અદ્વૈતથી સમગ્ર સૃષ્ટિની એકતા તણો ભારતનો પ્રેમસંદેશ જગત સુધી પહોંચવો જોઈએ એટલો પહોંચ્યો નથી ત્યારે...
- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- યુનાઇટેડ નેશન્સના ન્યુયોર્ક ખાતેના મુખ્યમથકમાંથી સનાતન સંસ્કૃતિનો તારવેલો પ્રજ્ઞાાપ્રસાદ!
- ભારતમાં જ સ્ત્રી સ્વાતંત્ર્યના શિખર જેવા સ્વયંવર કે કોઈ જન્મથી થતા ભેદ તો ઠીક, દેખાવથી પણ મુક્ત એવા ચૈતન્યનો સ્વીકાર થયો
અયં નિજ પરો વેતિ ગણના લઘુચેતસામ્
ઉદારચરિતાનાં તુ વસુધૈવ કુટુમ્બકમ્
''આ આપણું છે ને આ પારકું છે, એવા ભેદ સંકુચિત ચિત્તવાળા (કક્ષામાં નાના) માણસો કરે છે. ઉદાર ચરિત્ર ધરાવતા (સારા) માણસો માટે તો આખી પૃથ્વી જ એક પરિવાર છે!''
ઉપનિષદ અને વેદના સારરૂપે હિતોપદેશમાં કહેવાયેલો આ શ્લોક ખૂબ જાણીતો છે. ભારતીય સંસ્કૃતિની સુવાસની આ મૂળ ઓળખાણ છે. જેનો આપણે શબ્દોમાં ગાજોવાજો કરીએ છીએ, પણ આચરણમાં આજે ખાસ ઉતારતા નથી. પણ આપણા ઋષિઓનો આ વિશિષ્ટ વારસો છે જે માત્ર પોતાનું નહિ, પોતાના દેશનું પણ નહિ... સમગ્ર માનવજાત અને એથી પણ આગળ સકળ સજીવસૃષ્ટિ, પર્યાવરણનું હિત વિચારે છે, ને એ મુજબ જીવવા પ્રયાસ કરે છે, એ ખરા ભારતીય છે.
બીજા વિશ્વયુદ્ધની ભયાનક હિંસા પશ્ચિમે જોઈ, એ પછી સંયુક્ત રાષ્ટ્રસંઘ યાને યુ.એન.ના નામે ઓળખાતી વિશ્વસંસ્થા યુનાઈટેડ નેશન્સ સ્થાપવાનું ડહાપણ એમને સૂઝ્યું. કોઈ એક દેશ કે સંસ્કૃતિ નહિ, પણ સમગ્ર માનવજાતના કલ્યાણ માટે આ સંસ્થાના ઉદ્દેશો છે. જોકે, જગતજમાદાર અમેરિકા ખાતે એનું મુખ્ય મથક છે, અને એની સલામતી સમિતિમાં પાંચ ભારાડી દેશો બીજાને (વાંચો, ઘણી રીતે લાયક ભારતને) લાંબા સમયથી આવવા નથી દેતા, પણ છતાં જેવી છે એવી એક આ વિશ્વસંસ્થા છે, જે મંચ પર અલગ અલગ દેશો પોતાની વાત મૂકી શકે, સાથે મળી વિશ્વશાંતિની વાત કરી શકે.
