શ્રદ્ધાળુઓના સૈલાબ વચ્ચે આદિ શંકરાચાર્યને યાદ કરીએ
- 32 વર્ષના આયુષ્યમાં કોઈ અવતારી પુરુષ જ આ હદે પ્રદાન આપી શકે : ચાર મઠ અને દસ અખાડાની સ્થાપના કરવા સાથે સમગ્ર ભારતમાં સનાતન ધર્મને સંગઠિત કર્યો.. કુંભમેળાના જનક બન્યા
- હોરાઈઝન-ભવેન કચ્છી
- વેદો અને ઉપનિષદો પર ભાષ્ય લખ્યા અને અદ્વૈતવાદના પ્રસારક બન્યા : આદિ શંકરાચાર્ય શાસ્ત્ર અને અસ્ત્રના સમર્થક હતા
સ્વા મી વિવેકાનંદ માત્ર ૩૯ વર્ષની વયે નિધન પામ્યા અને આદિ શંકરાચાર્ય ૩૨ વર્ષની વયે. આપણને એમ થાય કે આટલી ટુંકી આવરદામાં આ હદનું હિન્દુ ધર્મ અને સંસ્કૃતિના નવોદય માટે પ્રદાન કોઈ કઈ રીતે આપી શકે. ગત ૧૨ જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ હતી તેથી તેમના વિશે જુદા જુદા માધ્યમો થકી ફરી ઘણું તાજુ થયું.
હાલ જ્યારે વિશ્વના સૌથી મહા ધાર્મિક મેળાવડા કુંભ મેળાએ શ્રદ્ધાના ઘોડાપૂરનું સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે એ ભૂલવું ન જોઈએ કે છેક આઠમી સદીમાં આદિ શંકરાચાર્યએ હિન્દુ ધર્મ અંધશ્રદ્ધા, પોકળ ક્રિયા કાંડ અને મૂળ તત્ત્વ જ્ઞાાનનું ખોટી રીતે અર્થઘટન કરનારાઓની બદીથી ખદબદતો હતો ત્યારે આવા તત્ત્વો અને વાદને પડકારીને વેદ ઉપનિષદોનો સાચો મર્મ અને તત્ત્વ જ્ઞાાન સમજાવતા ભાષ્યો લખ્યા એટલું જ નહીં જુદા જુદા સાચા ખોટા હજારો ફાંટા અને સંપ્રદાયને લીધે હિન્દુ ધર્મનું હાર્દ જ લુપ્ત થઈ જાય તે હદની સ્થિતિ હતી તે જોઈને હિન્દુ ધર્મને સનાતન ધર્મ તરીકે સ્થાપિત કર્યો. ભારતના પ્રત્યેક ખૂણે તેનું સુવ્યવસ્થિત સંચાલન અને સંવર્ધન થાય એટલે જાણે કોઈ મેનેજમેન્ટના જીનીયસ દ્રષ્ટા હોય તેમ આદિ શંકરાચાર્યએ ચાર દિશામાં ચાર મઠ સ્થાપ્યા. પશ્ચિમ ભારતમાં દ્વારકા( શારદા પીઠ), દક્ષિણ ભારતમાં શ્રીંગેરી (શ્રીંગેરી મઠ), પૂર્વ ભારતમાં પૂરી (ગોવર્ધન મઠ) અને ઉત્તર ભારતમાં બદ્રીનાથ(જ્યોતિર મઠ)ની સ્થાપના કરી.
આ ચાર મઠ ચાર દિશા જ નહીં પણ ચાર વેદો પર જ કેન્દ્રિત રહે તેથી વેદોનો પણ પ્રસાર થાય અને જાળવણી પણ. દ્વારકા મઠને સામ વેદ, શ્રિંગેરી મઠને યજુર્વેદ, પૂરીના મઠને ઋગ્વેદ અને બદ્રીનાથના મઠને અથર્વ વેદ પર અભ્યાસ, પ્રસાર, જાળવણી જવાબદારી સોંપાઈ છે.
હજુ આદિ શંકરાચાર્ય આટલાથી જ નહોતા અટક્યા. તેમને ચારેય મઠને તેમણે રચેલા મંત્ર કે જે હિન્દુ તત્ત્વજ્ઞાાનને સમજવા માટે બીજ મંત્ર સમાન હતા તે આપ્યા. જેમ કે શ્રીંગેરી મઠને 'અહમ્ બ્રહ્માસ્મિ' મંત્ર આપ્યો. દ્વારકા મઠને 'તત્વમસિ', બદ્રીનાથ મઠને 'અયામાત્મા બ્રહ્મા' અને પૂરીના મઠને 'પ્રજ્ઞાાનમ બ્રહ્મા' મંત્ર આપ્યા. ચારેય મંત્રોના કેન્દ્રસ્થાને અદ્વૈતવાદ છે. એટલે કે આપણો દેહ અને આત્મા એક જ છે. ઈશ્વર આપણામાં જ બિરાજમાન છે પણ આપણું અજ્ઞાાન અને અહંકાર આપણને આત્મ દર્શન કરાવવા માટે બાધા રૂપ નીવડે છે. અજ્ઞાાન એક વિકારી દ્રષ્ટિને જન્મ આપે છે અને તે પછી આપણે તે જ દ્રષ્ટિથી જીવન જોઈએ પૃથ્વી પરનો ફેરો પૂરો કરીએ છીએ. શંકરાચાર્યએ તે પછી ઉમેર્યું છે કે 'આત્માની આખરી ગતિ મોક્ષ છે.'
