Get The App

સફળ જીવન સાર્થક જીવન .

Updated: Aug 17th, 2024


Google NewsGoogle News
સફળ જીવન સાર્થક જીવન                          . 1 - image


- થોડામાં ઘણું-દિલીપ શાહ

ના મ સાથે જે જીવાયું એ જીવન સફળ. નામની આગળ વિશેષણોની રંગોળી એ જીવન સાર્થક. ગાંધી અટક સાથે વકીલાતની કારકીર્દિમાં મો.ક.ગાંધી સફળ જીવન જીવ્યા. પણ જનતા જનાર્દન આજે પણ એમને મહાત્મા ગાંધી તરીકે પૂતળા, રાજમાર્ગ, ભવન, પુલ, એવોર્ડમાં મૂલવે એ એમનાં સાર્થક જીવનનું પ્રતિબિંબ અને કરેલાં કાર્યોનો પડઘો છે.

ઇતિહાસ પણ આનો સાક્ષી છે. કલિંગની લડાઈ જીતનાર સમ્રાટ અશોક સફળ રાજવી છે પણ ઉપગુપ્ત સાધુનો બોધ સાંભળી, તલવાર મ્યાન કરી, પાછળ શિલાલેખો મૂકી જનાર પ્રિયદર્શી અશોક એ સાર્થક જીવનનો દસ્તાવેજ છે.

જિંદગીની છે આ મેચ, કોઈનો ફટકો, કોઈનો કેચ ! જીવનની પીચ ઉપર આપણે દરેક જણ જીવનની બાજી રમીએ છે. ફટકાબાજી કરી સદી પણ નોંધાવીએ. ગોલંદાજી કરી વિકેટો પણ લઇએ. એક બેટ્સમેન કે ગોલંદાજ તરીકે ભલે સફળ રહ્યા પણ આપણી કારકિર્દી પછી આપણે કોમેન્ટરી, ટ્રોફી સ્મૃતિ આ લૅજન્ડ તરીકે યાદ રાખે એ સાર્થકતા છે બ્રેડમેન, સચીન તેંડૂલકરની જીવનયાત્રા હજી ય એમની જીવનકથાનાં પ્રકરણમાં ધબકે છે.

સફળતા બજારમાં વેચાતા હીરા જેવી છે. સાર્થકતા કોહીનૂર છે. વિશ્વની આંખો હજી ય કોહીનૂર પર સ્થિર છે. કલમને ખોળે, મા સરસ્વતીની આરાધના કરી ચંદ્રક, એવોર્ડ મેળવનાર ઘણાંય સાહિત્યકારો સફળ થયા છે છતાંય વરસોથી પાઠયપુસ્તકોમાં ગર્વથી સ્થાન પામી, હૈયે અને હોઠ પર નરસિંહ મહેતા, મીરાંબાઈ, કબીર, રહીમ, સૂરદાસ, કાલીદાસ... સાર્થક જીવનમાં પથદર્શકો છે.

વેપાર-નોકરીમાં મળતો ચિક્કાર પૈસો સફળતા છે, દાન એની સાર્થકતા છે.  H2 અને O2 નું ગઠબંધન સંયોજન પાણી તરીકે સફળ છે પણ બંધમાંથી નહેર અને નહેરથી ખેતર સુધીની યાત્રા પાણીની સાર્થકતા છે. ૭૮% નાઇટ્રોજન સામે ફક્ત ૨૧% પ્રમાણમાં ટકી રહેવું એ પ્રાણવાયુ (oxygem)ની સફળતા છે પણ વેન્ટીલેટરમાંથી દર્દીનાં હૃદયને ધબકતું રાખવું એની સાર્થકતા છે.

માનવ સફળતા મહામાનવ સાર્થકતા.


Google NewsGoogle News