Get The App

રક્ષાબંધનઃ એક ઉજવણી આવી પણ હોઈ શકે! .

Updated: Aug 18th, 2024


Google NewsGoogle News
રક્ષાબંધનઃ એક ઉજવણી આવી પણ હોઈ શકે!                      . 1 - image


- એકનજરઆતરફ-હર્ષલપુષ્કર્ણા

- સરહદ સુધી ભલે પ્રત્‍યક્ષ પહોંચી ન શકીએ, પણ ત્‍યાં તૈનાત સપૂતો સુધી આપણો આદર-પ્રેમ રાખડીના માધ્યમથી તો પહોંચાડી જ શકીએ.

- રેશમનો એક સામાન્‍ય દોરો સીમાપ્રહરી સૈ‌નિકને એ બાબતનો માન‌સિક સ‌ધિયારો દેવામાં ‌નિ‌મિત્ત બની શકે કે તેમની ‌ચિંતા કરવાવાળું તેમજ દેશકાજે તેમની સેવાની કદર કરવાવાળું કોઈક છે.

અહીં રજૂઆત પામતી ચર્ચાનો હાર્દ લાગણી તેમજ સંવેદના છે. આમ છતાં વાત સા‌હિત્‍યની નથી; મનો‌વિજ્ઞાનની છે. બન્‍ને વચ્‍ચે ‌વિષય ઉપરાંત ‌વિજ્ઞાનના પણ દૃ‌ષ્‍ટિકોણે બહુ મોટો તફાવત છે. ક‌વિ-સાહ‌‌િત્‍યકારો હૃદયને સંવેદનાનું કેંદ્ર ગણે, જ્યારે મનોવિજ્ઞાન માટે તો સંવેદનાનું સરનામું શરીરના ઉપલા માળે વસતા મગજમાં છે. આથી આપણી ચર્ચાની ગાડીને પહેલાં ત્‍યાં લઈ જઈએ.

વર્ષ ૨૦૨૦માં માનવજાતે કો‌વિડ-19 મહામારી જોઈ અને તે દરમ્‍યાન લોકડાઉન ‌સ્‍થિ‌તિમાં સોશ્‍યલ ‌ડિસ્‍ટન્‍સ અર્થાત્ સામા‌જિક અંતરના નામે ‌દિવસો સુધી loneliness/ લોન્‍લીનેસ/  એકલતા અનુભવી. હજારો વર્ષોથી સામા‌જિક અને સમૂહચારી જીવન જીવવા ટેવાયેલા મનુષ્‍ય માટે એકલતાનો તે અનુભવ અભૂતપૂર્વ હતો તેમ અસહ્ય પણ હતો. આથી બન્‍યું એવું કે કો‌વિડ-19ના વાંકે લાદવામાં આવેલા લોકડાઉન વખતે સમૂહચારી જીવનથી ‌વિમુખ બનેલા અસંખ્‍ય લોકો માન‌સિક ગમગીનીનો ‌શિકાર બન્‍યા. કેટલાક મ‌હિના પછી મહામારીનું ગ્રહણ છૂટ્યું એ સાથે બધું પૂર્વવત્ થયું. મતલબ કે, સોશ્‍યલ ‌ડિસ્‍ટન્‍સ નામની ફાચર નીકળી જતાં સામા‌જિક ‌મિલાપ-મેળાવડા થવા લાગ્‍યા અને માનવજાત ફરી સમૂહચારી અવસ્‍થામાં આવી.

જીવ‌વિજ્ઞાન માટે કો‌વિડ-19 જે રીતે સંશોધનનો ‌‌વિષય હતો તેમ મનો‌વિજ્ઞાનીઓ માટે લોકડાઉનની માનવજાત પર થયેલી એકલતાની માન‌સિક અસરો અભ્‍યાસનો મુદ્દો હતો. કદાચ તે મુદ્દાએ અમે‌રિકાની ડો. સ્‍ટેફની કૈ‌સિઓપો નામની મ‌હિલા ન્‍યૂરોસાય‌ન્‍ટિસ્‍ટને (તં‌ત્રિકા ‌વિજ્ઞાનીને) સરસ મજાના પુસ્‍તકનો ‌વિષય આપ્‍યો. વર્ષ ૨૦૨૨માં તેમણે ‘વાયર્ડ ફોર લવ’ શીર્ષક હેઠળ સવા બસ્‍સો પાનાંનું પુસ્‍તક લખ્યું, જેનો ‌નિચોડ એટલો કે સમૂહ તેમજ પ‌રિવારમાં રહેવું મનુષ્‍ય માટે જરૂરી જ ન‌હિ, અ‌નિવાર્ય પણ છે. કારણ કે તેની સીધી અને સકારાત્‍મક અસર મ‌સ્‍તિષ્‍ક પર પડે છે. આ રીતે—

