શ્રાવણને બાદ કરતાં કેટલા ભારતીયો દરરોજ પ્રાર્થના કરે છે?

Updated: Aug 18th, 2024


Google NewsGoogle News
શ્રાવણને બાદ કરતાં કેટલા ભારતીયો દરરોજ પ્રાર્થના કરે છે? 1 - image


- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા

- શિક્ષણ વધ્યું છે તેમ દેશમાં ધર્મ તરફની માન્યતા પણ બદલાઈ છે. જન્મથી કોઈ એકાદ ધર્મનું ટેગ હોય તેવા કરોડો લોકોને એકેય ધર્મમાં આસ્થા નથી

ધર્મ શું છે?

સૌથી પહેલો અને સૌથી મહત્ત્વનો સવાલ આ છે. અલગ અલગ ધર્મોમાં ધર્મની જુદી જુદી વ્યાખ્યા મળે છે. ભારતીય દર્શનમાં ધર્મની વ્યાખ્યા કંઈક આવી કરવામાં આવી છે : ધ્રિયતે લોક: અનેન ઈતિ ધર્મ. જે સૌને ધારણ કરે છે, સૌનો આધાર છે એ ધર્મ છે. ધરતિ ધારયતિ વા લોકમ્ ઈતિ ધર્મ: - અર્થાત ધરતી પર લોકહિતમાં જે ધારણ કરવા યોગ્ય છે તે ધર્મ છે.

ધર્મ શબ્દ ધિ નામની ધાતુમાંથી બન્યો છે, જેનો અર્થ થાય છે - ધારણ કરવું. સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં પણ ધર્મના ઉલ્લેખો છે. ભારતમાં ધર્મની વ્યાખ્યા બહુ વિશાળ અર્થમાં કરવામાં આવી છે. ક્યાંક સત્યને તો ક્યાંક નીતિને ધર્મ કહેવાયો છે, ક્યાંક અહિંસાને પણ ધર્મ કહેવાયો છે. ક્યાંક કર્મને ધર્મ સાથે જોડીને જુદી વ્યાખ્યા બનાવાઈ છે. સમય બદલાયો ને શિક્ષણ આવ્યું પછી માનવતા એ જ ધર્મ છે એવી વ્યાખ્યા પણ આવી.

દુનિયાભરમાં ધર્મની જુદી જુદી સમજૂતી થઈ છે. ધર્મના પર્યાય ગણાયેલા અંગ્રેજી શબ્દ 'રિલિજન' લેટિનના 'રિલિજેયર'માંથી બન્યો છે. એનો અર્થ થતો હતો - બાંધવું. માણસને ઈશ્વર સાથે બાંધે એ ધર્મ. આ રિલિજન શબ્દની આસપાસ પશ્વિમના દેશોમાં ધર્મની સમજ ઘડાઈ.

પણ ધીમે ધીમે બધા ધર્મોમાં 'ધર્મ'ની વ્યાખ્યા સ્થિર થતી ચાલી ને અત્યારે કંઈક આવી બની ગઈ છે - ઈશ્વરમાં આસ્થા એટલે ધર્મ.

વેલ, આજે કેટલા લોકોને ઈશ્વરમાં આસ્થા છે?

આ બીજા અગત્યના સવાલનો જવાબ મેળવીએ.

અમેરિકામાં બરાબર ૨૦ વર્ષ પહેલાં સ્થપાયેલું એક સંગઠન છે - પ્યુ રિસર્ચ સેન્ટર. સામાજિક, આર્થિક, રાજકીય સહિતના કેટલાય મુદ્દા પર ગ્લોબલી રિસર્ચ કરે છે. અમુક સંશોધનો તો વર્ષો સુધી ચાલતા રહે છે ને એના ડેટાનું એનાલિસિસ કર્યા બાદ અહેવાલો આવે છે. એવો જ એક ધર્મ સેન્ટ્રિક લેટેસ્ટ રિપોર્ટ દોઢ દશકાના રિસર્ચ પછી આવ્યો છે.

