''જિંદગી મિજાજ કરવા માટે જ નહીં પણ બીજાના મિજાજની માવજત કરવા માટે પણ મળી છેે''
- કેમ છે, દોસ્ત- ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- ''હું મારી પત્ની વર્તિકાને 'મારી' બનાવવાને બદલે હું 'તેનો' બનવાનો પ્રયત્ન કરીશ. વર્તિકા, આજથી તું 'મારા તરફથી નિર્ભય''
''વ ર્તિકા, તું બહેરી થઇ ગઇ છે ? આ નાનકો ક્યારનોય રડે છે, પણ તારું ધ્યાન જ નથી ! વિદ્યાર્થી આખો દહાડો વાંચે તો ચાલે, પણ તું શિક્ષિકા થઇને રજાને દિવસે પણ થોથાં ઉથલાવ્યા કરે છે. મહત્ત્વનું શું ? ઘર કે નોકરી ?'' વર્તિકાનાં સાસુએ વ્યંગમાં કહ્યું.
''મમ્મીજી, આ નાનકો આપણો દીકરો નથી, પડોશીનો છે. એની મમ્મીએ તેને માર્યો એટલે વધુ મારની બીકે અહીં દોડી આવ્યો છે. મેં જ એને પાણી પીવડાવીને શાન્ત કર્યો છે હવે તો એણે રડવાનું પણ બંધ કરી દીધું છે'' વર્તિકાએ સાસુમાના આક્રમણના ઉત્તરમાં કહ્યું.
વર્તિકાને નાનપણથી જ વાંચનનો શોખ. એના દાદાજી હેમંતરાય એને માટે લાયબ્રેરીમાંથી નવાં નવાં પુસ્તકો લઇ આવે. પહેલાં પોતે આખું પુસ્તક વાંચી જાય અને એ પુસ્તકનો સારાંશ એવી સરસ રીતે વર્તિકાને સંભળાવે કે વર્તિકા એમના હાથમાંથી પુસ્તક છીનવી લઇ પોતે જ વાંચવાનું શરૂ કરે.
વર્તિકાનાં મમ્મી તુષ્ટી દેવીને તેની વાચનપ્રિયતા ખૂબ જ ખટકતી. તેઓ દાદાજીને કહેતા: 'દીકરીને ધાર્મિક અને પ્રેરક પુસ્તકો વંચાવવાને બદલે 'રસોઇકલા''નાં પુસ્તકો વંચાવો. છોકરીઓએ હોમસાયંસમાં નિપુણ થવું જોઇએ, ફિલોસોફીમાં નહીં. વર્તિકાને તો ઘરની કશી જવાબદારી પ્રત્યે લગાવ નથી ! એનું બી.એડનું શિક્ષણ પૂરું થાય એટલે મારે જલ્દી તેનાં લગ્ન કરી વિદાય કરી દેવી છે. સાસુ કાન આમળશે ત્યારે જ એ સીધી થશે.'
દાદાજી કહેતા: 'તમે નકામી ચિંતા કરો છો. વર્તિકા એટલી શાણી છે કે એને કશું શીખવવાની જરૂર નથી ! એની ડાયરીનું એક પાનું મારા વાંચવામાં આવ્યું હતું. એમાં એણે લખ્યું હતું કે ભણતર માણસાઈના પાઠ ભણવા માટે નહીં પણ સાચા અર્થમાં માણસ બનવા માટે છે. જીવન એટલે જ પોતાને ફાળે આવતી સઘળી જવાબદારીઓને નિષ્ઠાપૂર્વક અદા કરવાની ઉત્સુકતા' હવે તમે જ કહો, એક કોલેજિયન યુવતીનો જીવન પ્રત્યેનો આવો ઉદાત્ત દ્રષ્ટિકોણ હોય પછી એને બીજાના ઉપદેશની આવશ્યક્તા ક્યાંથી હોય ?'
