આમૂલ પરિવર્તનની ઈશનૂરની આશા .
- આજકાલ-પ્રીતિ શાહ
- ડોક્ટરો અને લેબોરેટરીનો સહયોગ મેળવીને અઢીસો ટ્રાન્સજેન્ડરોનું મેડિકલ ચેકઅપ કરાવ્યું. સહુનો સાથ મળતાં ઈશનૂર તેના સોલસ્પેક્ટ્રમ માટે ખૂબ આશાવાદી છે
આ પણા સમાજમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ વિશે કેટલાક પૂર્વગ્રહો છે. એમની વાસ્તવિક પરિસ્થિતિ અને ભીતરની પીડાને સમજનારા બહુ ઓછા છે. આવી પરિસ્થિતિ વચ્ચે ચંડીગઢના માત્ર અઢાર વર્ષનો ઈશનૂર સિંઘ 'સોલસ્પેક્ટ્રમ' (SoulSpectrum) દ્વારા ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને મદદ કરી રહ્યો છે. ટ્રાન્સજેન્ડરો માટે ઘણું કામ કરવાનું બાકી છે. ૨૦૧૬માં પંજાબ યુનિવર્સિટી ભારતની સૌપ્રથમ એવી પબ્લિક યુનિવર્સિટી હતી કે જેમાં ટ્રાન્સજેન્ડર માટે અલગ વોશરૂમની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમાચારે સહુનું ધ્યાન ખેંચ્યું અને ત્યાં ધનંજય ચૌહાણ નામની એક યુવતી સ્નાતક થઈ. એ ચંડીગઢની પ્રથમ ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થિની હતી. અભ્યાસ પૂર્ણ કર્યા પછી તે પોતાનો વ્યવસાય શરૂ કરવા ચાહતી હતી, તેથી સાંજના પાંચથી રાતના અગિયાર વાગ્યા સુધી તે મોમોઝ, સ્પ્રિંગ રોલ્સ, પાસ્તા, ફ્રાઇડ રાઇસ, નૂડલ્સ અને અન્ય સ્વાદિષ્ટ વ્યંજનો બનાવીને ફૂડ ટ્રક પર વેચવા લાગી.
ધનંજય કહે છે કે જો આ ફૂડ ટ્રક બોલી શકે તો તેની વાત સાંભળવી એટલી બધી રસપ્રદ છે કે એ સાંભળવી સહુને ગમશે. ૨૦૨૧ના જૂન મહિનામાં આયુષ્માન ખુરાના તેમની ફિલ્મ 'ચંડીગઢ કરે આશિકી'ના પ્રમોશન માટે ચંડીગઢ આવેલા ત્યારે તેમણે ધનંજયને 'સ્વીકાર' નામની ફૂડ ટ્રક ભેટમાં આપી, જેથી એ આર્થિક રીતે સ્વનિર્ભર બની શકે, પરંતુ બન્યું એવું કે તે માટે તેને એક વર્ષ સુધી મંજૂરી મળી નહીં અને એક સ્કૂલની બાજુમાં પાર્ક કરીને રાખવી પડી. સ્થાનિક સત્તાધીશો જો મંજૂરી ન આપે તો આનો અર્થ શો ? જૂન મહિનો એલજીટીબીક્યૂ સમુદાય માટે 'પ્રાઇડ મંથ' તરીકે ઉજવાય છે. જેમાં ઉત્સવોનું આયોજન, પરેડ કાઢવી કલાપ્રદર્શનો તેમજ તેમની સમસ્યાઓ પર ચર્ચાઓનું આયોજન કરવામાં આવે છે. આ સમયે ચંડીગઢની વિવેક હાઈસ્કૂલમાં બારમા ધોરણમાં અભ્યાસ કરતા ઈશનૂર સિંઘને આશ્ચર્ય એ વાતનું થયું કે આ લોકો સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ કેમ થયા કરે છે ? તેમના વિશેની નકારાત્મક ટીકાટિપ્પણીનો અંત કેમ આવતો નથી ? આટલેથી ન અટકતા સહુ તેમાં આનંદ લે છે એ વાતથી ઈશનૂરને વધારે આશ્ચર્ય થયું. પ્રાઇડ મંથ દરમિયાન ઈશનૂરની ધનંજય સાથે મુલાકાત થઈ. તેની વાત સાંભળીને ઈશનૂરને થયું કે તેની ફૂડ ટ્રક ચાલુ થાય, તે અંગે મદદ કરવી જોઈએ, કારણ કે ધનંજયને ક્યાંયથી સહકાર ન મળતાં તે નિરાશ થઈ ગઈ હતી. ઈશનૂરે પોતાના મિત્રોને વાત કરી અને તેઓએ ચંડીગઢના ડિસ્ટ્રીક્ટ કમિશનરના આસિસ્ટન્ટને મળીને સમગ્ર વાતની રજૂઆત કરી અને માર્ગદર્શન મેળવ્યું.ઈશનૂર અને તેના મિત્રોએ એકઠા થઈને ધનંજયને પંજાબના માહોલી જિલ્લાના જીરકપુરમાં મંજૂરી મેળવી આપી. ચંડીગઢથી પચીસ મિનિટનો રસ્તો થાય તે જગ્યાએ ફૂડ ટ્રક રાખવામાં આવી. જીરકપુરના વી.આઈ.પી. રોડ પર ધનંજયે ફૂડ ટ્રક શરૂ કરી, પરંતુ ત્યાંના માર્કેટ એસોસિએશને ભાડાના પૈસા માંગ્યા તેની વ્યવસ્થા પણ ઈશનૂરે કરી આપી.
