Get The App

અલ‌વિદા, એમ્‍બી! .

Updated: Jan 19th, 2025


Google NewsGoogle News
અલ‌વિદા, એમ્‍બી!                                                      . 1 - image


- એકનજરઆતરફ-હર્ષલપુષ્કર્ણા

-‌ ચાર પૈડાં વડે ભારતીય સડક પર લાંબું એકચક્રી રાજ ચલાવનાર એમ્‍બેસેડર ઉર્ફે એમ્‍બી હંમેશ માટે ‌વિદાય લે છે.

- વીતેલા યુગની સુપરસ્‍ટાર એમ્‍બેસેડર કારનો થોડોઘણો કાફલો હવે માત્ર કોલકાતામાં રહ્યાો છે, જેને પણ ચાલુ વર્ષ પૂરું થતા પહેલાં ભંગારવાડે નાખી દેવામાં આવનાર છે. આ ઐ‌તિહા‌સિક ગાડી ઇ‌તિહાસ બની જાય તે પહેલાં અહીં એક આંટો તેના ભવ્‍ય અતીતમાં મારી લો અને મોકો મળે તો બીજો આંટો કોલકાતા જઈને એમ્‍બેસેડરમાં!

સફેદ રંગના દરવાજા, બોનેટ‌ અને ડિક્કી. સરસ મજાના કર્વેચરવાળું નેવી બ્‍લૂ રંગનું છાપરું. દેખાવે દમદાર અને ઊંચકવામાં વજનદાર બોનેટ. ખાખરા જેવા કદ-આકારની (અને કેંદ્રથી ખાખરાની જેમ જ સહેજ ખૂંધ કાઢતી) બે હેડલાઇટ્સ. આગળ-પાછળ ટક્કરથી સુરક્ષા માટે સો‌લિડ ધાતુનાં બમ્‍પર્સ. દરવાજાની અંદર તરફ તથા આંત‌રિક છતમાં મઢેલું મખમલ. ડેશબોર્ડ પર ‌ફિટ કરેલો નાનકડો પંખો. આકરો તડકો રોકવા માટે ચારેય બારીઓને સુંદર મજાના સફેદ પડદા. ઘરના સોફા જેવી આરામદાયક લાંબી-પહોળી સીટ અને તેના પર બેસીને ડ્રાઇવ પર નીકળ્યા હો ત્‍યારે થતો અનેરો રજવાડી અનુભવ...

આ હતી ‌૧૯૭૮ના અરસામાં અમારી પોતીકી GJN 5571 નંબર પ્‍લેટવાળી એમ્‍બેસેડર કાર! તત્‍કાલીન જમાનામાં લેટેસ્‍ટ ગણાતા Mark-3 મોડલની તે ગાડી હતી, છતાં તકનીકી બાબતે અનાડી હતી. અમુક તમુક ડખાને કારણે તેની ત‌બિયત એટલી નરમ ગરમ રહેતી કે દર ત્રણ-ચાર મ‌હિને દુરસ્‍તી માટે અમદાવાદના એક પ્રખ્‍યાત ઓટો ગેરેજમાં તેને કેટલાક ‌દિવસ ‘દાખલ’ કરવી પડતી. ઘરના ઝરુખેથી રોજ જોવા મળતી અને દર ર‌વિવારે પાણી વડે ધોવા મળતી પ્રભાવશાળી ને રૂપકડી ગાડીનો અસાંગરો ત્‍યારે અમને ખૂબ લાગતો. પરંતુ પાંચ-સાત ‌દિવસે ગેરેજમાંથી તે પાછી ફરે, એટલે જાણે અધૂરો પ‌રિવાર વળી પૂરો થયાની લાગણીથી પ્રફુ‌લ્‍લિત થઈ જવાતું. એ જ રાત્રે જમી પરવારીને સફેદ-ભૂરી એમ્‍બેસેડરની પાછલી સીટ પર બેસીને લાંબી સહેલ માટે નીકળી જવાનો આનંદ અદકેરો હતો.