આવા યુ.એન. હેડક્વાર્ટરમાં ભારતના વારસા માટે એક ગૌરવપ્રદ ઘટના રચાઈ. એની સ્થાપના પછી પહેલી જ વાર ત્યાં કોઈ ધાર્મિક આધ્યાત્મિક ગુરૂનું અંગ્રેજીમાં કહીએ તો લોંગેસ્ટ રનિંગ સ્પિરિચ્યુઅલ ડિસ્કોર્સનું આયોજન થયું! જગતભરના દેશોનું પ્રતિનિધિત્વ હોય, ત્યાં કેટકેટલાય સાંસ્કૃતિક વારસાઓની આપસી કશ્મકશ હોય! એમાં સર્વસમાવેશક, સદાઉદાર, સ્નેહસૌજન્યશીલ એવા સનાતનનો હિન્દી, ગુજરાતી, સંસ્કૃત સાથે જયઘોષ પૂરા નવ દિવસ ચાલ્યો! પ્રિય મોરારિબાપુની ૬૫ વર્ષથી ગવાતી હોવા છતાં યુવા રહેલી રામકથાના માધ્યમે! પહેલી વાર કોઈ ધર્મની આટલી લાંબી પારાયણ યુનાઇટેડ નેશન્સના હેડક્વાર્ટરમાં થઈ ! પાછળ શિવ-હનુમાન, રોજ ચોપાઈ અને ઋચાના વૈદિક ગાન અને જ્યાં ભાડે પણ જગ્યા નથી અપાતી કોઈ ખાનગી કાર્યક્રમ માટે અને પ્રવેશ માટે એરપોર્ટ જેવી ચુસ્ત સિક્યોરિટી છે, એવા ન્યુયોર્ક (યુએસએ) ખાતેના યુનાઇટેડ નેશન્સ હેડક્વાર્ટરમાં ભારતીય ઋષિઓના પ્રતિનિધિ એવા સાચા સાધુનું સન્માન!
આ અભૂતપૂર્વ ઘટનાના નવે નવ દિવસ સાક્ષી થવાની ધન્યતા અનુભવી. અમેરિકાના શિકાગોની વિશ્વધર્મ સંસદમાં સ્વામી વિવેકાનંદે 'ભાઈઓ અને બહેનો' કહીને ત્યાં જ નહિ, અહીં પણ દિલ જીતી લીધા એ ઘટનાતણા તો દર્શન નથી થયા, પણ એવા જ રૂડા અવસરને સાક્ષાત માણવા મળ્યો, એનો અનહદ આનંદ. ઐતિહાસિક પળ એ રીતે પણ કે બીજા વિશ્વયુદ્ધ બાદ વિશ્વશાંતિ અને ગરીબી, બીમારી, ભેદભાવ હટાવવા... શિક્ષણ ને સ્ત્રી સ્વાતંત્ર્ય વધારવું જેવા ઉદ્દેશો સાથે સ્થપાયેલા યુનાઈટેડ નેશન્સમાં આ જ એજન્ડા પર એમનાથી પહેલા ચાલી ચૂકેલા આપણા મહાત્મા ગાંધીનું કદી સન્માન જીવતેજીવ ના થયું. પાછળથી એના બગીચામાં ગાંધીજીની પ્રતિમા મૂકાઈ અને ટેરેસ પરની સોલાર પેનલ્સને મોદી સાહેબ ગાંધીજીનું નામ આપી આવ્યા. જે ગાંધી વિચાર થકી જ એમના દેશે સત્યાગ્રહની પરંપરા શરૂ થયા બાદ મુક્તિના ઘડવૈયા બન્યા, એ નેલ્સન મંડેલા દાખલ થતાંવેંત કાંસ્ય પ્રતિમારૂપે દેખાય!
ગાંધીબાપુની કદર તરીકે વર્ષો બાદ એ જ ભૂમિમાં એ જ સિદ્ધાંતો પર ચાલનારા મોરારિબાપુ સત્ય, પ્રેમ, કરૂણાનો સંદેશ લઈને ત્યાં આવે અને વ્યાસપીઠ પાછળ 'પ્રેમ દેવો ભવ' લખીને સનાતન ભારતની કથા સંભળાવે એ મહાત્માની ચેતનાનું તર્પણ છે. જેમાં એઆઈથી એમના જ અવાજમાં અંગ્રેજી થાય એ સાંભળતા ડયુટી પરના ફિમેલ સિક્યોરિટી ગાર્ડની આંખમાં ઝળઝળિયાં આવી જાય, એ પણ નજર સામે નિહાળ્યું. ન્યુયોર્કના મેયર આવતા હોય કે સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસ પ્રવાસમાં હોઈ એમના ડેપ્યુટી સેક્રેટરી જનરલ અમીના મોહમ્મદ સંવાદ કરવા મળતા હોય, એ વખતે અહીં વૈષ્ણવજનના માધ્યમે 'અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જ્જવારૂપે અનંત ભાસે'ના કવિ નરસિંહ મહેતાનો નાદ ગૂંજ્યો. યોગગુરૂ બાબા રામદેવથી લઈ જળપ્રદૂષણનિવારણ માટે વૈશ્વિક અહાલેક જગાવતા હિમાલયના પરમાર્થ નિકેતન સુધીનાને યુએનમાં ભારતની વાત મૂકવાનો મંચ મળ્યો!