શંકરાચાર્ય કર્મની થિયરીને આત્માની ગતિ તરીકે જુએ છે.
આદિ શંકરાચાર્યએ આ પીઠની સ્થાપના સાતમી સદીમાં કરી ત્યારે તેના ચાર મુખ્ય શિષ્યો હતા તે ચારને જુદા જુદા મઠની જવાબદારી સોંપી હતી.
શ્રીંગેરી મઠ માટે સુરેશ્વરાને, દ્વારકા માટે હસ્તામાલકાને, બદ્રીનાથ ત્રોતાકાને અને પૂરી મઠમાં પદમનાદને મોકલ્યા.
સુરેશ્વરા આદિ શંકરાચાર્યની સૌથી નજીક કહી શકાય તે હદે જ્ઞાાન ધરાવતા હતા. તેમનું સંસારી નામ મંડન મિશ્રા હતું. દ્વૈત અને અદ્વૈતની સમજમાં એકબીજાને પડકારતો તેઓ વચ્ચેનો શાસ્ત્રાર્થ 'એપિક' મનાય છે. મંડન મિશ્રા કે જે વર્તમાન બિહાર રાજ્યના હતા તેઓ શાસ્ત્રાર્થના પ્રથમ ભાગમાં મુકાબલામાં હારી ગયા હતા. તેમના ધર્મપત્ની ઉભય ભારતી પ્રખર વિદુષી હતા. તેમને તેમના જ્ઞાાનનો બહુ જ અહંકાર હતો. તેમના પતિના પરાજયને તેઓ સાંખી ન શક્યા. તેમણે શંકરાચાર્યને પડકાર્યા કે 'હું મારા પતિની અર્ધાંગિની છું તેથી શાસ્ત્રાર્થનો બીજો અધ્યાય મારા પતિને જગ્યાએ હું તમારી સામે છેડીશ.'
શંકરાચાર્ય તૈયાર થયા. ઉભય ભારતી જાણતા હતા કે શંકરાચાર્યને પરાજિત તો નહીં જ કરી શકાય તેથી તેમણે શાસ્ત્રાર્થના નિયમોને અવગણીને પતિ અને પત્ની વચ્ચેના દામ્પત્ય જીવન અને જાતીય આકર્ષણ, પ્રેમ, પરસ્પર સંતોષ જેવા વિષય સાથે આત્મ જ્ઞાાન અને એકાકારને થિયરી સમજાવવા કહ્યું. શંકરાચાર્ય તો બાળ બ્રહ્મચારી હતા. તેમને સંસારની માયા અને ઇન્દ્રિય જગતનું જ્ઞાાન જ ન હોય તે સ્વાભાવિક છે. શંકરાચાર્યએ ઉત્તર આપવાની જગ્યાએ મૌન વ્યક્ત કર્યું. ઉભય ભારતીએ એવું જાહેર કર્યું કે તેમણે શંકરાચાર્યને પરાજિત કર્યા.
જો કે એક કથા એવી પણ છે કે શંકરાચાર્યએ ઉભય ભારતીનું અભિમાન ઉતારવા તેમની ગેબી સૂક્ષ્મ શક્તિથી રાજાની કાયામાં પ્રવેશ કર્યો અને સંસારી દંપતીની દ્રષ્ટિથી વિજાતીય આકર્ષણ અને સંબધો અનુભવ્યા અને શાસ્ત્રાર્થમાં ઉભય ભારતીને શિકસ્ત આપી હતી.
મંડન મિશ્રા શંકરાચાર્યની માફી માંગીને તેમના શિષ્ય થયા હતા અને તેમનું સન્યસ્ત નામ શંકરાચાર્યએ સુરેશ્વરા આપ્યું અને આગળ જતાં શ્રીંગેરી મઠ તેમને સોંપ્યો હતો.