અમદાવાદના બહુધા માર્ગ ત્‍યારે ખરબચડા હોવા છતાં એમ્‍બેસેડર પોતાની ભારે કાયાને લીધે રસ્‍તા જોડે એવી રોડ ‌ગ્રિપ જમાવીને ચાલતી કે જાણે ગાડી ન‌હિ, પાણીનો રેલો આગળ વધતો હોય! સોફા જેવી પાછલી સીટમાં બેસાડેલી નરમ ગાદી અને તેની નીચે જડેલી ‌સ્‍પ્રિંગ વળી સસ્‍પેન્‍શનનો રોલ અદા કરે. પ‌રિણામે એમ્‍બેસેડરમાં  બેસનારને ધર્મરાજ યુ‌‌ધિ‌ષ્‍ઠિરના જમીનથી અધ્‍ધર ચાલતા રથમાં સવારી કરતા હોવાની અનુભૂ‌તિ થાય. 

આ બધાં કારણસર એમ્‍બેસેડરની ગણના વૈભવી વાહન તરીકે થતી. ‌સિત્તેર-એંશીના દસકા દરમ્‍યાન ભારતભરમાં એમ્‍બેસેડરનો જોવો ગમે તેવો રૂઆબ અને દબદબો હતો. ધ ‌કિંગ ઓફ ઇ‌ન્‍ડિયન રોડ્સનો ‌ખિતાબ તેણે ત્રણેક દાયકા સુધી જાળવી રાખ્યો, પણ ત્‍યાર બાદ ઓટોમોબાઇલ ક્ષેત્રે ખૂબ જ ઝડપથી બદલાતા સમય સાથેની રેસમાં એ ગાડી પાછળ રહી ગઈ. આજે કોલકાતા ‌સિવાય અન્‍ય કોઈ શહેરોમાં એમ્‍બેસેડર જોવા સુધ્‍ધાં મળતી નથી. કોલકાતામાં પણ તેની સંખ્‍યા ક્રમશ: ઘટતી ત્રણેક હજારના આંકડે આવી ચૂકી છે—અને ૨૦૨પનું વર્ષ પૂરું થતા સુધીમાં તેમાંની ઘણીખરી ભંગારવાડે દમ તોડી દેવાની છે. ભારતીય મોટર યુગના લાંબા, યાદગાર પ્રકરણને એ સાથે પૂર્ણ‌વિરામ મુકાવાનું છે.

■■■

પ્રકરણ લખાવાનો આરંભ થયો મે, ૧૯પ૪માં કે જ્યારે ઇંગ્‍લેન્‍ડની ખ્‍યાતનામ ‌બ્રિ‌ટિશ મોટર કંપનીએ મો‌રિસ ઓક્સફર્ડ-2 મોડલની ગાડી બનાવી. ‌બિનપરંપરાગત ‌ડિઝાઇન, મજબૂત બાંધણી અને ૨.૬ ‌લિટરનું પાવરફુલ એ‌ન્‍જિન ધરાવતી એ ગાડી એટલી લોક‌ચાહના પામી કે ઉત્‍પાદન શરૂ કર્યાનાં ફક્ત બે વર્ષમાં તેના ૮૭,પ૦૦ નંગ વેચાઈ ગયા. આગામી વર્ષે ‌બ્રિ‌ટિશ મોટર કંપનીએ ઓક્સફર્ડ-2ની સંવ‌ર્ધિત આવૃ‌ત્તિ બજારમાં મૂકી, જેનું ભારતમાં ઉત્‍પાદન કરવાના હક્ક ‌‌‌બિરલા જૂથની ‌હિંદુસ્‍તાન મોટર્સ કંપનીએ લીધા.

‌બ્રિજ મોહન ‌બિરલાએ ૧૯૪૨માં ‌હિંદુસ્‍તાન મોટર્સની સ્‍થાપના કરી તેનું પહેલવહેલું કારખાનું ગુજરાતના ઓખા બંદર નજીક સ્‍થાપ્‍યું હતું. ઇંગ્‍લેન્‍ડથી સ્‍ટીમર દ્વારા મો‌રિસ-10 બ્રાન્‍ડ મોટર કારના છૂટક પુરજા તેઓ ઓખા મંગાવતા અને કારખાનામાં તેમને જોડીને ‌હિંદુસ્‍તાન-10 નામની ગાડી તૈયાર કરાવતા. ફક્ત 1140 CCનું પેટ્રોલ એ‌ન્‍જિન, ૩૬ હોર્સપાવરની તાકાત અને કલાકના મહત્તમ ૧૦૦ ‌કિલોમીટરની સ્‍પીડ ધરાવતી ‌હિંદુસ્‍તાન-10 તત્‍કાલીન યુગમાં વૈભવ અને મોભાનું પ્રતીક હતી. ઓખા ખાતે તેનું ‌નિર્માણ પાંચેક વર્ષ અસ્‍ખ‌લિત ચાલ્યું, પણ ૧૯૪૭માં દેશને સ્‍વતંત્રતા મળ્યા પછી ‌બ્રિજ મોહન ‌બિરલાએ ‌હિંદુસ્‍તાન મોટર્સનું કારખાનું કોલકાતાના ઉત્તરપરા (હુગલી) પ્રાંતમાં ખસેડ્યું.

