Get The App

કાયદાનો દંડો ઉગામી ભીખ માંગવાની કુટેવ ડામી શકાશે?

Updated: Jan 19th, 2025


Google NewsGoogle News
કાયદાનો દંડો ઉગામી ભીખ માંગવાની કુટેવ ડામી શકાશે? 1 - image


- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- ભિખારીઓના પણ કામ કરવાના ક્લાકો હોય છે. સવારે આઠથી બપોરે બાર અને સાંજે પાંચથી સાતનો સમય તેમના માટે વ્યસ્તતાનો હોય છે

આ મ તો વિશ્વના લગભગ દરેક દેશમાં હજારો લોકો એવા મળી આવશે જે બેકાર છે. આવકનું કોઈ સાધન નથી. તેઓ રોજબરોજના જીવન-નિર્વાહ માટે લોકો પાસે 'સહાય' (ભીખ) માગે છે.

પરંતુ ભારતમાં આ સમસ્યા ગંભીર છે.  મુંબઇ હોય કે વડોદરા રાજકોટ યા અમદાવાદ ભિખારીઓની સમસ્યા ક્યાંય ઓછી નથી. જાહેર રસ્તાની ફૂટપાથ પર, રેલવે પ્લેટફોર્મ પર, બસ સ્ટેન્ડ પાસે, ટ્રાફિક સિગ્નલ પર, સિનેમાગૃહ નજીક, મંદિર-મસ્જિદ જેવાં ધર્મ સ્થાનો પાસે અસંખ્ય ભિખારીઓ જોવા મળે છે. સામાન્ય રીતે ભિખારીને જોતાવેંત આપણા મનમાં ઘૃણા ઊપજે છે. વિશ્વમાં સૌથી વધુ ભિખારી આપણા દેશમાં (૬૦ લાખથી પણ વધુ) છે.

૧૯૬૩માં એકલા મુંબઈમાં જ ૨૦,૦૦૦ ભિખારીઓ હતા. આજે આ આંકડો મોંઘવારી, ફુગાવો અને વસતિવધારાની જેમ વધીને ત્રણ લાખ પર પહોંચી ગયો છે.

પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ પણ ભિખારીઓની સંખ્યાની દ્રષ્ટિએ આગળ છે. ત્યાર બાદ આંધ્ર, બિહાર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનનો નંબર આવે છે. ચંદીગઢમાં ફક્ત ૧૨૧ ભિક્ષુક છે. ભારતમાં સૌથી ઓછા ભિખારી લક્ષદીપ, દાદરા નગર હવેલી અને દીવ-દમણમાં છે. આ નગરોમાં અનુક્રમે બે, ૧૯ અને ૨૨ ભીખારી છે.

ભારત સરકારે ભિખારીની જમાંત ૨૦૨૭ સુધીમાં નાબૂદ કરવાના આશયથી ભિક્ષા વૃત્તિ મુક્ત ભારત નામે નેશનલ પોર્ટલ શરૂ કર્યું છે. ભીખ માગતા પકડાયેલા સશક્ત ભીખારીઓને આશરો પૂરો પાડી, શિક્ષણ, રોજગાર લક્ષી તાલીમ આપવાની યોજના પણ કેબિનેટ સ્તરે તૈયાર થઈ ગઈ છે. આ માટે યાત્રાધામ, ઐતિહાસિક સ્મારકો, ટુરિસ્ટ સ્પોટ ધરાવતાં ૩૦ શહેરોના નામ અલગ કરાયા છે. જ્યાંથી ભિક્ષુકોની સંખ્યા ઘટાડવાના પ્રયાસો સઘન બનાવાયા છે. ખાસ કરીને ભીખ માગનારી મહિલાઓ, બાળકોને કઈ રીતે થાળે પાડી શકાય તેવી યોજનાઓ પણ અમલમાં મૂકાશે.

જે યાત્રાધામોમાંથી ભિખારી હઠાવ ઝુંબેશ શરૂ થઈ છે તેમાં અયોધ્યા, કાંગરા, ઓમકારેશ્વર, ઉજૈન, સોમનાથ, પાવાગઢ, ત્ર્યંબકેશ્વર, બોધગયા, ગૌહત્તી, મદુરાઈનો સમાવેશ થાય છે. સરકાર આ તીર્થસ્થળોના મંદિર ટ્રસ્ટીઓને પણ ભિક્ષુકો માટેની કલ્યાણકારી યોજનામાં સહભાગી બનાવવા ઇચ્છે છે.

