બ્રાઝિલિયન યુવતી સીનાએ મરણ વખતે જે ઇચ્છા રાખી હતી તે પ્રમાણે પુનર્જન્મ લીધો
- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- 'આપણે વધારે સાથે રહ્યા હોત તો કેટલું સારું થાત? પણ મોત આગળ કોનું ચાલે છે? મેં સાંભળ્યું છે કે મરણ પછી પણ જીવન નવા રૂપે શરૂ થાય છે. એટલે હું ફરી જન્મ લઇશ
'શરીરં યદવાપ્નોતિ યચ્ચાપ્યુત્ક્રામતીશ્વર: ।
ગૃહીત્વૈતાનિ સંયાતિ વાયુર્ગન્ધાનિવાશયાત્ ।।
શ્રોત્રં ચક્ષુ: સ્પર્શનં ચ રસનં ઘ્રાણમેવ ચ ।
અધિષ્ઠાય મનશ્ચાયં વિષયાનુપસેવતે ।।
એ જીવાત્મા જ્યારે એક શરીર છોડીને બીજા શરીરમાં જાય છે ત્યારે વાયુ જેમ આજુબાજુના પદાર્થોની ગંધ લઇને આગળ જાય છે તેમ છોડેલા શરીરની વાસનાઓ અને મન તથા ઇન્દ્રિયોને લઇને જ બીજા શરીરમાં જાય છે અને ત્યાં કાન, આંખ, સ્પર્શેન્દ્રિય, જીભ, નાક તથા મનનો આશ્રય કરી આ જીવાત્મા વિષયોને ભોગવે છે.'
- શ્રીમદ્ ભગવદ્ ગીતા, અધ્યાય-૧૫ (શ્લોક ૮/૯)
યુનિવર્સિટી ઓફ વર્જિનિયાની સ્કૂલ ઓફ મેડિસિનમાં ૫૦ વર્ષ પ્રાધ્યાપક બની રહેનારા પુનર્જન્મ, મરણાસન્ન દશા પર વર્ષો પર્યત સંશોધન કરનારા કેનેડિયન અમેરિકન સાઇકિયાટ્રિસ્ટ ઇયાન સ્ટીવન્સને (Ian Stevenson) દુનિયાના અનેક દેશોમાં પરિભ્રમણ કરી પુનર્જન્મને લગતા નોંધપાત્ર કહેવાય એવા ૧૬૦૦ કિસ્સા એકત્રિત કર્યા હતા. તેમણે નોંધેલો સીના નામની એક બ્રાઝિલની છોકરીના પુનર્જન્મનો કિસ્સો અત્યંત રસપ્રદ છે.
દક્ષિણ અમેરિકાના બ્રાઝિલમાં રહેતી સીના નામની યુવતી પ્રેમમાં નિષ્ફળતા મળવાથી ભારે વિષાદગ્રસ્ત થઇ જીવવાનો રસ ગુમાવી ચૂકી હતી.
સીનાએ તેના સ્વાસ્થ્યની તકેદારી રાખી નહીં ખરાબ હવામાન, સ્વાસ્થ્ય માટેની બેદરકારી અને સવિશેષ તો ભગ્ન પ્રેમ અને દુભાયેલી લાગણીઓથી તેને ક્ષય (tuberculosis) ની બીમારી ઉત્પન્ન થઇ ગઈ. બીજા કોઈ સગા-સંબંધી તેનું વિશેષ ધ્યાન રાખતા નહોતા. નિ:સ્વાર્થ સ્નેહ સંબંધ નિભાવનારી ઇદા નામની મિત્ર મળી ગઈ. ઇદાનો ભાવાત્મક સહયોગ સીનાને જીવન પોષક રસાયણ જેવો લાગવા માંડયો. પરંતુ સીનાના શરીરે તે સાથ ના આપ્યો. ક્ષયની બીમારી છેલ્લા સ્ટેજ પર પહોંચી ગઈ.
એક દિવસ તેણે ઇદાને કહ્યું - 'આપણે વધારે સાથે રહ્યા હોત તો કેટલું સારું થાત ? પણ મોત આગળ કોનું ચાલે છે ? મેં સાંભળ્યું છે કે મરણ પછી પણ જીવન નવા રૂપે શરૂ થાય છે. એટલે હું ફરી જન્મ લઇશ. અને તે પણ તારા થકી જ જન્મીશ. એ જન્મમાં હું તેને આપણા આ જન્મની ઓળખ તાજી કરાવીશ.' ૧૯૧૭ના ઓક્ટોબર મહિનામાં સીનાનું મરણ થઇ ગયું. તે પછી સીનાએ કહ્યું હતું તેમ જ થયું. મરણ સમયના તીવ્ર ભાવ અને પ્રબળ ઇચ્છાથી દસ મહિના પછી ૧૪ ઓગસ્ટ ૧૯૧૮ના રોજ ઇદાએ એક કન્યાને જન્મ આપ્યો. એનું નામ માર્તા રાખવામાં આવ્યું. ધીમે ધીમે તે મોટી થવા લાગી. તેનો ચહેરો, વાતચીતની ઢબ, જીવન શૈલી સીના જેવા જ લાગતા હતા.
