તારણહાર પ્રકરણ - 11 .

Updated: Aug 17th, 2024


Google NewsGoogle News
તારણહાર પ્રકરણ - 11               . 1 - image


- પ્રફુલ્લ કાનાબાર

- દુનિયાની કોઈ પણ સ્ત્રી પુરુષની આંખમાં રહેલાં પ્રેમને આસાનીથી ઓળખી જતી હોય છે. નેહાએ જવાબમાં કહ્યું પણ હતું 'રાહુલ, તું તારા ખાસ દોસ્ત  માટે ખોટું બોલી રહ્યો છે'...

'ના.. શ્રુતિ, રાહુલ મારા ભૂતકાળ વિશે કાંઈ જ જાણતો નથી'. સુધાએ ધીમેથી કહ્યું હતું. 

નેહાના પપ્પાએ સ્વપ્નીલ અને નેહાને સ્વિત્ઝર્લેન્ડની ટીકીટ ગિફ્ટમાં આપી હતી. રીસેપ્શનને બીજે જ દિવસે બંને હનીમૂન માટે નીકળી ગયા હતા. શ્રુતિના અતિ આગ્રહને કારણે  સુધા અને રાહુલ બે દિવસ તેમના દિલ્હીના બંગલે રોકાયા હતા. 

બીજે દિવસે શ્રુતિએ સુધાને અક્ષરધામ બતાવવાનો પ્રોગ્રામ કર્યો હતો. રાહુલ નેહાના પપ્પા ડો. સુહાસ પટેલ સાથે તેમની હોસ્પિટલે ગયો હતો. અતિ આધુનિક હોસ્પિટલમાં દર્દીઓ માટેની સગવડો જોઇને રાહુલ ખુશ થઇ ગયો હતો. ડો. સુહાસે  કહ્યું હતું 'રાહુલ, જો તારી ઈચ્છા દિલ્હીમાં સેટ થવાની હોય તો અમારી બીજી નવી જ બનેલી હોસ્પિટલમાં નેહા અને સ્વપ્નીલકુમાર સાથે તને પણ ત્યાં એકોમોડેટ કરવા તૈયાર છું'.

'ના..  અંકલ, મારે તો અમદાવાદમાં જ સેટલ થવું છે'. રાહુલે પોતાનો ઈરાદો જણાવ્યો હતો.

અક્ષરધામમાં દર્શન કર્યા બાદ બંને સખીઓ એક બાંકડા પર બેઠી હતી. સુધાએ શ્રુતિ સમક્ષ વિનાયક અને કાજલની તમામ વાત વિગતે કરી હતી. વિનાયકનો ચહેરો આબેહૂબ આલોક જેવો જ હતો તે વાત પણ સુધાએ કરી. થોડી વાર બાદ સુધાએ ઉંડો શ્વાસ લઈને કહ્યું 'સાચું કહું શ્રુતિ, વિનાયકને જોતી અને મને બે દાયકા પહેલાંનો યુવાન આલોક જ યાદ આવી જતો હતો. એરફોર્સમાં હોવાને કારણે આલોક ટૂંકા વાળ રાખતો હતો જયારે વિનાયકના વાળ લાંબા હતા, બસ બંને વચ્ચે માત્ર આ એક જ તફાવત હતો.

'સુધા, જો તેં એબોર્શન કરાવ્યું ન હોત અને જો દીકરો અવતર્યો હોત તો એ સમયે વિનાયક જેટલો જ હોત ને ?'

'હા, વિનાયક મારા દીકરાની ઉમરનો હતો તેથી જ મારા મનમાં ક્યારેય મેં વિકારનો ભાવ  પ્રવેશવા દીધો નહોતો. રાહુલ વિનાયકનો દીકરો હતો તેથી તેની સાથે પણ માયા બંધાઈ ગઈ. રાહુલને અપનાવવાથી મને પણ જીવન જીવવાનો એક સહારો મળી ગયો'. 

