રસોડું એ જ મેડિકલ સ્ટોર .
- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી
એ ક સમયે ચોમાસુ આવે અને લોકો ભીંજાય એટલે તાવ આવી જતો. પરંતુ એ સમયે શરીરના વિષાણુને મારવા માટે એન્ટીવાયરલ ડ્રગ શોધાયુ નો'તું. આપણી બા સુદર્શન ચૂર્ણથી આપણને સારા કરી દેતી.
આજે ઢગલાબંધ બ્રોડસ્પેક્ટ્રમ એન્ટિબાયોટિક જીવાણુઓને મારવા માટે માર્કેટમાં આવી ગયા છે. જો કે દરેક લાભમાં ગેરલાભ સમાયેલો હોય છે તેમ આ દવાની આડ અસરો પણ હોય છે જે તમારી કિડનીની લાંબે ગાળે પથારી ફેરવે છે. તમારે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવી જરૂરી છે જેને માટે રસોડામાં એક દ્રષ્ટિ ફેરવી લો.
(૧) ચક્રફૂલ કે સ્ટાર એનિઝમાં થાઈમોલ, ટર્પાઇની ઓઇલ અને એનિથોલ આવેલાં છે જે કફ અને ફ્લ્યુમાં ઉપયોગી છે. તેમાં વિટામિન સી, એ અને એન્ટિઓક્સિડન્ટ હોય છે જે અકાળે વૃધ્ધત્વ અને ડાયાબિટીસ માટે જવાબદાર એવા 'ફ્રી રેડિકલ' સાથે ઝઝુમે છે.
(૨) આમળાં : વિટામિન-સીથી ભરપુર એવા આમળાં રોજ ખાવા જોઇએ. તમે તેને હળદર-પાણીમાં રાખીને પણ પ્રતિદિન ખાઈ શકો. આમળાંને છીણીને અથવા આખા આમળાનો મુરબ્બો પણ ખાઈ શકો.
(૩) કાલોન્જીના બીજ : કાલોન્જીના બીજ પ્રતિકાર શક્તિ વધારનાર હોય છે અને તે વિષાણુ સામે રક્ષણ આપે છે. ને એન્ટિબેક્ટેરિઅલ હોવાથી ચર્મરોગ, ફેફસાંનો ચેપ અને કાનનો ચેપ અટકાવે છે.
(૪) હળદર : ક્યુક્યુર્મિન ધરાવતી હળદર એન્ટિઇન્ફ્લામેટરી છે તે કફનાશક છે. ઊધરસમાં ખૂબ ઉપયોગી છે મધ સાથે તેનું સેવન કરવું. દૂધમાં નાંખીને ઉકાળી લીધા બાદ પણ તે લઇ શકાય.
(૫) તુલસી-આદુ : તુલસી-આદુવાળી ચ્હા કફનાશક છે. શર્દી દૂર કરે છે. તુલસીમાંનો એન્ટિએક્સીડેન્ટ શ્વસનતંત્રના ચેપ સામે રક્ષણ આપે છે. આદું એન્ટિવાયરલ છે. તેમાં રહેલા ઝીન્ઝેરોન અને જીન્જેરોલ્સ વિષાણુનુ રેપ્લિકેશન અટકાવે છે અને વિષાણુને યજમાનના કોષોમાં દાખલ થતા અટકાવે છે.
(૬) પ્રતિવિષાણુ વનસ્પતિઓ : ઓરેગેનો, સેજ, વરીયાળી, બેઝિલ, પીપરમિન્ટ-ફૂદીનો, લસણ વગેરે વિષાણુ સામે રક્ષણ આપનાર વનસ્પતિઓ છે. ટેસ્ટ ટયૂબના અભ્યાસ પ્રમાણે ફૂદીનાના પર્ણોનું તેલ શ્વસનતંત્રના વિષાણુ સામે રક્ષણ આપે છે.
રોઝમેરી પણ રસોઇમાં વપરાય છે. તેમાંનું ઓલીએનોલિક એસિડ એચઆઈવી, હર્પિસ, કમળો અને ઇન્ફ્લુએન્ઝા સામે ટેસ્ટટયૂબમાં રક્ષણ આપતું જણાયું છે. જેઠીમધ પણ ઉધરસ માટે વપરાતું વર્ષો જુનું ઔષધ છે. લસણથી કોરોના સારો થાય એ સાબિત નથી થયું.
(૭) જામફળ : રોજ નાનું જામફળ ખાવાથી શરીરમાં વિટામિન સીની માત્રા વધે છે. સ્વાદમાં મીઠાશવાળું હોવા છતાં વિટામિન-સીથી ભરપુર છે.
(૮) ટામેટાં : રોજ એકાદ-બે ટામેટાં ખાવાથી પણ વિટામિન-સી વધે છે તેના સૂપમાં સહેજ માખણ ઉમેરવાથી તેની એસિડિટી ઓછી થશે.
(૯) લીબું : ગરમ પાણીમાં આદુનો રસ, મધ, લીંબુ નાખીને પીવાથી પ્રતિકાર શક્તિ વધે છે.
(૧૦) અળસી-અખરોટ : આ બન્નેને આહારમાં લેવા કારણ કે તેમાં ભરપુર માત્રામાં એન્ટિઓક્સીડન્ટ હોય છે.