બી.એડની ડિગ્રી ડિસ્ટીંકશન સાથે મેળવ્યા પછી એની મમ્મી તુષ્ટીદેવીએ 'મુરતીઆ' સંશોધનનું કામ જોરશોરથી કરી દીધું. વર્તિકાએ તેનો સહેજ પણ વિરોધ ન કર્યો. એને મન દામ્પત્ય એ જીવનનું નવું કાર્ય ક્ષેત્ર હતું. પિતૃગૃહ એ મનગમતાં પત્તાં મેળવવાની બાજી છે, જયારે સાસરુ એ મળેલાં પત્તાં જીતવાની કોઠાસૂઝની તક છે. માણસે દરેક 'તક'ને 'લક' માનીને તેને વધાવી લેવી જોઇએ. એની સગાઈ થાય એ પહેલાં તો એના દાદાજીના દોસ્ત રવિકાન્ત દાદાએ કહ્યું: 'બેટી વર્તિકા, મારા મિત્ર દિવ્યકાન્તની સ્કૂલમાં શિક્ષિકાની એક જગા ખાલી છે. તારો બાયોડેટા જોઇ તેઓ એટલા બધા ખુશ થઇ ગયા કે તને બોલાવ્યા વગર જ આ નિમણૂક પત્ર આપી દીધો. કાલે સવારે સાડા દસ વાગ્યે સ્કૂલે પહોંચી જજે.'
'ના, હજી મારે એને ઘર ગૃહસ્થીનું શિક્ષણ આપવાનું છે. એ ભણવા ભણાવવામાં પડશે તો સાસરેથી ધોએલા મૂળાની જેમ પાછી આવશે. જમાનો બદલાયો છે. આજના યુવાન પતિઓને ગુજરાતી થાળી અકારી લાગે છે. પિત્ઝા, મેક્સીકન આઈટેમ અને અન્ય અવનવી વાનગીઓમાં રસ છે. હું વર્તિકાને રસોઇકલાની ટ્રેઇનિંગ સ્કૂલમાં દાખલ કર્યાબાદ જ તેને તૈયાર કરીને સાસરે મોકલીશ. હમણાં સગાઇથી આગળ નહીં વધુ. મેં જે મૂરતીઓ જોઈ રાખ્યો છે એ અમેરિકાથી છ માસ પહેલાં જ ભારત આવ્યો છે. એક એકસીડન્ટમાં એની પત્ની ગુજરી ગઇ પછી એનું મન અમેરિકા પરથી ઉઠી ગયું છે. એણે લગ્ન તો કરવું છે પણ ઇન્ડિયન અને અમેરિકન કલ્ચર બન્નેમાં રસ હોય એવી યુવતી સાથે. હું વર્તિકાને એ રીતે તૈયાર કરીશ. એ પહેરવેશમાં તો મોડર્ન છે.ઇન્ડિયન કલ્ચર તો એનો આદર્શ છે. અમેરિકાથી આવેલા ઉદ્ગતની મમ્મી આગળ મેં વર્તિકાના એટલાં બધાં વખાણ કર્યા છે કે એમના પુત્ર ઉદ્ગતને ના પાડવાનો અવકાશ જ નથી રહેવાનો.' તુષ્ટીદેવીએ ખડખડાટ હસતાં હસતાં સાથે પોતાની વાતનું સમાપન કર્યું.
વર્તિકા શિક્ષિકા તરીકે નોકરી પર હાજર થઇ. એની વાતચીતની શૈલી, વિનયશીલતા વગેરે જોઈ સ્કૂલના સંચાલક દિવ્યકાન્ત એટલા બધા ખુશ થઇ ગયા કે એમણે કહ્યું: 'આ કેમ્પસમાં બે સ્કૂલો છે એક ગર્લ્સ સ્કૂલ અને બીજી બોઇઝ સ્કૂલ. હું તમારી નિમણૂક ગર્લ્સસ્કૂલના હાયર સેકંડરી વિભાગમાં કરું છું. તમારી પાસે સંસ્કારિતાનો અક્ષય ભંડાર છે. તમારા જેવી શિક્ષિકા મળતાં ગર્લ્સ સ્કૂલની દીકરીઓ ખુશખુશાલ થઇ જશે.'
બોલો, ક્યારથી હાજર થશો ?
'અત્યારથી જ. જિંદગી એટલી બધી ગતિશીલ છે કે માણસને એક પણ ક્ષણ વેડફવાની એ રજા આપતી નથી. મને આપ અત્યારે જ ક્લાસમાં જવાની વ્યવસ્થા કરી આપો' વર્તિકાએ કહ્યું.
