Get The App

બોલ્ટ સાથે હરીફાઈમાં ચિત્તો ઉતારાય તો?

Updated: Aug 18th, 2024


Google NewsGoogle News
બોલ્ટ સાથે હરીફાઈમાં ચિત્તો ઉતારાય તો? 1 - image


- પ્રાણીઓ વચ્ચે ઓલિમ્પિકની સ્પર્ધા પરથી "Animalympic" અને  "Animal game" નામની ફિલ્મ પણ બની છે : પ્રાણીઓ અંચઈ પણ કરે અને પ્રેમની પરાકાષ્ટાનું ઉદાહરણ પણ પૂરું પાડે

- હોરાઈઝન-ભવેન કચ્છી

- કીડી તેના વજન કરતા વીસ ગણું વજન ઊંચકી શકે છે, તુલનાત્મક વેઇટલીફિંટગમાં કીડી માનવીને મોટા માર્જીનથી હરાવી બતાવે.

૧૯ ૮૪માં લોસ એન્જલસમાં ઓલિમ્પિકનું આયોજન થયું હતું તે દરમ્યાન  થિયેટરમાં એક અનોખી ૭૮ મિનિટની કાર્ટુન ફિલ્મે ધૂમ મચાવી હતી. ઓલિમ્પિકના સુપર સ્ટાર ખેલાડીઓ કરતા આ કાર્ટુન ફિલ્મના પાત્રો અને તેના નામ ઘેર ઘેર જાણીતા થઈ ગયા હતા.અમેરિકા સર્જનાત્મક વિચાર અને સર્જનમાં પ્રણેતા રહ્યું છે તેની પ્રતીતિ કરાવતા નેશનલ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન અને  લિસ્બર્ગર સ્ટુડિયોને આમ તો ૧૯૮૦માં વિચાર સ્ફૂર્યો હતો કે જંગલના પ્રાણીઓ અને પંખીઓ વચ્ચે ઓલિમ્પિક યોજાય તો કેવી ધમાચકડી અને જમાવટ થાય.આ વિચારને મૂર્તિમંત કર્યો નિર્દેશક સ્ટીવન લિસ્બર્ગરે. ફિલ્મ લોસ એન્જલસમાં ૧૯૮૪માં ઓલિમ્પિક યોજાઈ ત્યારે ફરી થિયેટરમાં રિલીઝ થઈ અને બાળકો સાથે પરિવાર પણ તેના પર આફ્રીન પોકારી ગયા. ફિલ્મનું નામ એનિમલિમ્પિકસ (Animalympics) છે.

ફિલ્મમાં પ્રાણીઓના અવાજ માટે વોઇસ બિલ ક્રાઇસ્ટલ, ગિલ્ડા રાડનેર, હેરી શિયરે અને ફર્મરે ડબિંગ કર્યું.જુદા જુદા પ્રાણીઓના મિજાજ પ્રમાણે તેઓએ અવાજ તો બદલ્યા જ પણ કોમેન્ટરી ટીમમાં રહીને પણ તેઓએ કમાલ કરી બતાવી.

આ ફિલ્મમાં પ્રાણીઓ વ્યક્તિગત અને ટીમ ઇવેન્ટમાં જીતવા તમામ પ્રકારની ચાલાકી અને અંચઈ કરતા પણ બતાવાય છે. આઇસ હોકીની મેચમાં આઈસના મેદાનની સરફેસ જોડે ચેડાં પણ થાય છે.

ઝૂ ટેલિવિઝન નેટવર્ક પ્રાણીઓની આ ઓલિમ્પિકના પ્રસારણની જવાબદારી સંભાળે છે.

ઓલિમ્પિકમાં તો ૨૦૦થી વધુ દેશો ભાગ લેતા હોય છે પણ આ ફિલ્મમાં નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા,યુરેશિયા, યુરોપ,આફ્રિકા,ઓસ્ટ્રેલિયા અને એશિયા એમ પ્રાણીઓ અને પંખીઓની ખાસિયત પ્રમાણેના ખંડ પાડીને તેઓ વચ્ચે ઓલિમ્પિકમાં જે રમતો હોય છે તેની સ્પર્ધા યોજાય છે.આ ફિલ્મમાં સમર અને વિન્ટર એમ બંને ઓલિમ્પિકની રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ફિલ્મમાં પ્રાણીઓની તોફાન મસ્તી અને હારની હતાશા અને જીતની ઉજવણી સાથે હૃદયસ્પર્શી પ્રસંગો પણ વણી લેવાયા છે.

