Get The App

કોઈ ઉમરાવ કે રાજા નહીં, પણ સાચેસાચ શહેનશાહ

Updated: Jun 17th, 2023


Google News
Google News
કોઈ ઉમરાવ કે રાજા નહીં, પણ સાચેસાચ શહેનશાહ 1 - image


- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ

જા મનગરના રાજવી જામ રણજીતસિંહે ઈંગ્લેન્ડમાં ક્રિકેટ ખેલીને પોતાના કલા-કસબથી દંતકથા સમી સિદ્ધિ મેળવી હતી. એમના પગલે ચાલીને એમના ભત્રીજા દુલિપસિંહે પણ ઈંગ્લેન્ડ તરફથી ઓસ્ટ્રેલિયા સામે ખેલીને ક્રિકેટમાં કામયાબી મેળવી હતી. પણ આ બે ખેલાડીઓ ભારતની ધરતી પર કોઈ ઉચ્ચ પ્રકારનું  ક્રિકેટ ખેલ્યા નહોતા. એ પછી  સ્વ. પટૌડીના નવાબ (મનસૂર અલી ખાન પટૌડીના પિતા) ભારત તરફથી થોડું  રમ્યા, પરંતુ ભારતની ધરતી પર વિશેષ કામયાબી મેળવી શક્યા નહીં.

સૌથી મહત્વની વાત તો એ છે કે આ ત્રણેય ખેલાડીઓની રમત પર ઈંગ્લેન્ડમાં ખેલાતી શિસ્તબદ્ધ અને ક્રિકેટના કોંચિગ મેન્ચુઅલને આધારે ખેલાતી રમતનો પ્રભાવ હતો. કારણ કે તેઓ ઈંગ્લેન્ડમાં ઉછર્યા, એ જ વિદેશી ભૂમિ પર રમત ખેલવા માટેનું કૌશલ્ય હાંસલ કર્યું અને ત્યાં જ પોતાની તાકાત પેશ કરી. આથી ભારતીય ક્રિકેટના કોઈ પિતા હોય તો એ સિંહાસનના મહાન ઑલરાઉન્ડર ને સુકાની સી. કે. નાયડુ સિવાય બીજા કોઈ અધિકારી નથી. એ ભારતની ભૂમિ પર પોતાના ક્રિકેટ-પાઠો આપમેળે અને આપબળે શીખ્યા. એમાં ધરતીની સુવાસ અને એમની હિંમતભરી પ્રકૃતિનો સુમેળ સધાયો અને ત્રણ-ત્રણ દાયકા સુધી આ ભારતીય ક્રિકેટના ભીષ્મપિતામહ સમા કોટ્ટારી કંકૈયા નાયડુએ પોતાના સર્વતોમુખી ક્રિકેટ જાદુથી દેશના ક્રિકેટ રસિકો પર કામણ પાથર્યું હતું અને એવી સર્વતોમુખી પ્રતિભા ભારત રત્ન સચિન તેડૂલકર, કપિલ દેવ, મહેન્દ્રસિંહ ધોની કે વિરાટ કોહલી મળ્યા છતાં આ ભૂમિ પર જોવા મળી નથી.

એ જમાનામાં ઊંચા, કદાવર દેહધારી સી. કે. નાયડુ બેટ ઝુલાવતા મેદાન પર આવતા, ત્યારે સહુના હૃદય રોમાંચ અને ઉત્સાહથી પુલકિત થઈ જતા. નાયડુ રમવા આવી રહ્યા છે, એમ સાંભળીને સેંકડો રમતશોખીનો પોતાનું અત્યંત જરૂરી કાર્ય છોડીને ક્રિકેટ મેદાન તરફ દોડી જતા. એ જમાનામાં ઑસ્ટ્રેલિયામાં ડોન બ્રેડમેનનું આવું આકર્ષણ હતું, એવું આકર્ષણ ભારતીય ટેસ્ટ ક્રિકેટના પરોઢના સમયમાં સી. કે. નાયડુએ જમાવ્યું હતું. એ જમાનામાં હજારો માનવીઓને મંત્રમુગ્ઘ કરી દેતી નાયડુની બેટિંગની કેટલીયે કથાઓ અને દંતકથાઓ પ્રચલિત હતી. એમની મોહક રમત નિહાળવા માટે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણન્ ઑક્સફર્ડથી છેક લંડન આવ્યા હતા.

