હાઈપોગ્લાઇસેમિયા એટલે કે લો બ્લડ સુગર
- હેલ્થકેર - ડો.સંજીવ ફાટક
આ પણે હજી સુધી ડાયાબિટીસને લીધે થતા વિવિધ કોમ્પ્લીકેશન્સ વિશે વાત કરી. આપણે જાણીએ છીએ કે ડાયાબિટીસ કાબુમાં ન રહે તો લાંબા ગાળે હૃદય રોગ, પેરાલીસીસનો એટેક, કિડનીની તકલીફ, પગની ચેતાઓ પર અસર કે આંખના પડદા પર અસર થઈ શકતી હોય છે અને એટલે જ ડાયાબિટીસને સારી રીતે કાબુમાં રાખવો જરૂરી છે. તદુપરાંત ડાયાબિટીસ એકાએક વધી જાય તો કીટોએસિડોસીસ અથવા હાઈપરઓસ્મોલર, કોમા જેવી તકલીફ પણ આવી શકે છે. પણ એથી વિરુદ્ધ ઘણીવાર લોહીમાં ખાંડ એકાએક ઘટી જાય જેને હાઈપોગ્લાઇસેમિયાના નામે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે ડાયાબિટીસની દવાઓ અથવા ઇન્સ્યુલિન લીધા હોય પણ પ્રમાણસર ખોરાક લેવામાં ન આવ્યો હોય અથવા જરૂર કરતાં વધારે કસરત થઈ ગઈ હોય, કે જરૂર કરતાં વધારે દવાનો ડોઝ લેવાઈ ગયો હોય તો આવું બની શકે છે. તો આ વિષયની માહિતી દર્દીને અને તેના સગાને હોવી ખૂબ જરૂરી છે.
હાઇપોગ્લાઈસીમિયા એટલે શું ?
સામાન્ય રીતે આપણા લોહીમાં ૮૦ થી ૧૪૦ મિલિગ્રામ જેટલી સુગર હોય છે. જો લોહીમાં ગ્લુકોઝ 70 mg/dl કરતાં પણ ઓછું હોય, હાઈપોગ્લાયસીમિયાના લક્ષણો હોય અને થોડુંક ગળપણ લેવાથી દર્દીને સંપૂર્ણ રાહત થઈ જતી હોય તો આ પ્રક્રિયાને હાયપોગ્લાયસીમિયાના નામે ઓળખવામાં આવે છે. જો લોહીમાં ગ્લુકોઝ આશરે ૫૦ કરતાં પણ ઓછો થઈ જાય તો એને SEVERE હાયપોગ્લાઇસેમિયા કહેવામાં આવે છે અને એમાં દર્દીને ખેંચ આવી શકે અથવા બેભાન પણ થઈ શકે છે.
હાઇપોગ્લાયસીમિયાના લક્ષણો કયા છે ?
એકાએક ભૂખ લાગવી, પેટમાં અકળામણ થવી, માથું દુઃખવું, ચક્કર આવવા, ધબકારા વધી જવા, એકાએક પરસેવો થવો, ધુ્રજારી થવી, ગભરામણ થવી, આંખે અંધારા આવવા, ધૂંધળું દેખાવું અથવા ડબલ દેખાવું, જો સુગર ૫૦ કરતાં પણ ઘટી જાય તો ખૂબ ચક્કર આવવા, વિચિત્ર વર્તન કરવું, ખેંચ આવવી અથવા બેભાન થઈ જવું.
હાઇપોગ્લાઈસીમિયાને કેવી રીતે અટકાવી શકાય ?
તમારી ગોળી કે ઇન્સ્યુલિન યોગ્ય માત્રામાં લો અને એ લીધા પછી સમયસર યોગ્ય માત્રામાં ખોરાક લો, પરિશ્રમ કે કસરત કરવાના હો, ત્યારે થોડું વધારે ખાઓ, લોહીમાં ગ્લુકોઝની નિયમિત રીતે તપાસ કરો, બને ત્યાં સુધી મધ્યપાન ન કરો, અમુક જાતની એન્ટિબાયોટિકસ અને પેનકિલરથી પણ હાઇપોગ્લાઇસેમિયા થઈ શકે છે, તો તેનું ધ્યાન રાખો. તમારા કુટુંબીજનો, મિત્રો અને ઓફિસના સ્ટાફને હાઇપોગ્લાયસેમિયાના લક્ષણો અને તાત્કાલિક સારવારની માહિતી આપો, હંમેશા તમારી પાસે કોઈ ગળપણવાળી વસ્તુ જેમ કે ગ્લુકોઝ ટેબલેટ અથવા પીપરમિટ રાખો.
હાઇપોગ્લાયસીમિયા કોને થઈ શકે ?
TYPE 1 ડાયાબિટીસના દર્દીને ઇન્સ્યુલિનના કારણે અવારનવાર હાઇપોગ્લાયસીમિયાનું જોખમ રહેતું હોય છે. તદુપરાંત TYPE 2 ડાયાબિટીસના દર્દીઓ જો ઇન્સ્યુલિન લેતા હોય અથવા સલ્ફોનાઇલયુરિયા
કે એ પ્રકારની દવાઓ લેતા હોય તો એ લોકોને પણ હાઇપોગ્લાયસેમિયાનું જોખમ રહે છે. Metformin અને નવી દવાઓ જેમકે SGLT-2 inhibitor, Dpp4 inhibitor, Pioglitazone વગેરેથી સામાન્ય રીતે હાઇપોગ્લાયસેમિયા થતું નથી.
કયાં સંજોગોમાં હાઇપોગ્લાયસીમિયા થઈ શકે ?
