વિમળા બાનું કુરિયર .
- ઝાકળઝંઝા - રવિ ઈલા ભટ્ટ
- 'દર મહિને હું તારી સાથે ખોટી વાત કરાવીને ડોશીના પ્રાણ ધબકતા રાખું છું અને તેના દીકરાએ મોકલાવેલા ડોલર બેન્કમાં જમા કરાવીને તેની મરણમૂડી ભેગી કરી દીધી છે.'
'વિમળા બા... ઓ વિમળા બા ઝટ બહાર આવો... તમારું કુરિયર આવી ગયું છે. મારે હજી બીજા ઘરે પણ કુરિયર આપવા જવાનું છે. હજી તો માંડ બે-ચાર ઘર ફર્યો છું.'- કાનજી કુરિયરવાળાએ બુમ મારી.
કાનજીએ બુમ મારી ત્યાં તો આછા વાદળી રંગનો સાડલો પહેરેલી અને ઉંમરના ઘસારાએ સહેજ આગળની તરફ નમાવી દીધેલી એક વૃદ્ધા બહાર આવી. શરીરને કદાચ ઉંમરની અસર થઈ હતી પણ માજીના મનોબળને ઉંમર હજી જર્જરીત કરી શકી નહોતી.
'અલા કાનજી, તારે આવવું મહિને એક વાર અને એમાંય ઉતાવળ કરવાની. તને કેટલી વાર કહ્યું છે કે, તારે આવીને પહેલાં ચા-નાસ્તો કરવાનો અને પછી મારા દીકરા સાથે ફોન ઉપર વાત કરાવવાની અને પછી છેલ્લે પૈસા આપીને જવાનું. મારો માધવ તો શહેરમાંથી નથી આવી શકતો પણ તું આવે એટલે મને કેટલો હરખ આવે. મારે મન તો કાનજી અને માધવ સરખા જ છે. મારા ઠાકરધણીના ઉપકાર જેવા જ છો.'- વિમળા બાએ કાનજીને હેતથી ધધડાવ્યો.
'વિમળા બા તમારી વાત સાચી પણ મારે આખા દિવસમાં મારો ટાર્ગેટ પૂરો કરવાનો હોય. મારે ઘણા ઘરે જવાનું છે. તમારે ત્યાં જ બે કલાક કાઢી નાખું તો કેવી રીતે ચાલે. મારેય પછી ઉપર જવાબ આપવાનો હોય છે.'- કાનજી કુરિયરવાળાએ કહ્યું.
'ભઈ તારે તો ઉપર જવાબ આપવાનો હોય પણ મારે તો ઉપરવાળાને જવાબ આપવાનો છે. મારો કાનજી ખાધા વગર જાય તો મારો ઠાકર ક્યાંથી રાજી રે. મારી જોડે દલીલ નહીં કરવાની.'- વિમળાબાએ સહેજ કરડાકી કરી અને માતૃવત્સલ લાગણીથી કાનજીના માથે હાથ પણ ફેરવ્યો. કાનજીએ ચુપચાપ ચા-નાસ્તો કરી લીધો અને પછી ફોન ઉપર નંબર ડાયલ કર્યો.
'હેલ્લો માધવ, કાનજી બોલું છું... આજે તારા પૈસા આપવા તારા ઘરે આવ્યો છું. બા સાથે એક વખત વાત કરી લે પછી હું જાઉં.'- કાનજીએ ફોન ઉપર આટલું કહ્યું અને વિમળાબાને ફોન આપ્યો.
'માધવ કેમ છે દીકરા. તું તો શેરમાં ગયો એ ગયો પછી ઘર તરફ પાછા ડગ માંડયા જ નથી. મને સમચાર મળ્યા હતા કે, તું વિદેશ જવાનો છે. તારે કેટલા દિવસ ત્યાં રહેવાનું છે. મારી વહુ તો મજામા છે ને.. મારો લાલો... મારો ક્રિશ શું કરે છે... ક્યારેક એ લોકો સાથે વાત થાય એવી રીતે તો ફોન કર મને. કાયમ તું એવી રીતે ફોન કરે છે કે, મારો લાલો ઉંઘી ગયો હોય અને વહુ નોકરીએ ગઈ હોય. શેરમાં એવી તે કેવી નોકરી છે કે, પુરુષ ઘરે રહે અને બૈરાઓ રાતે નોકરી કરવા જાય. સાલું મને તો આ બધું હમજાતું જ નથી. લાલો છ મહિના પછી પાંચ વરહનો થશે ત્યારે એને લઈને આવજે ઘરે. મારે જોવો છે મારા લાલાને. અદ્દલ એના દાદા જેવા નાક-નકશી છે.'- વિમળા બા એક શ્વાસે બધું બોલી ગયા.