બીજે દિવસે સાંજની ફ્લાઈટમાં રાહુલ અને સુધા અમદાવાદ જવા રવાના થઇ ગયા હતા.  

સમયનું ચક્ર ફરતું ગયું. ત્રણેક વર્ષ સુધી અમદાવાદની એક મોટી હોસ્પિટલમાં તબીબી અનુભવ લઈને રાહુલે સુધાને  કહ્યું હતું. 'બા, આજકાલ તમારી કોર્પોરેટ કંપની માનવ સેવાના ક્ષેત્રમાં અમદાવાદમાં ઘણું સારું કામ કરી રહી છે. જો એકાદ હોસ્પિટલ બનાવી દો તો હું  એ હોસ્પીટલમાં ફૂલ ટાઈમ સેવા આપીશ અને અન્ય ડોકટર મિત્રોને પણ રોજ મીનીમમ બે કલાક ફ્રીમાં સેવા આપવા માટે સમજાવીશ. અમદાવાદના જ મારા ચાર મિત્રો તો એ માટે તૈયાર પણ થઇ ગયા છે'.

સુધા કંપનીમાં  મેનેજીંગ ડીરેક્ટર જેવા ઉચ્ચ હોદ્દા પર હતી. કંપની પાસે કરોડો રૂપિયાનું એવું ફંડ હતું, જેનો જનસેવા માટે સદુપયોગ થઇ શકે તેમ હતો. બોર્ડ ઓફ ડિરેક્ટર્સના અન્ય સભ્યો પણ સુધાનો પડયો બોલ ઝીલતાં હતા. કહેવાય છે કે જયારે કોઈ સારા કામની શરૂઆત ખરા દિલથી અંગત સ્વાર્થ વગર કરવામાં આવે ત્યારે તેમાં ઈશ્વરનો સાથ પણ ભળતો હોય છે! આ કિસ્સામાં પણ એમ જ થયું હતું.  કંપનીએ વર્ષો પહેલાં એક બિલ્ડીંગ ખરીદ્યું હતું. એ જ બિલ્ડીંગમાં હોસ્પિટલ શરુ કરવાનું નક્કી કરવામાં આવ્યું. હોસ્પીટલના   મેનેજીંગ ટ્રસ્ટી તરીકે થોડા દિવસો બાદ નોકરીમાંથી નિવૃત્ત થઇ રહેલી સુધાની જ નિમણુક કંપનીએ  કરી દીધી હતી. 

છેલ્લા ઘણા સમયથી રાહુલનો નેહા અને સ્વપ્નીલ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. આ ત્રણ વર્ષમાં એક પણ વાર સ્વપ્નીલે કે નેહાએ રાહુલ સાથે ફોનમાં વાત કરી નહોતી. બંને એમના અતિશય વ્યસ્ત શિડયુઅલને કારણે કદાચ ફોન નહિ કરતા હોય એમ રાહુલે મન મનાવી લીધું હતું. સ્વપ્નીલ અને નેહાને મળવા માટે રાહુલને આજે સરસ કારણ મળી ગયું હતું. તેણે હોસ્પિટલના ઉદ્ઘાટન સમારોહમાં આમંત્રણ આપવા માટે સ્વપ્નીલને ફોન લગાવ્યો હતો. સ્વપ્નીલનો ફોન બંધ આવતો હતો. આખરે તેણે નેહાને ફોન લગાવ્યો હતો  'નેહા, સ્વપ્નીલનો ફોન બંધ આવે છે' 

'રાહુલ, અમારા ડિવોર્સ થઇ ગયા છે'.નેહાએ ધડાકો કર્યો હતો. 

'ડિવોર્સ ? શું વાત કરે છે? તમારા બંનેના જીવનમાં આટલી મોટી સુનામી કેવી રીતે આવી ગઈ?  તેં  કે સ્વપ્નીલે અત્યાર સુધી મને કહ્યું પણ નહી?' રાહુલે આશ્ચર્યથી પૂછયું હતું.  