પર્યટન સ્થળોમાં વિજયવાડા, કેવડિયા, શ્રીનગર, નમસાઈ, ખુશીનગર, સાંચી, ખજુરાહો, જેસલમેર, થિરુઅનંતપુરમ (ત્રિવેન્દ્રમ), પોંડિચેરી, અમૃતસર, ઉદેપુર, કટક, ઇન્દોર, મૈસૂર સિમલા, તેજપુર વગેરે શહેરોનો સમાવેશ થાય છે. હાલમાં ઉપરોક્ત જણાવેલા તમામ શહેરોમાં ભિખારીઓનો સર્વે થઈ રહ્યો છે.

દિલ્હી સ્કૂલ ઓફ સોશિયલ વર્ક દ્વારા તાજેતરમાં કરાયેલા સર્વે પ્રમાણે છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં દેશમાં ભિક્ષુકોની સંખ્યા ખૂબ વધી ગઈ છે. દિલ્હીમાં ૬૦,૦૦૦, મુંબઈમાં ત્રણ લાખથી વધુ કલકત્તામાં ૮૦,૦૦૦, બેંગ્લોરમાં ૬૦ હજાર ભિક્ષુકો હોવાની નોંધ પોલીસ રેકોર્ડમાં પણ લેવાઈ છે. એક અંદાજ પ્રમાણે માથે છત ન હોય તેવા એક કરોડ બાળકો દેશમાં છે. જેમાંના ઘણા ખરા ભીખ માગીને મા-બાપની આવકમાં ઉમેરો કરે છે.

મુંબઈમાં ભિખારીઓની વસ્તી પર હાલમાં જ સોશ્યલ ડેવેલપમેન્ટ સેન્ટર (એસડીસી) નામની રજિસ્ટર્ડ સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વે મુજબ આ ભિખારીઓ ભીખ માગીને દિવસમાં ૩૦૦થી ૫૦૦ રૂપિયા કમાઈ લે છે. મુંબઈમાં બાંદરા અને જુહુ વચ્ચેનાં ટ્રાફિક સિગ્નલો તેમનાં માનીતાં સ્થળો છે.  ટ્રફિક સિગ્નલો તેમના માટે પૈસાની ટંકશાળ પાડતું સ્થળ મનાય છે.

આ ભિખારીઓમાંથી માત્ર પંદર ટકા સાચા ભિખારી છે. જેઓ મુખ્યત્વે નેત્રહીન, શારીરિક રીતે અક્ષમ અથવા પેરેલાઈઝ્ડ છે. તેથી દયાને પાત્ર છે. આમાંના કેટલાક તો ઘર છોડીને પૈસા કમાવા માટે જ મુંબઈ આવ્યા હોય છે.'

ભિખારીઓમાં પણ એવાં ગ્રુપ હોય છે જે નાના છોકરાઓને ચોરી અને લૂંટ કરવાની તાલીમ આપે છે, જ્યારે બીજાં ગુ્રપો છોકરાઓને ભીખ માગવાની તાલીમ આપે છે. સર્વેમાં એવું પણ જાણવા મળ્યું હતું કે મોટા ભાગના ભિખારીઓને પોતાના વ્યવસાયથી સંતોષ છે અને તેમને કામ આપવામાં આવે તો પણ તેઓ કરવા નથી માગતા. તેમને કામ આપવામાં આવે તો પણ થોડા દિવસ કામ કરીને તેઓ પાછા ભીખ માગવા લાગી જાય છે.

નવાઇની વાત તો એ છે કે  ભિખારીઓના પણ કામ કરવાના ક્લાકો હોય છે. સવારે આઠથી બપોરે બાર અને સાંજે પાંચથી સાતનો સમય તેમના માટે વ્યસ્તતાનો હોય છે.

