દરિયો દરરોજ કોરુંકટ્ટ કેનવાસ તૈયાર કરે છે
- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ
- પ્રેમ સૌન્દર્ય, ઊજાસ, ક્ષણભંગુર છે પણ મૂલ્યવાન છે. કદાચ, જીવનની ક્ષણભંગુરતા, અનિત્યતા, અપૂર્ણતા, અપર્યાપ્તતામાં જ તેનો આનંદ છે
આ પણાં અસ્તિત્વની દરેક પળે ક્યાં તો આપણે વિકસીએ છીએ ક્યાં તો પીછેહઠ કરીએ છીએ. ક્યાં તો સમગ્રતાથી જીવીએ છીએ અથવા તો અંશ અંશ મરીએ છીએ.
- નોર્મન મેઈલર
હેપીનેસ એટલે માત્ર સો વર્ષની આયુષ્ય તેમ નહીં પણ પળે-પળ સમગ્રતાથી જીવીને સદી બનાવવાની ધખના. સ્વયં ટકી જવાની અને સ્વયંનું બધું ટકાવી લેવાની વાસના જીવનને આનંદને બદલે વ્યસન બનાવી નાખે છે. પતંગિયું પળમાં પૃથ્વી અને આકાશને પામી લે છે જ્યારે પિરામિડો સદીઓથી સ્થગિત છે-મૃત છે. ભારતીય દર્શન તો કહે જ છે કે અહીં કશું નિશ્ચિત અને નિરપેક્ષ નથી. પ્રેમ સૌન્દર્ય, ઊજાસ, ક્ષણભંગુર છે પણ મૂલ્યવાન છે. કદાચ, જીવનની ક્ષણભંગુરતા, અનિત્યતા, અપૂર્ણતા, અપર્યાપ્તતામાં જ તેનો આનંદ છે. આ વિચાર કે તત્વજ્ઞાાનને સમગ્રતાથી જીવતા એક સર્જકની સાથે દોસ્તી કરીએ.
નામ છે, એન્ડ્રીસ એમેદોર માત્ર ૫૩ વરસનો અલૌકીક એવો અર્થ-સ્કેપ આર્ટીસ્ટ. તે ખુલ્લા પગે દરિયાઈ કાંઠા પર ચાલે અને રેતી પર ક્ષણભંગુર એવી કૃતિઓ રચે. તેની કૃતિ થોડાક કલાકો કે મિનીટો રહે અને ત્યાં તો ભરતી આવે અને તેના ચિત્રો ભૂંસી નાખે. કારણ કે દરિયો પોતાનું કેન્વાસ હંગામી ધોરણે આપે છે, કાયમી કોઈને આપતો નથી. બાળક કિલ્લો બનાવે કે સર્જક રેતી-ચિત્ર રચે. એન્ડ્રીસના ચિત્રોમાં ધ્યાન છે, સ્ફૂરણા છે અને પળની સમગ્રતા છે. છેલ્લા વીસ વરસથી તે અમેરિકા, મેક્સિકો, ચેનલ આઇલેન્ડના તટો પર રખડતો રહે છે - દોરતો રહે છે. ક્યારેક તો એવું થાય કે તે રચતો જાય અને દરિયો તે વિખેરતો જાય. તેમ છતા તે કહે છે, 'આ સર્જનો થકી હું ઊંડી પ્રતિતી પામ્યો છું કે અસ્તિત્વ નાશવંત છે, કાળક્રમે પિરામિડો પણ રેતી બની જવાના છે'.
કદાચ આ નાશવંતતા જીવનને અર્થ અને આદર આપે છે અને ક્ષણમાં શાશ્વતીનો સ્વાદ આપે છે. શાશ્વતી કે અમરત્વ પળને જીવી લેવામાં છે. ભારતીય તંત્રવિદ્યા તો સર્જનને અ-નામ અનુભવ ગણે છે. તંત્ર માને છે કે સર્જનની પ્રક્રિયા મૂલ્યવાન છે, સર્જક નહી. કૃતિની ઓળખ, અહંકાર અને આસક્તિ જ જીવનનો બોજ અને પીડા બની જાય છે. એન્ડ્રીસ એવો કલાકાર છે જેની દોડ દરિયાઈ ભરતી કે કાળ સામે છે. તેની કૃતિ તેની સામે ઓસરે છે-વિખેરાય છે. આ એક પ્રચંડ અને પ્રગાઢ આધ્યાત્મિક નિર્વાણનો અનુભવ છે. તે કહે છે 'મારા ડાબા મગજમાં પ્રશ્ન છે કે આ બધું શા માટે છે અને જમણા મગજમાં તેનો ઉત્તર છે કે આ બધું આનંદ માટે છે.' એટલે જીવનનો અર્થ આનંદના સર્જનમાં કે સર્જનના આનંદમાં છે.
એન્ડ્રીસ આપણને કહે છે 'દરિયો દરરોજ મારા માટે કોરુંકટ્ટ કેન્વાસ તૈયાર કરી રાખે છે'. ચાલો, આપણે પણ આપણી સામેથી :
વહી અને વિખેરાઈ જતી પળો,
ઊડી અને સરી જતા શ્વાસો,
ઓગળી અને અસ્ત થતા પગલાના કેનવાસો પર, આપણી ભીતરનું પણ કશુંક દોરી નાખીએ. આગળ-પાછળ, ઉંચે-નીચે ખોજવામાં, જે સામે છે તેને ખોઈ ન નાખીએ.