અને દિવ્યકાન્તે સ્કૂલના સુપર વાઇઝરને બોલાવી વર્તિકાને ધોરણ-૧૨ના વિજ્ઞાાન પ્રવાહના વર્ગમાં મોકલવાની વ્યવસ્થા સોંપી.
વર્તિકા સુપરવાઇઝર સાથે વર્ગમાં પહોંચી. સુપરવાઇઝરે વિદ્યાર્થીઓને કહ્યું 'આ છે મેડમ વર્તિકા. એમનો બાયોડેટા હું તમને વાંચી સંભળાવું છું.'
વર્તિકાએ કહ્યું: 'સર, તેની જરૂર નથી. મારી પાસે ભણ્યા પછી વિદ્યાર્થીઓને આનંદની અનુભૂતિ થાય એ જ મારો બાયોડેટા. મને મારા બાયોડેટામાં નહીં મારી વિદ્યાર્થીનીઓના બાયોડેટામાં રસ છે.' વર્તિકા મેડમના શબ્દો સાંભળી વિદ્યાર્થિનીઓએ તાલીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કર્યું.
વર્તિકા રાત્રે બે-ત્રણ કલાક સ્વાધ્યાય માટે અલગ રાખતી. એની મમ્મીએ 'વાનગી શિક્ષણ' માટે ઘેર જ કોચિંગની વ્યવસ્થા કરી હતી. વર્તિકાને નવું નવું શિખવામાં રસ હતો. જ્ઞાાનની તેની વ્યાખ્યા ભણાવાનાં પુસ્તકો પૂરતી સીમિત નહોતી.
એક મહિનામાં તો વર્તિકા અનેક મોડર્ન વાનગીઓની નિષ્ણાત બની ગઈ. એણે મમ્મી તુષ્ટિદેવીને કહ્યું: 'તમને હવે નવી શાળા ઉર્ફે ગૃહસ્થાશ્રમમાં મને મોકલવાની છૂટ. મેં ઉદ્ગતને છૂપી રીતે જોઈ લીધો છે વિવાહ પૂર્વના ઔપચારિક ઇન્ટરવ્યૂને હું નિરર્થક નાટક માનું છું.ચીલાચાલુ પ્રશ્નોથી માણસનું માપ નીકળી શક્તું હોત તો પતિ-પત્નીના ઝઘડા ફેમિલી કોર્ટ સુધી ન પહોંચત. તોડતાં નહીં જોડતાં શીખવે તેનું નામ જ શિક્ષણ.' અને તુષ્ટાદેવીએ વર્તિકાને દામ્પત્ય પ્રવેશ માટે લાયક ઠેરવી ઉદ્ગત સાથે તેના વિવાહ અને લગ્નનો સંયુક્ત કાર્યક્રમ ગોઠવી દીધો હતો.
અને કુમારીમાંથી શ્રીમતીનો નવો હોદ્દો ધારણ કરી વર્તિકા સાસરે આવી હતી.
એની આચાર સંહિતાનું પ્રથમ પ્રકરણ વડીલ વંદના હતું. સવારે ઉઠીને દાદાજી હેમંતરાવનો ચરણ સ્પર્શ કરતી. સાસુમાને વંદન કરતી અને પતિ ઉદ્ગતને 'ગૂડ મોર્નિંગ'ને બદલે 'નમસ્તે' કહેતી. એનાં સાસુમા વર્તિકા ઉદ્ગતને ખુશ કરવા 'ગુડમોર્નિંગ' કહે તેવો આગ્રહ રાખતાં, પણ ઉદ્ગત જ કહેતો: પરણવું એટલે સ્ત્રીએ પોતાના અલગ વ્યક્તિત્વનું બલિદાન આપવું એ ખ્યાલ જ બેહૂદો છે. જીવનસાથીના વ્યક્તિત્વનો આદર કરવો એ જ પ્રેમ છે. હું મારા થોડાક દુર્ગુણોની બાદબાકી કરી વર્તિકાને અનુકૂળ બનવાની તૈયારી રાખીશ. મેડમ વર્તિકા, મને તમારો 'વિદ્યાર્થી' બનાવશો ને ? 'ઉદ્ગત, આમ પત્નીનો 'કહ્યાગરો' બનીશ તો તારો ગૃહસંસાર કેવી રીતે ચાલશે ?' મમ્મીને પુત્રની ઉદારતા ગમી નહોતી.