ભીખ માગવી એ ખરેખર તો અપરાધ છે. મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં મુંબઈ ભિખારી અટકાવ ધારા (બોમ્બે પ્રિવેન્શન ઑફ બેગિંગ એક્ટ, ૧૯૫૯) હેઠળ ભિખારીઓની ધરપકડ કરવામાં આવે છે. મુંબઈ પોલીસ ભિખારીઓને પકડવા એન્ટીબેગર સ્કવોડ (ભિખારીઓને પકડવા ટુકડી) ધરાવે છે. દર વર્ષે મુંબઈ  પોલીસ સરેરાશ ૬,૦૦૦ ભિખારીઓ પકડે છે. કાયદામાં કરવામાં આવેલી ભિખારીઓની વ્યાખ્યા પણ જાણવા જેવી છે, માત્ર બે હાથ ફેલાવીને ભીખ માગે એ જ ભિખારી નથી, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ બહાના હેઠળ જાહેરમાં પૈસા માર્ગે તેને ભિખારી કહેવાય. ગીત ગાઈને, ડાન્સ કરીને કે અંગકસરતના દાવપેચ દાખવીને પૈસા માગનારા લોકો ભિખારી ગણાય છે! રસ્તા પર બેસીને ભવિષ્ય ભાખનારા ફૂટપાથિયા જ્યોતિષો પણ ભિખારીની વ્યાખ્યામાં આવી જાય! એવી જ રીતે રીંછ, સાપ-નોળિયો, વાંદરા કે કૂતરા જેવા પ્રાણીનો ખેલ બતાવનાર મદારી પણ કાયદાની નજરે ભિખારી જ ગણાય! 

મધ્યપ્રદેશના ઇન્દોરને ભિખારી મુક્ત બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્રએ ૧ જાન્યુઆરી ૨૦૨૫થી ભિખારીઓને ભીખ આપનારની વિરુધ્ધ એફઆઇઆર દાખલ કરવાનું શરૂ કર્યું છે. વહીવટીતંત્રએ ઇન્દોરમાં ભીખ માંગવા પર પ્રતિબંધ લગાવવાનો આદેશ અગાઉથી જારી કર્યો છે.

મુંબઈના ભિખારીને પોતાની 'આવક'નો પૂરેપૂરો લાભ મળતો નથી. તેમની સુવિધા સાચવનારા કેટલાક ગૉડફાધર હોય છે. જેમને આ લોકોએ ચોક્કસ રકમ ચૂકવવાની હોય છે. ભિખારીઓ ક્યાં બેસશે? કેવો અભિનય કરશે, એ દરેક બાબત આ ગૉડફાધર નક્કી કરે છે. મેકઅપ અને અભિનય આ બે બાબતો ભિખારીઓનાં જમા પાસાં છે. તેઓ ક્યારેક કોઈને પોતાનો ફોટો પાડવા દેતા નથી.

ભીખ માગવાના ધંધાનાં કેટલાક પેટાઉદ્યોગો પણ છે. આવો જ એક ઉદ્યોગ એટલે પરચૂરણ અર્થાત્ ચિલ્લર વેચવાનો. એક-એક રૂપિયાના સો સિક્કા ૧૦થી ૧૫ રૂપિયા 'ઑન' લઈ વેચનારા ભિખારીઓ આડકતરી ભીખ માગે મેળવે છે. હાજીઅલી ખાતે જ દિવસે એક ભિખારી બે- ત્રણ હજાર રૂપિયાની ચિલ્લર વેચે છે. 

મહારાષ્ટ્રના ૯૯ ટકા ભિક્ષુકો આ 'વ્યવસાય' છોડવા માગતા નથી. મૂડીરોકાણ વિનાના આ ધંધામાં એકવાર પ્રવેશ્યા બાદ કોઈ બહાર જતું નથી, માંડ એકાદ- બે ટકા ભિક્ષુકો જ જરૂરિયાતમંદ હોય છે. સરકારી યોજનાઓમાં ભિખારીઓને રસ નથી. કેમકે માત્ર અભિનયના જોરે જ જો સારી કમાણી થતી હોય તો મહેનત શા માટે કરવી ? અનેક ગરીબ લોકો કોઈની સામે હાથ લંબાવવા કરતાં ભૂખ્યા મરવાનું પસંદ કરે છે. એક તરફ આવી ખુમારી છે તો બીજી તરફ દાનનો મહિમા છે જે આ વ્યવસાયમાં આવેલાઓને બહાર નીકળવા દેતી નથી. પંઢરપુર, યાત્રાધામોમાં તો ભાગ્યે જ કોઈ 'જેન્યુઈન' ભિખારી તમને મળશે.