આ વી.આઈ.પી. રોડ પર ઘણા ફૂડ ટ્રક્સ છે, તેથી શરૂઆતમાં ધનંજયની ટ્રક અંગે સહુએ નકારાત્મક પ્રતિક્રિયા આપી અને કોઈએ એમ પણ કહ્યું કે તેની ટ્રક મોટી હોવાથી અમારી ટ્રક ઢંકાઈ જાય છે. તેનું પણ ઈશનૂરે સુખરૂપ સમાધાન કરી આપ્યું. સમગ્ર અનુભવ વર્ણવતાં ધનંજય કહે છે કે તેમને અનેક લોકોના તિરસ્કારનો સામનો કરવો પડે છે. લોકો અમારો વિરોધ કરે છે. તેઓ વિચારે છે કે અમે 'ડર્ટી' છીએ, પરંતુ ધનંજય હિંમત હારે તેમ નથી. એ કહે છે કે પંજાબ યુનિવર્સિટીમાં તે હતી, ત્યારે ઘણું સહન કર્યું છે, પરંતુ તેનાથી અન્ય ટ્રાન્સજેન્ડર કે જેને અભ્યાસ કરવો છે, તેના માટે સુંદર માર્ગ કંડારી આપ્યો છે. એવી જ રીતે આ ફૂડ ટ્રક પણ અન્ય ટ્રાન્સજેન્ડર માટે વ્યવસાય કરવો સરળ કરી આપશે. જે વ્યક્તિ પ્રથમ વાર આવું કરે છે, તે હંમેશા ટીકાનો શિકાર બને છે, પરંતુ પાછળની વ્યક્તિને તેનાથી લાભ થાય છે.
ધનંજયને મદદ કરવામાં સફળતા મળતા ઈશનૂરનો ઉત્સાહ વધ્યો અને તેની સાથે તેના બે મિત્રો રુહાન સૂદ અને પિયા સોધી જોડાયા. એ લોકોએ અત્યાર સુધીમાં પંદર વ્યક્તિઓને તેનું સ્વપ્ન સાકાર કરવામાં મદદ કરી છે. મોના નામની વ્યક્તિ ટી સ્ટોલ ચલાવતી હતી, પરંતુ બીમાર પડતાં તેની બધી કમાણી સારવાર પાછળ ખર્ચાઈ ગઈ. તેથી હવે તેનો વ્યવસાય ચલાવવાના પૈસા નહોતા. ઈશનૂર અને તેના મિત્રોએ થોડી સામગ્રી લાવી દીધી અને ધીમે ધીમે તે પૈસા ચૂકવવાની વ્યવસ્થા કરી આપી.
આ બધા કરતાં કમલી માટાની વાત જુદી છે. તેની વાત પરથી ઈશનૂરને ખ્યાલ આવ્યો કે હોસ્પિટલમાં હેલ્થ ચેક-અપ માટે જવું એ ટ્રાન્સજેન્ડરો માટે કેટલું કઠિન કામ છે. ત્યાં લોકો તમને એવી રીતે તાકીને જુએ કે તમને અકળામણ થાય અને એ પછી સારવાર આપવાનો ઈન્કાર કરી દે. આવી વાત સાંભળીને ઈશનૂર અને તેના મિત્રોએ ફેબુ્રઆરી, ૨૦૨૪માં ચંડીગઢમાં હેલ્થકેર કેમ્પનું આયોજન કર્યું. ડોક્ટરો અને લેબોરેટરીનો સહયોગ મેળવીને અઢીસો ટ્રાન્સજેન્ડરોનું મેડિકલ ચેકઅપ કરાવ્યું. સહુનો સાથ મળતાં ઈશનૂર તેના સોલસ્પેક્ટ્રમ માટે ખૂબ આશાવાદી છે. તે માને છે કે ભલે આ એક નાનો પ્રયાસ છે અને હજી શરૂઆત છે, પરંતુ આનાથી અનેક લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન આવશે.
