અતીન્દ્રિય જ્ઞાનથી ભવિષ્યની ઘટનાઓનું દર્શન .
- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- અતીન્દ્રિય શક્તિ ધરાવનારા વ્યક્તિએ જે જગ્યાએ જે રીતનો અકસ્માત થતો જોયો હતો તેની થોડી મિનિટો બાદ હકીકતમાં તેવો જ અકસ્માત તે જ જગ્યાએ થયો હતો.
મુ ણ્ડકોપનિષદમાં દ્વિતીય મુણ્ડકના પ્રથમ ખણ્ડના પ્રથમ શ્લોકમાં મહર્ષિ અંગિરા શૌનકને કહે છે -
'તદેતત્સત્યં યથા સુદીપ્તાત્પાવકાદ્વિસ્કૂલિંગા :
સહસ્ત્રશ : પ્રભવન્તે સરૂપા : ।
તથા ક્ષરાદ્ધિ વિદ્યા : સોમ્ય ભાવા :
પ્રજાયન્તે તત્ર ચૈવાપિયન્તિ ।।'
તે આ અક્ષરબ્રહ્મ સત્ય છે. જે રીતે અત્યંત પ્રદીપ્ત અગ્નિમાંથી એના જેવા રૂપવાળા અને ગુણવાળા તણખા નીકળે છે, હે સોમ્ય ! તે રીતે તે અક્ષર બ્રહ્મમાંથી અનેક પ્રકારના મૂર્ત-અમૂર્તિ ભાવ નીકળે છે જેને જીવ સત્તા પણ કહી શકાય છે.' જેમ અગ્નિમાંથી નીકળતા તણખામાં અગ્નિની બધી વિશેષતાઓ પોતાની અંદર સમાવિષ્ટ કરતા હોય છે તે રીતે જીવાત્મામાં પણ પરમાત્માની બધી વિશેષતાઓ અંતર્નિહિત હોય છે. તેને પ્રયત્નપૂર્વક યોગસાધના અને તપશ્વર્યાથી જાગૃત કરી શકાય છે. એ જાગૃતિથી જે ઈન્દ્રિયાતીત-અગોચર છે તેને ઈન્દ્રિયદગમ્ય-ગોચર બનાવી શકાય છે, જેને બુદ્ધિ દ્વારા સમજી શકાતું નથી તેને સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા જાણી શકાય છે. કેટલીક વ્યક્તિઓ સાધના કે અભ્યાસથી અતીન્દ્રિય શક્તિઓ મેળવે છે તો કેટલીક વ્યક્તિઓમાં તે જન્મજાત રીતે બાળપણથી જ પ્રગટ થઈ ગયેલી હોય છે. ઘણું ખરું કરીને તેમણે તે તેમના પૂર્વજન્મમાં અર્જિત કરેલી હોય છે. જે તેમના પૂનર્જન્મમાં અવતરિત થઈ ગયેલી હોય છે.
અતીન્દ્રિય શક્તિઓનું વૈજ્ઞાનિક અભિગમથી પરીક્ષણ કરવાનું કાર્ય વિલિયમ મેકડુગલ નામના મનોવિજ્ઞાનીએ ડયુક યુનિવર્સિટી ખાતે ૧૯૨૭માં શરૂ કર્યું. તેમણે વર્ષો સુધી આ બાબતમાં સંશોધન કર્યું : ૧૯૩૧માં તેમને ડૉ. જોસેફ બેન્કસ રહાઈન (joseph Banks Rhine) અને તેમની પત્ની લુઈસાની મહત્ત્વપૂર્ણ સહાય મળી. પરામનોવિજ્ઞાન ક્ષેત્રે ર્હાઈન દંપતીએ એવું અદ્દભુત સંશોધન કર્યું કે ડૉ. મેકડુગલે તેમને એ ક્ષેત્રે આગળ વધવા તમામ અનુકુળતાઓ કરી આપી. અમેરિકાના નોર્થ કેરોલિનામાં આવેલ ડયુક યુનિવર્સિટી ખાતે ખાસ પ્રકારના પ્રયોગો કરવા માટે તેમને વિશિષ્ટ લેબોરેટરી પણ બનાવી આપી. ૧૯૩૪માં બોસ્ટન સોસાયટી શેર સાઈકિકલ રિસર્ચ ખાતે જોસેફ ર્હાઈન તરફથી એક નાનો અક્ષર-આલેખ પ્રસિદ્ધ કરાયો - ESP. એનું આખું રૂપ થાય છે : Extra sensory perception. એનો અર્થ થાય - ઈન્દ્રિયાતીત અનુભવ કે અતીન્દ્રિય જ્ઞાન. આ ર્હાઈને આ શક્તિની સમજૂતી આપતો એક લેખ લખ્યો. તે પછી ESP in the late sixty years નામનું પુસ્તક પણ લખ્યું જેનાથી આ ક્ષેત્રમાં એક નવા યુગનો આરંભ થયો. તેમનું New Frontiers of the Mind - The story of the Duke Experiments પુસ્તક પણ પ્રસિદ્ધ થયું જેમાં મસ્તિષ્કીય વિલક્ષણતા પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો છે.
