓફ સ્ટમ્પની બહારનાં દડાને ખેલવા જતા વારંવાર આઉટ થયો, પણ ઓસ્ટ્રેલિયામાં એનો કોઈ ઉપાય કરી શક્યો નથી.

વળી આ ખેલાડીઓ પ્રથમ કક્ષાના ક્રિકેટમાં એટલે કે રણજી ટ્રોફી જેવી સ્પર્ધાઓમાં ખેલતા નહીં હોવાથી રમતનો લય ગુમાવી બેઠા પછી ફરી આવી મેચો દ્વારા પોતાની ભૂલ સુધારીને પોતાની રમતનો લય પાછો મેળવી શકતા નથી. અઢળક આવક, પ્રસિદ્ધિ માટેનાં નુસખા, પ્રચાર માટેનાં એજન્ટો, ટીવી વિજ્ઞાાપન માટેની સ્પર્ધા એ બધાને કારણે હવે એ ખેલાડી ક્રિકેટની દોડમાં નહીં, પણ કલદારની દોડમાં સામેલ થઈ ગયો છે. એમાં પણ ભારતમાં વર્ષોથી જે સુપરસ્ટાર કલ્ચર જોવા મળે છે, એણે ઘણી મોટી હાનિ કરી છે. ભારત એના એક-બે સુપરસ્ટાર પર આધાર રાખતું હોય છે અને એ સુપરસ્ટારને નિષ્ફળ બનાવવો તે વિરોધી ટીમનું લક્ષ્ય બને છે.

એક સમયે ગાવાસ્કર, એ પછી સચીન તેંડૂલકર, ત્યારબાદ ધોની, કોહલી અને રોહિત પર ભારતીય ટીમ ઘણો મદાર રાખતી હતી. આને પરિણામે બાકીના ખેલાડીઓ ધાર્યું પર્ફોમન્સ કરી શકતા નહીં, એમ માનવામાં આવે છે કે આ 'સુપરસ્ટાર' ખેલાડી જ તમને જીત અપાવે છે અને તેને પરિણામે એ સુપરસ્ટાર, ખેલાડીની નિષ્ફળતા ટીમમાં સોંપો પાડી દેતી હોય છે. ક્યારેક આવા સુપરસ્ટાર નિવૃત્ત થતા મોટો શૂન્યવકાશ સર્જાય છે. તેંડૂલકર, દ્રવિડ, ગાંગુલી અને કુમ્બલેએ વિદાય લીધી, ત્યારે આવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આનો ઉપાય એ છે કે સિલેકશન કમિટીએ વખતોવખત આવા સુપરસ્ટારને આરામ આપવો જોઈએ અને બાકીના ખેલાડીઓને તક આપવી જોઈએ. આથી માત્ર એક-બે ખેલાડી નહીં, પણ આખી ટીમના સહિયારા પ્રયાસથી વિજય મળે છે, એવો ભાવ પણ જગાડી શકાય.

કોહલી અને રોહિતે સ્વ-પ્રસિદ્ધિમાં પાછું વાળીને જોયું નહીં, પરંતુ એમની ઘોર નિષ્ફળતાના ઓસ્ટ્રેલિયન ટીમે ભરપૂર ફાયદો ઉઠાવ્યો. એમને શક્ય તેટલી ઝડપે આઉટ કરવાનું લક્ષ્ય રાખ્યું અને તે ઓસ્ટ્રેલિયાએ સિદ્ધ કર્યું. આજ સુધી ઓસ્ટ્રેલિયા એના પ્રચાર માધ્યમોથી અને ભૂતપૂર્વ ખેલાડીઓની નિંદાજનક ટિપ્પણીથી પ્રવાસી ટીમની બેઇજ્જતી કરવામાં પાછું વાળીને જોતું નહોતું, પણ આ વખતે ભારતનાં ભૂતપૂર્વ ખેલાડીઓ પોતાની ટીમની નિષ્ફળતા માટે પુરાણા રાગદ્વેષ સાથે નિવેદનો કરવા માંડયા. એમાં પણ ભૂતપૂર્વ ફાસ્ટ બોલર બલવિંદર સંધુએ તો નિવેદન આપ્યું કે, બૂમરાહ દિવસમાં વીસ ઓવર ફેંકી શકતો ન હોય તો એણે ભારત તરફથી રમવું ન જોઈએ. હવે વિચાર કરો કે ઓસ્ટ્રેલિયાની શ્રેણીમાં બુમરાહ ભારત તરફથી રમતો ન હોત તો આપણી કેવી બૂરી હાલત થઈ હોત ! એ એક જ એવો પ્રભાવક ગોલંદાજ હતો કે જેના દડા સામે વિરોધીઓ મૂંઝાતા હતા અને વિકેટ ધરી દેતા હતા. એણે ૧૩.૦૬ની સરેરાશથી ૩૨ વિકેટો લીધી. એ બૂમરાહે આઈ.સી.સી. રેન્કીંગમાં પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. આમ આડેધડ ટીકાટિપ્પણીઓનો મારો ચાલે છે અને મજા એ છે કે ખેલાડીના ડ્રેસિંગ રૂમમાં થતી વાતો ચર્ચાના ચગડોળે ચડે છે. સિલેક્ટરોનાં મંતવ્યો વારંવાર પ્રગટ થાય છે અને સુકાની પણ આમાં પાછો પડતો નથી.