સફીનાએ લીધો શિક્ષણનો ભેખ!
સફીના હુસૈનનું લક્ષ્ય વધુ ને વધુ ગામો સુધી પહોંચીને દોઢ કરોડ છોકરીઓ જે સ્કૂલે નથી જતી, તેમાંથી સૌપ્રથમ ચાલીસ ટકાની સમસ્યા હલ કરવાનું છે
ન વી દિલ્હીમાં ઉછરેલી સફીના હુસૈને બાળપણમાં જ ગરીબી, હિંસા અને દુર્વ્યવહારનો અનુભવ કર્યો. પરિવારની આર્થિક પરિસ્થિતિને કારણે સફીનાએ ત્રણ વર્ષ અભ્યાસ છોડવો પડયો, પરંતુ તેના પિતાના એક મિત્રના સહયોગથી લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં પ્રવેશ મળ્યો. તેમના જીવનમાં શિક્ષણથી વળાંક આવ્યો, ત્યારે તેમણે નક્કી કર્યું કે તેમના જેવી છોકરીઓ માટે આવી જ ભૂમિકા નિભાવવી છે. અભ્યાસ પૂર્ણ કરીને દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને એશિયાના ગ્રામીણ અને શહેરમાં જરૂરિયાતમંદ સમુદાયો માટે કામ કર્યું. ૨૦૦૫માં ભારત આવ્યા. ભારત આવ્યા પછી સંશોધન કર્યું. તેઓ સરકાર પાસે ગયા અને છોકરીઓના શિક્ષણ અંગે કામ કરવાની વાત કરી. સરકારે રાજસ્થાનના છવ્વીસ જિલ્લાનો ડેટા આપ્યો કે જ્યાં લૈંગિક અસમાનતા વધારે હતી. ભારતમાં સ્કૂલે ન જનારી છોકરીઓ, બાલિકા વધૂ અને હ્યુમન ટ્રાફિકિંગમાં છોકરીઓની સંખ્યા સૌથી વધુ છે.
સફીના હુસૈને ૨૦૦૭માં 'એજ્યુકેટ ગર્લ્સ'ની સ્થાપના કરી. ૨૦૦૮માં પચાસ સ્કૂલોથી તેમણે શરૂઆત કરી. રાજસ્થાનમાં છોકરીઓને સ્કૂલે ન મોકલવા પાછળ પારિવારિક ઉદાસીનતા, પ્રેરણાનો અભાવ અને છોકરીઓની અનિચ્છા જેવી બાબતો મુખ્ય હતી. તેઓ ગામડાંઓમાં જઈને મોબાઈલ પર ડેટા એકત્રિત કરે છે. તેમને સ્કૂલ સુધી લાવવા માટે તાલીમ પામેલા કર્મચારીઓ મદદ કરે છે. એ ઉપરાંત ગામની બેઠક, પડોશીઓની બેઠક અને વ્યક્તિગત સંપર્કના માધ્યમથી સમજાવવામાં આવે છે. છોકરીઓ એક વખત સ્કૂલે આવતી થાય પછી સ્કૂલમાંથી જતી ન રહે અને તેનો અભ્યાસ આગળ ચાલુ રહે તેની સંભાળ લે છે. તેને માટે સ્કૂલોમાં શૌચાલય છે કે નહીં, તેની પણ તપાસ તેઓ કરે છે.
સફીના કહે છે કે રાજસ્થાનના કોઈ આદિવાસી ગામમાં કોઈ ઘરે જઈને તમે કહો કે મહેરબાની કરીને તમારી દીકરીને અભ્યાસ માટે સ્કૂલે મોકલો તો તેનાથી ખાસ કોઈ પરિણામ નહીં મળે. તેમની માનસિકતામાં પરિવર્તન લાવવા માટે તે સમુદાયને સંગઠિત કરીને સ્થાનિક એજન્ટની મદદ લેવી પડે છે. તેઓએ દરેક ગામમાં સ્વયંસેવકો ઊભા કર્યા છે અને ટીમ બાલિકા બનાવી છે, જેના પર લોકો સ્થાનિક સંબંધોને કારણે તેમનામાં વિશ્વાસ મૂકે છે. આજે અઢાર હજાર સ્વયંસેવકો ટીમ બાલિકા તરીકે કામ કરે છે. છોકરીઓને સ્કૂલમાં પ્રવેશ કરાવવા અને સ્વયંસેવકો શોધવા માટે વર્તમાનપત્રોમાં જાહેરખબર આપે છે, જીપમાં લાઉડ સ્પીકર લગાવીને ગામેગામ જાહેરાત કરે છે, પોસ્ટર અભિયાન ચલાવે છે, રેડિયોના માધ્યમનો ઉપયોગ કરે છે. તેમજ ભરતી મેળાનું આયોજન કરે છે. આમ શક્ય તેટલા બધા પ્રયત્નો કરવામાં આવે છે. સરકાર સાથે મળીને કામ કરતા હોવાથી સરપંચ અને ગામના મુખ્ય માણસો પણ સમગ્ર પ્રક્રિયાથી વાકેફ હોય છે.