કેલિફોર્નિયાના પોલિસ અધિકારી રિચમંડે અચાનક ફોન પર કોઈ વ્યક્તિની સૂચના સાંભળી - પેનપાબ્લોના મેકડોનાલ્ડ એવેન્યુમાં સ્ટીમ લાઈનર સાથે અથડાઈને એક ટ્રક દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ છે. ડ્રાઈવરની છાતીમાં ભારે ઈજા થઈ છે અને બીજી વ્યક્તિઓ પણ ઘાયલ થઈ ગઈ છે. ફોન પર પ્રાપ્ત થયેલ સૂચના અનુસાર અધિકારીએ એક પોલિસ ટુકડીને તે જગ્યાએ મોકલી દીધી. ત્યાં પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે આવી કોઈ ઘટના અહીં બની નથી. પોલિસ કર્મચારીઓને લાગ્યું કે કોઈએ મજાકમાં તેમને હેરાન કરવા ફોન કર્યો હશે. તે ત્યાંથી પાછા ફરતા હતા તે જ સમયે તેમની સામે જ એક સ્ટીમ લાઈનર સામેથી આવતી એક ટ્રક સાથે ઘડાકાભેર અથડાઈ ગયું. તે બધા દોડીને ત્યાં પહોંચ્યા તો જોયું કે ડ્રાઈવરની છાતીમાં ભારે ઈજાઓ થઈ છે અને બીજી વ્યક્તિઓ પણ અતિશય ઘાયલ થઈ ગઈ છે. તેમણે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં મોકલવાનો પ્રબંધ કર્યો. અતીન્દ્રિય શક્તિ ધરાવનારા વ્યક્તિએ જે જગ્યાએ જે રીતનો અકસ્માત થતો જોયો હતો તેની થોડી મિનિટો બાદ હકીકતમાં તેવો જ અકસ્માત તે જ જગ્યાએ થયો હતો. આ ઘટનાથી પોલિસ અધિકારી રિચમંડ તથા અન્ય કર્મચારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
બ્રિટેનના શેફીલ્ડમાં રહેતા ડેનિસ હોમ્સ અને તેમની પત્ની ઈર્ટલન હોમ્સની પુત્રી કેસીમાં બાળપણથી જ ઈન્દ્રિયાતીત અનુભૂતિની ક્ષમતા હતી. તે માત્ર દોઢ વર્ષની હતી ત્યારની વાત છે. એક દિવસ તે તેના દીવાનખંડની એક દીવાલ નીચે બેસીને રમતી હતી ત્યાં અચાનક તેનું માથું ઊંચું કરી, આંગળી ફોટોફ્રેમ તરફ ઊંચી કરી, બોલવા લાગી - 'મમ્મી, ફોટો... ફોટો ઈઝ ફોલિંગ.' પછી ત્યાંથી ઘૂંટણિયા ભરી ખસીને તેની માનાના ખોળામાં જઈને બેસી ગઈ. થોડી મિનિટો માંડ વીતી હશે અને પેલી દીવાલ પરની ફ્રેમ કરેલી ભારે તસવીર ત્યાં જ પડી જ્યાં પહેલાં તે બેઠી હતી !
માર્ચ ૧૯૭૩માં એક દિવસ કેસીની ફોઈ તેને શેફીલ્ડના સિટી રોડ કબ્રસ્તાનમાં લઈ ગઈ જેથી તે ત્યાં તેના દાદાની કબર પર ફૂલ ચઢાવી શકે. કેસી ત્યાં પહોંચી એની સાથે બોલી ઊઠી - 'મારો મિત્ર ડેવિડને પણ અહીં જ દફનાવવામાં આવ્યો છે.' ભારે વિસ્મય સાથે તેની ફોઈએ કહ્યું - તું તો કોઈ દિવસ અહીં આવી નથી. તને કેવી રીતે ખબર ? તને એની ખબર હોય તો બતાવ ક્યાં છે એ ? કેસીએ આમ તેમ ફાંફા મારીને શોધવાનો પ્રયત્ન ના કર્યો. તેને જાણે પહેલેથી ખબર હોય તે રીતે તે કબ્રસ્તાનના એક ખૂણામાં લઈ ગઈ જ્યાં એક કબર પર લખ્યું હતું - ડેવિડ, કલેરા અને ફ્રેન્કનો પુત્ર. મૃત્યુ ૧૯૭૩. ઉંમર - ૧૮ મહિના.
ઓગસ્ટ ૧૯૭૪ના બીજા અઠવાડિયામાં હોમ્સ ફેમિલી રજા ગાળવા ગ્રેટ યારમાઉથ ગયું. એક બુધવારે તે સમુદ્રના તટ પર ટહેલતા હતા ત્યારે કેસી બોલી ઊઠી - 'આજે વેનરાઈટ અન્કલના ફાધર બહુ ઉદાસ છે. તેમના ઘેર કોઈ ખરાબ ઘટના બનવાની છે.' વેનરાઈટ તેના પિતાની સાથે કામ કરતા તેમના મિત્ર હતા. શનિવારે હોમ્સ પરિવાર ગ્રેટ માઉથથી શેફીલ્ડ પાછો ફર્યો. તે વખતે તેમને જાણ થઈ કે વેનરાઈટના પિતાજીના ભાઈનું બુધવારે મરણ થઈ ગયું હતું. તેને લીધે તે બહુ ઉદાસ અને દુ:ખી હતા. એપ્રિલ ૧૯૭૫માં વિયેતનામ યુદ્ધમાં અનાથ બાળકોને એરોપ્લેન દ્વારા અમેરિકા લાવવામાં આવનારા હતા. ટેલિવિઝન પર આ સમાચાર જોતાની સાથે કેસી બોલી ઉઠી હતી. આ બાળકો મરી જશે. મને એવું દેખાય છે કે તે એરોપ્લેન એરક્રેશથી બળી જશે અને બધાનું મરણ થઈ જશે. બે દિવસ પછી સમાચાર આવ્યા કે એરોપ્લેન ક્રેશ થઈ જવાથી તે બાળકો મરણ પામ્યા હતા.