ભારતીય ક્રિકેટના પિતાના જન્મદિવસની જ વાત કરીએ. ૧૮૯૫ની ૩૧મી ઑક્ટોબરે નાગપુરમાં સી. કે. નાયડુનો જન્મ થયો. જે દિવસે સી. કે. નાયડુનો જન્મ થયો એ જ દિવસે નાગપુરના લાલ બાગ મેદાનમાં 'નાયડુ ક્રિકેટ ઈલેવન' અને 'બ્રિટીશ રેજિમેન્ટલ ટીમ' વચ્ચે મેચ રમાઈ રહી હતી. મેચ પુરી થયા પછી સી. કે. નાયડુના દાદા  શ્રી નારાયણ સ્વામી નાયડુ ગરીબોને દાન આપતા હતા. એવામાં કોઈકે કહ્યું, 'એમને ત્યાં તો પૌત્રજન્મ થયો છે.' તરત જ બ્રિટીશ ખેલાડીઓએ આનંદના અવસરે પૈસાની માંગણી કરી અને ટીમના બધા જ  ખેલાડીઓની હેટ ચાંદીના સિક્કાથી ભરાઈ ગઈ. સહુએ આશીર્વાદ આપ્યા કે આ બાળક મહાન ખેલાડી બને. દુનિયામાં ભારતનું નામ રોશન કરે. સી. કે. નાયડુ આ પ્રસંગને સંભારીને કહેતા, 'હું ક્રિકેટની અને એ દ્વારા દેશની જે સેવા કરી શકું છું એ કદાચ આ શુભાશિષનું જ પરિણામ હશે.'

સી. કે. નાયડુની રમતમાં ભારતીય શૈલીની આગવી છાપ જોવા મળતી હતી. એ જમાનામાં ઈંગ્લેન્ડમાં ક્રિકેટનું વ્યવસ્થિત કોચિંગ આપવામાં આવતુંહતું અને ક્રિકેટમાં લખેલી પદ્ધતિ પ્રમાણે ખેલાડી બોલિંગ, બેટિંગ કે ફિલ્ડિંગ કરતો હતો. સી. કે. નાયડુના પિતા કેમ્બ્રિજમાં ભણ્યા હતા. રણજીતસિંહની જાદુઈ બેટિંગ એમણે જોઈ હતી, પરંતુ સી. કે. નાયડુએ કોઈ આવી ક્રિકેટપોથીમાં આપેલા સિદ્ધાંતો કે શૈલીને બદલે આપ ક્રિકેટકલાનું ઘડતર કર્યું. સી.કે.ની ભારતીયતાની વાત કરું, ત્યારે એમની ધાર્મિકતાનું પણ સ્મરણ થાય છે. તેઓ દશેરાની આગળના નવે દિવસ ધામધૂમપૂર્વક પૂજાપાઠ કરાવતા. દિવાળીના દિવસોમાં લક્ષ્મીપૂજન કરવાનું કદાપિ ચૂકતા નથી. હંમેશા અમુક નિશ્ચિત સમય ઈશ્વરભજનમાં ગાળતા હતા.  હોળીનો તહેવાર તો તેઓ ભારે ઉત્સાહ અને ઉલ્લાસથી ભજવતા. બે - ત્રણ દિવસ પહેલાં જૂના કપડાં તૈયાર રાખતાં અને બાળકોની પેઠે એનો આનંદ માણતા. કાલી માતાના તેઓ અનન્ય ભક્ત હતા. એક વાર એમની હોલકરની ટીમ બંગાળ સામે હારી જાય તેવું હતું. ઈંદોરના ક્રિકેટપ્રેમી મહારાજા સ્વયં મેચ જોવા ઉપસ્થિત હતા, ત્યારે સી. કે. નાયડુએ હીરાલાલ ગાયકવાડ અને અગિયારમા ક્રમે ખેલતા ધનવડેની પાસે આવ્યા અને પછી કાલી માતાએ એમને આપેલી પ્રેરણાભરી હિંમતને પ્રગટ કરતા કહ્યું, 'તમે સહેજે નિરાશ ન થશો. તમે ખરેખર ખૂબ ભાગ્યશાળી છો.' ટીમની દુર્ભાગ્યપૂર્ણ દશા વખતે સુકાનીના આવાં વચનો સાંભળીને ગાયકવાડ અને ધનવડે બંને હેબતાઈ ગયા. એમને  ચકિત જોઈને સી.કે.એ સ્પષ્ટતા કરતાં કહ્યું,

