વૈદિક અને તાંત્રિક મંત્રોમાં સમાવિષ્ટ દેવતા!

Updated: Aug 17th, 2024


Google NewsGoogle News
વૈદિક અને તાંત્રિક મંત્રોમાં સમાવિષ્ટ દેવતા! 1 - image


- સનાતન તંત્ર -પરખ ઓમ ભટ્ટ

- કયા દેવતાની ઊર્જા થકી મંત્રને જાગૃત થવાનું બળ મળે છે, એ જાણવા માટે તે મંત્રના વિનિયોગના 'દેવતા' અંગને તપાસવામાં આવે છે....

જે વી રીતે જીવસૃષ્ટિ સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુસકલિંગ એમ ત્રણ ભાગોમાં વિભાજીત છે, એવી જ રીતે મંત્રો પણ ત્રણ પ્રકારના હોય છે :

(૧) પુલ્લિંગ (Masculine) : જે મંત્રોના અંતે 'ફટ્'નો પ્રયોગ થાય, એ મંત્રો પૌરુષી અર્થાત્ પુલ્લિંગ મંત્રો હોય છે.

(૨) સ્ત્રી લિંગ (Feminine) : જે મંત્રોના અંતે 'સ્વાહા'નું ઉચ્ચારણ થાય, એ મંત્રોમા પ્રકૃતિતત્ત્વ પ્રધાન હોય છે.

(૩) નપુસકલિંગ (Neutral)  : જે મંત્રોના અંતે 'નમ:'નું ઉચ્ચારણ થાય, એ મંત્રો ન્યુટ્રલ એટલે કે પ્રકૃતિ/પુરુષતત્ત્વથી મુક્ત નપુસકલિંગ ગણાય છે.

ઉદાહરણ તરીકે, 'હ્રીં અસ્ત્રાય ફટ્' એ પુલ્લિંગ મંત્ર છે. 'ઁ નમો હનુમતે ભયભંજનાય સુખં કુરુ ફટ્ સ્વાહા' એ સ્ત્રી લિંગ મંત્ર છે. ભગવાન ગણેશનો નામ-મંત્ર 'શ્રી ગણેશાય નમ:' એ નપુસકલિંગ મંત્ર છે.

રોચક વાત એ છે કે અહીં મંત્રોના સ્ત્રી લિંગ, પુલ્લિંગ અને નપુસકલિંગને મંત્રોના પ્રધાન-દેવતા સાથે કોઈ જ સંબંધ નથી હોતો! શક્ય છે કે મંત્ર સ્ત્રી લિંગ હોય, પરંતુ એના મૂળ દેવતા હનુમાન હોય. ઉપર આપેલાં ઉદાહરણમાં 'હનુમાન મંત્ર'ને આ વાત લાગુ પડે છે. એવી જ રીતે, ગણેશ ભગવાનનો નામ-મંત્ર નપુસકલિંગ છે. મા તારાનો મૂળ મંત્ર 'ઁ હ્રીં સ્ત્રીં હું ફટ્' વાસ્તવમાં પુલ્લિંગ મંત્ર છે, પરંતુ તેના પ્રધાન-દેવતા મા તારા છે.

આ ઘટનાને વધુ ઊંડાણપૂર્વક સમજવા માટે મંત્ર-વિનિયોગના છ અંગોને ધ્યાનપૂર્વક સમજવા જોઈએ. કોઈપણ સાધનાનાં કેટલાક મહત્ત્વપૂર્ણ વિધિ-વિધાનો હોય છે. સંકલ્પવિધિ, ન્યાસ, મુદ્રા, વિનિયોગ, ષોડશોપચાર પૂજન, તર્પણ, માર્જન વગેરે જેવા વિધિ-વિધાનોના સમન્વય સાથે ભગવાનને આહ્વાન આપવામાં આવે, એને 'સાધના' તરીકે ઓળખવામાં આવે છે. પૂજા અને સાધના વચ્ચેનો મૂળ તફાવત વિધિ-વિધાનોનો જ છે. માત્ર મંત્રજપ સાથે થતું ઈશ્વરનું સ્મરણ એ પૂજા અથવા ભક્તિ છે; જ્યારે તમામ વિધિ-વિધાનો સાથે કરવામાં આવતું ઈશ્વરનું સ્મરણ એ 'સાધના' છે.

જેવી રીતે લેખકને પુસ્તક લખવા બદલ રોયલ્ટી મળતી રહે છે, એવી રીતે જે તે મંત્રોના મંત્રદ્રષ્ટા ઋષિ સહિત એ મંત્ર સાથે જોડાયેલાં વિભિન્ન મૂળ તત્ત્વોનું સ્મરણ કરવાની ઘટના એ રોયલ્ટી આપવા બરાબર છે. મંત્ર વિનિયોગ થકી મંત્રને પૂર્ણપણે જાગૃત કરવાની પ્રક્રિયાને વેગ મળે છે.