દુનિયામાં કેટલા લોકોને ઈશ્વરમાં આસ્થા છે? ક્યા દેશના લોકો સૌથી વધુ ધાર્મિક છે? તેમના જીવનમાં ધર્મનું શું મહત્ત્વ છે? ધર્મમાં માને છે તો દરરોજ પ્રાર્થના કરે છે કે નહીં? આવા ઘણાં સવાલોના જવાબો મેળવવાની એમાં કોશિશ થઈ છે. આ અને આવા અન્ય રિપોર્ટ્સનો આધાર લઈને આપણે દુનિયામાં કેટલા લોકો ધર્મમાં/ઈશ્વરમાં આસ્થા ધરાવે છે અને કેટલા લોકો ડેઈલી રૂટિનમાં પ્રાર્થનાને સ્થાન આપે છે એ જાણવાનો પ્રયાસ કરીએ.

૨૦૦૮થી ૨૦૨૩ સુધી ૧૦૨ દેશોમાં સર્વે કર્યા બાદ પ્યુ રિસર્ચ સેન્ટરે તૈયાર કરેલા અહેવાલનું માનીએ તો આફ્રિકન દેશો વધુ ધાર્મિક છે. લેટિન અમેરિકાના દેશોમાં પણ ધર્મ, ધાર્મિક વિધિ, પ્રાર્થનામાં વધુ માને છે. યુરોપના દેશોમાં ધર્મનો પ્રભાવ ઘટયો છે. યુરોપના ઘણાં દેશોમાં લોકો ધર્મમાં માને છે ખરા, પરંતુ નિયમિત પ્રાર્થના કરવાનો સમય ફાળવતા નથી. પૂર્વ એશિયન દેશોમાં પણ લોકોની ઈશ્વર તરફની આસ્થા ઓછી થઈ છે.

સેનેગલ, માલી, તાન્ઝાનિયા, રવાન્ડા, ઝામ્બિયા જેવા દેશોમાં ૯૦ ટકા લોકોએ કહ્યું કે ધર્મ તેમના જીવનમાં અનિવાર્ય હિસ્સો છે. ઈશ્વરમાં આસ્થા છે એટલે તેમનું જીવન ચાલી રહ્યું છે. યુરોપના દેશોમાં માત્ર ૧૦ ટકા લોકોએ એવું ભારપૂર્વક સ્વીકાર્યું કે ધર્મ અને ઈશ્વર તેમના જીવનમાં અનિવાર્ય હિસ્સો છે અને તેના વગર જીવી શકે તેમ નથી. ૯૦ ટકા લોકોએ ધર્મને તેમના જીવનનો અનિવાર્ય ભાગ ન ગણાવ્યો. ડેનમાર્ક, સ્વિટ્ઝર્લેન્ડ, બ્રિટન, સ્વીડન, ફિનલેન્ડમાં ૧૫ ટકા લોકો માંડ દરરોજ પ્રાર્થના કરે છે. ધર્મને મહત્ત્વ ન આપનારા લોકોમાં અમેરિકન્સ પણ ખરા. ૫૮ ટકા અમેરિકન્સે ધર્મનું મહત્ત્વ ખાસ ન હોવાનું કહ્યું.

પૂર્વ એશિયન દેશો - ચીન, જાપાન, મોંગોલિયા, ઉત્તર-દક્ષિણ કોરિયા, તાઈવાનને બાદ કરતાં બાકીના એશિયન દેશોના લોકોએ સ્વીકાર્યું કે તેમના જીવનમાં ધર્મ બહુ મહત્ત્વનો છે. આ દેશોના લોકો દરરોજ ધાર્મિક પ્રાર્થના કરતા નથી કે તેમના દેવાલયમાં જતા નથી. આ રિસર્ચમાં દેશ પ્રમાણે થયેલા એનાલિસિસનું માનીએ તો ઈન્ડોનેશિયાના લોકો દુનિયામાં સૌથી ધાર્મિક છે. તેમના જીવનમાં ધર્મ અને ઈશ્વરનું એટલું મહત્ત્વ છે કે દરરોજ એટલિસ્ટ એક વખત પ્રાર્થના કરે છે. જ્યારે જાપાનના લોકો સૌથી ઓછી પ્રાર્થના કરે છે. જાપાનમાં પૂછાયું કે તમારી લાઈફમાં ધર્મ કેટલો મહત્ત્વનો છે? જવાબમાં મોટાભાગના જાપાનીઓએ - ખબર નથી, કહી શકાય નહીં એવું કહ્યું હતું.