'માતા કાલી તમારા પર પ્રસન્ન થયાં છે. એમણે તમને તમારી તાકાત બતાવવાનો મોકો આપ્યો છે મેચનો સમય પૂરો થવામાં માત્ર એક કલાકની વાર છે. તમે એટલો સમય પસાર કરી નાખો.'

હકીકતમાં ગાયકવાડ અને ધનવડે બંને એક કલાક સુધી અણનમ રહ્યા અને પ્રથમ દાવમાં વધુ રન કરવાને કારણે સી. કે. નાયડુની હોલ્કરની ટીમ રણજી ટ્રોફી વિજેતા બની.

નાયડુ સાચા અર્થમાં ક્રિકેટાચાર્ય હતા. સી. એસ. નાયડુ, મુસ્તાક અલી, ચંદુ સરવતે, બાલા સાહેબ જગદાલે અને હીરાલાલ ગાયકવાડ જેવા ઘણા ખેલાડીઓને એમણે પ્રેરણા અને પ્રોત્સાહન આપીને તૈયાર કર્યા. તેઓ વિરોધી ખેલાડીની નબળાઈ તરત પારખી લેતા અને ગોલંદાજોને સલાહ આપીને કિંમતી વિકેટ અપાવતા.

એ જમાનાની કલ્પના કરો કે જ્યારે ભારતીય ક્રિકેટ પર રાજવીઓઅું પ્રભુત્વ છવાયેલું હતું. હજી ધીરે ધીરે ભારત ટેસ્ટ  ક્રિકેટ તરફ જઈ રહ્યું હતું અને આવે સમયે ભારતીય ક્રિકેટને એક નવી આન અને શાન આપવાનું કામ સી. કે. નાયડુ એ કર્યું. બેટ્સમેન સી. કે. નાયડુએ જમાનામાં  સમર્થ ઓલરાઉન્ડર હતા. તમે બેટિંગની વાત કરો, બોલિંગની વાત કરો કે ફિલ્ડિંગની વાત કરો બધામાં સી.કે. નાયડુ મોખરે હોય અને સૌથી વધુ તો સુકાનીપદની વાત કરો તો એમની રાહબરી હેઠળ એમની કાબેલિયતનો ઑસ્ટ્રલિયાની મજબૂત ટીમને અને ખુદ ડોન બ્રેડમેનને અનુભવ થયો હતો.

ભારતીય ક્રિકેટરોની ઓછી ઉંચાઈ અને થોડા નબળા બાંધાને કારણે વિદેશના ઊંચા અને તાકાતવર ઝડપી ગોલંદાજો સામે ભારતીય બેટ્સમેનો ઝૂકી જતા હતા, ત્યારે સી. કે. નાયડુએ કહ્યું, 'ઝડપી ગોલંદાજી સામે બેટિંગ કરવા માટે ઊંચાઈ કે તાકાત કરતાં હિંમત અને નિર્ભયતાની વધુ જરૂરી છે.' અને એને પરિણામે એ જમાનામાં 'બોડીલાઈન ગોલંદાજીથી જાણીતો હેરલ્ડ લારવૂડ, મહમ્મદ નિસાર, કલેરી ગ્લિમેટ કે અમરસિંહ જેવા અત્યંત ઝડપી ગોલંદાજો સામે નાયડુ પૂર્ણ આત્મવિશ્વાસ સાથે ખેલતા હતા. એ જમાનામાં ચોગ્ગા અને છગ્ગાની રમઝટ બોલાવનાર જેસપને સહુ યાદ કરતા. ત્યારે સી.કે. નાયડુને 'ભારતીય જેસપ'નું બિરુદ મળ્યું હતું.