મેરેથોન રેસમાં નર અને માદા પ્રાણી અનુક્રમે ફ્રોમાગે અને મામ્બોએ ભાગ લીધો હોય છે. લાંબા અંતરની રેસમાં હવે તેઓ જ છેલ્લા બે પ્રતિસ્પર્ધી રહ્યા છે. પણ રેસમાં દોડતા તેઓ વાતો કરતા જાય છે અને થોડા વધુ અંતર પછી બંને પોતપોતાની અંગત અને અતરંગ  વાતો પર આવી જાય છે.લાગણીના તાર છેડાય છે. બંને વચ્ચે પ્રેમ થઈ જાય છે પછી તેઓ કહે છે કે હવે આપણા બે વચ્ચે કોણ જીત્યું તેવી સ્પર્ધા ન હોય. તેમ કહી બંને તેઓ વચ્ચેનું અંતર ઘટાડી એકબીજાના હાથ પરોવે છે અને સાથે ડગ માંડતા રેસ પૂરી કરે છે.

આજે જ્યારે પતિ પત્ની વચ્ચે કોણ વધુ બૌધ્ધિક કે પછી કોણ  ચડિયાતું તેવા અહમના ટકરાવ સાથેની હરીફાઇને લીધે છૂટાછેડાના કિસ્સા વધતા જાય છે ત્યારે બે પ્રાણીઓની આ વાત પ્રત્યેક વીતતાં દાયકા સાથે વધુ સાંપ્રત જણાય છે.

મક્કમ મનોબળ હોય તો શું ન થાય તેનો મેસેજ  ફિલ્મમાં જેન્કિન નામનો મગર આપે છે.બોરિસ નામનો દેડકો ઊંચા કુદકાનો ઇવેન્ટ વર્લ્ડ રેકોર્ડ સાથે જીતે છે ત્યારે મગર આ રેકોર્ડ તોડવાનો સંકલ્પ કરે છે અને ઉદાહરણીય પરિશ્રમ કરે છે.અંતે મગર જેન્કિન ઊંચો કૂદકો,વાંસ કુદ અને ૧૦૦ મીટર દોડમાં ચેમ્પિયન બનીને જંગલ દુનિયાને સ્તબ્ધ કરી દે છે. જો કે તે ખેલદિલ છે.રંગભેદની ભાવનાને જોડી દેતા તે આફ્રિકાના હરીફને ૧૦૦ મીટર જીતનો ગોલ્ડ મેડલ એમ કહીને આપે છે કે હું તો એકાદ જ વખત વિજયી નીવડયો છું પણ મોટેભાગે તો વર્ષ દરમ્યાનની ટુર્નામેન્ટમાં તું જ ૧૦૦ મીટરની દોડમાં જીતતો રહ્યો છે.

પર્વતારોહણની સ્પર્ધા દરમ્યાન પશ્ચિમ જર્મનીનો ડાક્શુંડ કૂતરો અચાનક એક પર્વતમાળા ગુમ થઈ જાય છે ત્યારે હરીફો તેને શોધવા રેસ પડતી મૂકી દે છે તે ભાવુકતા પણ બતાવાઈ છે.

૧૦૦ મીટર સ્વિમિંગની સ્પર્ધામાં એક કદાવર માછલી બીજા હરીફોને આગળનો પ્રવાહી માર્ગ દેખાય જ નહીં તેથી એવી રીતે જાણી જોઈને તરે છે કે પાણીમાં ઊંચી છોળો ઉડે જે પાણીમાં પણ વમળો રચે.જો કે તેની આવી અંચઈ કામ નથી લાગતી કેમ કે બીજી હરીફ સર્ફિંગ સારું જાણતી હોય છે તે સર્ફ કરતી હોય તેમ તરતા આ વમળ અને છોળોને તોડી પાડે છે.

