ઓલિમ્પિકમાં ચંદ્રક વિજેતા બનેલા ખેલાડીઓ પર ઈનામોનો વરસાદ
- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
- સાઉથ કોરિયાના ઓલિમ્પિક મેડલ વિજેતાઓને ફરજીયાત સૈન્ય તાલીમમાંથી મુક્તિ : પોલેન્ડના વિજેતાને હીરો તો ઈન્ડોનેશિયાના વિજેતાને ગાયોની ભેટ
ભે ટ અને ઈનામ આ બંને શબ્દો એવા છે કે, જે સાંભળતા જ બાળકથી માંડીને વયોવૃદ્ધોના ચહેરા પર એક પ્રકારની ઉત્સુકતા સાથેનો આનંદ તરી આવે છે. આ બે જ શબ્દો તેમને આશ્ચર્યના એવા વિશ્વમાં દોરી જાય છે કે, જેના થકી તેમના મનમાં રહેલી ઈચ્છીત ચીજ-વસ્તુઓને સહજતાથી પામી લેવાની ઉત્કંઠામાં વધારો થાય છે અને આ જ ઉત્સુકતાને કારણે આખા શરીરમાં રોમાંચની સાથે સાથે હોઠ અને આંખોમાં કુતૂહલની સાથે સ્મિત રેલાઈ ઉઠતું હોય છે.
જિંદગીમાં નાની-નાની સિદ્ધિઓના ફળસ્વરુપ મળતાં માન-અકરામ કેે ઈનામ તો તે મેળવનારની સાથે તેના સમગ્ર પરિવારને ખુશીઓના દરિયાથી ભરી દે છે, ત્યારે પૃથ્વી પરના સૌથી મોટા રમતોત્સવ કે જે ઓલિમ્પિક તરીકે ઓળખાય છેે, તેમાં મેળવેલી સિદ્ધિ એ માત્ર ખેેલાડીની વ્યક્તિગત રહેતી નથી, પણ તેના પરિવાર, સમાજની સાથે સમગ્ર રાષ્ટ્રની બની રહેે છે. ઓલિમ્પિકમાં મેળવેલા ચંદ્રકોની વિશેષતા એ છે કે, જ્યારે આખી દુનિયાની નજરનો ભાર તમારા પર હોય અને તેની સાથે આજુ-બાજુમાં તમારી રમતની શ્રેષ્ઠ પ્રતિભાઓ પણ ઉભેલી હોય. આ બધાની વચ્ચે પોતાનો સર્વશ્રેષ્ઠ દેખાવ બહાર લાવીને ઓલિમ્પિકમાં માત્ર સુવર્ણ જ નહીં કોઈ પણ ચંદ્રક જીતવાની સિદ્ધિ નાની-સૂૂની તો ન જ કહી શકાય.
દર ચાર વર્ષે પૃથ્વી પરના દિગ્ગજ રમતવીરોને આગવી ઓળખ અપાવતા ઓલિમ્પિક્સમાં ભાગ લેવા માટે લાખ્ખોની સંખ્યામાં રમતવીરો વરસોવરસ ખૂન-પસીનો એક કરી દેેતા હોય છેે. તેમાં ભાગ લેવો એ પણ એક લહાવો છે અને આ લહાવો માંડ ૧૧,૦૦૦ જેટલા રમતવીરોને હાંસલ થતો હોય છે અને તેમાંથી માત્ર ૩૩૦ જેટલા રમતવીરો જ સુવર્ણ ચંદ્રકને પામી શકતા હોય છેે. ત્યારે ખરા ટાંણે પોતાની જાતને ફિટ રાખવાની સાથે મેદાન પરના હરિફોની વચ્ચે શ્રેષ્ઠતા પૂરવાર કરનારા ખેલાડીઓને સુવર્ણ, રજત અને કાંસ્યચંદ્રકોથી નવાજવામાં આવે છે. આ ચંદ્રક વિજેતા ખેલાડીઓ ઓલિમ્પિક્સના ઈતિહાસની સાથે સાથે પોતપોતાના દેશોના રમત ઈતિહાસમાં અમરત્વ પ્રાપ્ત કરી લે છે અને વૈશ્વિક સિદ્ધિ હાંસલ કરીને પરત ફરનારા ખેેલાડીઓને દરેક દેશ પોતાની આર્થિક ક્ષમતાની સાથે સાથે વિવિધ નિયમોમાં છૂટછાટ આપીને સન્માનિત કરવાનો પ્રયાસ કરતાં હોય છે.