છગ્ગાનાં તો એ છડીદાર. એમને શોર્ટ-હેન્ડલ બેટ પરથી ધકેલાતો દડો તંબૂ કુદાવતો, ધસમસતો અને ફંગોળાતો જોવો એ એક લ્હાવો હતો. એમ મનાય છે કે સી. કે. નાયડુએ એમની સમસ્ત કારકિર્દીમાં પ્રથમ કક્ષાની મેચોમાં બસ્સો જેટલાં છગ્ગા લગાવ્યા છે ! આ સી. કે. નાયડુને એમના શિષ્ય અને આક્રમક ઓપનિંગ બેટર મુસ્તાક અલીએ અંજલિ આપતાં કહ્યંુ હતું કે, 'તેઓ ક્રિકેટના ઉમરાવ કે રાજા નહીં, પણ શહેનશાહ હતા. એ કિક્રેટના નેપોલિયન હતા, ક્રિકેટ-ક્રાંતિના જનક અને એના મશાલધારી હતા.'

સી. કે. નાયડુની બેટિંગ, બોલિંગ, ફિલ્ડીંગ અને કેપ્ટનશીપ અંગે હવે પછી વાત કરીશું, ત્યારે ખ્યાલ આવશે કે એમની પ્રેરણાથી ભારતીય ક્રિકેટ એના પ્રારંભે જ ગર્વભેર પોતાનું મસ્તક ઊંચું રાખી શકે એવી ઘટનાઓ સર્જાઈ હતી. ખરો પિતા એ કે જે આખીય રમતનો જનક બનીને અડગ ઊભો હોય!

મનઝરૂખો

વારંવાર ભૂકંપગ્રસ્ત બનતા જાપાનમાં આવેલા એક ભયાનક ભૂકંપથી સર્જાયેલી તબાહીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે આવેલી ટુકડીનો અગ્રણી ધરાશાયી થયેલા મકાનમાં પહોંચ્યો. એણે જોયું તો તૂટી પડેલા મકાનના કાટમાળની નીચે એક સ્ત્રીનો મૃતદેહ પડયો હતો. જાણે પ્રાર્થનાની મુદ્રામાં હોય તેમ શરીરને ઘૂંટણથી આગળ ઝુકાવીને પડેલી હતી. જાણે કોઈ વસ્તુને એેણે હ્ય્દયસરસી ચાંપી ન હોય ! ખંડેર બનેલા મકાનની ઈંટોના મારથી એની કમર અને એના માથા પર જીવલેણ ઈજા પહોંચી હતી. એનું શરીર તદ્દન ઠંડું પડી ગયું હતું. સહુને ખ્યાલ આવ્યો કે આ સ્ત્રી ઉપરથી પડેલા મકાનની ઈંટોને કારણે મૃત્યુ પામી છે.