તે પછી બી.બી.સી.એ ૨૦૦૪માં ''એનિમલ ગેમ્સ'' નામની ફિલ્મ બનાવી હતી. તેમાં માછલી, સસ્તન પ્રાણીઓ, પંખીઓ, જીવડાં અને જમીન પરના પ્રાણીઓ વચ્ચે ઓલિમ્પિક ઇવેન્ટ યોજાય છે પણ તમામ પ્રાણી અને પંખી, જીવડાં માનવ કદના બતાવાય છે.આ ફિલ્મમાં પણ હાસ્ય રસ છે જ પણ સાથે સાથે આ જંગલના વતનીઓ ખરેખર માનવ કરતા કઈ રીતે કયા ઇવેન્ટમાં સરસાઇ મેળવી શકે છે તેનું અભ્યાસુ તત્ત્વ પણ ઉમેરાયું છે.જોહન મોટસન અને જોનાથન પિયર્સ ફિલ્મમાં કોમેન્ટરી આપે છે.

પ્રાણી જગતની કાલ્પનિક ઓલિમ્પિકની ફિલ્મ બની તે પછી વિજ્ઞાાનીઓને પ્રેરણા થઈ કે ખરેખર ઓલિમ્પિક કે એથલેટિકના જે પણ રેકોર્ડ માનવીઓએ નોંધાવ્યા છે તેની તુલના પ્રાણીઓની દોડ, કૂદકા કે તરણ સાથે થાય તો બંનેમાંથી કોની સરસાઇ જોવા મળે?

એવું તારણ નીકળ્યું કે ટ્રેક એન્ડ એથલેટિક્સ ઇવેન્ટમાં  ચિત્તા, સાબર - હરણ, કાંગારુંને જો તાલીમ આપવામાં આવે તો ઓલિમ્પિકના ગોલ્ડમેડલિસ્ટોને અડધા કે વધુ સમયના તફાવતથી હરાવી બતાવે.

સ્વિમિંગમાં અમેરિકાના લેજેન્ડ માઈકલ  ફેલ્પ્સ કે ફ્રાન્સના લિઓન માર્શોનને ડોલ્ફિન, સિલ અને વ્હેલ સામે નામોશીજનક હાર સહન કરવી પડે. તાકાતનો તકાજો કાઢતી વેઇટલીફ્ટિંગ સ્પર્ધામાં રીંછ, હાથી,ગેંડો જે વજન ઊંચકી શકે તેમાં વર્લ્ડ ચેમ્પિયન વામણો પુરવાર થાય.

હા, જીમ્નાસ્ટીક, સ્કેટિંગ, ફૂટબોલ, વોલીબોલ કે બાસ્કેટ બોલ જેવી ટીમની રમતો માટેની સ્કીલ પ્રાણીઓમાં વિકસાવી ન શકાય. રોવિંગ, સાયકલિંગ, ફેન્સિંગ સ્પર્ધાત્મક રીતે પણ પ્રાણીઓ ન કરી શકે.

કેટલાક પ્રાણીઓની ખાસિયત તો આપણે જાણીએ છીએ પણ વેઇટલિફિંટગમાં માનવ ચેમ્પિયન કરતા તુલનાત્મક રીતે કીડી અનેક ગણું વજન ઊંચકી શકે છે. ઓલિમ્પિક ચેમ્પિયન તેના વજન કરતા અઢી ગણું વજન ઊંચકે પણ કીડી તેના વજન કરતા ૨૦ ગણું વજન ઊંચકતી હોય છે.

૩.૫ ઇંચથી છ ઇંચ લાંબા બુલફ્રોગ ( દેડકા) તેના કદ કરતા ૯થી ૧૪ ગણો લાંબો  કૂદકો લગાવીને આશ્ચર્ય સર્જે છે.માનવ એથ્લેટ તેની ઊંચાઈના બે કે ત્રણ ગણો લાંબો કૂદકો માંડ લગાવી શકે છે.

