Get The App

તાપણાં અને તડકાને નહિ ગાંઠતી ઠંડી .

Updated: Jan 18th, 2025


Google NewsGoogle News
તાપણાં અને તડકાને નહિ ગાંઠતી ઠંડી                 . 1 - image


- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ

- ગામડામાં ઘરમાં પ્રવેશતી ઠંડી ગુણિયલ નવ વધૂ જેવી છે. શહેરના ઘરમાં પ્રવેશતી ઠંડી અલ્લડ યુવતી જેવી છે

ડિસેમ્બરના ખ્રિસ્તીપર્વમાં પ્રગટેલી મીણબત્તીઓ થીજી ગઇ છે. વૃક્ષો ઠંડીના આગમનથી અવાચક બની ગયાં છે. ઝાકળ નીચે ઘાસ છુપાઈ ગયું છે. ધરતી બરફની બહેન બની છે. દિશાઓ આંધળી થઇ છે અને કાચની બારીઓ અપારદર્શક થઇ ગઈ છે. પારદર્શકતા ક્યાંક છૂ થઈ ગઈ છે. સામ્રાજ્ય શીતળતાનું છવાયું છે. પવન સશસ્ત્ર પ્હેરો ભરે છે. હાથમાં કરવત લઇને પવન ઊભો છે. જળાશયો પણ પ્રવાહિતા ગુમાવી રહ્યાં છે. માટલાનું પાણી પણ બરફ થઇ જવાનો મૂડ બનાવીને બેઠું છે. પંખીઓના કંઠમાં ટૌકા ફસાઈ ગયા છે. બહાર નીકળવા મથે છે પણ કોશિશ વ્યર્થ થઇ રહી છે ! સવાર થવા આવવા છતાં પંખીડાંને માળા છોડવાનું મન થતું નથી. ખાડાઓમાં શ્વાન છુપાયા છે. ગોદડીઓનો બજાર બોલાય છે. ઘરમાં પાંદડીઓ બીડાઈ જઈ રહી છે જાણે છોડની છાતીમાં! અને સુગંધ સંતાઈ જાણે પાંદડીઓની શિરાઓમાં! ધૂળને પણ ઉડ્ડયનમાં રસ પડતો નથી, વાદળો અને ધૂળ ઉભવ દૂર દૂર હોવા છતાં ગંભીરતાના પાઠ ભણે છે. નદી, તળાવ, ખેતર, ગામ, ઘર સર્વે જડ-ચેતન પદાર્થોએ ગાંભીર્યનું ગોદડું ઓઢ્યું છે. વ્હેલી વાગતી ટ્રેઇનની વ્હીસલ પણ કાન સાંભળવા નથી એ કેવું? પોષ મહિનાની પાંખોમાં અને આંખોમાં ઠંડીનો વંશવેલો પાંગરે છે.

રસોઈ ઘરમાં રોટલી શેકાય છે કે બેન-પત્નીની હથેળીઓ? દૂધ-દાળ ઉકળવાની ના કેમ પાડે છે? ચાનો કપ કેમ નાનો પડે છે? સોફા ઉપર, ટેબલ ઉપર શાક લઇને બેસી જતાં બા કેમ તડકો શોધે છે? કામવાળી બાઈનો રણકતી બંગડીવાળો હાથ કેમ રણકાર કરતો નથી? એ રણકાર ઠંડીથી ડરી ગયો કે બેને હાથ સોડમાં સંતાડી દીધા કે શું? મલાઇદાર દૂધની પવાલી સવારે બહાર કાઢતાં એમ લાગે છે કે દૂધ ઉપર મલાઈનું પ્લાસ્ટર કર્યું કોણે? સવાર-રાત્રે તાપણાનો માહોલ કેમ આકર્ષે છે?

પોષ મહિનાનો સવારનો તડકો કૂણા મૂળા જેવો લાગે છે. તડકો નટખટ કૃષ્ણનું રૂપ લઇને આવી જાય છે કે શું? કૃષ્ણના રૂપને જોવા લોકો તડકે ટોળે વળે છે? સજીવો ગોપીભાવે કૃષ્ણને ભજે છે એમ તડકાને ભજે છે! બાળકો તડકાની ચૉકલેટ ચગળે છે. યુવાનો તડકાના તાકા ઉકેલે છે તે વૃધ્ધો તડકાના તાકા પ્હેરીને બેઠા છે. પાણી સાથેનો પ્રેમ શિયાળો ઓછો કરે છે, પણ તડકા સાથે એ પ્રેમ વધે છે. તડકાની હાજરીમાં વિદ્યાર્થીઓને વિદ્યાલયના તાસ ભરવા ગમે છે. વૃક્ષો પણ તડકાને વસ્ત્ર માનીને પોતાની કાયા ઉપર લપેટે છે. વૃદ્ધો થથરે છે તો યુવાનો ઊભા છે સ્થિર. બાળકો યજ્ઞાની આહુતિ કોઇની ગમાણમાંથી, કોઈના વાડામાંથી, કોઈ જાહેર જગ્યાએથી દોડી દોડીને લઇ આવે છે અને માતાજીના અખંડ દીવાની જેમ, સાધુ-બાવાની જ્યોતની જેમ તાપણાની જ્યોત પણ મોડી રાત સુધી જલતી રહે છે. ગામડામાં આવાં દ્રશ્યો મહોલ્લે મહોલ્લે જોવા મળે!

