Get The App

શું જગત એ આત્માનો જ વિકાર છે!

Updated: Aug 17th, 2024


Google NewsGoogle News
શું જગત એ આત્માનો જ વિકાર છે! 1 - image


- આપણી સત્સંગ-સભામાં પધારે છે મુનિ અષ્ટાવક્ર !

- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર

- સૃષ્ટિની ઉત્પત્તિ અને પ્રલય, ઉદય અને અસ્ત સ્વભાવથી જ થતા રહે છે અને એ પ્રમાણે જે સમજ્યો છે, તેવો નિર્વિકાર ક્લેશરહિત આત્મા સરળતાથી સુખ પ્રાપ્ત કરે છે...

- જીવનનું પરમ ધ્યેય છે મોક્ષપ્રાપ્તિ. વ્યક્તિ જીવનનાં બંધન અને મોક્ષની મુક્તિ વચ્ચે જીવતો હોય છે, ત્યારે સવાલ એ છે કે વ્યક્તિને આ બંધન કઈ રીતે સમજાય છે અને મોક્ષની અનુભૂતિ કઈ રીતે થાય છે ?

આ પણે એક નૂતન પ્રકારની સત્સંગ-સભાનો પ્રારંભ કરીએ છીએ. સામાન્ય રીતે તો કોઈ સંત, યોગી કે સાધકની ઉત્તમ વાણી સાંભળવા મળે, ત્યારે સત્સંગ સર્જાય છે. આ સત્સંગમાં એમની પાસેથી ઘણી નવી ગહન વાતો જાણવા મળે છે, પણ આપણે તો એક એવો નવા પ્રકારનો સત્સંગ યોજવો છે કે જેમાં પ્રત્યેક સંત, સાધક કે યોગીએ આપેલાં જીવનના કૂટ પ્રશ્નો અને અધ્યાત્મનાં ગહન પ્રશ્નો વિશેની વિચારસરણી પ્રાપ્ત થાય.

આજ સુધી સત્સંગમાં એક સાધુ, મહાત્મા કે ઉપદેશક બોલે અને અન્ય સહુ કોઈ સાંભળે એવું બન્યું છે, પણ અહીં આપણે જુદાં જુદાં સાધકોએ એમના સત્સંગમાં કહેલા વિચારોમાંથી કેટલાંક એવાં મોતીઓ શોધવા છે કે જે આપણા વ્યવહારજીવન અને અધ્યાત્મજીવનને ઉજાગર કરે. આપણા આ અનોખા સત્સંગનો પ્રારંભ કરીએ અષ્ટાવક્ર મુનિના ગહન આધ્યાત્મિક વિચારોથી. અષ્ટાવક્ર ઋષિ અને રાજા જનક વચ્ચેનો સંવાદ 'અષ્ટાવક્ર ગીતા'માં પ્રાપ્ત થાય છે. આ 'અષ્ટાવક્ર ગીતા'માં ગુરૂ અને શિષ્યનાં નાટયાત્મક સંવાદ રૂપે જીવનની સમસ્યાઓ અને તેનો ઉકેલ દર્શાવવામાં આવ્યો છે. એમાં કહ્યું છે કે, 'બ્રહ્મજ્ઞાાન એ કોઈ બહારની વસ્તુ કે ક્યાંક દૂર જઈને મેળવવાની વસ્તુ નથી. એ હંમેશા તમારી પાસે જ રહે છે અને તે તમે જ છો.'

આવી અષ્ટાવક્ર મુનિની વિશિષ્ટ વિચારધારા અને એમણે આપેલા થોડાં ઉત્તર જોઈએ. જનક રાજા એમની જિજ્ઞાાસા પ્રગટ કરતાં પ્રશ્ન કરે છે કે, 'આ સંસારનાં બંધનથી જીવ કઈ રીતે મુક્ત થાય ? જન્મ-મરણ રૂપી સંસારમાંથી એ કેવી રીતે છૂટે છે ? અર્થાત્ જ્ઞાાનનું સ્વરૂપ કેવું છે અને વૈરાગ્યની પ્રાપ્તિ કઈ રીતે થાય ?'

જનક રાજાનો આ પ્રશ્ન આપણે માટે એટલે મહત્વનો છે કે વ્યક્તિ સંસારમાં પરિભ્રમણ કરતો રહે છે અને એ પરિભ્રમણમાંથી મુક્તિ મેળવવાનો ઉપાય શું ? કારણ એટલું જ કે માનવીના ધર્મ અને અધર્મ કે સુખ અને દુ:ખ એ મનનાં હોય છે. પોતાનાં હોતાં નથી, ભક્તિ પોતે કર્તા કે ભોક્તા પણ નથી, એ તો નિત્ય મુક્ત છે. આનો અર્થ એ કે, 'એક વાર આપણને જો દ્વૈતસર્જન સમજાઈ જાય અર્થાત્ જુદાપણું જાણી શકીએ, કારણ કે આ દ્વૈતસર્જન એ તો આપણા મને પેદા કરેલું છે. બાકી તો આપણે પોતે મુક્ત જ છીએ.'