પણ ઉદ્ગતે કહ્યું: 'મમ્મી, એક વખત લાયબ્રેરીમાં એક નવલકથા મારા વાંચવામાં આવી હતી. એના લેખક મોહનલાલ મહેતા 'સોપાને' એક યાદગાર વાક્ય એ નવલકથામાં લખ્યું હતું:' જિંદગી મિજાજ કરવા માટે જ નહીં, બીજાના મિજાજની માવજત કરવા માટે પણ મળેલી છે, માણસને આટલું યાદ રહે તો ?' આ વાક્યે મારો આખો જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો હતો. હું મારી પત્ની વર્તિકાને 'મારી' બનાવવાને બદલે હું 'તેનો' બનવાનો પ્રયત્ન કરીશ. વર્તિકા, આજથી તું મારા તરફથી નિર્ભય'
ઉદ્ગતની મમ્મી મોં બગાડીને દેવપૂજા માટે પૂજા કોર્નરમાં ગયાં હતાં.
વર્તિકા ઘરની તમામ જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક અદા કરતી. શાળામાં પણ કોઇ દિવસ પૂર્વ તૈયારી વગર જતી નહીં. રવિવારે પણ સ્વેચ્છાએ વિદ્યાર્થિનીઓને ભણાવતી. એટલે કેટલાક શિક્ષકોને એ ગમતું નહોતું. તેઓ કહેતા: 'મેડમ વર્તિકા, કોલેજોમાં રજા કે રવિવારે એકસ્ટ્રા પિરિયડ ગોઠવાતા હોય છે. સ્કૂલોમાં એ પ્રથા નથી.'
વર્તિકા તરત જ કહેતી: 'શિક્ષક ચોવીસ કલાક શિક્ષક રહેવા બંધાએલો છે, તનથી નહીં મનથી. હું પૂર્ણ છું, એવો અહંકાર શિક્ષકના મનમાં આવે ત્યારે એનો વિકાસ અટકી જાય છે. તમારી આંખમાંથી ઝરતું શિષ્ય વાત્સલ્યનું અમી અને રોબોટની યાંત્રિકતા એ બન્ને વચ્ચેનો ભેદ ભૂલાશે તો માણસ પોતે પણ રોબોટ બની જશે.'
અમેરિકાથી આવ્યા પછી ઉદ્ગતે પોતાની એક નાનકડી ફેકટરી શરૂ કરી હતી. એની ફેકટરી વર્તિકાની સ્કૂલને અડોઅડ હતી. ઉદ્ગત ઇચ્છતો કે રિસેસમાં વર્તિકા લંચ માટે તેની ઓફિસ આવે. પણ વર્તિકા કહેતી: 'હું ૧૧થી ૫ના સમય માટે સ્કૂલમાં રહેવા બંધાએલી છે. એટલે રિસેસ દરમ્યાન હું સ્કૂલની બહાર જવાનું વિચારી પણ શકું નહીં. હું રિસેસ દરમ્યાન લાયબ્રેરીમાં વધુ સમય ગાળું છું. મને માફ કરશો.'
શાળાએથી છૂટયા પછી એ ઉદ્ગતની ગાડીનો ઉપયોગ કરવાને બદલે ચાલતા જવાનું પસંદ કરતી.
પણ એક દિવસ તેને માટે ગોઝારા સમાચારનો દિવસ નીકળ્યો. રાત્રે આઠ વાગ્યે ઉદ્ગત ડ્રાઈવિંગ કરતો હતો ત્યાં એની કાર એક વટેમાર્ગુ કુટુંબ સાથે અથડાઈ. અને એ કુટુંબનું એક બાળક અને પતિ સ્થળ પર જ મૃત્યુ પામ્યાં.