પેરિસમાં પૂૂરા થયેલા ઓલિમ્પિકમાં ૩૨૯ ખેલાડીઓ સુવર્ણચંદ્રક લઈને સ્વદેેશ પરત ફર્યા છે. જ્યારે આટલી જ સંખ્યામાં રજત અને કાંસ્ય ચંદ્રકના વિજેતાઓ પણ છે. આ તમામ ઓલિમ્પિક ચંદ્રક વિજેતાઓનું સ્વદેશ આગમન સમયે તેમના દેશની પ્રજા ભારે હર્ષોલ્લાસ સાથે તેમને માથે ઊંચકીને સ્વાગત કરતી હોય છે. ઓલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રક વિજેતાઓ પર નાણાંનો વરસાદ કરવામાં આખા વિશ્વમાં સૌથી મોખરે હોંગ કોંગ અને સિંગાપોર છે. જેઓ તેમના ઓલિમ્પિકના સુવર્ણચંદ્રક વિજેતાઓને ભારતીય રુપિયામાં સાડા છથી સવા છ કરોડની ચૂૂકવણી કરતાં હોય છે. આ રકમ અમેરિકી ડોલરમાં અનુક્રમે ૭.૬૮ લાખ અને ૭.૪૫ લાખ જેટલી થવા જાય છે. આ ઉપરાંત ઈન્ડોનેશિયા, ઈઝરાઈલ, મલેશિયા સહિતના ૧૫ દેશો એવા છે કે જેઓ તેમના ઓલિમ્પિક ચેમ્પિયન ખેલાડીઓને અમેરિકી ડોલરમાં ૩ થી ૧ લાખ (૨.૫ કરોડથી ૮૫ લાખ રુપિયા)નું રોકડ ઈનામ આપે છેે. હોંગકોંગના તમામ ઓલિમ્પિયનોને જાણીતી જીમનેશિયમ કંપનીએ આજીવન સભ્યપદ આપવાની જાહેરાત કરી છે. એરલાઈન્સ કંપનીએ પણ ચંદ્રક વિજેતાઓે એક વર્ષ માટે મફત પ્રવાસની વ્યવસ્થા કરી આપી છે.
વિશ્વના લગભગ તમામ દેશોમાં સામાન્ય પ્રજા અને સત્તાધીશોની વિચારધારા એ બાબતમાં સરખી છે કે, તેઓ માને છે કે, જો કોઈને સન્માન આપવું હોય તો તેને નાણાં આપી દો. આ રીતે જોતા સન્માન કે આદરનું એક પ્રકાર મૂલ્ય નક્કી થઈ ગયું છે. જેના કારણે આજની જ નહીં, આવનારી ભાવિ પેઢી પણ કોઈને સન્માન આપવું કે નાણાં આપવા તેવો અર્થ પોતાના મનમાં દ્રઢ કરી દે છે. અલબત્ત, જૂજ દેેશો એવા છે કે, જેઓ ઓલિમ્પિકના ચંદ્રકવિજેતાઓ પર નોટો ઉડાડવામાં માનતા નથી. આ દેશોની યાદીમાં ગ્રેટ બ્રિટનની સાથેે સ્વિડન, નોર્વે તેમજ ન્યુઝીલેન્ડ જેવા દેશોનો સમાવેશ થાય છે. જેઓ ઓલિમ્પિક માટે ખેલાડીઓને તૈયાર કરવા માટે તેમની લગભગ તમામ જરુરિયાતોને પુરી કરે છે. આમ, તેઓ માને છે કે, આંબાના મૂળમાં જ યોગ્ય પાણી અને ખાતર આપવામાં આવે તો ચોક્કસ તેના પર એક દિવસ રસમાધુરી કેરી બેસવાની છે.
જ્યારે ફ્રાન્સના રાજદ્વારી અને બહુમુખી પ્રતિભા ધરાવતા પિયરે દ કુર્બતિનના પ્રયાસો થકી ૧૮૯૬માં પહેલીવાર આધુનિક ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હતુ, ત્યારે ઓલમ્પિકના સુવર્ણચંદ્રક વિજેતાઓને ૧૦૦ ટચના સોનાનો ચંદ્રક આપવાનો હતો. જેે ઘટીને હવે સુવર્ણચંદ્રકમાં સોનું તો સાવ નહીવત્ રહી ગયું છે. જોકે ઓલિમ્પિકનો ચંદ્રક તેને જીતનારા ખેલાડીને ન્યાલ કરી દે છે, તે નક્કી છે. પોલેન્ડ નામનો નાનકડો યુરોપીયન દેશ તેના ઓલિમ્પિકના સુવર્ણચંદ્રક વિજેતાને જે ભેટસોગાદોથી નવાજે છે, જેમાં હીરો પણ સામેલ છે. આ ઉપરાંત રોકડ ઈનામની સાથે સાથે બે બેડરુમનું વૈભવી એપાર્ટમેન્ટ, એક જાણીતા ચિત્રકારની કલાકૃતિ અને વેકેશનના વાઉચર પણ વિજેતાને મળે છે.
