માતૃપ્રેમ અને પ્રિયતમ પ્રત્યેનો પ્રેમ
- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- માણસના હ્ય્દયને વ્યવસાય કે ધંધા સાથે લેવા-દેવા નથી હોતી લાગણીશીલ પણ ક્રૂર બની શકે અને બહારથી ખરબચડો અને શુલ્ક લાગતો માણસ પણ લાગણીનું નિર્ઝર હોઈ શકે - નાવિકાનું સમાજદર્શન
''હું તમને બરાબર ઓળખી ગઈ છું, અનમોલ. તમે કવિહ્ય્દય ધરાવતા લાગણીભીના યુવક છો. અને હું પ્રયોગો દ્વારા સત્ય જાણવાની તાલાવેલી ધરાવતી યુવતી.'' નાવિકાએ કહ્યું.
''નાવિકા, મને બરાબર ઓળખી લેજો હો. પાછળથી એમ ન કહેતા કે હું ભ્રમમાં રહી.'' અનમોલે નાવિકાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું.
''નાવિકા, આપણે વક્તૃત્વ સ્પર્ધા કરવા માટે આવી રમણીય જગાએ ભેગાં મળ્યાં છીએ કે લાગણીની અભિવ્યક્તિ માટે? આપણને ૧૨ કલાક માટે અલવિદા કહેતો સૂર્ય અને આકાશનો કબ્જો લેવા ઉત્સુક ટમટમતા તારલાઓ....'' અનમોલે ભાવાવેશમાં કહ્યું.
''બસ, કરો હવે કવિસમ્રાટ. હું સમજી ગઈ?'' ખડખડાટ હસતી નાવિકાએ કહ્યું.
''અરે નાવિકા, અંધારુ થઈ ગયું છે. ચાલો, હવે ઘેર, જઈએ. નહીં તો તમારા પપ્પા તમને રિમાન્ડ પર લેશે.'' અનમોલે કહ્યું.
અને નાવિકા ઘરે પહોંચી ત્યારે તેનું ''ગરમાગરમ'' સ્વાગત કરવા તેના પપ્પા અનૂપરાય તૈયાર જ હતા.
''હજી મધરાત નથી થઈ. આટલા વહેલા ઘેર આવવાની શી ઉતાવળ હતી ? '' નાવિકા પર આકરી પ્રહાર કરતા અનૂપરાયે કહ્યું.
''પપ્પા, મીઠા શબ્દોને તમે જીભ પરથી ઊલની જેમ ઉતારવાના સોગંદ લીધા છે ? હું ભટકવા નહોતી ગઈ. મારા મિત્ર અનમોલને મળવા ગઈ હતી.'' નાવિકાએ ચોખવટ કરી.
''કોઈ ઉદ્દેશ વગર કોઈ, કોઈને મળતું હોતું નથી. અને યૌવાનને ઉંમરે ઊભેલી યુવતીને મોહમાં સપડાતાં વાર નથી લાગતી. તારી સ્વતંત્રતા કબૂલ, પણ સ્વચ્છંદતા હરગિઝ નહીં. લગ્ન થાય ત્યાં સુધી કન્યાનાં મા-બાપે કસ્ટોડિયનની ભૂમિકા ભજવવાની હોય છે.'' અનૂપરાયે હુંકાર કર્યો.
''ભલે પપ્પા, આ ઘરના તમે માલિક છો, એ અહંકારનો હું સ્વીકાર કરું છું. હું આ ઘરની 'ભાડૂઆત' તરીકે રહીશ અને મારો આત્મા મુંઝાશે ત્યારે તમારું ઘર હું ખાલી કરીને જતી રહીશ.'' નાવિકાએ જડબાતોડ જવાબ આપ્યો એટલે અનૂપરાય ઊશ્કેરાઈ ગયા.
એમણે કહ્યું : ''તો પછી શુભ કામમાં વિલંબ શો ? મન, મારીને અહીં જીવવાનો કશો જ અર્થ નથી.''
''અરે, તમે બન્નેએ રાતના સમયે શો સંગ્રામ માંડયો છે ? રાત ઉશ્કેરાવા માટે નહીં, પણ ઠરવા માટે હોય છે. જમાનો બદલાયો છે. જૂનાં ચશ્મામાંથી સાચું નહીં દેખાય. નાવિકાને જમાના અનુસાર જીવવાની સ્વતંત્રતા માણવાનો અધિકાર છે. મને તો તમે તમારે ડંડે હાંકી, પણ નાવિકાને તો સ્વતંત્રતા આપવી જ જોઈએ.'' પત્ની સ્નેહાદેવીને નિર્ભયપણે મોં ખોલતી જોઈને અનૂપરાયને આશ્ચર્ય થયું.