માણસ જ્યારે તેના ‌મિત્રો-પ‌રિવાર વચ્‍ચે હોય ત્‍યારે મગજના વેન્‍ટ્રલ ટેગમેંટલ કહેવાતા ‌હિસ્‍સામાં ડોપામાઇન રસાયણનો સ્રાવ ઝરે છે. આ રસાયણ માણસને પ્રેમ, હૂંફ મળ્યાનો તેમજ પોતે સામા‌જિક સંબંધોના ઘેરાવ વચ્‍ચે સુર‌ક્ષિત હોવાનો ભાવ જન્‍માવવામાં કારણભૂત બને છે. આખરે તો એ સુખદ અનુભવ જ મનુષ્‍યને સામા‌જિક પ્રાણીનો દરજ્જો જાળવી રાખવાનું સતત ઇજન કર્યા કરે છે.

આનાથી ‌બિલકુલ ‌વિપ‌રિત ‌સ્‍થિ‌તિ એકલતા વખતે સર્જાય છે. પ‌રિવાર-‌મિત્રોથી અટૂલા રહી જતા માણસના મગજમાં ડોર્સેલ રેફે ન્‍યૂ‌ક્લિઅસ કહેવાતા ‌હિસ્‍સામાં થતા રાસાય‌ણિક ફેરફારો તેને સમાજથી છેટા રહી ગયાની લાગણી કરાવે છે. આ લાગણીનું વારંવાર થતું પુનરાવર્તન તેને આસ્‍તે આસ્‍તે ગમગીનીના દ‌રિયામાં ગરકાવ કરે છે. યોગ્‍ય સમયે યોગ્‍ય વ્‍ય‌ક્તિનો સાથ ન મળે તો તેમાંથી બહાર નીકળવું મુશ્‍કેલ બની જાય, જીવન ‌નિરર્થક લાગવા માંડે અને તેને ટૂંકાવવાના ‌વિચારો જન્‍મે એવું પણ બને. 

ટૂંકમાં, મનુષ્‍યની સંવેદનાનું કન્‍ટ્રોલ સેન્‍ટર છાતીમાં ધબકતું હૃદય ન‌હિ, પણ નક્કર ખોપરીના બંધ કાચલામાં તરતું મગજ છે. ચોક્કસ પ્રકારનાં રસાયણોનો સ્રાવ જે તે સંવેદનાનો કારક છે—અને સ્રાવ વળી માણસની ઇર્દ‌ગિર્દના માહોલને તથા અનુભવોને આધીન છે. મગજની તં‌ત્રિકાઓના ન્‍યૂરોસાયન્‍સ કહેવાતા ‌વિજ્ઞાનને અહીં એટલા માટે ટૂંકમાં ટાંક્યું કે જેથી આગામી પ્રસંગ તેના પ‌રિપ્રેક્ષ્‍યમાં સમજી શકાય.