મુહમ્મદ અલી જ્યારે તેની પૂર્ણ તાકાત સાથે બોક્સિંગનો મુકાબલો કરતા ત્યારે તેના હરીફને કાનની ઉપરના ભાગમાં મુક્કો મારતા. હરીફ બોક્સરના મસ્તિષ્કમાં રહેલ પ્રવાહી વચ્ચે તરતું મગજ આ પંચને કારણે હાલમડોલમ થાય અને હરીફ બોક્સર અર્ધ બેભાન બનીને ભોંયભેગો થતો. સામાન્ય વ્યક્તિનું તો આવા પંચમાં મૃત્યુ જ થાય.એવું કહેવાય છે કે લક્કડખોદ પંખી તેની ચાંચ જે ફોર્સથી ઝાડના થડ પર કાણું પાડવા અથડાવે ત્યારે તેના મસ્તિષ્કમાં રહેલ મગજ પેલા બોક્સર કરતા ત્રણ ગણો તુલનાત્મક ઘા ઝીલતું હોય છે છતાં એક પછી એક વખત ચાંચ ઝાડના થડ જોડે અથડાવતું રહે છે.

સમુદ્રના બતકોની એક જાતિ લાંબી પૂંછડી ધરાવતા હોય છે તેઓ સમુદ્રમાં ઊંડે ૨૦૦ ફૂટની ડૂબકી લગાવીને સમુદ્રના પેટાળમાં ખડકો પર જે નાની શેવાળ,માછલીઓ હોય તેનો શિકાર કરીને પરત આવે છે આવી ડાઇવ ક્યો ઓલિમ્પિક તરવૈયો લગાવી શકે?

આ તો થઈ તુલનાત્મક વિજયી આંકડાની પણ એવો અભ્યાસ પણ થયો હતો કે ૧૦૦ મીટર દોડની સ્પર્ધા હોય તો ચિત્તો કેટલી સેકન્ડમાં તે અંતર પાર પાડે?

માનવજગતનો વર્લ્ડ રેકોર્ડ જમૈકાના યુસેન બોલ્ટના નામે છે. ૯.૫૮ સેકન્ડમાં તેણે ૧૦૦ મીટરનું અંતર પાર કર્યું હતું.ચિત્તો સરેરાશ ૫.૯૫ સેકન્ડનો સમય લે છે. ખાસ બ્રીડના ચિત્તાનો વર્લ્ડ રેકોર્ડ ૩.૨ સેકન્ડનો છે.

જો કે ચિત્તો ૩૦૦ મીટર પછી ખાસ્સો ધીમો પડી જતો હોય છે તેથી જો હરણ ૩૦૦ મીટરના અંતરમાં ચિત્તાથી બચી જાય તો તે પછી સલામત રહી શકે છે.બોલ્ટ પણ ૧૦૦ કે ૨૦૦ મીટરની રેસ જીતી શકે પણ ૪૦૦ મીટરમાં હારી જાય.૪૦૦ મીટરનો રનર મેરેથોન ન જીતી શકે અને મેરેથોન વિજેતા ૪૦૦ કે ૮૦૦ મીટર દોડમાં જીતી ન શકે.તે જ રીતે કુદરતે તમામ પ્રાણી, પંખી, કીટક, જલચરને શિકાર કરવા અને જીવ બચાવવા ખાસ પ્રતિભા, તાકાત અને ક્ષમતા આપી છે સાથે સાથે મર્યાદામાં પણ આબાદ રીતે રાખ્યા છે. મચ્છરનું ટોળું પણ હાથીના કાનમાં ઘૂસી જાય તો હાથી ગાંડો થઈ જાય પણ મચ્છરો આવી હિંમત ન કરે કેમ કે કુદરતે હાથીને કોઈ પ્રાણીને નથી આપ્યા તેવા સૂપડા જેવા કાન આપ્યા છે જેની એક જ થાપટથી મચ્છરોનું સામૂહિક મૃત્યુ નીપજે તે મચ્છરો જાણતા હોય છે.

આવી તો કેટલીયે અજબગજબની વાતો છે..ફરી કોઈ વખત. 


Google NewsGoogle News