દસેક વર્ષ પછી એ ફેક્ટરીમાં   ઓક્સફર્ડ-3 કહેવાતી મૂળ ‌બ્રિ‌ટિશ કારનો પ્રથમ ભારતીય અવતાર બન્‍યો, જેનું નામ હતું ‌હિંદુસ્‍તાન લેન્‍ડમાસ્‍ટર અને દામ હતા રૂ‌પિયા ૧૪,૦૦૦! વર્ષ ૧૯પ૭માં બનેલી ‌હિંદુસ્‍તાન લેન્‍ડમાસ્‍ટર આગામી વર્ષથી એમ્‍બેસેડર તરીકે બજારમાં આવી ત્‍યાર પછીથી તેનો સોનેરી યુગ શરૂ થયો. વળાંકદાર બોડી, ગોળ હેડલાઇટ્સ, ક્રો‌મિયમની ચકચકતી ‌ગ્રિલ, ચારેય પૈડાંને ક્રો‌મિયમની વ્‍હીલ પ્‍લેટ્સ, આગળ ત્રણ અને પાછળ ચારથી પાંચ જણા બેસી જાય એટલી કે‌બિન સ્‍પેસ તેમજ આરામદાયક બેઠક વ્‍યવસ્‍થા, એ જમાનાના માપદંડ પ્રમાણે ‌પ્રિ‌મિયમ કહી શકાય તેવું ઇ‌ન્‍ટિ‌રિયર વગેરેને કારણે એમ્‍બેસેડરે ભારતીય બજારમાં અને કાર શોખીનોના હૃદયમાં ‌વિશેષ જગ્‍યા બનાવી લીધી.

ગાડીની માગનો ગ્રાફ એવો ઊંચે ચડવા લાગ્યો કે ગ્રાહકે બુ‌કિંગ કરાવ્યા પછી ‌મિ‌નિમમ ૬ મ‌હિના રાહ જોવી પડતી. ‌હિંદુસ્‍તાન મોટર્સનું કારખાનું વર્ષેદહાડે ૨૪,૦૦૦ એમ્‍બેસેડર બનાવતું હોવા છતાં માગને પહોંચી વળતું નહોતું. યાદ રહે કે ૧૯૬૦-૭૦ના તે યુગમાં આપણે ત્‍યાં ઓટોમોબાઇલ કારખાનાંમાં ઓટોમે‌ટિક યંત્રો હજી આવ્યાં નહોતાં. ગાડીના ‌નિર્માણનું ઘણુંખરું કામ મેન્‍યુઅલ ઢબે કરવું પડતું, જેને કારણે પ્રત્‍યેક કાર બનાવવામાં ઘણો સમય નીકળી જતો. આ ‌હિસાબે ‌હિંદુસ્‍તાન મોટર્સમાં વર્ષે ૨૪,૦૦૦ એમ્‍બેસેડરના ‌નિર્માણનો આંકડો જેવો તેવો ન ગણવો જોઈએ.