'જીવનમાં કેટલીક સુનામી કિનારા સુધી લઇ જવા માટે જ આવતી હોય છે. લગ્નની પ્રથમ એનીવર્સરીએ જ અમે અલગ થયા હતા. એની વે... રાહુલ, વાત ખૂબ લાંબી છે.. આપણે રૂબરૂ મળીએ ત્યારે નિરાંતે વાત'. 

'નેહા, રૂબરૂ મળવાના જ યોગ ઉભા થયા છે. આવતા રવિવારે  મારા સપનાની ઉડાન સમાન અમારી ટ્રસ્ટની હોસ્પિટલનું ઉદ્ઘાટન છે. તેના આમંત્રણ માટે જ તને ફોન કર્યો છે'. 

'રાહુલ, હું ચોક્કસ આવીશ' 

'સ્વપ્નીલનો નંબર બે દિવસથી લાગતો નથી. કદાચ બદલાઈ ગયો હોય તેમ લાગે છે'.   

 રાહુલે પોતાની મુશ્કેલી આખરે કહી જ દીધી.

'સ્વપ્નીલ જેલમાં છે'. નેહાએ ઠંડકથી કહ્યું.  

'વ્હોટ ?' રાહુલથી ચીસ પડાઈ ગઈ. 'રાહુલ, મેં કહ્યું ને કે વાત ખૂબ લાંબી છે. હું ત્રણ દિવસ વહેલી ગુરુવારે  જ અમદાવાદ  આવી જઈશ.. ખાસ નિરાંતે તારી સાથે વાત કરવા માટે' નેહાએ ફોન મૂકી દીધો હતો. 

રાહુલ સ્ટેચ્યુની જેમ હાથમાં ફોન સાથે ઉભો રહી ગયો હતો. એટલામાં સુધાએ આવીને પૂછયું 'શું થયું? કોનો ફોન હતો? આમ આટલો બધો અપસેટ કેમ દેખાય છે?'. 

'બા, નેહા સાથે વાત થઇ. તે અને સ્વપ્નીલ  છેલ્લા બે વર્ષથી અલગ થઇ ગયા છે. સ્વપ્નીલ જેલમાં છે..મારી તો મતિ મૂંઝાઈ ગઈ છે'. રાહુલ હું હમણાં જ શ્રુતિને ફોન કરું છું. આમ પણ તેને આમંત્રણ આપવાનું જ છે'. 'બા, આમંત્રણ ભલે આપો પણ પ્લીઝ, આમાંથી એક પણ વાતનો ઉલ્લેખ કરશો નહી. બે દિવસ બાદ નેહા અહીં આવે જ છે. જે વાત હશે તે જાણવા મળી જ જશે'. 

સુધાને રાહુલની વાત યોગ્ય લાગી. તેણે શ્રુતિને માત્ર આમંત્રણ આપીને જ ફોનમાં લાંબી વાત કરવાનું ટાળ્યું હતું.

બે દિવસ બાદ સવારની ફ્લાઈટમાં જ નેહા તેના દાદી શ્રુતિ સાથે અમદાવાદ આવી પહોંચી હતી. સાંજે નેહા અને રાહુલ રીવરફ્રન્ટની પાળે બેઠા હતા. થોડી વાર બાદ નેહા સ્વપ્નીલ સાથેના તેના લગ્ન બાદના એક પછી એક બનાવ એવી રીતે કહેવા લાગી કે રાહુલની આંખ સામે  ફિલ્મની પટ્ટીની જેમ સંપૂર્ણ ચિત્ર દેખાવા લાગ્યું હતું . 