પોલિસ કેસ થયો અને ઉદ્ગતની અટકાયત કરવામાં આવી.
વર્તિકા પોલિસ સ્ટેશન જવાને બદલે પેલી અનાથ બનેલી સ્ત્રી પાસે દોડી ગઈ. તેને પણ નાની-નાની ઇજાઓ થઇ હતી. સ્ત્રી અભણ હતી અને એનો વર રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો.
વર્તિકા તેની કરુણ કથા સાંભળીને હચમચી ઉઠી. તે પોલિસ સ્ટેશન પહોંચી. પોલિસે વર્તિકાને આશ્વાસ્ત કરતાં કહ્યું: 'મેડમ, વાંક ઉદ્ગત સરનો નથી. મરનારનાં કુટુંબીજનો ચાલુ ટ્રાફિકે જ રસ્તો પસાર કરવા દોડી ગયાં હતાં. ઉદ્ગત સરની ગાડીની સ્પીડ તો કલાકે ત્રીસ કિલોમીટરની હતી. તમે ચિંતા ન કરશો.'
વર્તિકાએ કહ્યું: 'મને ચિંતા માત્ર મારા પતિ ઉદ્ગતની નથી. એક યુવાન સ્ત્રી વિધવા બની અનાથ અને લાચાર થઇ ગઇ એની છે. એનું હિત જોવાની જવાબદારી મારી પણ છે.' આ મારા અને પેલાં પારકાં - એવી ભેદદ્રષ્ટિ ધૃતરાષ્ટ્રને પોસાય મને નહીં. ઉદ્ગત, તને જામીન પર છોડાવાની સાથે-સાથે પેલી વિધવા યુવતીના કલ્યાણ માટે હું જે કાંઈ કરું તે મંજૂર રાખીશ ને ? ઉદ્ગતે અશ્રુભીની આંખે સમ્મતિ આપી.
બીજે દિવસે વર્તિકા પેલી વિધવા બાઈને ઘેર ગઇ. ઘરનું ચઢેલું ભાડું ચૂકવી દીધું. પતિની ઉત્તરક્રિયા વગેરે માટે તેને પચ્ચીસ હજાર રૂપીઆ આપ્યા.
અને પંદર દિવસ પછી રવિવારે વર્તિકા પોતાની કાર સાથે પેલી વિધવા બાઈ રહેતી હતી એ ચાલીમાં ગઇ. અનાજ, કરિયાણું, શાકભાજી તથા અન્ય ખાદ્ય સામગ્રી ડ્રાઈવરે તે સ્ત્રીને ઘેર પહોંચતું કર્યું અને વર્તિકા પણ તેની પાસે ગઈ. એને ભેટીને કહ્યું: 'તારા દુઃખમાં હું સહભાગિની છું. લે આ અમારી ઓફિસનું સરનામું. કાલથી તારે આયાબેન તરીકે હાજર થવાનું છે અને એકસ્ટર્નલ અભ્યાસ શરૂ કરવાનો છે. તું પોલિસ સમક્ષ સાચી જુબાની આપજે, ભલે મારા પતિને સજા થાય' પેલી વિધવા બાઈ ગદગદ્ થઇ ગઈ એણે કહ્યું: 'બહેન, મનેખ તો મેં જાતજાતનાં જોયાં છે પણ મનેખમાં પણ દેવી-દેવતાઓ બેઠેલાં હોય છે. એનું દર્શન મને આજે થયું. તમારી આ કરુણા જોઇને મારો મૃત્યુ પામેલો પતિ પણ હરખાયો હશે - કહી એણે વર્તિકાના ચરણોમાં મસ્તક ઢાળતાં કહ્યું: 'મેડમ વર્તિકાદેવીની જય હો.' એને આગળ બોલતાં રોકતાં વર્તિકાએ કહ્યું: 'જય મારો નહીં ભગવાનનો માન, જેણે મને તને મદદરૂપ થવાની પ્રેરણા આપી. એને આશ્વાસન આપી વર્તિકાએ વિદાય લીધી. એક શિક્ષિકાની મહાનતા જોઈ માતા સરસ્વતી પણ વર્તિકા પર આશીર્વાદ વરસાવી રહ્યાં હતાં.'