■■■

અંગ્રેજી શબ્‍દ એમ્‍બેસેડરનો ગુજરાતી તરજુમો રાજદૂત થાય. અન્‍ય દેશમાં પોતાના રાષ્‍ટ્રની ‌વિદેશની‌તિનું પ્ર‌તિ‌નિ‌ધિત્‍વ કરતા રાજદૂતનો એક મોભો હોય, ઠાઠ હોય અને માન હોય. ‌હિંદુસ્‍તાન મોટર્સની એમ્‍બેસેડર ગાડીનો પ્રભાવ જોતાં તેને માટે પસંદ કરાયેલું નામ યથોચિત હતું. આ‌ર્થિક રીતે સંપન્‍ન લોકો માટે એમ્‍બેસેડર કાર સ્‍ટેટસ ‌સિમ્‍બોલ હતી, તો સરકારમાં ઊંચા હોદ્દે ‌બિરાજેલા નેતાઓ માટે એમ્‍બેસેડર તેમના હોદ્દાને છાજે તેવી ગાડી હતી. ભારતમાં ત્‍યારે વા‌ડિયા જૂથની ‌પ્રિ‌મિયર પ‌દ્મિની (‌ફિયાટ) ગાડી પણ બનતી, પરંતુ એમ્‍બેસેડરના પ્રભાવ તેમજ પ્ર‌તિભા સામે તે જરા ‌ફિસ્‍સી જણાતી હોવાને કારણે તેને જોઈએ તેટલો પ્ર‌તિસાદ ન મળ્યો.

વળી ‌હિંદુસ્‍તાન મોટર્સ સમયાંતરે એમ્‍બેસેડરનાં Mark-1, Mark-2, Mark-3 એમ નવાં સંવ‌ર્ધિત મોડલ બજારમાં મૂકતું ગયું. ભારતમાં પહેલી વાર ‌દ્વિરંગી (ડ્યૂઅલ ટોન) ગાડીનો આઇ‌ડિયા એમ્‍બેસેડર પર અજમાવવામાં આવ્યો, જેમાં ગાડીનું મુખ્‍ય બોડી એક રંગનું હોય અને છાપરું તે રંગના મે‌ચિંગ અથવા સાવ કોન્‍ટ્રાસ્ટ કલરનું! આજે આધુ‌નિક ગાડીઓનું ડેશ બોર્ડ અનેક‌વિધ ચાંપ તેમજ લાઇટ્સ ધરાવે છે, પણ ભારતમાં એ પ્રકારનું પહેલવહેલું ડેશ બોર્ડ ‌હિંદુસ્‍તાન મોટર્સ એમ્‍બેસેડરમાં લાવ્યું, જે પણ તત્‍કાલીન જમાનામાં એક નવાઈ હતી. પરંપરાગત અને કર્કશ બીપ..બીપ..ને બદલે કર્ણ‌પ્રિય ડબલ ટોનવાળો હોર્ન, ડાબે-જમણે વળવા માટે કેસરી લાઇટનું ટર્ન ઇ‌ન્‍ડિકેટર, રા‌ત્રિના અંધકારમાં હેડલાઇટના પ્રકાશનો શેરડો દૂર સુધી પહોંચતો કરવા માટે અપર લાઇટની સુ‌વિધા, બ્રેક મારતાં જ લાલ રંગે પ્રજ્વ‌લિત થઈ ઊઠતી ટેઇલ લાઇટ, જાયન્‍ટ સંદૂક જેવી ‌ડિક્કી, વધારાનો સામાન મૂકવા માટે છાપરા પર કે‌રિયર, ચાલુ ગાડીએ સામેથી આવતા ઠંડા વાયરાને કે‌બિનમાં પ્રવેશ દેવા માટે ૪પ અંશના ખૂણે ખૂલી જતી વધારાની બારી વગેરે જેવી સવલતો એમ્‍બેસેડરની આગવી ખૂબીઓ હતી. સૌથી ખૂબીજનક તો તેની રુઆબી ચાલ હતી, જેણે તેને ધ ‌કિંગ ઓફ ધ ઇ‌ન્‍ડિયન રોડ્સનું ‌બિરુદ અપાવ્યું.

■■■

આ ‌‌બિરુદ તેણે કદાચ વર્ષોવર્ષ જાળવી રાખ્યું હોત, પણ સમય સાથે તાલ ‌મિલાવીને ન ચાલવાની ‌‌હિંદુસ્‍તાન મોટર્સની ‌ફિતરતે ઇ‌તિહાસ સર્જક એમ્‍બેસેડરને ઇ‌તિહાસ બની જવા તરફ ધકેલી દીધી. ગાડીનું વેચાણ કરી નાખ્‍યા પછી અંગ્રેજીમાં જેને આફ્ટર સેલ્સ સ‌ર્વિસ કહેવાય તે સુ‌વિધા ‌હિંદુસ્‍તાન મોટર્સ પોતાના ગ્રાહકોને આપી ન શક્યું. ગાડીમાં વારતહેવારે નાના-મોટા તકનીકી ડખા ઊભા થયા કરતા, જેમના ‌નિવારણ માટે બહુધા ગ્રાહક પાસે કંપનીના અ‌ધિકૃત સ‌ર્વિસ સેન્‍ટરે જવાનો ‌વિકલ્‍પ નહોતો. ગામ-શહેરના ખાનગી ગેરેજમાં ગાડી મૂકવી પડતી, જ્યાં બદલવાપાત્ર પુરજાના અભાવે સ‌ર્વિસ અવ‌ધિની ગણતરી ‌દિવસોમાં કરવી પડતી હતી. મતલબ કે, કંપનીમાંથી પુરજો આવે ત્‍યાં સુધી ગેરેજમાં ગાડી અમસ્‍તી જ પડી રહેતી.