પંઢરપુરમાં ભીખ માગી- માગીને લખપતિઓ થયેલાઓની સંખ્યા ખાસ્સી મોટી છે. કેટલાક ભિક્ષુકોએ તો નાણાં ધીરવાનો વ્યવસાય શરૂ કર્યો છે. કેટલાક ભિખારીઓનાં સંતાનો ૭૦,૦૦૦ રૂપિયાની બાઈક પર પંઢરપુરમાં બેફામ રખડે છે. તુળજાપુર જેવા સ્થળે તો લોકો ભીખમાં ૧૦૦ રૂપિયા પણ આપી દે છે.   ૬૦ ટકા ભિખારીઓ પાસે એકાદ લાખ રૂપિયા જેટલી બચત અથવા માલમિલકત હોય છે. લગભગ વીસેક ટકા ભિક્ષુકો દસ લાખના 'આસામી હોય છે. તો પંદર લાખના માલિક હોય એવા ભિખારીઓની સંખ્યા પણ દસેક ટકાથી ઓછી નથી. પાંચેક ટકા વિરલા એવા પણ છે જેમની પાસે પચ્ચીસથી પંચોતેર લાખ રૂપિયા જેવી ''માતબર' રકમ હોય છે. મજાની વાત એ છે આ આવક પર તેમને કોઈ કર ચૂકવવાનો રહેતો નથી. સરકારે તેમની તરફ દુર્લક્ષ કર્યું છે, પણ તેનાથી તેઓ ખુશ છે.

૨૪ વર્ષની અનસૂયા એક પોસ્ટમેન સાથે પરણીને ઊજૈન શહેરમાં રહેતી હતી. રક્ષાબંધનનો દિવસ આવ્યો પતિની રજા લઈને તે બાજુના ગામમાં રહેતા ભાઈને રાખડી બાંધવા નીકળી.  ભાઈના હાથે રાખડી બાંધીને તેને માટે સુખ, સમૃદ્ધિ અને લાંબી આવરદા માગનાર બહેન અનસૂયા સાંજ પડે પાછી પોતાના ઘેર જવા નીકળી. પરંતુ ભળતી જ ટ્રેનમાં ચઢી ગઈ અને ઉજ્જૈનને બદલે વડોદરા પહોંચી ગઈ! અજાણ્યું શહેર... અજાણ્યા લોકો... ગુજરાતી ભાષા તો ઠીક એ હિંદી પણ સમજી શકતી નહોતી.  અનસૂયા બોલી શકતી હોવા છતાં ભાષા આવડતી ન હોવાને કારણે મૂંગી સ્ત્રીમાં ખપી ગઈ. પોતે કોઈ અજાણ્યા શહેરમાં આવી છે તે જાણ્યા પછી ખૂબ મુંઝાઈ ગઈ. પરોઢ થવાને હજુ વાર હતી એટલે અંધારામાં વડોદરા સ્ટેશન પર જ માથા નીચે થેલી મૂકીને ઘસઘસાટ ઊંધી ગઈ. થેલીમાં કપડાંની સાથે પૈસાનું પાકીટ પણ હતું. સવાર પડી અને પ્લેટફોર્મ પરના લોકોનો કોલાહલ વધતો ગયો ત્યારે અનસૂયા જાગી ગઈ. કપડાં-પાકીટ સાથે થેલી ગુમ થઈ ગઈ છે. જાણીને બિચારી હાંફળી ફાંફળી બની ગઈ.  ભૂખ ક્યાં કોઈની સગી થાય છે? અનસૂયાએ સ્ટેશન બહાર આવીને રઝળપાટ શરૂ કરી... પેટનો ખાડો પૂરવા હાથ લંબાવ્યો બસ,  સંજોગોની એક થપાટે અનસૂયાને એક સન્નારીમાંથી ભિખારણ બનાવી દીધી... વડોદરા સ્ટેશન પાસે જ એક દિવસ ભીખ માગતી અનસૂયાની શહેરની પોલીસે બીજા ભિખારીઓની સાથે ધરપકડ કરી, અનસૂયાને વડોદરાના ભિક્ષુકગૃહમાં મોકલી દીધી. મહિનાઓ સુધી ભિખારણ તરીકે જ આ ભિક્ષુક ગૃહમાં જીવન પસાર કરતી અનસૂયાના નસીબે પાછી કરવટ બદલી.. ભિક્ષુક ગૃહની અંદર સ્ત્રી ભિખારણો વચ્ચે ગરબા સ્પર્ધા હતી. તેમાં અનસૂયા પ્રથમ આવી. ગુજરાતના કોઈક પ્રધાન પણ આ પ્રસંગે હાજર હતા. અનસૂયાનો ફોટો વડોદરાના સ્થાનિક દૈનિક પેપરમાં છપાયો. એની જ્ઞાાતિના વડોદરામાં રહેતા કંદોઈએ આ તસવીર જોઈ. થોડા જ્ઞાાતિજનો ભેગા લઈને તે વડોદરાના ભિક્ષુક ગૃહમાં ગયો. અમારી જ્ઞાાતિની કોઈ વ્યક્તિ ભીખ માગે જ નહીં. તેવી દલીલ સાથે તેમણે ગૃહના સંચાલકની પરવાનગી લઈ અનસૂયા સાથે વાતચીત કરી. અનસૂયાની આપવીતી સાંભળી ઉજૈનમાં રહેતા 

અનસૂયાના પતિનો સંપર્ક સાંધીને અનસૂયાને ભિખારણમાંથી ફરી ગૃહિણી બનાવી દીધી.!