જાન્યુઆરીના જમણા અંગમાં કંપવા આવ્યો છે કે શું ? દિવસો પલટાયા કે શું ? સૂર્યોદય પછી પરોઢ પડે છે કે શું ? અને સૂર્યાસ્ત પહેલાં રાત્રિનું આગમન થઇ જાય છે કે શું ? - આવું કેમ લાગે છે, જબરો વ્યત્યય રચાયો છે આ ઠંડીના દિવસોમાં ! ફૂલો ઝાકળની પાલખીમાં બેઠાં છે, તણખલે તણખલે ઝાકળ વળગ્યું છે. તૃણની વ્યથાને વધારવા પવન ફૂંક મારે છે કે ઘટાડવા ? બૌદ્ધિકતાની અડખે પડખે અકર્મણ્યતાની રજાઈ લંબાતી જાય છે.

ગામમાં અને શહેરમાં પ્રવેશતી ઠંડીમાં ફરક શો? ગામડામાં ઘરમાં પ્રવેશતી ઠંડી ગુણિયલ નવ વધૂ જેવી છે. શહેરમાના ઘરમાં પ્રવેશતી ઠંડી અલ્લડ યુવતી જેવી છે. ગામમાં આવેલા મદારીને જોવા આખું ગામ એકઠું થાય અને શહેરમાં જેને કુતૂહલ હોય તે જ ત્યાં ડોકિયું કરે એવું છે ઠંડીનું શહેરના નવરા માણસો ઠંડીની વ્યાખ્યાન સભાઓ યોજે કર્મઠ માણસો પોતાનાં કામે જાય. ગામડામાં તો કથાકાર આવે એટલે સાગમટે શ્રોતાઓ હાજર ! ગુણિયલ વહુની ખાનદાનીની સુવાસ આખા ગામમાં ઝડપથી પ્રસરી જાય એવી ઝડપથી ઠંડી પ્રસરે !! શરમના સેરડા ઉપસ્યા હોય ઠંડીની કાયા ઉપર ! ગામડાની ગલીએ ગલીએ તે તાપણારૂપે હાજર હોય ! શહેરના સરિયામ રસ્તા ઉપર ઠંડી જેવી સન્નારીને જોવા કોઈ થોભતું નથી, એ સન્નારીની છાતી પરથી પાલવ ખસી ગયો છે. ત્હોય કોઈ એના તરફ નજરેય નાખતું નથી. લોકો હડિયો કાઢે છે. ધાબળા અને સ્વેટરોની નીચે છુપાયેલી ઠંડી પણ નગરજનોની યાંત્રિકતામાં ભળી જાય છે. શહેરીજનો ઠંડીનો ઠાઠ માણી શક્તા જ નથી.

વાતાવરણમાં ને હિમાલય સૃષ્ટિ ઉપર યાત્રા કરવા નીકળી પડયો હોય એવો આભાસ રચાયો છે ! હિમાલયની પવિત્રતાની સામે ચાલી વધાવવાને બદલે તેનાથી સજીવો ડરે છે. ઘરમાં પુરાય છે. ગોદડાં ઓઢે છે. વસાણાં ખાય છે. તાપણાં કરી ભૂત કાઢે એને કાઢવા પ્રયત્નો કરે છે. મોડી રાત્રે ચંદ્રકિરણની ઓકળીઓ હેઠે ઊતરી આખા નાટકને નિહાળે છે પણ આપણે તો નસકોરાંના સામ્રાજ્ય નીચે નિદ્રાદેવીના ઘરમાં ચાલ્યા જઇએ છીએ ! ઠંડીનો ઠાઠ સજીને શિશિર સામૈયાં કરે છે ને આપણે માણી શક્તા જ નથી. આપણે આળસી જઇએ છીએ કે આપણને ક્યાંય જવા દેતી નથી - ઠંડી ! ઠંડી મોડું કરાવે છે. ઠંડી દાટ ખવડાવે છે એ ક્યાં છે ? શું છે ? એનો આકાર કેવો ? પ્રવાહી રૂપે છે કે વાયુ રૂપે ? એનાં પગલાં ડિસેમ્બર જાન્યુઆરીમાં જ કેમ દેખાય છે ? મૂળા, મેથી, ઘઉં, રાઈ, રાજગરો, વરિયાળી, જીરૂના જ્વારાનાં ખેડૂતો ઓવારણાં લઇ રહ્યા છે તે ઠંડીના કારણે જ ખુલ્લી અસર ઠંડીને માણવી એ પણ એક લ્હાવો છે.

શિયાળાની સવારનો તડકો કોઈ બાળક માટે દાદા-દાદીનો ખોળો છે, તરૂણ માટે માતાનું વ્હાલ છે. યુવાન-યુવતીઓ માટે પોતપોતાનું પ્રિયપાત્ર છે અને વૃદ્ધો માટે હૂંફાળા કંતાનનો બાંકડો છે. તડકો એક ને રૂપો અનેક! ઠંડી નામની નર્તકીને કારણે તડકો બહુરૂપી લાગે છે કે શું? એ તડકાની પાલખીમાં બેસીને ઠંડી ફરવા નીકળતી હોય ત્યારે ઠંડીની મંથર ગતિ તેજ બને છે.


Google NewsGoogle News