આ બહુ અગત્યની શાંતિમય ક્રાંતિ છે. આપણી પાસે ઋષિઓનો રસિક વારસો છે. વેદઉપનિષદ ને મહાકાવ્યોથી સભર સર્જકતાથી શોભતો માનવતા અને મૂલ્યોનો મહાસંદેશ છે. સ્વીકારભાવથી જીવનને ઉત્સવ બનાવવાની વાત જગતમાં પહેલા ભારતે કરી. વ્યક્તિગત વિચારના સ્વાતંત્ર્યને મહત્વ આપીને લોકશાહીના મૂળિયા ભારતે રોપ્યા. સમગ્ર પૃથ્વી જ નહિ, અનેક બ્રહ્માંડ પણ અંતે એક જ છે, એવું અદ્વૈતગાન પણ ભારતે વિચાર્યું. વિવિધ કથાઓ થકી મનુષ્ય અને સજીવસૃષ્ટિમાં સંવાદિતા, હાર્મનીનો ભાવ ભારતે શરૂ કર્યો અધ્યાત્મની આંગળી પકડીને! સત્યમ, શિવમ, સુંદરમને જીવી ગયેલી આ ભૂમિ પર શંકરાચાર્યથી ઓશો સુધીના મનીષીઓ આવ્યા. અનેક સંતકવિઓએ જીવનને ઉદાસીમાંથી ઉત્સવ બનાવવા સહઅસ્તિત્વ થકી પ્રેમસંદેશ આપ્યો.
પણ આપણે દુર્ભાગ્યે ખુદ જ એનું ગૌરવ અનુભવવાને બદલે કોપીકેટ સંકુચિતતામાં ડૂબી ગયા છીએ, અને આપણી આ ખજાનાથી વધુ મૂલ્યવાન વાતો હોવી જોઈએ એટલી જગત સામે મૂકી શક્યા નથી. રામરાજ્યના મૂળમાં પણ પરસ્પર પ્રીતિનો ભાવ છે, અને ઉત્તરકાંડમાં માનસમાં રામજીના મુખે તુલસીદાસજી લખે છે : ''અખિલ વિશ્વ યહ મોર ઉપાયા, સબ પર મોરી બરાબર દાયા, સબ મમ પ્રિય સબ મુજ ઉપજાયે, સબ તે અધિક મનુજ મોહિ ભાયે'' એ ચોપાઈને બીજ બનાવીને કહેવાયું કે પરમાત્મા તો સમગ્ર સંસાર, દરેક સજીવ પોતાની જ લીલાથી રચાયા હોવાનું કહીને બધા પર સમભાવ રાખે છે. એમને બધાં જ વ્હાલા છે, પણ ઉત્તમોત્તમ કૃતિ મનુષ્ય એમને વધુ પસંદ છે, ને એની પાસેથી એ ઉત્તમ સાત્વિક આચરણ અને પ્રસન્નચિત્ત સૌંદર્યની આશા રાખે છે!
