Get The App

શ્રાવણી તસવીરો .

Updated: Aug 17th, 2024


Google NewsGoogle News
શ્રાવણી તસવીરો                                             . 1 - image


- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ

- ખેતરોમાં ધાનની સમૃદ્ધિ શ્રાવણની સાક્ષીએ થતી હોય છે. શ્રાવણના સરવડા ભલે કહેવાય પણ તડકામાં વરસાદ અને વરસાદમાં તડકાની તસવીરો જોવી હોય તો તમારે શ્રાવણ પાસે જ જવું પડે

વ રસાદને કૃપાજળ છે. અવનિનો અવતાર તેના થકી રળિયાત બને છે. વરસાદના આગમનથી અવનિની કાયાનાં કામણ રંગ બદલે છે. વરસાદ વ્હાલો થઈને વ્હાલ ઢોળે છે અવનિ વ્હાલ ઝીલે છે. કૃપાજળનાં ખાબોચિયાં ભરાય છે તેમાં દેડકાં જન્મે છે. એ ખાબોચિયાંમાં પશુઓ આળોટે છે આવતાં જતાં વાહનો પોતાની કાયા ભીંજવીને નીકળી જાય છે. ઠેરઠેર ભરાયેલાં પાણીથી આપણે ડરીને ચાલીએ છીએ પણ એ પાણીમાં પગ ઝબોળવા જેવા હોય છે ! એ પાણીમાં મોં બોળી જીભ વડે શ્વાન પાણી પીતાં હોય તે નિહાળ્યું છે ? ભેંસ, ગાયને પાણી પીતાં જોયાં છે ? ખાબોચિયાં નથી એ, એ તો કુદરતે ઠેરઠેર ગોઠવેલી પરબડીઓ છે વરસાદના આગમનથી કંકોડીનો વેલો કેવી રીતે વાડ ઉપર આવી જાય છે ? કંકોડાંને ચોમાસા સાથે શું સંબંધ ? ચોમાસાના પાણીમાં જ કંકોડાંની સમૃદ્ધિ જોવા મળે છે. વાડેવાડો ડોડી, વર્ષાદરાંથી છવાઈ જતી હોય છે. વૃક્ષો લીલાંછમ થઈ ડોલે છે. શ્રાવણના દિવસોમાં ગોચરમાં ઘાસ ફૂટી નીકળે છે. ઢોર યદ્રચ્છા ચરવા આવે છે, ક્યારેક ઢોરાં લઈને ચરાવવા જવું પડે છે. સવારે ભેંસો દોહવાઈ જાય, આઠેક વાગે ચા-પાણી થઈ જાય એટલે ભેંસો-પાડાં છોડવાનાં, ગોચરે લઈ જવાનાં, ગામમાંથી આઠ-દસ છોકરાં હોય, અડોસ પડોસનાં ઢોર લઈને આવે. સો વીઘાં જેટલું મોટું ગોચર લીલુછમ્મ દેખાય. નિશાળ પડે તો પડે, પણ ઢોર ચરાવવા જવાનું તે જવાનું, બોરડીનાં ઝુંડ હોય, કાંટા હોય સાચવવાનું, બાવળિયા નીચે બેસવાનું, રમવાનું, ઢોર એની મેળે ચર્યા કરે. ક્યાંક વાડમાં કંકોડાં થયાં હોય તો વીણવાનાં, કોઈ જગ્યાએ ચીભડાનો વેલો દેખાય, એના પીળા ધોળા ફૂલ, કૂણી કાકડી જોઈએ એટલે સીધી મોઢે બટુક બટુક ખાવાની. ગુંદર હોય તો વીણવાનો, મોઈ દાંડિયા રમવાના, દરિયો દરિયો રમવાનું, ચાર કૂકરી નવ કૂકરીની રમતો પણ હોય પાણી ભરેલા તળાવમાં પ્હેરે કપડે પડવાનું, ન્હાવાનું, એ પ્હેરેલા કપડા સુકાઈ જાય એટલે ઘરે જવાનું - ભેંસો તળાવમાંથી બહાર ના નીકળે તો તેની પૂંછડી પકડીને બહાર કાઢવાની, ભેંસોના નામ હોય ભૂરી ઘરવાળી, ના-ગોરી, મહેસાણી, નાથી, ગોપી જેવા નામો ગાયના હોય. સાત આઠ વરસના છોકરા ચાર-પાંચ ભેંસો લઈને આવ્યા હોય. ભેંસો ચરે, પછી છાંયે બેસે તળાવમાં પાણી પીએ-પડી રહે. સાંજ પડે એટલે ઘરે જાય. ઘરે જતી વખતે ક્યારેક છોકરા ભેંસ ઉપર બેસી જાય. ભેંસ સાચવીને ઘરે પહોંચાડે. કેવી જાતવાન !! ક્યારેક રસ્તામાં બીજું ઢોર કે ટ્રેકટર આવી જાય અને ભેંસ ભડકે તો છોકરું ચીસાચીસ કરી મુકે તે નફામાં ! સાંકડો માર્ગ હોય ત્યારે ભેંસો કેવો પોતાનો માર્ગ કરી લેતી તેનુંય આજે વિસ્મય છે ! ઘરે જઈ ખિલે બંધાતી ભેંસોને દોહવા માટે એક પાડું છોડીએ અને ભૂલથી બીજી ભેંસને તે વળગી પડે તો ભેંસ ખસી જાય, પાટુ મારે. પાડાને એની મા પાસે લઈ જઈએ આવી ભૂલો પણ થાય.