સાઉથ કોરિયા સહિતના ઘણા દેશોમાં યુવાનો માટે લશ્કરી તાલીમ ફરજીયાત છે. જ્યાં દરેક નાગરિકે ૨૮ વર્ષની ઉંમર સુધી પહોંચતા પોતપોતાની અનુકૂળતા મુજબ લશ્કરની તાલીમ મેળવી લેવી પડે છે, પણ જો તમે ઓલિમ્પિકમાં ચંદ્રક જીતી લો તો પછી ફરજીયાત લશ્કરી તાલીમમાંથી મુક્તિ મળી જાય છે. આ ઉપરાંત ઓલિમ્પિક ટીમના પ્રાયોજકો પાસેથી પણ વૈભવી કારની સાથે સાથે સરકાર તરફથી આજીવન પેન્શન આપવાની વ્યવસ્થા પણ છે. પ્રાયોજકો વાર્ષિક ધોરણે મફતમાં પીણાં પુરા પાડવાથી લઈને નિ:શૂલ્ક વાહનવ્યવહારની વ્યવસ્થા પણ ગોઠવી આપતા હોય છેે.
પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે બેવડા બ્રોન્ઝ મેડલ જીતનારી મનુ ભાકરને કેન્દ્ર સરકાર તરફથી ૩૦ લાખ રૂપિયાનું રોકડ ઈનામ આપવામાં આવ્યું હતુ. જ્યારે તેના સાથે ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ જીતનારા સરબજોતને રૂપિયા ૨૨.૫ લાખનો ચેક એનાયત થયો હતો. ભાલા ફેંકમાં રજત ચંદ્રક જીતનારા નીરજ ચોપરાના રોકડ ઈનામ અંગે હજુ જાહેરાત થઈ નથી, પણ ગત ઓલિમ્પિકમાં તેણે ગોલ્ડ જીત્યો ત્યારે હરિયાણા સરકારે તેને છ કરોડ રૂપિયા આપ્યા હતા. શૂટિંગમાં બ્રોન્ઝ જીતનારા સ્વપ્નિલ કુસાલેને મહારાષ્ટ્ર સરકારે ૧ કરોડ રૂપિયાનું ઈનામ
જાહેર કર્યું છે. જ્યારે હોકી ટીમના પ્રત્યે ખેલાડીને ૧૫-૧૫ લાખ રૂપિયા હોકી ઈન્ડિયા તરફથી અને એટલી જ રકમ ઓડિશા સરકાર તરફથી મળશે. આ ઉપરાંત ઓડિશા અને પંજાબે તેમના હોકી ખેલાડીઓ માટે અનુક્રમે રૂપિયા ૪ કરોડ અને ૧ કરોડનું રોકડ ઈનામ જાહેર કર્યું છે. પહેલવાન અમન સેહરાવતના રોકડ ઈનામ અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી.
રાજકીય અસ્થિરતા અને અત્યંત પ્રવાહી આર્થિક સ્થિતિ ધરાવતા પાકિસ્તાને પણ તેના ભાલા ફેંકના ગોલ્ડ મેડલ વિજેતા અર્ષદ નદીમને પાકિસ્તાની રૂપિયામાં ૨૫ કરોડની સાથે વૈભવી કાર પણ આપી હતી. આજે ઈન્ડોનેશિયામાં ગાયોની મહત્તા છે. ઈન્ડોનેશિયા તેના ઓલિમ્પિક ચેમ્પિયનને ભૂતકાળમાં રોકડ ઈનામની સાથે પાંચ ગાયોની પણ ભેટમાં અપાતી રહી છે. આ ઉપરાંત ઘર બાંધવા માટે જમીન તેમજ દેશના પર્યટન સ્થળોની સલેહગાહની વ્યવસ્થા પણ કરી આપવામાં આવતી હોય છે. જોર્ડન નામના નાનકડા દેશે પણ તેના ઓલિમ્પિક ચંદ્રક વિજેતાને વૈભવી કાર અને ઘડિયાળની સાથે વૈભવી ઘર પણ આપવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત દેશના સૈન્યમાં ઉચ્ચ પદવી પણ આપવામાં આવે છે.
રશિયા પ્રતિબંધને કારણે પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ શક્યું નહતુ, પણ રાષ્ટ્રપતિ પુતિન તેના દેશના રમતવીરોને માટે ખજાનો ખોલી નાંખવા માટેે જાણીતા છે. જંગી રકમના રોકડ ઈનામની સાથે સાથે વૈભવી કારો, મકાનોની સાથે લશ્કર તેમજ રાજકીય સ્તરે ઉચ્ચ હોદ્દા આપવા માં રશિયા વિચારસુદ્ધા કરતું નથી. આમ, ઓલિમ્પિકનો એકાદ ચંદ્રક ખેલાડીની જ નહીં, પણ તેના પરિવારની સાત પેઢીને તારનારો બની રહે છે.