જો દવા ઇન્સ્યુલિનના ડોઝના પ્રમાણમાં ખોરાક ઓછો લેવાયો હોય, વધુ પડતી કસરત અથવા પરિશ્રમ થયો હોય, આલ્કોહોલનું સેવન કર્યું હોય, levofloxacin જેવી એન્ટિબાયોટિક્સ અથવા કેટલીકવાર પેનકિલર્સ લીધા હોય, તમારી કિડની કે લીવર પર ડેમેજ થયું હોય.
હાઇપોગ્લાયસીમિયાથી શું જોખમ થઈ શકે ?
કેટલીકવાર હાઇપોગ્લાયસીમિયા થાય તો હૃદય અથવા મગજ ઉપર અસર થઈ શકે. જો હાઈપોગ્લાયસીમિયા બહુ Severe હોય અથવા લાંબા સમય સુધી રહે તો હૃદય પર અસર થઈ શકે જેમકે ધબકારા ખૂબ વધી જાય, હૃદયની ગતિ અનિયમિત થઈ જાય, હૃદય રોગનો હુમલો આવી શકે અથવા એકાએક શ્વાસ ચડી શકે. જો મગજ પર અસર થાય તો ખેંચ આવી શકે, દર્દી બેભાન થઈ શકે અને કોમામાં પણ જઈ શકે.
હાઇપોગ્લાયસીમિયા થાય તો શું ઈલાજ કરવો ?
સૌપ્રથમ શક્ય હોય તો ગ્લુકોમીટર દ્વારા ગ્લુકોઝની તપાસ કરી લો. જો ગ્લુકોઝની માત્રા ૭૦ કરતા ઓછી હોય તો હાઇપોગ્લાયસીમિયા છે એમ ચોક્કસપણે કહી શકાય.
જો દર્દી ભાનમાં હોય તો એણે તાત્કાલિક ૧૫ ગ્રામ એટલે કે ત્રણ ચમચી ગ્લુકોઝ એક ગ્લાસ પાણીમાં નાખીને લઈ લેવું જોઈએ અને ત્યારબાદ કંઈક ગળપણવાળી વસ્તુનો ખોરાક લઇ લેવો જોઈએ. જો ગ્લુકોઝ લેવું શક્ય ન હોય તો ત્રણથી ચાર ચમચી ખાંડ એક ગ્લાસ પાણીમાં નાખીને લઈ શકાય અથવા કોઈપણ ખાંડવાળું સોફ્ટડ્રિંક પી શકાય.
ત્યારબાદ ફરીથી ગ્લુકોમીટર દ્વારા ગ્લુકોઝની તપાસ કરી લેવી જોઈએ. જો ગ્લુકોઝની માત્રા નોર્મલ ન થઈ ગઈ હોય તો ઉપરોક્ત જણાવેલ પ્રક્રિયા ફરીવાર કરો.
તેમ છતાં જો ગ્લુકોઝની માત્રા નોર્મલ ન થાય અથવા જો દર્દી પુરા ભાનમાં ન હોય તો મોઢેથી આપવાના બદલે તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં જઈને ગ્લુકોઝનો બાટલો ચડાવવો હિતાવહ છે. ઇન્સ્યુલિન લેનાર દર્દી જો ઘરમાં Glucagon નું ઇન્જેકશન રાખે તો તાત્કાલિક એ ઇન્જેકશન આપવાથી પણ લોહીમાં ગ્લુકોઝ નોર્મલ થઈ જતો હોય છે. Glucagon ઇન્જેકશન ઇન્સ્યુલિનની જેમ જ ચામડી નીચે લેવાનું હોય છે.
હાઇપોગ્લાઇસેમિયા થાય તો તેની જાણ તમારા ડૉક્ટરને અવશ્ય કરો. તમારી ડાયાબિટીસની દવા/ઇન્જેકશનના ડોઝમાં કદાચ ફેરફાર કરવો પડે.
લો સુગરના બધા Symptoms થાય છે પણ એ વખતે સુગર ઓછું હોતું નથી નોર્મલ હોય છે તો એ હાઇપોગ્લાઈસીમિયા હોઈ શકે ?
જો હાઈપોગ્લાઇસેમિયા ના Symptoms હોય પણ લોહીમાં ગ્લુકોઝની માત્રા નોર્મલ હોય તો એને હાઇપોગ્લાઇસેમિયા ન કહેવાય. ઘણા લોકો એમ માનતા હોય છે કે મારી શુગર કાયમ ૨૦૦ જેવી જ રહે છે એટલે મારી સુગર જો ૧૨૦ થાય તો મને ઘટવાના લક્ષણો થશે એ માન્યતા ખોટી છે. હાઇપોગ્લાયસીમિયાના નિદાન માટે બ્લડ સુગર લો હોવું એટલે કે ૭૦ કરતાં પણ ઓછું હોય તે જરૂરી છે.
ડાયાબિટીસ ના હોય તો લો
સુગર થઈ શકે ?
લો સુગર સામાન્ય રીતે ડાયાબિટીસના દર્દીને અને તેમાં પણ ઇન્સ્યુલિન કે અગાઉ જણાવેલી દવાઓ લેતા હોય તો જ થતું હોય છે. પણ જો સ્વાદુપિંડમાં કોઈ પ્રકારની ગાંઠ હોય અને ઇન્સ્યુલિન એના કારણે અથવા બીજા કોઈ કારણસર વધુ પડતું બનતું હોય તો ડાયાબિટીસ ન હોવા છતાં પણ હાઇપોગ્લાઇસીમિયા થઈ શકે છે. એનું નિદાન જો ડૉક્ટર ને જરૂરી જણાય તો વિશિષ્ટ પ્રકારની તપાસ કરીને થતું હોય છે.