આ ગ્લોબલ રિસર્ચમાં ૮૦ ટકા લોકોએ ધર્મનું મહત્ત્વ સ્વીકાર્યું હતું, પણ ૪૫ ટકાએ કહ્યું કે તેમની લાઈફમાં ધર્મનું રોજિંદું સ્થાન નથી. વારે-તહેવારે દેવદર્શને કે સત્સંગ-પ્રવચનોમાં જઈ આવે છે. દરરોજ પ્રાર્થના કરતા નથી.

શ્રાવણને બાદ કરતાં કેટલા ભારતીયો દરરોજ પ્રાર્થના કરે છે?

વેલ, આ જવાબ થોડો વિસ્તારથી મેળવીએ. દેશમાં ૨૦૦૧ વસતિ ગણતરીમાં સાત લાખ લોકોએ ધર્મની કેટેગરી ખાલી છોડી દીધી હતી. ૨૦૧૧ની વસતિ ગણતરી વખતે આ સંખ્યા વધીને ૨૯ લાખ થઈ ગઈ હતી. ધર્મમાં ન માનતા કે જેનો ધર્મ સ્પષ્ટ ન હોય એવા નાગરિકોની સંખ્યામાં ચાર ગણી વૃદ્ધિ થયેલી. રિલિજન ગ્લોબલ ઈન્ડેક્ષ કહે છે એમ ભારતમાં ૮૧ ટકા લોકો ધાર્મિક છે ને પોતાને એક નહીં તો બીજા ધર્મના અનુયાયીઓ ગણાવે છે. ૧૩ ટકા લોકોનો કોઈ ધર્મ નથી. ત્રણ ટકા લોકો સ્પષ્ટ રીતે અનીશ્વરવાદી છે, જેને પ્રચલિત અર્થમાં નાસ્તિક કહેવાય છે. કેમ્બ્રિજ યુનિવર્સિટી ભારતમાં નાસ્તિકોની સંખ્યા વધુ હોવાનો દાવો કરતા કહે છે કે ભારતમાં કુલ વસતિમાંથી છ ટકા નાગરિકો સ્પષ્ટ રીતે નાસ્તિક છે.

ભારતમાં આસ્તિક અને નાસ્તિક બંને ફિલોસોફી વૈદિકકાળથી માન્ય છે. નાસ્તિક કે અનીશ્વરવાદનો ભારતીય દર્શનમાં સમાવેશ થયો છે. ચાર્વાક એમાં પ્રમુખ અને પ્રચલિત દર્શન છે. આ બધા દર્શનો છતાં પ્રાચીન ભારતના બહુમતી લોકો આસ્થાવાદી હતા. અર્વાચીન ભારતમાં એ બાબતે પરિવર્તન આવી રહ્યું છે. શિક્ષણ વધ્યું, દુનિયાનો પ્રભાવ વધ્યો, દરેક પ્રકારની આઝાદીનો ખયાલ વિકસ્યો પછી લોકોની ધર્મની માન્યતા બદલાઈ છે અને સીધો પડઘો ધાર્મિક વિધિવિધાન, પૂજાપાઠ પર પડયો છે.

૨૦૨૨માં ગ્લોબલ રિલિજન ઈન્ડેક્ષ દાવો કરે છે કે ભારતમાં ૧૮ ટકા લોકો એકેય ધર્મમાં કે એકેય ભગવાનમાં માનતા નથી. લેટેસ્ટ પ્યુ રિસર્ચનું માનીએ તો ધર્મનું મહત્ત્વ ભારતીયોના રોજિંદા જીવનમાંથી ઓછું થતું દેખાય છે. અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે એટલે ચારેબાજુ શિવભક્તિ, કૃષ્ણભક્તિનો માહોલ છે. દેશમાં અમુક તહેવારો દરમિયાન ધાર્મિક પૂજા-અનુષ્ઠાનનું પ્રમાણ વધે છે ખરું, પરંતુ વાત જો ડેઈલી લાઈફની હોય તો ૬૦ ટકા ભારતીયો દરરોજ એટલિસ્ટ એક વખત પ્રાર્થના કરે છે. એમાં બધા ધર્મના લોકોનો સમાવેશ થાય છે.

આંકડાની રીતે જોઈએ તો ભારતમાં લગભગ ૮૦-૮૫ કરોડ લોકોને ધર્મમાં, ઈશ્વરમાં, ધર્મગ્રંથોમાં આસ્થા છે, પરંતુ ૫૫ કરોડ લોકોના રોજિંદા જીવનમાં પ્રાર્થના, ધર્મ, પૂજા-પાઠનું કોઈ સ્થાન નથી.

