Get The App

''હું દિગ્દર્શક છું અને તું આપણા દામ્પત્ય-ડ્રામાનું એક પાત્ર તને સ્વતંત્ર અભિનય કરવાની છૂટ નથી''

Updated: Dec 17th, 2022


Google News
Google News
''હું દિગ્દર્શક છું અને તું આપણા દામ્પત્ય-ડ્રામાનું એક પાત્ર તને સ્વતંત્ર અભિનય કરવાની છૂટ નથી'' 1 - image


- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા

- ''બીજાને પૈસે તાગડધિન્ના કરવા સ્વમાનને નેવે મૂકવું એ આત્મવંચના છે. તારા મમ્મી-પપ્પાની મિલકતમાં મને જરાય રસ નથી'' - માનસી દેવી

'આ જે રવિવાર છે ને' તમે કહેશો 'હા' પણ રવિવાર એ મારે રજાનો દિવસ નહીં પણ સજાનો દિવસ છે. એ દિવસે અમારો ડ્રોઇંગરૂમ ન્યાયાલયમાં ફેરવાઈ જાય છે ! એનાં માનવંતા જજ છે મારાં સાસુ સુષમાદેવી. પોતાની પુત્રીનો ન્યાય તોળવા ક્યારેક એ એડવોકેટ બની જાય છે, ક્યારેક સાક્ષી અને ક્યારેક ફરિયાદી. અને હું ઉર્ફે અધિષ્ઠિત, અપૂર્વાનો લાચાર પતિ, સુષમાદેવીનો આજ્ઞાધીન ઘર જમાઈ.

ચિત્તો, દીપડો કે વાઘણને તમે પાંજરામાં પૂરી શકો પણ મારી પત્ની અપૂર્વાને નહીં. એની જીભ એ 'શક્તિબાણ' છે, આંખો અગન ગોળો અને ગુસ્સો આઠમાં આસમાનનેય શરમાવે છે તેવો.

મને યાદ આવે છે મારા દિવંગત પિતા કનકદેવના શબ્દો. બેટા, ઘરજમાઈ એટલે પાલતૂ પ્રાણી, સ્વમાનને ગીરો મૂકવાની વણલખી પ્રતિજ્ઞાનો શિકાર. મેં મારાથી બનતી મહેનત કરી તને અને તારી મમ્મી સ્વર્ણિમાને સુખી રાખવાની કોશિશ કરી છે. વૈભવ પ્રિયતા એ માણસને લલચાવાના જાદુગાર છે. એક વાર તમે તેનાથી અંજાઈ જાઓ પછી એ નચાવે તેમ નાચવાનું. મેં કુટુંબને મધ્યમ માર્ગી બનવાનો આદર્શ શીખવવાની કોશિશ કરી છે. પણ તું અને તારી મમ્મી હંમેશા અસંતુષ્ટ રહેનારાં પ્રાણીઓ છો. મે શેઠ પરમાનંદની પુત્રી અપૂર્વા સાથે લગ્ન કરવાની તને ના પાડી હતી. પણ તારી મમ્મી માન્યા નહીં. પતિ પરમાનંદના મૃત્યુ બાદ પોતાની એકલતા દૂર કરવા પુત્રી અપૂર્વાને એવા યુવક સાથે પરણાવવા સુષમાદેવી ઉત્સુક હતાં જેને માટે પીયર એ જ સાસરું હોય અને દંભી માતૃપ્રેમ એ જ જીવનનું સર્વસ્વ. ઘરજમાઈ બનવું એટલે આજીવન હરાજીમાં વેચાઈ જવું.

પણ મેં અને મારી મમ્મીએ ધનલોભ ખાતર પપ્પાની સલાહ અવગણી. પપ્પા લઘુમતિમાં અને હું અને મમ્મી બહુમતિમાં.

મારી મમ્મીએ પોતાનાં પીયરિયાનો સાથ લઇ ખાનગી રીતે મને પરણાવી દીધો. લગ્ન પછી સાસરે જવાનો મારી પત્ની અપૂર્વા માટે અવકાશ જ નહોતો. મારાં સાસુમા સુષ્માદેવીએ વટ હૂકમ બહાર પાડી મને મારા વહાલસોયા પપ્પાના આશીર્વાદ લેવા જતાં પણ રોકાયા હતા. મમ્મીએ મને સહર્ષ નવા પીંજરામાં પૂરવાની છૂટ આપી હતી.