આદિ શંકરાચાર્ય ભગવાન શંકરનો અવતાર મનાતા હતા તેથી આમ શૈવ પંથી પણ તેમનું જ્ઞાાન અને વેદો ઉપનિષદના ભાસ્યમાં ભગવાન વિષ્ણુ પણ કેન્દ્રસ્થાને રહ્યા. તેમણે જોયું કે હિન્દુ ધર્મ ઘસાઈ રહ્યો છે. સાચા ખોટા સંપ્રદાયો તો ખરા જ પણ ગરીબ અને અભણ જનસમુદાયને ગેરમાર્ગે દોરી અંધશ્રદ્ધા પણ ફૂલીફાલી રહી હતી. બૌદ્ધ ધર્મનો પ્રસાર ભારે વેગ પકડી રહ્યો હતો. શૈવ અને વિષ્ણુ પંથીઓ વચ્ચે કટ્ટરતા વધી છે. શંકરાચાર્યને લાગ્યું કે એક જ ઈશ્વર અને આપણામાં જ તેમનો વાસ છે તે થિયરી સમજવા માટે અણીશુદ્ધ જ્ઞાાન જોઈએ જે બધામાં ન હોય તેથી તેમણે દસ અખાડાની સ્થાપના કરી જેમાં કેટલાક શૈવ અને કેટલાક વૈષ્ણવ પંથી માન્યતા ધરાવનારા સ્થાપવામાં આવ્યા જેથી શ્રદ્ધા પ્રમાણે અખાડામાં સામેલગીરી વધતી જાય. ભલે દ્વૈત પણ જ્ઞાાન અને ઉપદેશ તો એક જ આપવાનો કે ભલે ભગવાનના અને દેવીઓના નામ જુદા જુદા છે પણ આખરે તો તેઓ એક જ છે. આ રીતે અખાડાની સ્થાપના કરીને હિન્દુ ધર્મને એક જ નેજા હેઠળ લાવવાનું તેમણે વિરાટ પ્રદાન આપ્યું. આ અખાડાઓમાં કેટલાક શાસ્ત્રધારી છે જેઓ જ્ઞાાનનો ફેલાવો કરે છે.પણ વખત આવે ધર્મની રક્ષા કરવા માટે શસ્ત્ર પણ સન્યાસીઓ અને બાવા ઉપાડી શકે તેવી શંકરાચાર્યએ છૂટ આપી. આવી દ્રષ્ટિ કેળવતા અસ્ત્રધારી બાવાઓની સેના પણ રચી.નાગા સાધુ આવી જ એક ફોજ છે.
આવા અખાડા સમયાંતરે મેળાવડો રચે અને એકતાની ભાવના મજબૂત બને તેથી કુંભ મેળાને ફરી સક્રિય કર્યા. એવું મનાય છે કે કુંભ મેળાનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં છે. દેશ વિદેશના પ્રવાસીઓ અને ઇતિહાસવિદ્દોમાં કુંભ મેળાના ઉદભવ અંગે મતમતાંતરો પ્રવર્તે છે. એક બહોળો વર્ગ કહે છે કે કોઈ તિથિ તહેવારે સમૂહ સ્નાનનો પ્રાચીન ઉલ્લેખ છે પણ કુંભ મેળાનો ઉલ્લેખ નથી. હા, પુરાણ કથા હાજર છે જેમાં સમુદ્ર મંથન અને અમૃતના કુંભની પ્રાપ્તિ માટે દેવો અને દાનવો વચ્ચેના જંગની વાત છે. કુંભની જાળવણી માટે સૂર્ય અને ચંદ્રનું યોગદાન તેમજ તે વખતે ગ્રહો જે રીતે રચાયેલા તેવી રચના જ્યારે થાય ત્યારે કુંભ મેળો ઉજવણીના ભાગ રૂપે યોજાતો આવ્યો છે.
સદીઓ સુધી આ કુંભ મેળા બંધ રહ્યા અને શંકરાચાર્યને જ્યારે લાગ્યું કે હવે હિન્દુઓને સંગઠિત કરવા અતિ અનિવાર્ય છે તેથી તેમને કુંભ મેળો ફરી યાદ આવ્યો અને દસ અખાડા, ચાર પીઠ સ્થાપીને તેમણે બધા અખાડા અને જે તે સમયના શંકરાચાર્યએ કુંભ મેળામાં ભાગ લેવો તેવો આદેશ આપ્યો.
એવું પણ મનાય છે કે કુંભ મેળાને જન્મ આદિ શંકરાચાર્યએ આપ્યો હતો.
સમય જતાં અર્ધ કુંભ મેળો અને માઘ સ્નાનનો પણ મહિમા વધ્યો.
આ દસેય અખાડાને સંગઠિત કરીને શંકરાચાર્યએ તેમના વડાને મહામંડલેશ્વર જાહેર કર્યા. કોણ કઈ લાયકાત બાદ આ સ્થાન મેળવી શકે તેની માર્ગદર્શિકા ઘડવામાં આવી.