''તારી મમતાએ જ નાવિકાને બહેકવાનો પરવાનો આપ્યો છે. તમને બન્ને ને મારી સાથે ન ફાવતું હોય તો, તમે ઘર છોડી શકો છો.'' અનૂપરાયે 'અલ્ટિમેટમ' આપતાં કહ્યું.
''આ ઘરને મેં છેલ્લાં ત્રીસ વર્ષથી લોહી-પરસેવો એક કરીને સીંચ્યું છે. પતિ પ્રત્યેના માન ખાતર હું મૂંગી રહી. મારી સહનશીલતાને તમે મારી લાચારી અને કમજોરી માની.'' સ્નેહાદેવીએ કહ્યું.
અનૂપરાય ચૂપ રહ્યા. મૂંગા મોંઢે ભોજન કરી લીધું અને થોડી જ વારમાં ધશઘસાટ ઊંધી ગયા. બીજા દિવસે સવારે ઘરમાં ઘમાસાણ મચી ગયું. રોજ ૬ વાગે જાગીને પેપર તથા ચા માંગનાર અનૂપરાય ઘરમાંથી જ ગાયબ હતા. સ્નેહાદેવીને ફાળ પડી. નાવિકાએ કહ્યું : ''મમ્મી, થોડીક રાહ જોઈએ. પપ્પા આત્મહત્યા કરે એવા કાચા નથી. અને પોતાની સંપત્તિને ચાહનારા પપ્પા, ગૃહત્યાગ કરે એવું પણ મને લાગતું નથી.''
''બેટા, હું તારી સાથે દલીલબાજીમાં ઊતરવા માગતી નથી. દિલની વાત બુધ્ધિ ભલે સ્વીકારવા તૈયાર ન હોય, પણ દિલ એ આખરે દિલ છે. બુદ્ધિ માણસમાં સ્વાર્થના વિષનું વાવેતર કરી શકે છે, પણ દિલ તો ક્ષમાની લીલીછમ ફસલ ઊગાડતું હોય છે.'' સ્નેહાદેવીએ નાવિકાને સમજાવતાં કહ્યું.
''મમ્મી, આપણે ૨૪ કલાક તેમની રાહ જોઈએ, પછી પોલીસમાં ફરિયાદ કરીએ. પણ પપ્પા છપ્પન કાળજા નાં છે. તેઓ આમ ઘર છોડીને જતાં રહે તે માન્યમાં આવતું નથી !'' નાવિકાએ કહ્યું.
મિ. અનૂપરાય સ્નેહાદેવી માટે માનસિક ત્રાસવાદી રહ્યા હતા. પોતાની માન્યતાઓ અને અંધશ્રધ્ધાઓ સ્નેહાદેવી પર પરાણે લાદે. અગિયારસ કરવાની એટલે કરવાની. નવરાત્રિમાં નકોરડા ઉપવાસ કરવાના એટલે કરવાના, રાત્રે જાગરણ કરવાનું એટલે કરવાનું. દરરોજ ધાર્મિક કથાઓનો વારાફરતી પાઠ કરવાનો એટલે કરવાનો. સ્નેહાદેવી પતિના આદેશોથી ત્રાસી ગયા હતા.
અનૂપરાય ગયા તે ગયા.... પાછાં જ ન ફર્યા. માતાની શાંતિ ખાતર નાવિકાએ હવે બહાર જવાનું લગભગ ઓછું કરી નાખ્યું હતું. છેલ્લા અઠવાડિયાથી એ અનમોલને મળી નહોતી. એટલે અનમોલ ચિંતામાં હતો. બીજી તરફ અનમોલનાં મમ્મી-પપ્પા તેની સગાઈ કરવા ઊતાવળ કરી રહ્યાં હતાં.
એકવાર અનમોલ ઓચિંતો નાવિકાને ઘેર પહોંચી ગયો. નાવિકાના ઘરની સઘળી હકીકતોથી વાકેફ થયા બાદ એણે પૂછ્યું : 'નાવિકા, તારા પપ્પા ક્યારે પાછા આવશે એની કશી ખાતરી નથી. મારાં મમ્મી-પપ્પા મારાં લગ્ન માટે ઊતાવળ કરે છે. તું લગ્ન માટે તૈયાર છે ?'
''આવો પ્રશ્ન પૂછતાં તને શરમ નથી આવતી અનમોલ ? મારી જિંદગીનો આ કસોટીકાળ છે. મારી મમ્મીને એકલી-અટૂલી મૂકી સેંથામાં સિંદૂર પૂરવાની મારી તૈયારી એ મમતા પ્રત્યે લાગણીનો વિશ્વાસઘાત કહેવાય. તમે મને સાચા અર્થમાં ચાહતા હો તો, તમારે પ્રતીજ્ઞાા કરવી જોઈએ. હું લીલી ઝંડી આપું છું. તમારી ઈચ્છા મુજબ કરવા માટે.'' નાવિકાએ પોતાના દિલની વાત કરી દીધી.