આપણી આ સત્સંગ સભામાં શ્રી અષ્ટાવક્ર મુનિએ આપેલો ઉત્તર જોઈએ. તેઓ કહે છે, 'તું પૃથ્વી નથી, જળ નથી, અગ્નિ નથી, વાયુ નથી, આકાશ નથી. આ બધાના સાક્ષીરૂપે રહેલા પોતાના આત્માને ચિત્ સ્વરૂપ જાણ. જો તું શરીરને આત્માથી પૃથક્ કરીને ચિત્ સ્વરૂપ આત્મામાં સ્થિર થઈને રહીશ તો હમણાં જ સુખી, શાંત અને બંધનથી મુક્ત થઈ જઈશ. સ્વયંને સાક્ષી તરીકે જાણવું એટલે આત્મસાત્ થવું, બ્રહ્મભૂત થવું. હું ચિત્ સ્વરૂપ છું, જ્ઞાાનસ્વરૂપ છું અને ચિત્ અને ચૈતન્ય એક જ છે, એમ જાણવું તે જ મુક્તિની યુક્તિ છે.'

બીજો એક સવાલ છે કે, 'આ જગત કઈ રીતે ઉત્પન્ન થયું હશે ?' જગત અનુભવગમ્ય છે, પ્રત્યક્ષ છે, તો એ જરૂર કોઈ વિકારથી ઉત્પન્ન હશે એમ માનવામાં આવે છે. શું જગત એ આત્માનો જ વિકાર છે!

આ સંદર્ભમાં મુનિ અષ્ટાવક્ર કહે છે કે, 'જગત એ આત્માનો વિકાર નથી. આત્મા એ તો અપરિવર્તનશીલ અને અવિકારી છે. છીપમાં અજ્ઞાાનકાળે જેમ ભ્રાંતિથી ચાંદી દેખાય છે, તે જ પ્રમાણે આત્મા પર અજ્ઞાાનકાળે ભાસતી ભ્રાંતિ તે જ જગત છે. જેમ છીપ સ્વયં ચાંદીરૂપે ભાસે છે, તેમ આત્મા જગત રૂપે ભાસે છે. ज्ञानम् इति આ જ જ્ઞાાન છે અને તેથી જ જગતનું ગ્રહણ કે ત્યાગ કે લય સંભવ નથી. જે કાંઈ ચળકે છે એ ચાંદી નથી. એવી જ રીતે આ જગત એક ભ્રમ છે.'

હવે આપણો સવાલ એ છે કે અનાદિકાળથી ચાલ્યો આવતો દેહાભ્યાસ દૂર કરવો જોઈએ એવું ઉપદેશકો વારંવાર કહે છે. માણસ એની જિંદગી પોતાના દેહની આસના-વાસનામાં ગાળતો હોય છે. દેહનાં સુખની પાછળ દોડતો હોય છે. ક્યાંક તો દેહનું લાલન-પાલન એ જ સર્વસ્વ હોય છે. આવું શા માટે થાય છે ? એ સવાલના ઉત્તરમાં જનક રાજાને અષ્ટાવક્ર કહે છે, 'દેહાભિમાનના મોહમાં તું લાંબાકાળથી બંધાયેલો છે. 'હું જ્ઞાાનસ્વરૂપ છું' એની જ્ઞાાનરૂપી તલવાર વડે તે મોહને કાપીને સુખી થઈ જા. 'હું દેહ છું, અમુક વ્યક્તિ છું.' આ પ્રકારની મર્યાદા અજ્ઞાાનને કારણે જન્મે છે. 'હું શરીર છું' એવા સંમોહનને માત્ર જ્ઞાાનરૂપી તલવાર દ્વારા જ કાપી શકાય છે.

હવે આપણે એક બીજો વિચાર કરીએ. આ જગતમાં એક વિચિત્રતા જોવા મળે છે. કેટલીક વ્યક્તિ કોઈ એક સંત, મહાત્મા કે ગ્રંથનું એક સૂત્ર વાંચીને જીવનપલટો પામતી હોય છે, કેટલીક વ્યક્તિ ઉપદેશ સાંભળવા જાય છે, પરંતુ એને આચરવાની ઉત્સુક્તા દાખવતો નથી, કેટલીક વ્યક્તિઓ વૈરાગ્યનો ઉપદેશ સાંભળે છે છતાં મોહમુક્ત થતો નથી. આનું કારણ શું ? એવા પ્રશ્નનાં ઉત્તરમાં મહાતત્વજ્ઞાાની શ્રી અષ્ટાવક્ર મુનિ કહે છે,

'સાત્વિક બુદ્ધિવાળો જેવા તેવા થોડા ઉપદેશથી જ કૃતાર્થ થઈ જાય છે (સત્યને પામી જાય છે) જ્યારે બીજો જીવનપર્યંત જિજ્ઞાાસુ હોવા છતાં મોહ પામે છે. વિષયોમાં આસક્તિ હોવી તે જ બંધન છે. વિષયોમાંથી રસ ઊડી જવો તે જ મોક્ષ કહેવાય છે.'

