માણસ નામે બિલાડી .
- પારિજાતનો પરિસંવાદ- ડૉ. કુમારપાળ દેસાઈ
- બિલાડીનાં આગળનાં પંજામાં પાંચ આંગળા હોય છે અને પાછળનાં પંજામાં ચાર આંગળા એટલે એ સતત આગળ વધવાનો સંકેત આપતી હોય છે.
આ શીર્ષક વાંચીને તમે જરૂર ચોંકી જશો ! સામાન્ય રીતે માણસ પશુઓ પર સર્વાધિકાર ભોગવે છે, ત્યારે અહીં એ વિચાર કરવામાં આવ્યો છે કે પશુ પાસેથી માણસ શું પામી શકે ! હકીકતમાં આજે માનવજાતિ પ્રાણીઓની જીવનપદ્ધતિ પરથી પોતાના જીવનમાં કોઈ પ્રેરણા પામવાનો પ્રયાસ કરે છે. બુ્રસ ગૈરેબ્રેન્ડટ નામના લેખક તો પ્રાણીને શિક્ષક રૂપે જોવાનો પ્રયાસ કરે છે. એ સંદર્ભમાં બિલાડીની જીવનચર્યામાંથી માનવી આવું કંઈક શીખી શકે !
સૌથી પહેલી બાબત તો એ છે કે બિલાડી હંમેશા પોતાના દિવસનો પ્રારંભ ઉત્સાહભર્યા મૂડ સાથે કરે છે. એનું મગજ હંમેશા પોઝિટીવ ફ્રેમમાં જ હોય છે. ઘણા માનવીઓ આખી રાત કાં તો સ્વપ્નામાં અથવા બેચેનીમાં ગુજારે છે અને સવારે ગમગીન અને ઉદાસ હોય છે. આવી કોઈ નેગેટિવિટી બિલાડીમાં જોવા મળતી નથી. એ તો હંમેશા આ દુનિયાની ખોજ કરવા માટે અતિ ઉત્સુક હોય છે. પરિણામે એના ચહેરા પર ક્યારેય નિરાશા દેખાતી નથી. ચાલમાં સહેજ શિથિલતા હોતી નથી. માત્ર પોતાના ઈરાદાને પાર પાડવા આતુર હોય છે.
આ જગત પર દરેક જાતિ પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે સંગ્રામ ખેલતી હોય છે. સંજોગો કે પરિસ્થિતિમાં પલટો આવે, વાતાવરણ બદલાઈ જાય, કુદરતી આપત્તિઓ ત્રાટકે, રોગચાળો ફાટી નીકળે આવું ઘણું બનતું હોય છે, પણ બિલાડી એ અસ્તિત્વ માટેનાં સંગ્રામમાં જુદી જુદી અનુકૂળતાઓ સાધવામાં ઉત્ક્રાંતિકાળથી જ સફળ નીવડી છે. એનું મગજ નાનું હોય છે, પણ મથામણ કરવાની એની શક્તિ કમાલની છે. આજથી ચાર કરોડ વર્ષ પહેલાનાં પ્રાપ્ત જીવાશ્મોના આધારે ડિનિક્ટિસ નામની પ્રાચીન બિલાડીનું અસ્તિત્વ હોવાનું માનવામાં આવે છે. જ્યારે અત્યારે જોવા મળતી સામાન્ય બિલાડીનો ઉદ્દભવ આશરે એક કરોડ વર્ષ જૂનો માનવામાં આવે છે. નોંધપાત્ર બાબત એ છે કે પ્રાચીન સમયની અને એ પછીના સમયની અને અત્યારની બિલાડીના વિકાસમાં કોઈ મહત્ત્વનાં ફેરફારો થયા નથી. શરીર જાળવી રાખવાની એની આદત વંશપરંપરાગત તો નહીં હોય ને ?
જંગલી બિલાડીને પાલતુ બનાવવાની શરૂઆત સૌ પ્રથમ ઇજિપ્તમાં થઈ. એ સમયે એને સોનાની રકાબીમાં દૂધ આપવામાં આવતું, એની મૂર્તિઓ બનાવવામાં આવતી અને એ બિલાડી મૃત્યુ પામે, ત્યારે એને માટે ખાસ તૈયાર કરાયેલી કબરમાં દફનાવવામાં આવતી અને એનું 'મમી' પણ બનાવવામાં આવતું. આનું કારણ એ છે કે ઈજિપ્તની ઈસિસ નામની પ્રાચીન દેવીની પુત્રીનો ચહેરો બિલાડીને મળતો હતો, આથી એ સમયે બિલાડીને ભારે માનપાન આપવામાં આવતા અને કોઈ બિલાડીને જાણી જોઈને કે ભૂલથી ય પણ મારી નાખે તો એને દેહાંત દંડની સજા થતી હતી અને એથી પ્રાચીન ઇજિપ્તમાં કાળી બિલાડી જો તમારા રસ્તામાં આડી ઉતરે, તો તે મહા સદ્ભાગ્ય ગણાતું.