■■■

પ્રસંગ નવેમ્‍બર, ૨૦૧૬નો છે. જગતના સૌ‌થી ઊંચા તેમજ સૌથી ‌વિષમ યુદ્ધક્ષેત્ર ‌સિઆચેનની ૧૧ ‌દિવસીય અભ્‍યાસ મુલાકાત લેવાનો ત્‍યારે અવસર મળ્યો હતો. ‌સિઆચેન બેઝ કેમ્‍પમાં રોકાણ દરમ્‍યાન ભારતીય લશ્‍કરની શીખ બટા‌લિઅનના મેજર એચ. એસ. સી. ‌સિંહ નામના ‌જિંદા‌દિલ અફસર જોડે ગુફતગો થઈ. ‌સિઆચેનના ઉત્તુંગ પહાડોમાં ૧૮,પ૦૦ ફીટની ઊંચાઈએ આવેલી લશ્‍કરી ચોકીમાં સાડા ત્રણ મ‌હિના લાંબી ફરજ બજાવીને તેઓ ઓક્ટોબરની આખરમાં બેઝ કેમ્‍પ પરત આવ્યા હતા. બર્ફીલા પહાડોનું ‌વિષમ વાતાવરણ, ‌હિમવર્ષા તથા ‌હિમઝંઝાવાત, શત્રુ (પા‌કિસ્‍તાન) તરફ 24x7 ચાંપતી નજર રાખવાનો તકાદો, ઢીંચણબૂડ ‌હિમના અફાટ સફેદ ‘દ‌રિયા’માં પગપાળા પેટ્રો‌લિંગ કરવું વગેરે બાબતો પર લાંબી ચર્ચા થઈ. વાતચીતમાં એક મુદ્દો ગગનચુંબી પહાડોના ઘેરા વચ્‍ચે જવાનોની એકલતા ‌વિશેનો અને તેના ઉપાય તરીકે અજમાવવામાં આવતા નુસખાનો નીકળ્યો ત્‍યારે મેજર ‌સિંહે રક્ષાબંધનના તહેવારનો પ્રસંગ ટાંક્યો. આ મુજબનો—

વર્ષ ૨૦૧૬ના ઓગસ્‍ટ માસનો પ્રારં‌ભિક સમય હતો. રક્ષાબંધન આડે દસેક ‌દિવસો હતા. ‌વીતતા ‌દિવસો સાથે મેજર ‌સિંહની ઉત્તુંગ ચોકીએ ‘‌ચિત્તા’ હે‌લિકોપ્‍ટરની એર-મેલ સેવા મારફત રાખડીનાં એકલદોકલ પરબીડિયાં આવતાં રહ્યાં. રાખડી અને તેના ભેગાં લાગણીસભર પત્રો જેમને મળ્યાં તે જવાનોના આનંદને સીમા નહોતી. બાયોલો‌જિકલ પરિપ્રેક્ષ્યમાં વાત કરો તો તેમના મ‌સ્‍તિષ્‍કમાં વેન્‍ટ્રલ ટેગમેંટલ ‌હિસ્‍સામાં ડોપામાઇન રસાયણનો સ્રાવ કારણભૂત હતો. આ સ્રાવે જવાનોને પોતે હજી સામા‌જિક સંબંધોના ઘેરાવ વચ્‍ચે હોવાની લાગણી કરાવી હતી.

બીજી તરફ, જેમને રાખડી બાંધનાર બહેનો જ ન હતી એ જવાનો જરા ઉદાસ હતા. મગજના ડોર્સેલ રેફે ન્‍યૂ‌ક્લિઅસ ‌હિસ્‍સાએ તેમને એકલતાનો અહેસાસ કરાવ્યો હતો—અને તેમની એ લાગણી ઓગસ્‍ટની ૧૮મી તારીખે રક્ષાબંધન ‌પર્વના ‌દિવસે ચહેરા પર વ્યક્ત થતી હતી. મેજર ‌સિંહે તેમના ચહેરા વાંચી લીધા. ચોકીના ઓ‌ફિસર-ઇન-ચાર્જ હોવાના નાતે સાથી જવાનોનો જોમ-ઉત્‍સાહ ટકાવી રાખવો તેમની નૈ‌તિક જવાબદારી હતી. મેજરે તેને બખૂબી ‌નિભાવી.