'બા, હું વિદેશ જ છું. મારી કંપનીએ મને વિદેશ મોકલ્યો છે. અહીંયા આવી જ નોકરી હોય છે. ક્યારેક હું રાતે જાઉં તો ક્યારેક વિનિતાને રાતે નોકરી જવાનું હોય. તું લાલાની ચિંતા ના કરીશ. એ સરસ રીતે મોટો થઈ ગયો છે. અમે ચોક્કસ ઝડપથી આવીશું. તને મોકલાવેલા પૈસા થઈ તો રહે છે ને... તારે જરૂર હોય તો વધારે મોકલાવું. તારી તબિયત કેવી છે. કાનજી કેતો તો કે વચ્ચે કંઈક તાવ અને અશક્તિ આવી ગયા તા. તું તારું ધ્યાન રાખજે બા... મને તારી કેટલી ચિંતા થાય છે.'- ફોન ઉપર માધવે લાગણીસભર વાત કરી.
'ભઈ તું મારી ચિંતા ના કરીશ. મારું ધ્યાન રાખે એવો ઠાકરધણી હજી બેઠો છે. તને ચિંતા થતી હોય તો આવતો કેમ નથી. આ દહ વરહ થવા આવ્યા. મેં એકવાર ખાલી તારું મોઢું દીઠું છે. એનેય હવે લાલો પાંચનો થશે એટલો સમય થશે. તમને લોકોને બસ વાતો કેતા આવડે છે. પેલા લીલી નોટું મોકલાવતો અને હવે આ કેસરી ને વાદળી ને ગુલાબી નોટું મોકલાવશ. માવતરની ચિંતા થાતી હોય તો બે-ચાર મહિને આંટાફેરા તો કરો. તારો વાંક નથી બેટા... આખી પેઢી આવી છે... ભણીને ભાગી જનારી... આ તો મારા ઠાકરની દયા છે કે, કાનજીને મોકલ્યો છે તો મહિને દી કોક માણહ આવે છે, બાકી આ ડોશીને ચાર ખભે લેવા જ લોક આવશે એ મને ખબર છે. તું સુખી રેજે..'- વિમળાબાએ કચવાતા મને કહ્યું અને કાનજીને ફોન આપી દીધો.
કાનજીએ ફોન કટ કરી દીધો. તેણે વિમળા બા સામે જોયું. ઉંડી નિરાશા અને વેદના જાણે કે કાનજીના મન અને ચહેરાને ઘેરી વળી. વિમળાબાએ સાડલાના છેડાથી આંખો લુછી અને ઘરની અંદર જવા ડગ માંડયા. કાનજીએ કપાળે ટેકવેલા ચશ્મા નીચે ઉતાર્યા અને ઘરની ઓસરીમાંથી બહાર જવા ડગ માંડયા.
'કાનજી... મારું એક કામ કરીશ બેટા... આ માધવ તો હવે વિદેશ ચાલ્યો ગયો છે. મને નથી લાગતું કે એની મરતી મા ને પણ જોવા માટે આવે. એના અવાજમાં પણ પેલા જેવી લાગણી વરતાતી નથી. આખો દી કામની જ વાતું કરે છે. તું આ ગલીમાં આવતો જતો રે છે... તને કોક દી ખબર પડે કે આ ડોશી ઠાકરના ધામમાં જતી રહી છે તો મને અગ્નિ દેવા તું આવજે દીકરા... વિદેશી પક્ષીઓ તો ઋતુ પૂરી થાય અને કામ પૂરા થાય એટલે ઉડી જાય... કોક દી આવે ને કોક દી જતા રે... મેમાન જેવા જ રેતા હોય છે... તું મને અગ્નિ દે જે તો મારો જીવ ઠરે... તું જ મારા દીકરા જેવો છે...'- વિમળા બા બોલ્યા અને કાનજી કંઈ જવાબ આપે તે પેલા ઘરના કમાડ વાસી દીધા.
કાનજીની આંખો ભરાઈ આવી અને દોડીને ઓસરીની બહાર નિકળી ગયો. કાનજી બધું કામ પડતું મુકીને ગામના તળાવે આવીને ગોઠવાયો. તળાવના સ્થિર થયેલા પાણીમાં ક્યાંય સુધી શુન્યમનસ્ક રીતે તાકી રહ્યો હતો. ઘણો સમય વિતિ ગયો હશે ત્યાં અચાનક તેનો મોબાઈલ રણક્યો. ધુંધળી આંખોએ કાનજીએ મોબાઈલની સ્ક્રીન ઉપર નજર નાખી અને અનિચ્છાએ કોલ ઉપાડયો.
'હેલ્લો કાનજી... આ છેલ્લી વખત હતું. પ્લીઝ હવે મારી વિમળા બા સાથે વાત ન કરાવીશ યાર... મારાથી હવે નહીં થાય. એક અજાણી ડોશી માટે તું આટલું બધું કરે છે એ સારું છે પણ એક ઘરડી મા સાથે મારાથી આટલું બધું ખોટું બોલીને વાતો નહીં થાય. મારામાં તારા જેટલી સહનશક્તિ નથી દોસ્ત. મારી વાત માન તું પણ વિમળા બા સાથે આવું કરવાનું રહેવા દે.'- સામેના છેડેથી કહેવાયેલી વાત સાંભળતા જ કાનજીએ ડુશકું ભર્યું.