જોકે એ પછી મધ્યયુગમાં યુરોપ અને ભારતમાં બિલાડી વિશે સાવ વિરોધી પરંપરા શરૂ થઈ. આપણે ત્યાં બિલાડીને અમુક સંજોગોમાં અપશુકનિયાળ માનવામાં આવે છે. ક્યાંક તો જો તમે ચાલતા હો અને જમણી બાજુ બિલાડી હોય તો શુકનિયાળ મનાય છે અને ડાબી બાજુએ બિલાડી હોય તો અપશુકનિયાળ ગણાય છે. જો જમણી બાજુથી ડાબી બાજુ પસાર થાય તો એ વ્યક્તિને જંગી ધનયોગ થશે એમ માનવામાં આવે છે અને જો ડાબી બાજુથી જમણી બાજુ જાય તો તમને ધનહાનિ થશે તેમ માનવામાં આવે છે. આમ બિલાડી સાથે ગણ્યા ગણાય નહીં તેટલાં શુકન-અપશુકન જોડાયેલાં છે.
માણસજાત પણ ક્યાં આવા અપશુકનથી ઘેરાયેલી નથી ? તેરનો આંકડો વિદેશમાં અત્યંત અપશુકનિયાળ મનાય છે. ઘરના નંબર હોય કે હોટલના રૂમ હોય, બધે તેર નંબર અપશુકનિયાળ ગણાય છે. ક્યાંક તો બાર પછી ૧૪ નંબર જ રાખવામાં આવે છે. પણ એની સાથોેસાથ વિદેશમાં જો તેર વ્યક્તિઓ માટે ભોજન સમારંભ યોજ્યો હોય, ત્યારે જો કોઈ એક વ્યક્તિનાં ખોળામાં બિલાડી હોય, તો તે કુલ ચૌદ ગણાય છે. આથી બિલાડી દ્વારા 'તેરનાં ભય'માંથી મુક્તિ મળે છે અને એથીયે વધારે તો ભોજન માટે ટેબલ પર બેઠેલા સહુને માટે બિલાડી 'ગુડ લક' જેવી ગણાય છે.
બિલાડી વિશે ઘણી 'મિથ' પ્રવર્તે છે અને છતાં વિશ્વનાં લગભગ તમામ દેશોમાં પાલતુ જાનવર તરીકે ઘરબિલાડી ઉછેરવામાં આવે છે. જેના ઘેર બિલાડી હોય તેને ત્યાં તો એ વારંવાર ડાબેથી જમણે જતી હોય, પણ કોઈ દુર્ભાગ્ય આવતું નથી. વાત એટલી છે કે માનવીનાં ચંચળ કે નિર્બળ ચિત્તે પ્રાણીઓને પણ કેટલા બધા પરેશાન કરી મૂક્યા છે ! બિલાડીની એક મોટી વિશેષતા તે એની એકાગ્રતા છે. એ પોતાનો શિકાર જુએ, ત્યારે એની એકાગ્રતા એટલી બધી હોય છે કે એ આસપાસની બીજી બધી બાબત ભૂલી જાય છે. માણસે ધ્યેયની એકાગ્રતાની બાબતમાં બિલાડીને યાદ રાખવી જોઈએ.
બિલાડીનાં આગળનાં પંજામાં પાંચ આંગળા હોય છે અને પાછળનાં પંજામાં ચાર આંગળા એટલે એ સતત આગળ વધવાનો સંકેત આપતી હોય છે. એની પાસેથી એક બાબત એ જોવા મળે છે કે એ પોતાના આત્મવિશ્વાસ માટે અથવા તો પોતાની રક્ષા માટે એ લાંબી છલાંગ લગાવી શકે છે. એટલે કે એ માણસને સાહસી બનવાની અને છલાંગ લગાવવાની શિખામણ આપે છે.