ભિક્ષુકોની આવી કરમકહાણી સાંભળીએ ત્યારે ખબર પડે કે કેટલાંક કમનસીબીને કારણે ભિખારી બની જતા હોય છે. 

સામાન્ય રીતે પોલીસો ૨સ્તા પરથી ભિખારીઓની ધરપકડ કરે પછી ૨૪ કલાકમાં તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે છે. અમુક વ્યક્તિ ધરપકડ થઈ ત્યારે ભીખ માગતી ન હતી એવી રજૂઆત કરે તો શંકાસ્પદ કેસોમાં પોલીસને પુરાવા રજૂ કરવા માટે કોર્ટ કહે છે. બાકીના પકડાયેલા ભિખારીઓને શહેરના ભિક્ષુક ગૃહમાં મોકલી દેવામાં આવે છે... 'ભિખારી ભિક્ષુક ગૃહમાં આવે પછી અમારો અને ભિખારી વચ્ચેનો સંબંધ જેલર-કેદી જેવો થઈ જાય. જો કે કેદીને જેલમાં ગોંધી રાખવામાં આવે છે તેમ ભિક્ષુકને ક્યારે ય અહીં ગોંધી રખાતા નથી...' એવું એક અધિકારીએ જણાવ્યું. ભિક્ષુક ગૃહમાં પ્રોબેશન ઑફિસર તરીકે કામ કરતા પોલીસ કર્મચારી પકડાયેલા ભિક્ષુકો ગૃહમાં આવે તરત તેમની ઝડતી લે છે. ભિખારીની ધરપકડ થાય ત્યારે તેની પાસે વાંદરો, સાપ કે રીંછ જેવું કોઈ પ્રાણી હોય તો શહેરના પ્રાણી બાગમાં મોકલી આપે છે. તેની પાસે વાસણ કે બીજી ઘરવખરી અથવા રોકડ પૈસા હોય તો તેની નોંધ રજિસ્ટરમાં થાય છે.'

ચોરી લૂંટફાટ, ખિસ્સા કાપવા કે બળાત્કાર જેવા ગુના કરતાં ભીખ માગવાના અપરાધને બહુ સામાન્ય ગણવામાં આવે તે સ્વાભાવિક છે. મોટાભાગના ભિખારી પકડાય પછી તેને એક વર્ષ માટે ભિક્ષુક ગૃહમાં રાખવામાં આવે છે. જો કે આ અપરાધીને જામીન પર છોડાવીને લઈ જઈ શકાય છે. ભિખારી યોગ્ય સહકાર આપે અને તેના કુટુંબીજનોની વિગત તેમજ ઘરનું સરનામું આપે તો પણ તેને થાળે પાડવાની તજવી જ થાય છે. પરંતુ ભિખારીઓની હાલત સુધારવા માટે આ ઉપાયો અપૂરતા છે. ભિખારીઓની પરોપજીવી બની રહેવાની મનોવૃત્તિને પ્રોત્સાહન મળે નહીં અને છતાં દાન કરીને પુણ્ય કમાવાની ઇચ્છા તૃપ્ત કરવા ભિક્ષુકોના ઉત્કર્ષ માટે કામ કરતા ભિક્ષુકગૃહ અને તેવી સામાજિક સંસ્થાને જ મદદ કરવી જોઈએ નહીંતર  ભિખારીઓની સંખ્યા વધતી જવાની અને એ લોકોના મુખે જ આપણને સાંભળવા મળશે કે :-

'કભી ભરા હૈ પેટ સિર્ફ ગાલિયાં ખા કર

કભી રહમ કે ચીંથરો સે ઢંક લીયા હૈ તન,

કોઈ ભી હાથ બઢકે થામ ના સકા હમ કો,

ઉંમર ભટકતી રહી રાહ મેં ભિખારી બન...'


Google NewsGoogle News