ભોગ, કર્મ કે સમાધિ જેવી કોઈ પણ ક્રિયાથી વાસના કે આશા જ્યાં સુધી જીવતી હશે ત્યાં સુધી સ્વરૂપમાં રૂચિ થશે નહીં, પણ જ્યારે આવી સર્વ આશાઓ નિરસ્ત થઈ જશે ત્યારે આત્માનાં સ્વરૂપ વિશે રૂચિ થશે. આ ઉપદેશથી જ ધન્ય થયેલો પુરુષ મુક્તિને - પરમ સુખને પામે છે.

હવે સવાલ આવે છે કે સાચા સુખની પ્રાપ્તિ કઈ રીતે થાય ? માણસ સુખની ઝંખનાને માટે દોડધામ કરતો હોય છે. કોઈ એને મૃગજળ સમી દોડ કહે છે, તો કોઈ સત્તા, સંપત્તિ કે પ્રતિષ્ઠામાં સુખ માને છે, પરંતુ આ બધા સુખ વ્યક્તિને સાચું સુખ આપી શકતા નથી. તો આપણે મુનિ અષ્ટાવક્રની દ્રષ્ટિએ સાચું સુખ કઈ રીતે પ્રાપ્ત થાય તે જાણીએ.

શ્રી અષ્ટાવક્ર મુનિ કહે છે કે, 'સર્વ ધન કમાઈને જીવાત્મા પુષ્કળ ભોગોને પ્રાપ્ત કરે છે, પરંતુ બધાના પરિત્યાગ વિના તેને (સાચું) સુખ પ્રાપ્ત થતું નથી. સર્વ ધનને કમાઈને અથવા પુષ્કળ ભોગોને ભોગવીને પણ જીવ સુખ મેળવી શકતો નથી, પરંતુ તેથી વિપરીત, ભોગના અભાવમાં હતાશા, નિરાશાને જ અનુભવે છે અને સ્વયં જ ઈન્દ્રિયોને હણી નાખે છે. આથી જ सर्व परित्यागम् अन्तरेण सुखी न भवेत् ।

જીવનનું પરમ ધ્યેય છે મોક્ષપ્રાપ્તિ. વ્યક્તિ જીવનનાં બંધન અને મોક્ષની મુક્તિ વચ્ચે જીવતો હોય છે, ત્યારે સવાલ એ છે કે વ્યક્તિને આ બંધન કઈ રીતે સમજાય છે અને મોક્ષની અનુભૂતિ કઈ રીતે થાય છે?

આ સંદર્ભમાં મુનિ અષ્ટાવક્ર કહે છે કે, 'જ્યારે ચિત્ત કોઈ પણ ચીજની ઈચ્છા કરે છે, શોક કરે છે, કાંઈપણ છોડી દે છે કે કોઈ પણ પ્રકારનો હર્ષ કે કોપ અનુભવે છે ત્યારે તેને બંધન જણાય છે, પરંતુ ચિત્ત કંઈ કશાની ઈચ્છા કરતું નથી - રાખતું નથી. કશાનો ત્યાગ કરતું નથી. નથી હર્ષનો અનુભવ કરતું કે નથી શોકગ્રસ્ત થતું ઝ્ર દ્વઢાૃપ્ેં।  ત્યારે તેને મોક્ષની અનુભૂતિ થાય છે.'

માનવી સંસારની આસક્તિમાં એવો ડુબેલો હોય છે અને એ જ આસક્તિને આનંદપ્રાપ્તિનું સાધન માને છે. જ્યારે બીજી બાજુ ધર્મગ્રંથો કહે છે કે વાસનાનાશ એ જ મોક્ષ કહેવાય છે. પુત્રો, પત્ની, શરીર સુખ અને રાજ્ય એ સઘળું કાળને આધીન છે અને ત્યારે સંસારની આસક્તિ કઈ રીતે દૂર કરવી અને અનાસક્તિનો આનંદ કઈ રીતે પામવો તે વિશે 'અષ્ટાવક્ર ગીતા' કહે છે, 'ભાવ અને અભાવ રૂપ વિકારો કે પરિવર્તન અર્થાત્ સૃષ્ટિની ઉત્પત્તિ અને પ્રલય, ઉદય અને અસ્ત સ્વભાવથી જ થતા રહે છે અને એ પ્રમાણે જે સમજ્યો છે, તેવો નિર્વિકાર ક્લેશરહિત આત્મા સરળતાથી સુખ પ્રાપ્ત કરે છે અને માટે જ જે મુક્તિ ઈચ્છતો હોય તેણે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પાંચ ઈંદ્રિયોનાં વિષયોનો વિષની જેમ ત્યાગ કરવો જોઈએ, કારણ કે આ વિષયોનો ઉપભોગ કરવાથી જીવ સંસારચક્ર રૂપી મૃત્યુને પ્રાપ્ત થાય છે. આ રીતે મુનિ અષ્ટાવક્રના ઉત્તરોમાંથી અભેદ્ય જ્ઞાાનનો અનુભવ થાય છે.'


Google NewsGoogle News