હકીકતની જાણ થતાં મારા પપ્પા મારા વિદ્રોહને સાંખી શક્યા નહીં અને હૃદયરોગના આકસ્મિક હૂમલામાં તેમણે ઇશ્વરનું કાયમી શરણું શોધી લીધું હતું.

પપ્પાના અવસાન પછી મેં અને અપૂર્વાએ મમ્મીને દિલાસો આપવા માટે મારા મૂળ ઘેર જવાની સાસુમા સુષમાદેવી પાસે રજા માગી હતી. પણ સાસુમા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું : ''પૂરા પચ્ચીસ લાખમાં મે તમને 'ખરીદ્યા' છે અને કંપનીના ભાગીદાર બનાવ્યા છે. એટલે બેસણા માટેની એક અને ઉત્તરક્રિયા માટેની ચાર એમ પાંચ રજાઓ મંજૂર કરવામાં આવે છે. એનું પાલન નહીં કરો તો....''

''મમ્મી, તારી શરતોનું પાલન કરાવવાની જવાબદારી મારી છે. હું મારા પતિ અધિષ્ઠિતને શ્રવણ બનાવવા માગતી નથી. મારી આજ્ઞાનું એ ઉલ્લંઘન કરશે તો ઉત્તરક્રિયા વખતે જ સહુની સમક્ષ એવી ફજેતી કરીશ કે એ જીવનભર ભૂલી નહીં શકે'' - અપૂર્વાએ મમ્મી સુષમા દેવીને ખુશ કરવા કહ્યું હતું. ''શાબાશ! મોરના ઇંડાને ચિતરવાના ના હોય. મારી દીકરી મારો પડતો બોલ ઉપાડે છે એનો મને આનંદ છે.

અને અપૂર્વા પતિ અધિષ્ઠિત સાથે પોતાના કહેવાતા સાસરે મમ્મીની શરતો શિરોમાન્ય ગણી. સફેદ વસ્ત્રોને બદલે મોંઘાદાટ રંગીન કુર્તા-પાયજામામાં સજ્જ થઇ વટભેર, મર્સિડિઝ કારમાંથી ઉતરી બેસણાને સ્થળે પહોંચી હતી. કોઇ તેને પુત્રવધુ માનવા તૈયાર જ નહોતું. અધિષ્ઠિતને અભિનેતાઓ અને અભિનેત્રીઓ સાથે નિકટનો સંબંધ હશે એટલે શોક 'પ્રદર્શન' માટે કોઇ અભિનેત્રી અધિષ્ઠિત સાથે આવી છે એવું બધાએ માની લીધું હતું.

બેસણું પત્યા પછી પોતાનાં સાસુમાનો ઊધડો લેતાં અપૂર્વાએ કહ્યું હતું કે, તને ખબર તો છે કે હું શેઠ પરમાનંદની પુત્રી છું. અમારા બંગલામાં નોકર માટેનું સર્વન્ટ ક્વાર્ટર પણ એસી છે અને તમે પૈસા બચાવવા ખાતર નોન-એસી રૂમમાં બેસણું રાખ્યું ? 'તમારા' ઘરમાં પણ એસી નથી એટલે હું મારી મમ્મી પાસે જાઉં છું. ઉત્તરક્રિયા વખતે  આવીશ. એ દરમ્યાન મારા સસરાજીની પાછળ દાન કરવા ખાતર હું આજે જે તમારા ઘરમાં એસી ફીટ કરાવી દઇશ. ગભરાશો નહીં, વીજળીનું બીલ પણ હું જ ભરીશ. અધિષ્ઠિત, ચાલ મમ્મી મારા વગર ઉદાસ થઇને બેઠાં હશે.

અધિષ્ઠિતે પોતાની મમ્મીની રજા માગી હતી. માનસીદેવીએ મૌન ધારણ કર્યું. પુત્ર અધિષ્ઠિતની જિંદગીની ધૂળધાણી થવા બદલ પોતે જ જવાબદાર હતા.