'દોસ્ત, તારી લાગણી હું સમજી શકું છું પણ આ વિમળા બાની લાગણી કોઈ સમજી શકે એવું જ નથી. જતી જિંદગીએ આ ડોશી એકલી થઈ ગઈ છે. માવતર વગરના સંતાનો અને સંતાનો વગરનું માવતર બંને જીવતા નરક જેવા છે.'
'હું તો પહેલી વખત વિમળા બાના ઘરે એક કુરિયર આપવા આવ્યો હતો. મને તેમણે પ્રેમથી બેસાડયો અને ચા-નાસ્તો કરાવ્યો. મારા દ્વારકાધિશનો દૂત આવ્યો એવું કહીને મને પ્રેમથી પસવાર્યો. તેમની સાથે વાતો કરી ત્યારે ખબર પડી કે તેમના પુત્રએ આ કુરિયર મોકલાવ્યું હતું. તેમાં સરસ મજાનું સ્વેટર અને તેની અંદર વીસ હજાર ડોલર મુકેલા હતા. તેમાં ચીઠ્ઠી હતી કે, ધનજી કાકાના સુરીયાને કહીને પૈસા બદલાવી લેજે.'
'મેં વિમળા બાને પૈસા વિશે પૂછયું તો ખબર પડી કે તેમનો દીકરો દર મહિને કોઈક વસ્તુ અને તેની અંદર પાંચ હજાર ડોલર મોકલાવતો હતો. તેની સામે પેલો હરામી સુરીયો બે હજાર ડોલર લઈ જતો અને વિમળા બાને ડોલર બદલાવીને પાંચ હજાર રૂપિયા આપી જતો. સુરીયો કોઈ દોસ્તાર હારે વિમળા બાને ખોટી ખોટી વાતો કરાવી જતો અને છેતરી જતો હતો. વિમળા બા બિચારા પરાણે જીવન પસાર કરતા હતા.'
'મેં ઘરમાં તપાસ કરી તો લગભગ સીત્તેર હજારથી વધારે ડોલર તો તેમણે કબાટમાં ભેગા કરી રાખ્યા હતા. ઈશ્વર કૃપા હશે કે પેલા હરામી સુરીયાને આ પૈસાની ખબર નહોતી પડી. મને ખબર છે માવતરની શું સ્થિતિ છે અને માવતર વગરના મારા જેવાઓની શું હાલત છે. હું ત્યારથી દર મહિને તારી સાથે વાત કરાવું છું અને વિમળા બાના જે પૈસા આવે તે
બદલાવીને તેમને આપું છું. પૈસા વધારે આવતા વિમળા બા ખુશ અને તેમને ખુશ જોઈને હું પણ ખુશ. તને ખબર છે જે પૈસા ભેગા થયા હતા તેને મેં બદલાવીને વિમળા બાના ખાતામાં નખાવી દીધા છે. કનુ માસ્તરનો છોકરો બેન્કમાં મેનેજર છે. તેની સાથે વાત કરીને મેં દર મહિને દસ હજાર વિમળા બાને મળે એવી વ્યવસ્થા ગોઠવી છે.'
'દર મહિને હું તારી સાથે ખોટી વાત કરાવીને ડોશીના પ્રાણ ધબકતા રાખું છું અને તેના દીકરાએ મોકલાવેલા ડોલર બેન્કમાં જમા કરાવીને તેની મરણમૂડી ભેગી કરી દીધી છે. સૌથી મોટી વાત તો એ છે કે, છ મહિના પહેલાં માધવ, તેની પત્ની અને પુત્ર ભારત આવવાના હતા. એરપોર્ટ જતા સમયે તેમની કારનો મોટો અકસ્માત થયો અને ત્રણેય ત્યાં જ ગુજરી ગયા. માધવના એક દોસ્તારે કુરિયરમાં માધવની વસ્તુઓ અને તેના પૈસાની વિગતો મોકલાવી હતી. કનુ માસ્તરના છોકરાએ બધું જોઈ તપાસીને કહ્યું કે, માધવે વિમળા બાના ખાતામાં બે કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. હકિકતે માધવના અકસ્માતમાં મળેલું કમ્પેનસેશન હતું. આ બધું ખાતામાં આવ્યા પછી દર મહિને હું તારી સાથે ખોટી વાતો કરાવીને ડોશીને જીવતી રાખું છું. જો માધવના મોતની વાત કરીશ તો વિમળા બા તરત જ ઠાકરના ધામમા જતા રેશે. મારામાં આવી હિંમત નથી. તારાથી વાત થાય તો કરજે બાકી હું બીજા કોઈ મિત્રને શોધી કાઢીશ.'- કાનજીએ વાત પૂરી કરી ફોન કટ કરી દીધો અને ફરી અશ્રુભીની આંખે તળાવના વિસ્તરતા વમળોને તાકવા લાગ્યો.