ચોકીના એકેય જવાનની કલાઈ રાખડી ‌વિનાની ન રહી જાય એ માટે મેજર ‌સિંહે ઉપાય અજમાવ્યો. ટપાલ મારફત આવેલી તમામ રાખડીઓ એ‌ક‌ત્રિત કરી. નસીબજોગે અમુક જવાનોને એક કરતાં વધારે રાખડીઓ મળી હતી, એટલે કુલ સરવાળો ચોકીના જવાનોની સંખ્‍યા કરતાં સહેજ વધારે થયો. રાખડીઓ ભેગી થઈ ત્‍યાર પછી મેજરે ચોકીના એક ‌મોટા તંબૂ નીચે ‌મિજબાનીનું આયોજન કરવાનો આદેશ દીધો. ગરમ સમોસા બનાવડાવ્યા અને રસગુલ્‍લાના ટિન ખોલાવ્યા. બધા જવાનોને એ તંબૂમાં એકઠા કર્યા અને વારાફરતી દરેક જણને પોતાના હાથે રાખડી બાંધી. સગી બહેન ન હોવા છતાં રક્ષાબંધનનો પર્વ ઊજવવા મળ્યો એ લાગણીએ પેલા ઉદાસીન જવાનોની ઉદાસી સૂર્યતાપમાં પીગળતા ‌હિમની જેમ પિગાળી નાખી. હજી થોડા સમય પહેલાં તેમના મગજનો ગમગીની કારક ડોર્સેલ રેફે ન્‍યૂ‌ક્લિઅસ ‌હિસ્‍સો સ‌ક્રિય હતો. પરંતુ હવે વેન્‍ટ્રલ ટેગમેંટલ‌ હિસ્‍સામાં ડોપામાઇનનો આનંદ પ્રેરક સ્રાવ ઝરવા લાગ્યો હતો. રેશમના સામાન્‍ય ધાગાની ગેરહાજરીને કારણે સાથી જવાનોથી તથા સમાજથી દૂર થઈ ગયાનો ભાવ તેમના મનમાં જન્‍મ્‍યો હતો. પરંતુ મેજરે પોતાની સૂઝબૂઝથી તેને આનંદ-ઉલ્‍લાસમાં ફેરવી દીધો.

એક અનોખા પ્રકારની રક્ષાબંધન કરીને મેજર ‌સિંહ એન્‍ડ કંપનીએ સમોસા-રસગુલ્‍લાની ‌મિજબાની માણી એટલું જ ન‌હિ, પણ પંજાબી ગીતો પર ભાંગડા નૃત્‍યનોય આનંદ લીધો. હર્ષોલ્‍લાસની એ યાદગાર પળોનો ‌વિ‌ડિઓ મેજર ‌સિંહે જ્યારે તેમના લેપટોપ પર બતાવ્યો ત્‍યારે તેને જોતી વખતે મનમાં બે ‌વિચારો તત્‍કાળ આવી ગયા :

(૧) આને કહેવાય સફળ નેતૃત્‍વ! પોતાના સાથીને ઘડીભર મોળો ન પડવા દે એ ખરો લીડર!

(૨) રેશમના સાવ સામાન્‍ય ધાગાની ‌કિંમત ‌સિઆચેન જેવા સીમાવર્તી ‌વિસ્‍તારમાં ફરજ બજાવતા આપણા જવાનો માટે કેટલી મૂલ્‍યવાન છે!

■■■

આ બીજા ‌વિચારે એ રાત્રે મનમાં ‌વિચારબીજ રોપ્યું કે, મેજર ‌સિંહની ચોકીમાં તો મુઠ્ઠીભર જવાનો રાખડીથી તેમજ રક્ષાબંધનની ઉજવણીથી વં‌ચિત રહી જાય તેમ હતા. આખા ‌સિઆચેન ક્ષેત્રમાં ત્રણથી ચાર હજાર જવાનો તૈનાત હોય છે અને દેશના તમામ સીમાડા ગણતરીમાં લો તો જવાનોની સંખ્‍યા બહુ મોટી થાય. આ ‌હિસાબે આપણા કેટલા બધા સીમાપ્રહરીઓ રાખડી માટે તરસી જતા હશે!

‌વિચારબીજમાંથી આગામી ‌દિવસે જે અંકુર ફૂટ્યો તે ફૌજીઓ માટે રાખડી અ‌ભિયાન હાથ ધરવાના ‌વિચારનો હતો. રક્ષાબંધન ‌નિ‌મિત્તે દેશના સીમાપ્રહરીઓને યથાશક્તિ રાખડી પહોંચતી કરવાના ‌નિર્ધારનો હતો. ‌સિઆચેનની મુલાકાત લીધાના આગામી વર્ષની રક્ષાબંધનથી એ ‌નિર્ધારનું અમલીકરણ કર્યું. શરૂઆતમાં નાના પાયે આરંભાયેલું એક રાખી ફૌજી કે નામ અ‌ભિયાન વર્ષોવર્ષ મોટું સ્‍વરૂપ લેતું ગયું. દેશના ‌વિ‌વિધ શહેરોમાં વસતી બહેનો, શાળા-કોલેજો અને સંસ્‍થાઓ રાખડી અ‌ભિયાનમાં જોડાઈ. સરવાળે પ‌રિણામ એ આવ્યું કે ૨૦૧૭થી શરૂ કરીને આજ સુધીમાં કુલ મળીને ચૌદેક લાખ રાખડીઓ ‌દેશની સરહદોએ ઊભેલા સીમાપ્રહરીઓને પહોંચતી કરી શકાઈ. આની બે સકારાત્‍મક ફલશ્રુતિ મળી.