હનીમૂનમાંથી પરત આવ્યા બાદ નેહાના પપ્પાની બીજી નવી જ બનેલી હોસ્પિટલમાં સ્વપ્નીલ અને નેહાએ પ્રેક્ટીસ ચાલુ કરી દીધી હતી. માત્ર બે મહિનામાં જ સ્વપ્નીલે દિલ્હીના મોટા મોટા હાર્ટ સર્જન સાથે એવું નેટવર્ક ગોઠવી દીધું હતું કે ઓપરેશન માટે તેમને રીફર કરે એટલે સ્વપ્નીલને સીધું તગડું કમીશન મળી જાય. એમાંના અમુક ડોક્ટરોની છાપ એવી હતી કે તેઓ માત્ર પૈસા માટે થઈને જરૂર વગર પણ  પેશન્ટની બાયપાસ સર્જરી કરી નાખતા. સ્વપ્નીલની એવા ડોક્ટરો સાથેની સાંઠગાંઠની નેહાને જયારે  ખબર પડી ત્યારે બંને વચ્ચે પહેલી વાર તણખા ઝર્યા હતા. નેહાને એમ કે એ દિવસ પછી સ્વપ્નીલ સુધરી જશે પણ તેણે નેહાની સલાહને અવગણીને માત્ર પૈસા બનાવવા પર જ ધ્યાન કેન્દ્રિત કરી દીધું હતું.

અમુક મોટી ફાર્મા કંપનીઓ તેમની જ દવા જે ડોક્ટર પ્રીસ્ક્રાઈબ  કરે  તે ડોકટરોને વિદેશની ટૂરની  લલચામણી ઓફર આપતી હતી. જેમાં એક કંપનીની શાખ તેની પ્રોડક્ટ બાબતે સારી નહોતી. એ કંપની ડોકટરોને તેમના તરફથી યુરોપની ટૂરની ઓફર આપી રહી હતી. 'સ્વપ્નીલ, તું સારી જાણે છે કે એ  કંપનીની પ્રોડક્ટ રીલાયેબલ નથી. દર્દીને સાઈડ ઈફેક્ટ થશે તો કોણ જવાબદાર કહેવાશે?  પેશન્ટનું અહિત કરનારી કંપનીની સ્પોન્સરશીપ આપણે શા માટે લેવી જ જોઈએ ? જો યુરોપની ટૂરમાં જઉં જ હોય તો મારા પપ્પાને કહીશ તો અત્યારે જ આપણી ટીકીટ બૂક કરાવી આપશે'.

 'નેહા, હું મારી આવક પર જ તને યુરોપની ટૂરમાં લઇ જઈશ' સ્વપ્નીલે ગર્વથી કહ્યું હતું. 

'કઈ આવક? બેઈમાનીની આવક?' નેહાએ કટાક્ષમાં પૂછયું હતું.

નેહાની વાત સાંભળીને સ્વપ્નીલની કમાન છટકી હતી 'નેહા, હું જે કરું છું એને બિઝનેસ સ્કીલ કહેવાય. તારા પપ્પા અત્યારે જે સફળતાના સિંહાસને બેઠા છે, તેના પાયામાં આવી  કોઈ સ્કીલ જ હોય. એ સિવાય એમની આજે જે પોઝીશન છે, ત્યાં સુધી પહોંચવું શક્ય જ નથી'. 

'માઈન્ડ વેલ સ્વપ્નીલ, ડોન્ટ સે, એની વર્ડ  એબાઉટ  માય ફાધર...તું ક્યા આધારે એવો આક્ષેપ કરે છે?'

'નેહા દરેક બાબતમાં આધારની જરૂર નથી હોતી. અમુક બાબતો લોજિકથી પણ સમજી શકાતી હોય છે.' સ્વપ્નીલે ખંધુ હસતાં કહ્યું હતું. 

સૂર્યાસ્ત થઇ ચૂક્યો હતો. રીવરફ્રન્ટ પર ટ્રાફિક ઓછો થઇ રહ્યો હતો. રાહુલ નેહાની વાત ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતો. નેહા બોલી રહી હતી... લગ્નના છ માસમાં જ અમારા બંને વચ્ચે જબરદસ્ત અંતર પડી ગયું હતું. અમે બંને એક જ છત નીચે રહેતા હતા પણ તદ્દન અજાણ્યા બનીને રહેવા લાગ્યા હતા. સ્વપ્નીલ રાત્રે મોડો આવતો થઇ ગયો હતો. તેના અમુક મિત્રો એને  દારૂ પીવડાવીને જ છોડતા. ઘણી વાર તે નશામાં લથડીયા ખાઈને બેડરૂમમાં આવીને સીધો ઉંઘી જતો. સવારે મારે એ બાબતે પણ રોજનો એક ઝગડો નક્કી થઇ ગયો હતો. મને ઘણી વાર લાગતું કે આ એ જ સ્વપ્નીલ છે... જે મારો કલાસમેટ હતો?  મને સતત લાગવા માંડયું હતું કે સ્વપ્નીલે કરિયરમાં ઝડપથી આગળ વધવા માટે મારો અને પપ્પાનો સીડી તરીકે જ ઉપયોગ કર્યો છે. 