ઓલિમ્પિકમાં ગોલ્ડ બાદ સિલ્વર મળે, તો પણ અપેક્ષાથી ઓછો લાગે એવું કદ પ્રાપ્ત કર્યા બાદ પણ મા-બાપના સંસ્કારથી શોભતા નીરજ ચોપરાના નવા વિશાળ બંગલાનું નામ 'વસુધૈવ કુટુમ્બકમ્' છે. બસ, ઋષિઓની આ જ ઉદાત્ત ભાવનાને વિશ્વસંસ્થા યુએનમાં આગળ મૂકી. ભારતના જ વિચારશિલ્પીઓએ બધી દિશાઓથી સારા વિચારો ટીકાટીપ્પણ કે ભેદભાવ વિના ગ્રહણ કરવા કહ્યું. ભારતમાં જ સ્ત્રી સ્વાતંત્ર્યના શિખર જેવા સ્વયંવર કે કોઈ જન્મથી થતા ભેદ તો ઠીક, દેખાવથી પણ મુક્ત એવા ચૈતન્યનો સ્વીકાર થયો. આપણે જડતાથી આ વારસો લગભગ ફનાફાતિયા કરી નાખ્યો, ત્યારે પરસ્પર પ્રીતિના રામરાજ્યનો પ્રેમરાજ્ય કહેતા કેટલાક શબ્દ યુએનના પ્રાંગણમાંથી મોતીડાની વીજળીના ચમકારે પરોવેલી માળાનો રાસ અહીં રચીએ :
''ઉદ્યોગ શબ્દમાં ઉદ્યમ એટલે પ્રયત્ન છે, શ્રમ છે, પણ આપણે તો હિંસાના ઉદ્યોગો થયા! જ્યાં આપણે બેઠા છીએ ત્યાં વિશ્વશાંતિ માટે અપીલો થાય છે. પણ ત્યાં જ શસ્ત્રોના સોદાગરો પણ છે. મહાસત્તાઓ હથિયારો ઉત્પાદિત કરીને વેંચે, ત્યાં સુધી યુદ્ધ સાવ બંધ કેવી રીતે થાય? રામાયણમાં યુદ્ધ છે, પણ યુદ્ધની લાલસા કે ઘેલછા નથી. યુદ્ધ આસુરી વૃત્તિ-પ્રવૃત્તિ માટે લંકામાં છે. અયોધ્યા શબ્દમાં જ જ્યાં યુદ્ધ નથી થતું એવું નગર એમ આવે છે ! જો હૃદયમાં રામ હશે, તો બીજાનું પડાવી કે છીનવી લેવાનું મન નહિ થાય. અકારણ નિર્દોષોની હિંસા નહિ થાય.
મનુષ્યનું સ્વાર્થી ચિત્ત વ્યવસ્થાને વિકારમાં ફેરવી નાખે છે. સદ્વિચાર, સદ્વાણી અને સદાચાર આ ત્રિવેણી સંગમ થાય તો દુનિયામાં ૯૯% યુદ્ધ શું, ઘરના કજીયાકંકાસ પણ ન થાય. ૧%ની ગેરેન્ટી નહિ પણ વિચાર સારા હોય, શબ્દો મીઠા હોય ને વર્તન અન્યનું હિત જોતું પરોપકારી હોય તો - ૯૯% સંઘર્ષો મટી જાય. આપણે ગણેશવંદનામાં સર્વકાર્યેષુ સર્વદા કહીએ, પણ બધા કાર્યો સફળ કરવા જેવા ના પણ હોય. ત્રાસવાદી પણ એના અપરાધી કાર્યની સફળતા ઇચ્છે. સાચી પ્રાર્થના તો શુભ કાર્યેષુ સર્વદા હોય! જે સારા છે, સુંદર છે, ભલું કરનારા છે, એવા શુભ કાર્યો કે પરમાત્મા, સફળ થાય એવી કૃપા કરો. કથા એટલે જ લાભ માટે નથી, શુભ માટે છે. જનકલ્યાણથી વિશ્વકલ્યાણ માટે છે. ધાર્યું ના થાય, એને પણ પ્રભુનો પ્રસાદ સમજવો. આ સ્વીકારભાવ આવે ત્યાં સંઘર્ષ ઘટી જાય.