આ ‌સ્‍થિ‌તિએ એક સમયની લોકલાડકી ‘એમ્‍બી’ને ઉપેક્ષાના હાં‌સિયા તરફ ધકેલી દીધી. જો કે, ૧૯૯૦-૯પ સુધી તેની બોલબાલા રહી ખરી. પરંતુ જાપનીઝ ટેક્નોલો‌જિ ધરાવતી મારુ‌તિ-સુઝૂકીના આગમન પછી તો થોડીઘણીય બોલબાલા બારના ભાવમાં ગઈ. ‌હિંદુસ્‍તાન મોટર્સને સરકારી કાર્યાલયો તથા ટેક્સી ચાલકો ‌સિવાય કોઈ ગ્રાહક ન મળ્યા. એમ્‍બેસેડરના વેચાણનો આંકડો વર્ષે માંડ બેથી અઢી હજારના ત‌ળિયે આવી ગયો, એટલે ૨૦૧૪માં કંપનીએ તે ઐ‌તિહા‌સિક ગાડીનું ઉત્‍પાદન બંધ કરી દીધું. લગભગ છ દાયકા લાંબી કાર‌કિર્દી ભોગવીને અને તે દરમ્‍યાન કેટલાંક વર્ષ પોતાનાં ચાર ચક્રો (પૈડાં) વડે ભારતીય રસ્‍તા પર એકચક્રી શાસન ભોગવીને ધ ‌કિંગ ઓફ ધ ઇ‌ન્‍ડિયન રોડ્સ એમ્‍બીએ રુખસત લીધી.

જો કે, ભૂતકાળમાં બનેલી હજારો ગાડીઓ હજી વીતેલા સુવર્ણકાળની યાદ અપાવતી ‌દિલ્‍લી, મુંબઈ, કોલકાતા જેવાં નગરોમાં મુખ્‍યત્વે ટેક્સીના રોલમાં દોડતી હતી. મોડું વહેલું તેમણે ભંગારવાડાના અં‌તિમધામે જવાનું થયું, કેમ કે સરકારે વાહન પ્રદૂષણને લગતા જે નવા કાયદાઓ અમલી કર્યા તેમનો  જુનવાણી એમ્‍બેસેડર ભંગ કરતી હતી. વર્ષ ૨૦૦૦માં કોલકાતા શહેરમાં ૩૦,૦૦૦ એમ્‍બેસેડર ટેક્સી હતી. પ્રદૂષણ કાયદાની રૂએ વીસ વર્ષમાં તે પૈકી ૧૮,૦૦૦ને ભંગારભેગી કરી દેવાઈ. આગામી ત્રણેક વર્ષમાં બીજી ૧૧,૦૦૦ ટેક્સીઓ નામશેષ પામી અને ગયા વર્ષે બીજી ૪,૪૯૩ એમ્‍બી તેમના અં‌તિમધામે પહોંચી. બાકી રહેલી ત્રણેક હજારને હવે ૨૦૨પનું વર્ષ પૂરું થતા સુધીમાં નાબૂદ કરાશે. ભારતીય મોટર તવારીખનું એક ગૌર‌વપૂર્ણ પ્રકરણ એ સાથે સમાપ્‍ત! 

આ છે સમયનો સંગ‌દિલ તકાદો. બદલાતા સમય સાથે બદલાઈને ભ‌વિષ્‍ય સુર‌ક્ષિત કરો, ન‌હિતર ‘હમ ન‌હિ બદલેંગે’ના વલણને વળગી રહી ભૂતકાળ બની જવાની તૈયારી રાખો.■


Google NewsGoogle News