એક વાર સ્વપ્નીલે  કહ્યું હતું 'નેહા, હું માત્ર પાંચ જ વર્ષમાં તારા પપ્પા કરતાં વધારે રૂપિયા કમાઈને દુનિયાને બતાવી દઈશ'.

'આપણા વ્યવસાયમાં પૈસા તો બાય પ્રોડક્ટ હોવા જોઈએ. મુખ્ય આશય તો દર્દીઓના બ્લેસિંગ જ હોવા જોઈએ'. નેહાએ કહ્યું હતું.

'નેહા, એવું કેટલાંક મૂર્ખ ડોકટરો માનતા હોય છે .. જેમ કે ..' સ્વપ્નીલ બોલતાં બોલતાં અટકી ગયો હતો.

'સ્વપ્નીલ, અટકી કેમ ગયો? બોલી નાખને જેમ કે 'રાહુલ.' નેહાએ સ્વપ્નીલનું અધૂરું વાક્ય પૂરું કર્યું હતું. 

નેહાના મોઢામાં રાહુલનું નામ સાંભળીને સ્વપ્નીલ વધારે અકળાયો હતો. 'નેહા મને તો લાગે છે કે તારા વિચારો એના વિચારો સાથે વધારે મેચ થાય છે'. 

'અફકોર્સ યસ્સ , મને તો લગ્ન પહેલાં જ આ વાતની જાણ થઇ ગઈ હતી. ફાયનલ પરીક્ષા પૂરી થઇ તે જ દિવસે મેં રાહુલને પ્રપોઝ પણ કર્યું હતું'.  મનમાં ધરબાયેલી વાત આખરે નેહાથી અનાયાસે  કહેવાઈ ગઈ હતી. 

'વ્હોટ ? આ વાત તું મને આજે કહે છે? વળી મને નવાઈ તો એ લાગે છે કે રાહુલે પણ મને આ વાતની જાણ નહોતી કરી. નહી તો હું તને પરણ્યો જ ન હોત' સ્વપ્નીલ તાડૂક્યો હતો. 

'તેં  મારી સાથે લગ્ન માત્ર પૈસા અને પોઝીશન માટે જ કર્યા છે'. નેહા ગુસ્સાથી બોલી ઉઠી હતી. સ્વપ્નીલે નેહાને લાફો મારી દીધો હતો.

રાહુલને વાત કરતી વખતે નેહાના ગાલે જાણે હમણા જ લાફો વાગ્યો હોય તેમ તેણે તેના ગોરા ગાલ પર હાથ રાખી દીધો. 'રાહુલ, એ અમારો છેલ્લો ઝઘડો હતો.એ દિવસે સાંજે પપ્પાએ અમારી ફર્સ્ટ મેરેજ એનીવર્સરીની પાર્ટી રાખી હતી.'

'નેહા. તેનો મતલબ એમ થયો કે તારા પપ્પાને તમારા બગડતા જતા સબંધોની બિલકુલ જાણ  નહોતી'. 

'લગ્ન બાદ અમે બંને અમારી નવી હોસ્પિટલની પાછળ જ પપ્પાનો એક લક્ઝુરીયસ ફ્લેટ હતો ત્યાં શિફ્ટ થઇ ગયા હતા.દર રવિવારે પપ્પાના બંગલે જઈએ ત્યારે તેમને કે દાદીને મેં એ બાબતનો બિલકુલ અણસાર આવવા દીધો નહોતો'.