આઈ.પી.એલ.ના સમય પહેલાં તમે કલ્પના કરી હતી કે ક્રિકેટરોની હરાજી થાય અને એમનાં નામ ને દામ બોલાય. આજે જેમ જગતનાં કેન્દ્રમાં માણસને બદલે બજાર છે, એ રીતે ક્રિકેટના કેન્દ્રમાં રમતને બદલે કલદાર પ્રભુત્વ ન ભોગવે એ જ પ્રાર્થના આપણે કરવાની રહે.

મનઝરૂખો

ઉત્તર-મધ્ય ઈરાનમાં થયેલા પર્શિયાના સૂફી સંત બાયજીદ બિસ્તામી ઈશ્વર વિશેના સ્પષ્ટ અને નિર્ભીક વિચારો માટે જાણીતા હતા. કોઈ ગ્રંથ સ્વરૂપે એમના કોઈ વિચારો પ્રાપ્ત થતા નથી, પરંતુ સૂફી પરંપરામાં એક મહત્ત્વના સૂફી સંત તરીકે તેઓ સ્થાન ધરાવે છે. એમના નિવાસસ્થાને જે કોઈ ઈસ્લામ ધર્મ વિશે ચર્ચા કરવા આવે, એમને આવકારતા, એટલું જ નહીં પણ અલ્લાહની ભક્તિ માટે એમણે તમામ ભૌતિક સંપત્તિ અને સુખોનો ત્યાગ ક ર્યો હતો. આવા મહાન સૂફી સંત બાયજીદ બિસ્તામી એક વાર પોતાના રૂહાની ગુરૂ પાસે બેઠા હતા. ગુરૂના ઉપદેશનું એ એકાગ્રચિત્તે શ્રવણ કરતા હતા અને એવામાં ગુરૂએ બાયજીને કહ્યું, 'જરા બારીમાં પડેલું એક પુસ્તક લઈ આવ.'

આ સાંભળી બાયજીદે કહ્યું, 'કઈ બારી ? ક્યાં છે બારી ?'

ઉત્તર સાંભળીને આશ્ચર્યચકિત બનેલા ગુરૂએ કહ્યું, 'અરે બાયજીદ, તું તો વર્ષોથી અહીં આવે છે. અહીં બેસીને મારી વાતનું શ્રવણ કરે છે અને છતાં તને ખબર નથી કે બારી ક્યાં છે ?'

સંત બાયજીદે કહ્યું, 'ના ગુરૂદેવ, મને ખબર નથી.'

ગુરૂએ કહ્યું, 'તો શું તું આંખો મીંચીને મારી પાસે બેસે છે ? આ ખંડમાં બેઠો હોય અને તને બારી ન દેખાય તે કેવું કહેવાય ?'

બાયજીદે કહ્યું, 'ગુરૂજી, હું સાચું કહું છું. હું શા માટે બારીને જોવાનો પ્રયત્ન કરું.'

'કેમ ?'

'હું આ ખંડમાં આવું, ત્યારથી માત્ર ને માત્ર તમારી સાથે જ હોઉં છું. ફક્ત તમને જ જોતો હોઉં છું, તમારા સિવાય બીજી કોઈ ચીજ મારી નજરે પડતી નથી, તો પછી બારીની મને ક્યાંથી ખબર હોય !'

ગુરૂ હસ્યા અને બાયજીદને કહ્યું, 'હવે તું ઘેર પાછો ફરી શકે છે. તારો અભ્યાસ પૂર્ણ થઈ ગયો છે. તેં લક્ષ્યની પ્રાપ્તિ કરી લીધી છે.'


Google NewsGoogle News