વેલ, સંશોધનોનું એક તારણ એવુંય નીકળ્યું કે જ્યાં સુખ-સમૃદ્ધિ-સુવિધા-શિક્ષણ વધ્યું છે ત્યાં લોકોનો ધર્મ તરફનો ઝુકાવ ઓછો છે. સ્ટેબલ લાઈફ છે, અનિશ્વિતતાઓ ઓછી છે તેમને ભગવાન ખાસ યાદ આવતા નથી, પણ જ્યાં પારાવાર મુશ્કેલીઓ છે, આકરો સંઘર્ષ છે એ વધુ પ્રારબ્ધવાદી છે, તેમને પ્રાર્થનાની વધુ જરૂર પડે છે.

ભારત અત્યારે મધ્યમાં આવીને ઉભું છે - આફ્રિકન દેશોની જેમ એક મોટો વર્ગ ખૂબ આસ્થાવાદી છે. યુરોપિયન દેશોની જેમ એક મોટા વર્ગ પાસે પ્રાર્થના કરવાનું કોઈ કારણ નથી! 

દુનિયામાં એકેય ધર્મમાં ન માનતા લોકો વધ્યા

૨૧મી સદીમાં ધાર્મિક માન્યતા, ધાર્મિક પરંપરાનો ઝડપભેર લોપ થઈ રહ્યો છે એવું સંશોધનો કહે છે. ૨૦૦૫થી ૨૦૧૧ દરમિયાન દુનિયામાં ધર્મ અને ભગવાનમાં માનતા લોકોની સંખ્યા ૭૭ ટકામાંથી ૬૮ ટકા થઈ હતી. એ પછીના એક દશકામાં ધર્મ કે ઈશ્વરમાં ન માનતા લોકો વધ્યા છે. દુનિયાની વસતિ ૮૦૦ કરોડને પાર પહોંચી છે. એમાંથી ૨૧૦ કરોડ લોકો કોઈ ધર્મમાં સીધી રીતે માનતા નથી કે પૂજા-પાઠ કરતા નથી, દેવાલયોમાં જતા નથી. હા, જન્મથી તેમને કોઈ ધર્મ મળ્યો હોય તો ઓળખવા પૂરતા એ લોકો જે તે રિલિજન ગુ્રપનો હિસ્સો ગણાય છે. સ્પષ્ટ રીતે, પૂરી સમજદારીથી અનીશ્વરવાદી યાને નાસ્તિક હોય એવા લોકો ૧૩ ટકા થઈ ગયા છે. અત્યારે લગભગ ૧૧૦ કરોડ લોકો સ્પષ્ટ રીતે નાસ્તિક છે.

જગતના 77% લોકો આ ચાર ધર્મોના અનુયાયીઓ

અત્યારે દુનિયામાં નાના-મોટા ૧૦ હજાર ધર્મો અસ્તિત્વમાં છે. ક્રિશ્વિયન, ઈસ્લામ, હિન્દુ અને બૌદ્ધ - આ ચાર સૌથી મોટા ધર્મ છે. દુનિયાની ૭૭ ટકા વસતી આ ચાર ધર્મોના અનુયાયીઓની છે. લગભગ ૬૫૦ કરોડ લોકો પોતાને આ ચાર ધર્મમાંથી કોઈ એકના અનુયાયી ગણાવે છે. ભલે એમાંથી કરોડો એવાય છે જે માત્ર આ રિલિજન સમૂહનો હિસ્સો છે. સક્રિય ધાર્મિક નથી. બીજા અંદાજ પ્રમાણે જગતના બધા જ ધાર્મિક લોકોમાંથી ૯૨ ટકા આ ચાર ધર્મોના છે. જગતની ૩૧ ટકા વસતિ ક્રિશ્વિયન છે, ૨૪ ટકા ઈસ્લામમાં માને છે. ૧૫ ટકા હિન્દુ ધર્મમાં આસ્થા રાખે છે. ૬.૯ ટકા બૌદ્ધ ધર્મી છે. આસ્તિક હોય એવા માત્ર આઠ ટકા લોકો ૯૦૦૦થી વધુ ધર્મ પાળે છે. તે રીતે અમુક ધર્મોમાં તો માત્ર ગણ્યાં-ગાંઠયા અનુયાયીઓ છે.


Google NewsGoogle News