જોકે એ દિવસે જ બપોરે મારે પપ્પાને અને દાદીને નાછૂટકે સ્વપ્નીલથી અલગ થવાનો મારો નિર્ણય જણાવવો પડયો હતો. પપ્પાને જયારે ખબર પડી કે સ્વપ્નીલ દારૂના નશામાં મારા પર હાથ ઉઠાવતો પણ થઇ ગયો છે ત્યારે તેમણે સ્વપ્નીલ સાથે છેડો ફાડી નાખવાની જ સલાહ આપી હતી. એ બાબતમાં દાદી પણ મારી સાથે તરત  સહમત થઇ ગયા હતા. સાંજની પાર્ટી કેન્સલ કરવામાં આવી હતી. એ જ દિવસે પપ્પાએ  દિલ્હીના બેસ્ટ વકીલને રોકીને સ્વપ્નીલને ડીવોર્સની નોટીસ ફટકારી હતી. સ્વપ્નીલે બેઈમાનીથી કમાયેલા પૈસામાંથી અલગ ફ્લેટ અગાઉથી જ લઇ રાખ્યો હતો. એ તરત ત્યાં શિફ્ટ થઇ ગયો હતો. છ માસ પછી અમે કાયદેસર અલગ થઇ ગયા હતા.

'નેહા, યાદ છે? તેં મને વચન આપ્યું હતું કે તેં મને પ્રપોઝ કર્યું હતું તે વાત તું ક્યારેય સ્વપ્નીલને નહી કહે'  'હા મને બરાબર યાદ છે. ગુસ્સામાં જ  મારાથી એ વાત કહેવાઈ ગઈ હતી. ખાસ તો હું સ્વપ્નીલને સમજાવવા માંગતી હતી કે એ મારો પતિ થવાને લાયક તો નહોતો જ પરંતુ તારો ક્લોઝ ફ્રેન્ડ થવાને પણ લાયક નહોતો. કદાચ એટલે જ સ્વપ્નીલે આજ સુધી તારો સંપર્ક કર્યો નથી' 

રાહુલ ઉંડા વિચારમાં પડી ગયો હતો. 

'યાદ છે રાહુલ, મેં તને એ દિવસે જ કહ્યું હતું કે એક વાર ખોટી ટ્રેનમાં બેસી જઈએ એટલે બધા સ્ટેશન ખોટા જ આવે. સ્વપ્નીલ સાથેના મારા લગ્ન ખરેખર દર્દનો દસ્તાવેજ સાબિત થયો  છે'. નેહા રડી પડી. નેહાને સાંત્વન આપવા માટે રાહુલ પાસે શબ્દો જ નહોતા. તેને સ્વપ્નીલ પર ભારે ગુસ્સો આવતો હતો. થોડી વાર બાદ નેહા સ્વસ્થ થઇ એટલે રાહુલે તેના 

મનમાં ઘૂંટાતો સવાલ આખરે પૂછી જ લીધો. 'નેહા, તેં મને ફોનમાં કહ્યું હતું કે સ્વપ્નીલ જેલમાં છે...ક્યા કારણસર ?'

'ડિવોર્સ પછી આમ તો અમે ક્યારેય મળ્યા જ નથી. એક ડોક્ટર મિત્રએ  મને ત્રણેક મહિના પહેલાં સમાચાર આપ્યા હતા કે સ્વપ્નીલે તેના કોઈક મિત્રની મોટી હોસ્પિટલમાં પાર્ટનરશીપ કરી લીધી હતી. જોગાનુજોગ તારો ફોન આવ્યો તેના બે દિવસ પહેલાં જ એ હોસ્પિટલનું બનાવટી દવાઓનું મોટું સ્કેમ ત્યાના લોકલ ન્યુઝમાં ચમક્યું હતું અને એમાં જ સ્વપ્નીલની ધરપકડના સમાચાર પણ જોયા હતા'. 