''નાવિકા, તમે તમારી મમ્મીની લાગણીનો વિચાર કરો, તો મારે પણ મારાં મમ્મી-પપ્પાની લાગણીનો વિચાર ન કરવો જોઈએ ?'' અનમોલે પૂછ્યું.
''હું તમારા મમ્મી-પપ્પાની લાગણીનો દ્રોહ કરવાનું નથી કહેતી. મારી મમ્મી અને તમારી મમ્મીની સ્થિતિમાં ફેર છે. મારી મમ્મીની લાચારીમાં મારે તેને સાથ આપવાનો છે. અને તમારે તમારી મમ્મીની જીદ આગળ ઝૂંકવાનું છે. વડીલોએ સંતાનોની લાગણીનું શોષણ નહીં પણ બિનશરતી પોષણ કરવું જોઈએ. પણ હું તમને બાંધવા નથી ઈચ્છતી. અનમોલ, તમે તમારા નિર્ણય લેવા સ્વતંત્ર છો. હું તમારા કોઈપણ નિર્ણયનું સ્વાગત કરીશ. તમારા પ્રત્યે રોષ દાખવ્યા વગર.'' નાવિકાએ નિખાલસતાપૂર્વક કહ્યું.
અને બીજા દિવસથી નાવિકાએ પપ્પાની ગેરહાજરીમાં ઘરને આર્થિક રીતે સધ્ધર બનાવવાના પ્રયત્નો શરૂ કર્યા. અને એણે એક કંપનીના વડીલ ચેરમેનની વાતોથી પ્રભાવિત થઈને નોકરીમાં જોડાવાનું નક્કી કર્યું. પગારની ઓફર પણ ઉદાર હતી. નાવિકા ફરજ પર હાજર થઈ ગઈ. વડીલ શેઠે તેને ઓફિસે લાવવા, ઘેર મૂકવા માટે કારની વ્યવસ્થા કરી આપી પણ નાવિકાએ કહ્યું : ''જે લાભ મારા સાથી કર્મચારીઓને ન મળતો હોય તે મને ન ખપે. લાભ ને લાલચના લોભમાં ફસાઈ જતાં વાર નથી લાગતી. હું સ્વાવલંબી છું. અને મારો ભાર કોઈના પર લાદવા માગતી નથી.''
નાવિકાની વાત સાંભળી મોટા શેઠને તેના તરફ અનહદ માન થયું. શેઠના પુત્ર ઉષ્ણકે નાવિકાનાં રૂપ અને ગુણથી પ્રભાવિત થઈને તેની દોસ્તી કેળવવાનો પ્રયત્ન શરૂ કર્યો. પોતાના ઘરેથી આવતા લંચબોકસનું બપોરનું ખાણું સ્વીકારવા સ્પષ્ટ ઈનકાર કરતાં કહ્યું : ''પારકું ભાણું'' જમવાનો મોહ માણસને વિવેકભ્રષ્ટ બનાવે છે. પારકાના છપ્પન ભોગ કરતાં પોતાનો સૂકો રોટલો વધુ મીઠો લાગે છે. તમારી વાતનો હું અનાદર નથી કરતી મિ. ઉષ્ણક. પણ આપણી નિકટતા ઓફિસના અન્ય કર્મચારીઓ માટે ચર્ચાનો વિષય ન બને, તેનો એક સ્ત્રી કર્મચારી મારે ખ્યાલ રાખવો જોઈએ.
''પણ નાવિકા, આપણો સંબંધ વિવાદસ્પદ બને એ પહેલાં એનું નામકરણ કરી દઈએ તો ? તમારા જેવી સામાન્ય ઘરની કન્યાને અમારા જેવું ઘર સાત જનમમાં પણ નહીં મળે. લક્ષ્મીને ઠોકર મારનારને કોઈ ડાહ્યું નથી ગણતું.'' ઉષ્ણકે સીધો જ લગ્નનો પ્રસ્તાવ મૂકતાં કહ્યું.
''મિ.ઉષ્ણક, હું મધ્યમવર્ગના ઘરની અવશ્ય છું. પણ સ્વમાની છું. મને ધનથી અમીર પણ મનથી ગરીબ લોકો નથી ગમતાં. તમે મારી સ્પષ્ટતાને ઉધ્ધાતાઈ ગણી મને છૂટા કરવાનો આદેશ આપો, એ પહેલાં જ અહીંથી વિદાય થઈ જવામાં શાણપણ માણું છું.'' અને નાવિકાએ નોકરી છોડી દીધી હતી.