પોતાનાં બચ્ચાંઓની સંભાળ લેવામાં બિલાડી ખૂબ જાગૃત હોય છે. શરૂઆતમાં તેના બચ્ચાં આંધળાં અને સાવ લાચાર હોય છે. સાત દિવસ બાદ બચ્ચાંની આંખો ખૂલે છે અને એકાદ માસમાં તેઓ ખોરાક માટે સ્વ- નિર્ભર બને છે. એનાં નવજાત બચ્ચાં મોટેભાગે બહેરાં હોય છે, આમ છતાં એક જગાએથી બીજી જગાએ જવું હોય તો સ્થાનાંતર કરતી વખતે માતા એને કાળજીપૂર્વક મોં વડે ઊંચકે છે. વહાલસોયા માતૃત્વનાં પાઠ બિલાડીમાં જોવા મળે છે.
કાલ્પનિક રમતમાં પણ મૂલ્યોની ખોજ કરવી જોઈએ, એવી વાત પણ મળે છે. બિલાડીને કોઈ દોરડું કે નાનું રમકડું આપી દો, તો એ સતત એની સાથે ખેલ ખેલવા માંડશે. એ રીતે એ પોતાના શરીર અને મગજને સતત વ્યાયામ આપતી રહે છે. એ ખેલતી વખતે સહેજે થાકતી નથી. બિલાડી સ્વતંત્ર મિજાજ ધરાવતું પ્રાણી છે અને માણસ સાથે એ ઝડપથી હળીભળી જાય છે. આ પ્રાણીની માયા કરવાથી એ બહુ પ્રેમાળ વર્તન દાખવે છે, પણ મહત્ત્વની વાત એ છે કે એનો મૂળ સ્વભાવ એકાકી રહેવાનો છે. એ વારંવાર સહેજ દૂર જઈને એકલી રહીને પરિસ્થિતિનું આકલન કરતી હોય છે. આ રીતે માણસે પણ વ્યસ્તતાથી દૂર આવા એકાંતનું સેવન કરવું જોઈએ. આ બિલાડીની આરામ અને વિશ્રામની રીત પણ સમજવા જેવી છે. એ એના પંજામાં આવેલા નહોર તીક્ષ્ણ અને બહાર કાઢી શકાય તેવા હોય છે અને એની આંખો મોટી, માંજરી અને અંધારામાં ચળકે તેવી છે. રાત્રિના ઝાંખા પ્રકાશમાં પણ તેની આંખો અલ્પતમ પ્રકાશનો મહત્તમ ઉપયોગ કરવાની ક્ષમતા ધરાવે છે. આ બિલાડી દિવસમાં સોળેક કલાક ઊંઘવાનો કાર્યક્રમ રાખે છે. માણસને તો એ પોષાય નહીં, બલ્કે બિલાડી એ સારી રીતે જાણે છે કે ક્યારે અને કઈ રીતે આરામ લેવો. પૂરતા આરામ દ્વારા એ પોતાના જીવનના 'ટેન્શન'નો ખૂબીપૂર્વક સામનો કરતી હોય છે.
બિલાડી પાસેથી ધૈર્ય શીખવા જેવું છે. એ ઘણી વાર ધીરજ ધરીને ક્યાંક ઊભી હોય છે, પરંતુ એની પાછળ એનો હેતુ કશુંક પ્રાપ્ત કરવાનો હોય છે. ક્યારેક તો એ નિરાંતે બેઠી હોય એમ લાગે, પરંતુ એની નજર દૂરના શિકાર પર હોય છે.
વ્યક્તિએ પોતે જ પોતાનો ખ્યાલ રાખવો જોઈએ એ સિદ્ધાંત બિલાડીના જીવનમાંથી જોઈ શકાય. એની સરેરાશ લંબાઈ પચાસથી સાઈઠ સેન્ટીમીટર અને ઊંચાઈ વીસ સેન્ટીમીટર જેટલી હોય છે, પણ એનું શરીર સશક્ત હોય છે. એના ઉપાંગો મજબૂત હોય છે અને એ પોતાના ભોજનની જવાબદારી ખુદ નિભાવતી હોય છે. એનું જીવન ક્યારેય અન્ય પર નિર્ભર હોતું નથી. એ જાતે જ પોતાનો ખોરાક શોધી લે છે. એને કોઈની સહાયની જરૂર હોતી નથી. એ માટે જૂથ કે ટોળામાં રહેવા માટે એ સહેજે મજબૂર નથી.