અધિષ્ઠિતની મમ્મી સાથે થોડા દિવસ એકલા રહેવાની ઇચ્છા હતી પણ સાસુ સુષમાદેવીની કોર્ટે એની અપીલ નામંજૂર રાખી હતી. અપૂર્વા એક અઠવાડિયામાં અધિષ્ઠિતે કેટલા અપરાધો કર્યા છે, તેની યાદી સુષ્માદેવીને આપતી. અને દંડાત્મક કાર્યવાહીના ભાગરૂપે અધિષ્ઠિતને કંપનીની ભાગીદારીમાંથી મુક્ત કર્યો હતો.

અપૂર્વાએ પણ કહ્યું હતું : ''હું પહેલાં મારી મમ્મીની દીકરી છું, પછી તમારી પત્ની ? સોરી પત્ની જેવો ઉચ્ચ હોદ્દો તમારા જેવા કાયર પતિ સંદર્ભે વાપરી ન શકાય. હું તમને યુવાન ગણતી જ નથી. તમે ધનભૂખ્યા સ્વમાનશૂન્ય નોકર છો. તમારી જીવનશૈલી આધુનિક નથી, વેશભૂષા પણ આધુનિક નથી. જેનામાં પડકારો ઝિલવાનું સામર્થ્ય ન હોય એને યુવાન કહેવાય પણ શી રીતે ? મને તો શિયાળ જેવો નહીં પણ સિંહ જેવો પતિ ગમે. સિંહ ભૂખ્યા રહે પણ ઘાસ ખાવા તૈયાર ન જ થાય. હું કુંવારી રહું એટલે મમ્મીને લોકોના જાત જાતના પ્રશ્નોનો સામનો કરવો પડે. કુંવારાપણાને ચર્ચાનો વિષય ન બનવા દેવા ખાતર જ મેં તારી સાથે લગ્નનું નાટક કર્યું હતું. તું ઇચ્છે તો હું 'છૂટાછેડા' આપવા તૈયાર છું મેં તારી સાથે છેડા ગાંઠણ કર્યું જ નથી. તારી સાથે ફેરા ફરું એમ નહીં પણ તું મારી પાછળ ફેરા ફર્યા કરે એનું નામ જ લગ્ન. આપણા દમવગરના દામ્પત્યના નાટકનો પ્રથમ અંક ચાલે છે. એના પર ક્યારે પડદો પાડી નાટક સમાપ્ત કરવું એનો અધિકાર મને છે, તને નહીં. હું દિગ્દર્શક છું અને તું છે આપણા દામ્પત્ય-ડ્રામાનું એક !પાત્ર. તને સ્વતંત્ર રીતે અભિનય કરવાની છૂટ નથી !''

ઘરનાં નોકર-ચાકર-રસોઇઆ, ડ્રાઇવર, માળી વગેરે સ્ટાફ પર પણ અપૂર્વાનું શાસન ચાલે. અધિષ્ઠિત કોઇ નાનકડું કામ પણ સોંપે તો ઘરનો સેવક વર્ગ અપૂર્વા શેઠાણીની રજા લીધી છે, એ પ્રશ્ન સાથે 'જમાઈ બાબૂ' અધિષ્ઠિતના આદેશને અવગણે.

અપૂર્વા અને સાસુ સુષમાદેવીના ત્રાસથી અધિષ્ઠિત કંટાળી ગયો હતો. તે માનસિક રોગનો શિકાર બન્યો હતો. તેની યાદશક્તિ ઉપર પણ અસર થઇ હતી. અપૂર્વા તથા સુષ્માદેવી તેની ઝાટકણી કાઢતાં ત્યારે પણ તે ટગર-ટગર તેની સામે જોઇ રહેતો. સુષ્માદેવી એને ઢોંગ માનતાં હતાં.

પુત્ર અધિષ્ઠિત્ની તબિયત દિવસે-દિવસે ખરાબ થઇ રહ્યાના સમાચાર માનસીદેવીને મળ્યા હતા. એમણે પોતાના પિતા સાથે વાત કરી. અપૂર્વાની જાળમાંથી અધિષ્ઠિતને મુક્ત કરવામાં મદદ માગી હતી. પણ તેમણે પોતે જ અપૂર્વા સાથે અધિષ્ઠિતના લગ્ન માટે મહત્વની ભૂમિકા અદા કરી હતી. એટલે તેમણે મધ્યસ્થી બનવામાં ઝાઝો ઉત્સાહ દાખવ્યો નહીં. માનસીદેવીએ પોતાનો પ્રશ્ન જાતે જ ઉકેલવાનો સંકલ્પ કર્યા હતા. વકીલની મદદથી છૂટાછેડાની કાર્યવાહી શરૂ કરાવી હતી. પોતાની જીવાદોરી સમાન પોતાના દાગીના વેચી એમણે અપૂર્વાના મમ્મી સુષ્માદેવીને પચ્ચીસ લાખનો ચેક એમના ખાતામાં જમા કરાવી દીધો હતો.