બચાવ-ટુકડી આગળ વધી, પરંતુ એની આગેવાની સંભાળનારના મનમાં એક વિચાર આવ્યો કે આ સ્ત્રી ઘૂંટણિયે વળીને કેમ પડી હશે ?શું કશું શોધવા પ્રયત્ન કરતી હશે કે પછી એના હાથમાં કશુક રાખીને પોતનો જીવ બચાવવા એને વગળી પડી હશે ? ટુકડીનો આગેવાન પાછો આવ્યો અને એણે એ સ્ત્રીના મૃતદેહની નીચેથી તપાસ કરવાનો પ્રયત્ન કરતાં એ બોલી ઊઠયો, 'અરે, અહીં એક બાળક છે !' એનો અવાજ સાંભળી આખી ટુકડી પાછી આવી અને સ્ત્રીની આસપાસ પડેલા કાટમાળને ખસેડીને જોયું તો કામળીમાં વીંટાળેલું ત્રણ મહિનાનું એક બાળક એ સ્ત્રીના મૃતદેહની નીચેથી મળી આવ્યું. બધાને ખ્યાલ આવ્યો કે નક્કી માતાએ ઉપરથી થતા ચીજવસ્તુઓ અને ઈંટોના વરસાદથી બચાવવા માટે પોતાના બાળકને આમ કામળીમાં વીંટાળીને છાતીસરસો ચાંપીને ઘૂંટણભેર ઊભી રહી હશે. પોતાના શરીરને ઢાલ બનાવીને પોતાના સંતાનને બચાવવા પ્રયત્ન કરતી હશે. ટીમના આગેવાને કામળીમાં વીંટાળેલા બાળકને ઉપાડયું, તો એ બાળક નિરાંતે ઊંઘતું હતું. ડૉક્ટરે તરત જ બાળકની સારવાર શરૂ કરી. કામળી કાઢીને જોયું તો બાળકની પાસે એક સેલફોન પડેલો હતો. એ ફોનના સ્ક્રીન પર લખ્યું હતું, 'જો તું બચી જાય, તો યાદ રાખજે કે તારી માતા તને ખૂબ ચાહતી હતી.' મોબાઈલ પરનો સંદેશો વાંચી ટુકડીના સભ્યોની આંખો આંસુથી છલકાઈ ગઈ.

ક્ષણનો સાક્ષાત્કાર

વિચાર કરો કે જિંદગીનો રંગ કેવો  પલટાઈ જતો હોય છે. ક્યારેક સફળતા સમસ્યા બની રહે છે, પ્રગતિ પરેશાની આણે છે અને સિદ્ધિ એ દુઃખદાયી રોગ જનેતા બની રહે છે. તમને આ વાત નેગેટિવ વિચારધારા ધરાવતી લાગશે, પણ જરા શાંત ચિત્તે વિચાર કરો કે તમારી પ્રગતિની ઈચ્છાએ તમને ચારેબાજુથી કેટલી બધી પરેશાનીઓની વચ્ચે લાવી મૂકયા છે !

જિંદગીના આરંભે એમ હતું કે અભ્યાસ પૂર્ણ કરીને સારી નોકરી મેળવીએ એટલે ભયો ભયો! નોકરી મળતાં આપણને લાગ્યું કે વાહ, જંગ જીતી ગયા. થોડા સમયમાં એમ થયું કે આ નોકરીથી સંતોષ મળતો નથી. એટલે તમે કંઈ ઉચ્ચ જગા માટે કે વધુ આવક માટે અથાગ પ્રયત્નો શરૂ કર્યાં. રાત-દિવસ મહેનત કરી, ઉજાગરા કર્યા અને અંતે જ્યારે ઊંચા પગારની નોકરી મળે, ત્યારે એની સાથે જીવનભર રહેનારું લોહીનું ઊંચુ દબાણ (બ્લડપ્રેશર) પણ એની સાથે મળ્યું.  વળી એથી ઊંચું સ્થાન મેળવવા પ્રયાસ કર્યો, ત્યારે આખી જિંદગી ટેન્શન અને સ્ટ્રેસથી ઘેરાઈ ગઈ. ક્યારેક એવુંય લાગશે કે પહેલાની ગરીબી આજની અમીરી કરતા ઘણી સારી હતી. આનો અર્થ જ એટલો જ કે સફળતા, સંપત્તિ કે સત્તા મળતી જાય અને તેની સાથોસાથ જીવનમાંથી આનંદની મસ્તીની કે ઉલ્લાસની ક્ષણો ઘટતી જાય, તો પાકે પાયે માનવું કે આપણે આપણા જીવનની રફતારમાં ક્યાંક મોટી થાપ ખાઈ ગયા છીએ !

Tags :