બિલાડી પાસેથી એ સંદેશ પણ મળે કે માનવીએ જીવનમાં સંભાળપૂર્વક રહેવું જોઈએ. વિચિત્ર, અણઘડ કે બેવકૂફીભર્યું વર્તન ન કરવું જોઈએ. માણસ ક્યારેક મૂર્ર્ખતાપૂર્ણ વ્યવહાર કરે છે. જ્યારે બિલાડી અકળાય છે ખરી, એ સોફા પર બેઠી હોય અને અચાનક એના રુંવાડા ઊભા થઈ જાય છે. એકીટસે તમને જુએ છે અને પછી બાજુના રૂમમાં જતી રહે છે. બિલાડી ભાગ્યે જ મિજાજ ગુમાવે છે.
પોતાને વિશે ખૂબ ગંભીરતા ધારણ કરવી નહીં એ પણ બિલાડી પાસેથી શીખી શકાય. સહેજ આગળ જઈને બિલાડી મોં ફેરવીને પાછા વળીને જોતી હોય છે, ત્યારે આપણને જાણે ટેન્શનમુક્ત થઈને હળવા થવાની વાતનું સ્મરણ કરાવે છે. ખેર, પણ બિલાડી પાસેથી માણસ ઘણું શીખી શકે તેમ છે અને પશુઓ આપણા શિક્ષક બની શકે તેમ છે.
ક્ષણનો સાક્ષાત્કાર
જીવનમાં આવતી પીડા એ આત્મખોજનું કારણ બને છે, આત્મદર્શનનું દર્પણ બને છે અને સ્વ-જીવનની સિદ્ધિ-અસિદ્ધિની પારખ આપે છે. રામાયણના સર્જન પાછળ ઋષિ વાલ્મિકીની પીડા જ કારણભૂત છે ને ! જે વ્યક્તિ પીડા કે યાતનાનાં વિચારથી હતપ્રભ બની જાય, નિરાશા, નિરુત્સાહ અને નકારાત્મકતાની ચાદર ઓઢીને ધોર નિંદ્રા લેવા માંડે છે, તેની આસપાસ વિષાદ અને ઉદાસીનતાનો ભાર અને ભય એના પલંગની આસપાસ સતત આંટા મારવા લાગે છે.
આથી તો સ્વરકાર ગિયાન કારલો મેનોટ્ટીએ તો કહ્યું હતું કે, 'યાતનાથી શરૂઆત થાય એ દિવસથી જ ઈશ્વર આપણને દૂરદર્શીતા પ્રદાન કરવા ચાહતો હોય છે, પણ આપણે એને અવગણીએ છીએ અથવા તો નષ્ટ કરી દઈએ છીએ.' આમ જીવનમાં પીડા કે યાતના ઘણી મોટી શક્યતા લઈને આવતા હોય છે. એ કાં તો તમને સમર્થ બનાવે અથવા તો હૃદયથી સાવ ભાંગી નાખે. એ પીડાને તમે વરદાન પણ બનાવી શકો અને અભિશાપ પણ. આવી પીડા સમયે આશા એ જીવંત માનવીનું સપનું બને છે અને એથી જ ફિલ્મ કલાકાર દેવઆનંદે એક સ્થળે કહ્યું હતું કે, 'હું મારી જાતને નિરાશ થવાની તક આપતો જ નથી. જે ક્ષણે તમે નિરાશ થાઓ છો, તે ક્ષણે જ તમે તમારી જાતને ખતમ કરવાનું શરૂ કરો છો. હું જીવન સાથે તાલ મિલાવું છું, ઝડપથી ગતિ કરું છું અને જીવનનાં તમામ ક્ષેત્રોનાં રસપ્રદ માણસોને મળું છું તથા મારા આંખ અને કાન ખુલ્લા રાખું છું.'
આમ વ્યક્તિએ પીડામાંથી પ્રાપ્તિ કરીને રમણીય સવારની ઝંખના રાખવી જોઈએ, કારણ કે પીડા આપણને આપણી જાતને જાણવાનો, પારખવાનો અને તપાસવાનો અવસર આપે છે. આવતીકાલ વધુ સારી ઊગશે એવી આશા જન્માવે છે, કારણ કે નિરાશાની પાછળ દબાતે પગલે આશા ચાલતી હોય છે. આ રીતે સમજનાર જ પોતાના ભીતરમાં સુંદર શક્યતાઓનું બીજ રોપે છે અને જો એને ઉજાગર કરે, તો જીવનમાં અનેક નવી શક્યતાઓ જાગે છે.