સફીના કહે છે કે આ બધું રાતોરાત થતું નથી. ઘણાં વર્ષો લાગે છે, પરંતુ છોકરીઓની એક પેઢીને અભ્યાસ કરાવી શકીશું તો આ ચક્ર તૂટશે, કારણ કે ડેટા એમ કહે છે કે શિક્ષિત માતા તેના બાળકોને શિક્ષિત કરે તેવી સંભાવના બમણી થઈ જાય છે. એજ્યુકેટ ગર્લ્સે ફંડ માટે ૨૦૧૭માં પ્રથમ વાર ડેવલપમેન્ટ ઇમ્પેક્ટ બોન્ડની શરૂઆત કરી અને એશિયામાં પ્રથમ વાર ઓડેસિયસ વિઝનમાં એજ્યુકેટ ગર્લ્સનો સમાવેશ થયો, જેમાં આઠ પ્રોજેક્ટ વચ્ચે ત્રણસો મિલિયન અમેરિકી ડોલર ફાળવવામાં આવે છે. અત્યારે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશનાં વીસ હજાર ગામોમાં કામ ચાલે છે. સફીના હુસૈનનું લક્ષ્ય વધુ ને વધુ ગામો સુધી પહોંચીને દોઢ કરોડ છોકરીઓ જે સ્કૂલે નથી જતી, તેમાંથી સૌપ્રથમ ચાલીસ ટકાની સમસ્યા હલ કરવાનું છે. કારણ કે આ ચાળીસ ટકા છોકરીઓ પાંચ ટકા ગામોમાં છે. આ પાંચ ટકા ગામોની સમસ્યા હલ થઈ જાય, તો ઘણું મોટું કામ થઈ શકે. જો ભારતની આ લાખો છોકરીઓ શિક્ષિત થાય તો વિકાસમાં ઘણું મોટું પ્રદાન આપી શકે. અનેક એવોર્ડથી સન્માનિત સફીના હુસૈન સ્કૂલે ન જનારી છોકરીઓના ડેટા મેળવવા માટે એ.આઈ.ની મદદ લઈ રહ્યા છે. ૨૦૦૭થી એજ્યુકેટ ગર્લ્સ શરૂ કરનાર સફીનાએ પાલીમાં પચાસ સ્કૂલોથી શરૂ કરેલું કામ આજે પચીસ હજારથી વધુ સ્કૂલો સુધી પહોંચ્યું છે, અત્યાર સુધીમાં તેર લાખથી વધુ છોકરીઓને શિક્ષણ આપવામાં સફળતા મળી છે. વર્લ્ડ બેંક પણ છોકરીઓને શિક્ષિત કરવા માટે કરવામાં આવેલા મૂડીરોકાણને સર્વોત્તમ મૂડીરોકાણમાંનું એક કહે છે. તાજેતરમાં જલવાયુ વૈજ્ઞાાાનિકોએ ગ્લોબલ વોર્મિંગ અટકાવવા માટે એંસી કાર્યોની સૂચિ જાહેર કરી છે. તેમાં આશ્ચર્યની વાત એ છે કે છોકરીઓ માટે શિક્ષણનો નંબર છઠ્ઠા સ્થાને છે, જે ઈલેક્ટ્રીક કાર અને પેનલ કરતાં આગળ છે. ૨૦૨૧માં રાજસ્થાનમાં સફીનાએ પ્રોજેક્ટ પ્રગતિ શરૂ કર્યો તે અંતર્ગત પંદરથી પચીસ વર્ષની ત્રણસો છોકરીઓએ સ્કૂલમાં ફરી અભ્યાસ કરવાનું શરૂ કર્યું અને આજે તેમાં સાત હજાર છોકરીઓ અભ્યાસ કરે છે. તેમાંથી ૬૧ ટકા છોકરીઓ દસમા ધોરણમાં ઉત્તીર્ણ થઈ છે. સફીના ૨૦૨૫ સુધીમાં વધારેમાં વધારે ગામડાંઓની વિદ્યાર્થિનીઓને આવરી લેવા માગે છે.