જેવા સાથે તેવા .
- સુભાષિત-સાર-ડૉ.કુલીનચંદ્ર પો. યાજ્ઞિાક
- અવધૂતો પરબ્રહ્મની સાધનામાં ડૂબેલા રહે છે. આવો અવધૂત બીજા અવધૂતને ત્યારે જ મળી શકે છે, જ્યારે પોતે કોઈ ધન્ય સાધક હોય, જે ત્રણે ભુવનમાં શ્રેષ્ઠ હોય!
(मन्दाक्रान्ता)
मौने मौनी गुणिनि गुणवान्पण्डिते पण्डितोऽसौ
दीने दीनः सुखिनि सुखवान्भोगिनि प्राप्तभोगः।
मूर्खे मूर्खो युवतिषु युवा वाग्मिषु प्रौढवाग्मी
धन्यः कोऽपि त्रिभुवनजयी योऽवधूतेऽवधूतः॥
- आदि शकराचार्य(जीवनमुत्कानन्दलहरी)
'જેવા સાથે તેવા' આપણી જાણીતી કહેવત છે : સંસારમાં સફળતા માટે જેવા સાથે તેવા થવું. સંસ્કૃતમાં પણ આ જ શીખ આપી છે. સફળતા માટે સમાજમાં આપણા સમાન - સરખાઓ સાથે જ તમામ વ્યવહારો કરવા. લડવું તોય સરખા સાથે અને હળવું-મળવું તોય સરખા સાથે. સરખા મળી ન આવે તો શોધવા. જરૂર પડે તો આપણે 'આમ' જેવા થવા પ્રયત્ન કરવો. બને ત્યાં સુધી બધા વ્યવહાર સરખા સાથે જ કરવા, તે જ સફળ થાય અને શોભે.
આ વાત એક સુંદર શ્લોકમાં તેનાં કેટલાંક તાદ્રશ ઉદાહરણોમાં સુંદર શબ્દોમાં સમજાવી છે. તે સમજાય એટલે કહેવતનું તાત્પર્ય ધ્યાનમાં આવશે. મૌનવ્રત ધારણ કરનાર ઓછા બોલા માણસોમાં ભળી જાય. સદગુણી માણસ ગુણવાનોમાં, અને પંડિતો પંડિતોની મંડળીમાં ભળી જાય. ગરીબ માણસ ગરીબની સાથે જ ભળી શકે. સુખિયાઓ સુખિયાઓમાં, અને ભોગી મનુષ્યો અન્ય ભોગના માલિકો સાથે મિત્રતા કરે. મૂર્ખાઓ મૂર્ખાઓની જાતમાં પણ દાખલ થઈ જાય; યુવતીઓ સાથે યુવાન વર્ગના દોસ્તી કરે. શબ્દો ઉપર કાબુ ધરાવનારા જ પ્રવીણ વક્તાઓ સાથે બેસી શકે.
ચોથા ચરણમાં જરાક જેટલો ફેર આવે છે. અહીં વ્યવહારુ સંસારીઓની વાત નથી, પણ અવધૂતોની વાત છે. તેઓ સામાન્ય સંન્યાસીઓ કરતાં પણ આકરા સાધકો છે. સામાન્ય સંન્યાસીઓ વર્ણાશ્રમધર્મના આદેશો મુજબ ખાનગી સંપત્તિ બિલકુલ ધરાવતા નથી, પણ ધર્મપ્રચાર અને સમાજસેવા માટે સંસારીઓની સાથે સંયમિત સંપર્કમાં આવે છે. અવધૂતો માનવ વસ્તીથી દૂર, માત્ર પરમતત્વની-પરબ્રહ્મની શોધની આકરી સાધનામાં ડૂબેલા રહે છે. આવો અવધૂત બીજા અવધૂતને ત્યારે જ મળી શકે છે, જ્યારે પોતે કોઈ ધન્ય સાધક હોય, જે ત્રણે ભુવનમાં શ્રેષ્ઠ હોય!
કોઈ પણ ક્રિયાપદના સ્પષ્ટ ઉલ્લેખ સિવાયનો આ શ્લોક સુંદર પદાવલીઓથી વિભૂષિત છે.