આખા વિશ્વમાં સહકાર અને સહઅસ્તિત્વની સમજ પહેલા ભારતના વારસામાં હતી. બીજાઓ શું કરે છે એનાથી પ્રભાવિત થયા વિના, આપણા કર્મોનું સાક્ષીભાવે નિરીક્ષણ કરી આત્મનિયંત્રણ કરવાની વાત ભારતે કરી. આપણા ઋષિઓએ શબ્દ આપ્યો : 'વિશ્વની।મ્' આ સમગ્ર જગત એક માળો છે, આપણે એના વિવિધરંગી પંખી છીએ. આપણા વેદમાં કેવળ એક રાષ્ટ્રની સુખાકારી કે એક જાતિની સર્વોપરીતાની વાત નથી. પ્રકૃતિની પૂજા છે. ઋગ્વેદમાં આખું સાંમજસ્યસૂત્ર છે. જેની પ્રાર્થના શાળાઓમાં થતી. સંગચ્છત્વં... થી સહનાવવતુ સુધી. એકબીજાની સાથે મળીને કામ કરવાથી માનવસમાજ ટકી શકે. ગુરૂદેવ ટાગોરને નોબલ પ્રાઈઝ મળ્યું, એમની 'ઇન હેવન ઓફ ધેટ ફ્રીડમ' અંગ્રેજી કવિતામાં ભારતના સંસ્કૃતમાં લખતાબોલતા ઋષિઓની સંસ્કૃતિનો પડઘો છે. કવિ એ કહેવાય જેની સંવેદના સમગ્ર પૃથ્વીની માનવતા માટે આંસુ સારે! આપણા ઉમાશંકરદાદા કહેતા 'વ્યક્તિ મટી હું બનું વિશ્વ-માનવી! આ વેદવાણી છે. વેદ સમજે એ ભેદ ન કરે. પર્યાવરણની ચિંતા ભારતે શરૂ કરી. ઓછામાં ચલાવીને પ્રદૂષણનો બોજ ઘટાડવાના સાદગી ને સંયમ આપણો વારસો છે. આપણે નાનામાં નાના ઉંદર જેવા જીવને પણ ગણેશ સાથે જોડયો. આપણા દરેક મંત્રગાનમાં, યજ્ઞામાં છેલ્લે શાંતિપાઠ છે. બધે શાંતિ થાય એ ભારતનો અભિગમ છે.
જગતમાં રશિયા, યુક્રેન, ઈઝરાયેલ, પેલેસ્ટાઇન ઠેકઠેકાણે સરહદો સળગે છે. આપણને તો પાડોશીઓનું સુખ નથી મળ્યું સરખું. પણ ખરો મનોરથ તો આવી બોર્ડર પર જઈ કથા કરવાનો છે. ભલે ગોળી ચાલે, એક દિવસ તો મરવાનું જ છે. પણ આપણે નરસિંહ મહેતાના વારસદાર છીએ, બીજાનું સારૃં કરવા
ખુદ સહન કરી લેશું, પણ બીજાની સાથે ખરાબ કે ખોટું નહિ કરીએ. લંકામાં હનુમાનજીની પૂંછડી બાળવાનો પ્રયત્ન થયો. રાક્ષસ એ છે જે બીજાની લાંબી પ્રતિષ્ઠા સહન ન કરી શકે. ઈર્ષા ને ક્રોધથી એ બાળવાનો પ્રયાસ કરે. બળતરા પણ તનાવનું, સંઘર્ષનું એક કારણ છે. નરસિંહ મહેતાએ સાધુપુરૂષ માટે કહ્યું ''નિદ્રાને પરહરી''.... પણ રામરાજ્ય લઈ આવવું હોય તો આજના સમયમાં 'નિંદાને પરહરી' એ સમજવું. બીજાની નિંદા, કૂથલીનો ત્યાગ કરવાથી સાધુતાનો સ્વવિવેક આવે.
કથા એટલે બેરખો નહિ, બેરૂખી દૂર કરતી મોબાઈલ વાન. મદ્ય (શરાબ) છોડવો તો સારી વાત છે, પણ એથી ય કઠિન મદ (અહંકાર) છોડવો એ છે. દેશ છોડો કે ના છોડો એ તમારી મરજી, પણ 'દ્વેષ' જરૂર છોડવો. સ્વાદ નથી છોડવાનો, પણ વિવાદ છોડવાનો છે. રામાયણ નહિ વાંચોસાંભળો તો ચાલશે, પણ સતત મોઢું ચડાવીના ના ફરો. સુંદર, સ્વસ્થ, સસ્મિત રહો. પોતાના પરિવારને સુખી કરવો એ મોટો ધર્મ છે. ગૃહસ્થીનો તિરસ્કાર ન કરો. પ્રેમ વિના તો કોઈ યુધ્ધ અટકવાનું નથી. પ્રેમ જ આપણને પોતાને બદલે બીજા માટે જીવતા શીખવે છે. આપણા ઈશ્વરો પ્રેમત્વ છે, પ્રેમ સનાતન ઔષધિ છે. પોતાની વાત પર અનેક વ્રતો-નિયમો-ધાર્મિક આજ્ઞાાઓના બંધનોથી કષ્ટ ગુજાર્યા વિના, કે બીજાઓને આવા દબાણમાં દુ:ખી કર્યા વિના - અપને કો યા અપનો કો સતાયે બિના પાંચ મિનિટ હરિસુમિરન કીર્તન તમને જે ઈષ્ટ લાગે એ માટે રોજ કરો. બધું જીવીને, કામ કરીને, ફિલ્મ-ટીવી જોઈને, ભોજન કરીને, ભણીને, મિત્રો-પરિવાર સાથે આનંદપ્રમોદ કરીને... બસ, પરમને યાદ કરી નમ્ર થાવ તો મોટી વાત છે.