મંત્ર વિનિયોગના છ અંગો હોય છે, જેને 'ષડાંગ' (ષડ્+અંગ) તરીકે ઓળખવામાં આવે છે. જેવી રીતે શરીર પાસેથી પૂર્ણ ક્ષમતા સાથે કામ કઢાવવા માટે હાથ-પગ સહિત તમામ અંગોનું સ્વસ્થ હોવું જરૂરી છે, એવી રીતે મંત્રને સંપૂર્ણપણે જાગૃત કરવા માટે ષડાંગનું અત્યાધિક મહત્ત્વ છે. આ છ અંગો કયા છે? (૧) દેવતા (૨) છંદ (૩) કીલક (૪) શક્તિ (૫) બીજ (૬) ષિ.

મંત્રોના સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુસકલિંગ હોવા સાથે 'દેવતા' અંગનો સીધો સંબંધ છે. સંસ્કૃત ભાષા અને ભારતવર્ષના ષિ-મુનિઓએ ક્યારેય દેવી અને દેવતા વચ્ચે કોઈ ભેદભાવ નથી રાખ્યો. જ્યારે 'દેવતા' શબ્દનું ઉચ્ચારણ કરીએ, ત્યારે 'દેવી' તત્ત્વ પણ એમાં સમાવિષ્ટ જ હોય છે. મંત્રમાં છુપાયેલો પુલ્લિંગ, સ્ત્રીલિંગ અથવા નપુસકલિંગ સ્વભાવ તેના 'દેવતા'ને આધીન હોય છે. દાખલા તરીકે, જો 'દુર્ગા સપ્તશ્લોકી ચંડીપાઠ'ના વિનિયોગને ધ્યાનથી વાંચશો તો એમા ત્રણ દેવતાઓનો ઉલ્લેખ છે 'મહાકાલી-મહાલક્ષ્મી-મહાસરસ્વતી દેવતા'!

કયા દેવતાની ઊર્જા થકી મંત્રને જાગૃત થવાનું બળ મળે છે, એ જાણવા માટે તે મંત્રના વિનિયોગના 'દેવતા' અંગને તપાસવામાં આવે છે. મંત્ર અને તંત્રશાસ્ત્રો હંમેશા જણાવે છે કે દેવતા મંત્રને આધીન હોય છે. ટૂંકમાં જણાવવું હોય તો મંત્ર એ દેવતાઓનું ધ્વનિઊર્જા સ્વરૂપ છે. આથી, એ સ્વરૂપને પૂર્ણપણે જાગૃત કરવા માટે જ્યારે વિનિયોગના છ અંગોને ધ્યાનમાં લેવામાં આવે, ત્યારે સાધનાની મૂળ પ્રક્રિયાનો આરંભ થાય છે.

પહેલાંનાં સમયમાં કાગળ-પેન તો હતાં નહીં. આથી, મંત્રોને યાદ રાખવા માટે વિશેષ પદ્ધતિની જરૂરિયાત હતી. જો તમે ધ્યાન આપ્યું હોય તો, જે ગીત અત્યંત પસંદ પડી જાય, એના લિરીક્સ યાદ રાખવા માટે ખાસ મહેનત નથી કરવી પડતી! આ ટેકનિક ષિ-મુનિઓએ પૌરાણિક કાળમાં અપનાવેલી. મોટા મંત્રોને જો છંદબદ્ધ કરવામાં આવે, તો એમને યાદ રાખવામાં સરળતા રહેતી. દાખલા તરીકે, શ્રીલલિતા સહસ્ત્રનામ એ ૧૮૨ શ્લોકોનો માલા-મંત્ર છે, જેમાં મહાદેવી લલિતા મહાત્રિપુરસુંદરીના ૧૦૦૦ નામો સમાવિષ્ટ છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા પણ માલામંત્ર છે. આ બંને અનુષ્ટુપ છંદમાં છે. મંત્રોને લયબદ્ધ-સંગીતબદ્ધ કરવાની પ્રક્રિયાને નામ આપવામાં આવ્યું, 'છંદ'! દરેક મંત્રોના વિશિષ્ટ છંદ હોય છે. કુલ ૨૧ છંદ શાસ્ત્રોમાં અપાયેલાં છે.

'રુદ્રા અષ્ટાધ્યાયી' (જેને ગુજરાતમાં 'રુદ્રી' તરીકે ઓળખવામાં આવે છે એમાં પણ પહેલાં અધ્યાયમાં જ છંદોનું વર્ણન છે.   

गायत्री त्रिष्टुब्जगत्यनुष्टुप्पडत्कया सह ।

बृहत्युष्णिहा ककुप्सूचीभिः शम्यन्तु त्वा ।।

ગાયત્રી, ત્રિષ્ટુપ્, જગતી, અનુષ્ટુપ્, પંક્તિ, બૃહતી, ઉષ્ણિક્ વગેરે છંદો અંગે અહીં વાત કરવામાં આવી છે. મંત્રને જાગૃત કરવા માટેના વિનિયોગના 'ષડાંગ'નું બીજું મહત્ત્વનું અંગ 'છંદ' છે. બાકીના અંગો વિશે આવતાં અઠવાડિયે વધુ વિગતવાર વાત કરીશું.


Google NewsGoogle News