■ સરહદે ફરજ બજાવતા સૈ‌નિકોનો લાગણી સંબંધ એવી બહેનો જોડે સ્‍થપાયો કે જેમને તેમણે ક્યારેય જોઈ નથી. રાખડીનો તંતુ સીમાપ્રહરી સૈ‌નિકને એ બાબતનો માન‌સિક સ‌ધિયારો દેવામાં ‌નિ‌મિત્ત બન્‍યો કે તેમની ‌ચિંતા કરવાવાળું તેમજ દેશકાજે તેમની સેવાની કદર કરવાવાળું કોઈક છે. ઘર-પ‌રિવારથી ભલે તેઓ દૂર હોય, પણ સાવ એકલાઅટૂલા નથી. રાખડી મળ્યા પછી જે તે સીમાડેથી આવતા જવાનોના પત્રોમાં તેમજ ટે‌લિફોનમાં તેમની ખુશાલીનો ભાવ પામી શકાતો હતો.

■ શાળા-કોલેજના ‌વિદ્યાર્થી દેશના જવાનો માટે પોતાના હાથે રાખડી બનાવીને મોકલવા લાગી. રાખડી જોડે જવાનોને સંબોધીને સ્‍વશબ્‍દોમાં લાગણીભર્યાં પત્રો પણ લખતી. આમ કરવા જતાં તેમના હૃદયમાં ‌તિરંગા માટે તેમજ ‌તિરંગાના રક્ષક‌ સિપાહીઓ માટે આદર-પ્રેમની જ્યોત પ્રગટી, જે બહુ આવશ્‍યક અને આવકારદાયક પ‌રિવર્તન હતું.

■■■

પ‌શ્ચિમે કચ્‍છથી લઈને પૂર્વમાં અરુણાચલ પ્રદેશની હજારો ‌કિલોમીટર લાંબી સરહદે ખુશ્‍કીદળના તથા સીમા સુરક્ષા દળના લાખો જવાનો/અફસરો આપણી સુરક્ષા માટે બારેમાસ 24x7 પહેરો દેતા ઊભા રહે છે. વર્ષમાં ફક્ત એક ‌દિવસ થોડોક સમય કાઢીને શું આપણે તેમની સુરક્ષાના પ્રતીકરૂપી રાખડી મોકલી ન શકીએ? અને તે બહાને તેમની એકલતાને થોડાક સમય પૂરતી દૂર ન કરી શકીએ? દેશના જવાનો પ્રત્‍યે આદરની લાગણી ફક્ત શહેરની ગલીઓમાં ‌તિરંગાયાત્રા કાઢીને વ્યક્ત કરી સંતોષ માનવા કરતાં રાખડી વડે તેમની જોડે લાગણીનો તંતુ સ્‍થાપી ન શકીએ? રક્ષાબંધનની આવી અનોખી ઉજવણી કરીને બાળકોમાં અત્‍યારથી જ દેશપ્રેમની તથા દેશરક્ષકો પ્રત્‍યે આદરની લાગણીનો સંચાર ન કરી શકીએ?

‌નિરાંતે ‌વિચારજો—અને ‌વિચારતી વખતે ફક્ત લાગણીના પ્રવાહમાં વહી જવાને બદલે મનો‌વિજ્ઞાનને તથા મસ્તિષ્કના તં‌ત્રિકા ‌વિજ્ઞાનને પણ ફોકસમાં રાખજો. કો‌વિડ-19ના લોકડાઉન વખતે વધુઓછા અંશે અનુભવેલી એકલતાની લાગણીને જરા યાદ કરજો. સંભવ છે કે સરહદે ઊભેલા આપણા ફરજપરસ્‍ત પ્રહરીઓની મનોદશાનો વધુ સચોટ એક્સ-રે ઘરબેઠાં જ કાઢી શકાય.

જય ‌હિંદ કી સેના!■


Google NewsGoogle News