એક દિવસ ઇદા તેની બેનપણી સાથે કોઈ તાજેતરમાં મરણ પામેલી વ્યક્તિ વિશે વાતચીત કરી રહી હતી. ઇદાની બેનપણી તેને કહી રહી હતી - 'મરણ પામેલી વ્યક્તિ નામશેષ થઇ જાય છે. દુનિયામાં કેવળ તેનું નામ રહી જાય છે. તે યાદ બહુ આવે છે. એમ થાય કે તેને ફરી મળી શકાતું હોય તો કેવું સારું ? પણ એ શક્ય નથી. આ વાતચીત ચાલતી હતી ત્યારે માર્તા ત્યાં ઊભી હતી અને તે બધું સાંભળી રહી હતી. તે તરત બોલી ઉઠી - 'એ શક્ય છે. મરણ પામેલી વ્યક્તિનો પુનર્જન્મ થયો હોય તો તેને મળી શકાય છે. હું પોતે જ તો એનો પુરાવો છું. હું મારા પાછલા જન્મમાં મારી માતાની બેનપણી સીના હતી. મને એ જન્મનું બધું યાદ છે.' પછી ઇદા તરફ જોઇને કહેવા લાગી- 'મારા મરણના થોડા દિવસ પહેલાં મેં તને શું કહ્યું હતું તે યાદ કર. મેં કહ્યું હતું ને કે હું તારા થકી જ ફરી જન્મ લઇશ અને તે જન્મની ઓળખ તાજી કરાવીશ ?' ઇદાને તે બધું યાદ આવી ગયું.
તે સીનાનો જ પુનર્જન્મ છે તેની વધારે ખાતરી કરવા તેણે માર્તાને પૂછ્યું - 'સીના તરીકેનો તારો જન્મ હતો ત્યારે તને કયો રોગ થયો હતો? તે તરત બોલી ઉઠી - 'મને ક્ષય રોગ થયો હતો. તે વધી જવાથી જ મારું મરણ થયું હતું.' ઇદાએ પૂછ્યું - 'તું એના વિશે બીજું શું કહી શકે?'
માર્તાએ કહ્યું - 'હું એના વિશે શું ના કહી શકું ? હું બધું જ કહી શકું એમ છું. તેણે કહ્યું - 'તને ખબર છે ને કે ક્ષયની બીમારી સાથે મને છેલ્લા દિવસોમાં ગળાની તકલીફ પણ થઇ હતી. પ્રેમની બાબતમાં હું કમનસીબ નીવડી હતી. મારા પ્રેમનો ભંગ થયો ત્યારે મને નિરાશા અને દુ:ખની ખાઈમાંથી બહાર કાઢનાર તું જ હતી.' તેણે સીનાના જીવનની નાની-મોટી અને એકદમ અંગત કહેવાયતેવી બાબતો પણ જણાવી જે કેવળ ઇદા જ જાણતી હતી. ઇદાની પણ કેટલીક અંગત બાબતો તેણે જણાવી જે સીના સિવાય બીજું કોઈ જ જાણતું નહોતું.
પછી ઇદાને વધારે ને વધારે પુરાવા મળતા ગયા કે સીના જ માર્તા રૂપે ફરી જન્મી છે. સીનાના શરીર પર જે જગ્યાએ જેવા તલ, મસા અને કુદરતી ચિહ્નો હતા તેવા માર્તાના શરીર પર જોવા મળ્યા. માર્તાને પણ જીવનભર ગળાની તકલીફ ઊભી થઇ અને તે પણ ટી.બી.નો ભોગ બની. સીનાને જેના તરફ પ્રેમ હતો તેનું નામ ફ્લોરઝિનો હતું. એ જન્મમાં તો પ્રેમ વધારે પાંગરી ન શક્યો. માર્તા યુવાન બની. તેના લગ્ન થયા અને પછી થોડા સમય બાદ તેને ત્યાં પુત્રનો જન્મ થયો. માર્તાને એવી પ્રતીતિ થવા લાગી કે ફ્લોરઝિનોએ જ એને ત્યાં પુત્ર રૂપે જન્મ લીધો છે. તેણે તેને પૂર્વજન્મની વાતો યાદ કરાવવાનો પ્રયત્ન પણ કર્યો. તેણે ફ્લોરઝિનો વિશે જે વિગતવાર માહિતી આપી તેની તપાસ કરાવી તો તે પણ બધી બિલકુલ સાચી નીકળી.