અટલ, આનંદ, અગ્નિ, અવાહાન, જૂના, નિરંજની અને નિર્વાણી આ સાત અખાડા શૈવ પંથી છે. દિગમ્બર અની, નિર્વાણી અની અને નિર્મોહી અખાડા વૈરાગી અખાડાના નેજા હેઠળ બનાવાયા.
તે પછી સમયાંતરે ઉદાસી અખાડા હેઠળ નયા અને બડા અખાડા ઉમેરાયા, આનંદ ૧૩મો અખાડો બન્યો. પંચાયતી અખાડા પણ ખરા. છેલ્લા વર્ષોમાં કિન્નર અખાડો પણ માન્ય ઠર્યો આમ ૧૪ અખાડા વર્તમાન કુંભ મેળામાં ભાગ લઈ રહ્યા છે.
છેલ્લા વર્ષોમાં મતભેદો સર્જાતા નવા અખાડાઓ અને ચાર કરતા વધુ પીઠના શંકરાચાર્ય બન્યા છે. મઠો અને અખાડાઓમાં કોણ વધુ અગ્રસ્થાને તે બાબત પણ વિવાદ વિશેષ કરીને શાહી સ્નાનની સવારી વખતે જોવા મળે છે.
જો કે કુંભ મેળા હિન્દુ ધર્મની સંગઠન અને શક્તિનું પ્રદર્શન બનીને રહે છે તે નિવવાદ છે. નાત જાતનો ભેદભાવ કુંભ મેળા પૂરતો શ્રદ્ધા આગળ ઝૂકી જાય છે તેમ પણ લાગે છે. કુંભનું આયોજન વિશ્વનું સૌથી મોટું મેનેજમેન્ટ છે તે રીતે પણ વિશ્વને આપણી ક્ષમતાનો એહસાસ થાય છે.
આપણે શિવ, ગણેશ, શક્તિ, વિષ્ણુ અને દત્તાત્રેય સ્તુતિનું પઠન કરીએ છીએ તે શંકરાચાર્ય રચિત છે. તમામ વેદ અને ઉપનિષદો, પંચદશી પરના ભાષ્ય તેમણે લખ્યા છે. 'ભવાન્યકષ્ટમ' અને 'વિવેક ચૂડામણિ', 'સૌંદર્યલહરી' સાહિત્ય જગતમાં અમર સ્થાન ધરાવે છે.
કાશ્મીરમાં પ્રવાસ દરમ્યાન 'સૌંદર્યલહરી'નું સર્જન તેમણે કર્યું હતું તેમ મનાય છે. કાશ્મીરમાં શંકરાચાર્યએ જ્યાં સાધના કરી હતી તે જગ્યા હવે તો પ્રવાસીઓનું આકર્ષણ બની છે.
કેરળમાં કાલડી ગામમાં ઇસ્વી સન ૭૮૮માં જન્મેલા શંકરાચાર્યએ આઠ વર્ષની વયે જ સંન્યાસ લેવાની તીવ્ર ખેવના સાથે ઘર ત્યજીને ૨૦૦૦ કિલોમીટરનો પગપાળા પ્રવાસ ચાર વર્ષમાં ખેડયો હતો.આ દરમ્યાન નર્મદા નદી કિનારે ગુરુ ગોવિંદપદાને તેઓ ચાર વર્ષ માટે સમર્પિત રહ્યા. ગુરુના માર્ગદર્શન અને આશીર્વાદથી વેદો અને ઉપનિષદો પામી લીધા પણ અદ્વૈત તત્વજ્ઞાાન પણ સહજ પ્રાપ્ત કર્યું. 'બ્રહ્મ સત્ય જગત મિથ્યા' તે તેમના જ્ઞાાનનો નિચોડ મંત્ર છે.૧૨થી૧૬ વર્ષની વય દરમ્યાન શંકરાચાર્યએ ભાષ્ય અને અન્ય સાહિત્ય,મંત્રો,સ્તુતિ લખી.૧૬થી૩૨ વર્ષ ભારતનો પ્રવાસ ખેડયો. હિન્દુ એ જ સનાતન ધર્મ તેમ પ્રચાર કર્યો. હિન્દુ ધર્મને સંગઠિત કર્યા, મઠો અને અખાડા સ્થાપ્યા. કોઈ અવતારી પુરુષ હોય તો જ આટલી ઓછી વયમાં આ હદે પ્રદાન આપી શકે. છેલ્લે તેઓ ૩૨ વર્ષની વય વખતે કેદારનાથમાં જોવા મળ્યા હતા. હવે તો ત્યાં તેમની મૂર્તિ સાથે સમાધિ પણ પ્રવાસીઓનું આકર્ષણ બની છે.
કુંભ મેળાના અખાડા અને કરોડો શ્રધ્ધાળુઓના ઘોડાપૂર હેઠળ આપણે આદિ શંકરાચાર્યને જ યાદ ન કરીએ તે થોડું ચાલે?