ગુરૂ તો એ છે, જેને નાના બનવામાં સંકોચ ના થાય. ફેમિલી ફોટોમાં નાની ઉંમરના આગળ હોય ને મોટી ઉંમરના પાછળ બેસો. મોટા થવા માટે પાછળ ખસતા આવડવું જોઈએ, નવી પેઢીને આગળ કરીને. આ કથા ઐતિહાસિક છે, એમ ભાવથી બધા કહે છે. પણ કથા તો સનાતન છે. કદી ઇતિહાસ થવાની નથી. ભવિષ્યમાં આપણે નહિ હોઇએ કથા તો ગૂંજવાની છે ભારતની. પણ એ માટે સ્પર્ધા નહિ, શ્રધ્ધા જોઇએ. ગુરૂ કેવળ સિદ્ધ નહિ, પણ શુદ્ધ જોઇએ. સાચા ગુરૂ આંધળા ન કરે, પણ દેખતા કરે. ઓશોની જેમ પ્રહાર કરી આંખો ખોલી નાખે. રસિક ના હોય, પ્રસન્ન ના હોય, સંવેદનશીલ ના હોય એ ગુરૂ નથી. બસ, સૌંદર્ય, ઔદાર્ય, માધુર્ય, ગાંભીર્ય, ધૈર્ય, શૌર્ય હોય એ બુદ્ધત્વને પામેલા. મોક્ષ માટે ભૂમિ નહિ, ભૂમિકા મહત્વની છે. બોધિસત્વ ન થઈ શકીએ, પણ ગરીબ વડીલોએ સંસ્કાર આપ્યા એવા કે પોથીસત્વ થયા.
નિંદા કોઈની ગુપ્તરૂપે કરો તો દિશાઓ યાને અંતરાત્મા ને પરમાત્મા તો સાંભળે જ છે. કાલ (સમય), કર્મ (વર્તન), ગુણ, (આદતો), સ્વભાવ (રસરૂચિ)થી દુ:ખ આવે. ના એ પાડી શકે, જે ભીતરથી જાગૃત હોય. રામ એ છે જે સેતુ બનાવે. રામરાજ્ય એ છે જે સુંદર હોય. સંજોગોનો સૂરજ જ્યારે મધ્યાહ્ને આવે યાને કસોટી કરે, ત્યારે છાયા (ઇમેજ) વિનાની ઓળખ થાય. પરખ તો આકરા સંજોગોમાં થાય. યજ્ઞાના અંતે ફળ મળે, પણ ફળ કરતા રસ મહત્વનો છે. અ-વધ (વધ વિનાની) દુનિયા થશે તો 'વિષ'માંથી વિશ્વ અમૃત બનશે. વિનોબાજી જય જગત કહેતા, માનસમાં છે ''જય જીવન.''
રીડરબિરાદર, રોજ અઢળક ઠલવાતા સૂત્રોમાંથી આ થોડીક છાલક શ્રાવણમાં ભીંજવી નાખતી, યુનાઇટેડ નેશન્સની કથાની! મોરારિબાપુએ 'ગુજરાત સમાચાર'ની ગાંધી આશ્રમમાં કથા થયેલી. યુનાઇટેડ નેશન્સ નવ દિવસ માટે ગાંધીઆશ્રમ બની ગયો! વર્ષો પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થી શિબિરમાં વ્યાખ્યાન આપતા બાપુએ કહેલું કે મારું ચાલે તો યુનો (યુ.એન.)માં જઈ 'પ્રેમ દેવો ભવ' લખી દઉં. કથા ત્યારે જાણતી હશે ભાવિ, કે વ્યાસપીઠ પર લખાયેલું રહ્યું 'પ્રેમ દેવો ભવ'!
ફાસ્ટ ફોરવર્ડ
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે.
(મુનિ ચિત્રભાનુજી)