ઉષ્ણકે નાવિકાને પજવવા માટે તે જ્યાં-જ્યાં જોબ માટે અરજી કરતી ત્યાં-ત્યાં કલ્પિત વાતોથી નોકરી દાતાને ભરમાળીને નાવિકાની પસંદગીમાં અવરોધો શરૂ કરવા માંડયાં. પણ નાવિકા જરાપણ વિચલિત ન થઈ. એણે નોકરીને બદલે 'કોમ્પ્યુટર કલાસ' શરૂ કરી. પોતાની આવકની સાથે સાથે જરૂરિયાત ધરાવતી બીજી બહેનોને પણ કામ આપ્યું. એમ સાત વર્ષ વીતી ગયાં. અનમોલ નાવિકાને અવારનવાર મળવા આવતો હતો. નાવિકાને બેંક તથા અન્ય કામોમાં મદદરૂપ થતો. સ્નેહાદેવી અનમોલની ખાનદાની જોઈ ખુશ થઈ ગયાં હતાં. એમણે સામેથી જ નાવિકાને કહ્યું : ''બેટા નાવિકા, તું ત્રીસની આસપાસ પહોંચવા આવી. મનપસંદ ઠેકાણે લગ્ન નહીં કરે તો લગ્નના બજારમાં તારા ભાવ ગગડી જશે. અને અનમોલ જેવો મુરતિયો પણ હાથમાંથી જતો રહેશે. તું મારી ચિંતા છોડી અને તારાં લગ્ન વિષે ગંભીરતા પૂર્વક વિચાર, બેટા.''
''મમ્મી, હું તમને એકલાં મૂકીને સાસરે જવા માગતી નથી. મેં અનમોલને પણ બાંધવાની કોશિશ કરી નથી. એ મુક્ત છે. કેટલી મુક્તિ માણવી એનો નિર્ણય તેણે પોતે જ કરવાનો છે. મમ્મી, પ્રતીજ્ઞાા એ સાચી લાગણીની કસોટી છે. અનમોલ મારે માટે તપશે તો એની તપસ્યા એળે નહીં જાય. પ્લીઝ અત્યારે તો મારા માતૃપ્રેમની જવાબદારીમાંથી વંચિત રાખવાની કોશિશ ન કરો, મમ્મી.''
એમને એમ બીજા ત્રણ વર્ષ વીતી ગયાં. પણ નહોતી. ચલિત થઈ નાવિકા કે નહોતો વિચલિત થયો અનમોલ.
અને એક સવારે થાકેલા-હારેલાં અનૂપરાય ઘેર પાછાં ફર્યા હતાં. મેલાં-ઘેલાં કપડાં, વધેલા વાળ, આંખો ઊંડી ઊતરી ગઈ હતી. ચહેરાનું તેજ ફિક્કુ પડી ગયું હતું. સ્નેહાદેવીના પગમાં પડીને અનૂપરાયે માફી માગી અને દીકરી નાવિકાના ખભે મસ્તક ઢાળીને ધુ્રસકે-ધુ્રસકે રડી પડયા. નાવિકાએ, મમ્મીને એકલા મૂકીને નહીં જવાનું નક્કી કર્યું હતું. એ વાત જાણી અનૂપરાયને દીકરી પર ગર્વ થયો હતો. તેમણે નાવિકાને પૂછ્યું : ''બેટા, તું હજી સુધી કુંવારી છે ? તારી મમ્મીને ખાતર ? લ્યાનત છે મને, મેં તમારી ચિંતા ના કરી. તું બેટા પાંત્રીસની થવા આવી હવે તારી સાથે લગ્ન કોણ કરશે ?'' અનૂપરાય બોલતાં-બોલતાં ગળગળા થઈ ગયા.
''ના પપ્પા, હું કુવારી નથી. મનથી પરણેલી છું. અનમોલ મારે ખાતર આજ સુધી રાહ જોઈને બેસી રહ્યો છે. એને હું મનથી વરેલી છું. મારી મમ્મીનું ઋણ અદા કરવા અત્યાર સુધી રોકાઈ છું. આપ પાછા આવ્યા છો. હવે જીવન સંધ્યાનો આનંદ અનુભવો અને મને આશીર્વાદ આપો કે....'' નાવિકા વાક્ય પૂરું કરે એ પહેલાં અનમોલ અચાનક પરિવારની ખબર લેવા આવી પહોંચ્યો હતો.
નાવિકાએ કહ્યું : ''જુઓ પપ્પા, આ તમારા જમાઈરાજા. પ્રેમીઓના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અનમોલનું નામ લખાશે કે એક માણસે પ્રેમને જીવી બતાવ્યો છે.'' અને અનૂપરાયે અણમોલના હાથમાં નાવિકાનો હસ્તમેળાપ કરાવતાં કહ્યું હતું : કુર્યાત્ સદા મંગલમ્.