અપૂર્વાએ માનસીદેવીને કહ્યું હતું : ''છૂટાછેડા માટે એડવોકેટ રોકવાની ક્યાં જરૂર હતી ? કોર્ટની કાર્યવાહી ચાલે ત્યાં સુધી હું રાહ જોવા તૈયાર નથી ! તમારા 'સેમ્પલ'ને તમે ધારો ત્યારે 'તમારે ઘેર' લઇ જઇ શકો છો. તમે કહેશો ત્યાં હું મારી સમ્મતિથી સહી કરી આપીશ. મારે પણ અધિષ્ઠિતની પત્નીના કહેવાતા હોદ્દામાંથી મુક્ત થવું છે.''

એ પછી  મે મહિના બાદ અપૂર્વા અને તેની મમ્મી બજારમાંથી ખરીદી કરી ઘેર પાછાં આવી રહ્યા હતાં, એટલામાં ડ્રાઇવરે સ્ટીઅરિંગ વ્હીલ પરનો કાબૂ ગુમાવ્યો અને ગાડી આગળના ટ્રક સાથે અથડાઇ. ડ્રાઇવર અને સુષમાદેવીનું સ્થળ પર જ મૃત્યુ થયું અને અપૂર્વાની એક આંખ ભારે ઇજાને કારણએ તેણે દ્રષ્ટિ ગુમાવી બેઠી.

માનસીદેવીએ અપૂર્વાની ખરા દિલથી સેવા કરી ત્યારે અપૂર્વાએ આભાર માનતાં કહ્યું : ''મારા રૂપનું અભિમાન આજે ઓસરી ગયું છે. પૈસાનો ઘમંડ પણ આજે ભાંગીને ભૂક્કો થઇ ગયો છે. મેં આપના પુત્ર અધિષ્ઠિતને ખૂબ જ અન્યાય કર્યો છે. એની માનસિક બીમારી માટે હું અને મારી દિવંગત મમ્મી જ જવાબદાર છીએ. મને માફી માગવાની એક તક આપશો ? મારી શરત સ્વીકારશો ?''

માનસીદેવી 'શરત' શબ્દ સાંભળી ગભરાઈ ગયાં હતાં. એમણે કહ્યું : ''બેટા, અપૂર્વા મારા પુત્ર અધિષ્ઠિતને મારી પાસેથી છીનવી લેવા સિવાયની કોઇપણ શરત મંજૂર છે. જીવનને મેં ધનને ત્રાજવે તોળવાનું અંધત્વભર્યું પગલું ભર્યું અને મારા પુત્રને સુખી બનાવવાને બદલે તેને દુઃખી કરવાનું પાપ હું કરી બેઠી.''

'મમ્મી મારી એક જ શરત છે આપ મારી અને અધિષ્ઠિત સાથે મારા પપ્પાવાળા બંગલામાં રહો. તમને સાહયબી મળશે.'- અપૂર્વાએ કહ્યું હતું.

''બીજાના પૈસે તાગડધિન્ના કરવા માટે સ્વમાનને નેવે મૂકવું એ આત્મવંચના છે. તમારા મમ્મી-પપ્પાની મિલકતમાં મને જરા પણ રસ નથી. તને સાહ્યબીને બદલે સાદગી માં રસ હોય તો ચાલ, મારી સાથે મારા પુત્ર અધિષ્ઠિતને લાગણી અને પ્રેમથી ભીંજવીને આપણે એને માનસિક રીતે ઠારીશું એટલે એ સ્વસ્થ બની જશે.''

અકસ્માતવાળી મર્સિડિઝનો કબજો લઇ પોલીસ કાર્યવાહી કરી રહી હતી. અને રીક્ષામાં કદીયે ન બેસનાર અપૂર્વા પોતાના સાસુમા માનસીદેવી અને અધિષ્ઠિત સાથે 'સાસરે' જઇ રહી હતી, એક નવી દ્રષ્ટિ સાથે.

Tags :