રાહુલ અને નેહા ઘરે પરત ફર્યા ત્યારે રાતના નવ વાગી ચૂક્યા હતા. સુધા અને શ્રુતિ બંગલાના પ્રાંગણમાં જ હિંચકે ઝૂલી રહ્યા હતા. સ્વપ્નીલ અને નેહાના ડિવોર્સની વિગતવાર વાત એ બંને વચ્ચે પણ થઇ ચૂકી હતી.

તે રાત્રે રાહુલને ઊંઘ આવતી નહોતી. તેને દિલ્હીની કોલેજનો નેહાનો પ્રથમ દિવસ યાદ આવી ગયો. નેહા ક્લાસમાં દસેક મિનીટ મોડી એન્ટર થઇ હતી. બધાંની સાથે રાહુલનું ધ્યાન પણ તેના પર સ્થિર થઇ ગયું હતું. નેહા રાહુલને પ્રથમ નજરે જ ગમી ગઈ હતી. રાહુલે અનાયાસે જ બાજુમાં બેઠેલા સ્વપ્નીલની સામે જોયું હતું. સ્વપ્નીલ તો નેહા ક્લાસમાં એન્ટર થઇ ત્યાંથી શરુ કરીને પાછળની એક ખાલી બેન્ચ પર જઈને બેઠી ત્યાં સુધી તેને મન ભરીને એકીટસે નીરખી રહ્યો હતો! રાત્રે રૂમ પર સ્વપ્નીલ નેહાના વિચારોમાં જ ખોવાયેલો હતો, જે રાહુલે પકડી પાડયું હતું. 

રાહુલે ખુદની નેહા પ્રત્યેની લાગણીનો સ્વપ્નીલને અણસાર પણ આવવા દીધો નહોતો. સ્વપ્નીલની ખુશીમાં જ હમેશાં પોતાની ખુશી  શોધનારા રાહુલે એ જ ક્ષણે ખુદનું મન નેહા તરફથી પાછુ વાળી લીધું હતું. 

રાહુલની આકરી કસોટી તો ત્યારે થઇ હતી જયારે ફાઈનલ એક્ઝામના છેલ્લા દિવસે  નેહાએ હોસ્ટેલની પાછળ આવેલા કાફેટેરિયામાં તેને પ્રપોઝ કર્યું હતું. નેહાને સ્વપ્નીલ સાથે લગ્ન કરવાનું સમજાવવા માટે રાહુલ તે દિવસે મરણિયો થયો હતો. તેણે નેહાને એમ પણ કહી દીધું હતું 'નેહા, મને તારા પ્રત્યે એ પ્રકારની ફીલિંગ ક્યારેય થઇ જ નથી'. 

નેહા ગમે તેમ તો પણ એક સ્ત્રી હતી. દુનિયાની કોઈ પણ સ્ત્રી પુરુષની આંખમાં રહેલાં પ્રેમને આસાનીથી ઓળખી જતી હોય છે. નેહાએ જવાબમાં કહ્યું પણ હતું 'રાહુલ, તું તારા ખાસ દોસ્ત  માટે ખોટું બોલી રહ્યો છે'.  

નેહાએ રાહુલનું જૂઠ પકડી પાડયું હતું. રાહુલે નેહાના નાજૂક હાથમાંથી પોતાનો હાથ છોડાવતાં આબાદ અભિનય કરીને કહ્યું હતું 'નેહા, તારે  મારા પર વિશ્વાસ રાખવો જ પડશે'. આમ એ દિવસે રાહુલ નેહાને પોતાની વાત સમજાવવામાં સફળ રહ્યો હતો. જોકે એ દિવસે રાહુલ એક અગત્યની વાત ભૂલી રહ્યો હતો કે એના ખાસ દોસ્તની ખુશી માટે ખુદના પ્રેમનું બલિદાન આપવાની સાથે એ નેહાના પ્રેમને ઠુકરાવીને નેહાને પણ અન્યાય કરી રહ્યો હતો!

(ક્રમશ:)


Google NewsGoogle News