ઓગસ્ટની ખબર પડે છે એટલી શ્રાવણની નથી પડતી. ઓગસ્ટ શ્રાવણની છાતીએ જડાઈને આવે છે. શ્રાવણ મહિનાના સોમવાર અને જન્માષ્ટમી વધારે જાણીતા અને પવિત્ર દિવસો છે. શ્રાવણ મહિનામાં આકાશનાં બદલાતાં રૂપો, મેઘધનુષનાં આકર્ષણો આહ્લાદક હોય છે. શ્રાવણની મુળભુત પ્રકૃતિ ભીંજવવાની છે. છાલક મારવાની છે. શ્રાવણનું પોત ભીનપનું છે. જન્માષ્ટમી અને રક્ષાબંધનના તહેવારોનો ઈજારો શ્રાવણ પાસે છે. શ્રાવણ મહિનામાં મેળાઓ ભરાય છે. યૌવન હિલ્લોળાય છે. પવનનો સંવાદ વર્ષામાં ફોરાંનો લય જન્માવે છે. શ્રાવણ સૌંદર્યનો પર્યાય છે. આકાશની વાદળીઓ અપ્સરાઓ બને છે. ઈશ્વરનો મુગટ બનીને મેઘધનુ શોભે છે. પંખીઓ ઋતુઓની સઘળી લીલા નિહાળે છે.

શ્રાવણ મહિનામાં રક્ષાબંધનને દિવસે ભાઈબેનના હેત પ્રગટ થાય છે. અબોલા લીધેલી બેન પણ ભાઈને હાથે રાખડી બાંધે છે. બ્રાહ્મણો જનોઈ બદલે છે. શંકર ભગવાનને સૌથી વધારે પ્રસન્નતા શ્રાવણ મહિનો આપે છે. કૃષ્ણજન્મનો મહિનો છે. બ્રાહ્મણોને જમાડવાનો મહિનો છે. 'ચોરાશી' કરવાનો મહિનો છે. બ્રાહ્મણો જાતે રસોઈ બનાવે, પીતાંબર પહેરીને આવે, પંગત પડે. આખો માહોલ જ જમણવારનો ! રગડામાં બનાવેલી ઉકાળેલી દાળનો ટેસ્ટ જ જુદો ! લાડુ તો હોય જ... ભૂદેવો જમીને યજમાનને આશિષ આપે. ભાણાં ભરી જાય... ચોરાશી પ્રકારના બ્રાહ્મણો હોય છે. એટલે 'ચોરાશી' એમ નામકરણ થયું છે.

શ્રાવણ મહિનામાં દાઢી મૂછ વધારનારા, વાળ વધારનારાની સંખ્યા ઝાઝી જોવા મળે. બિલ્વપત્રો શિવલિંગ ઉપર છવાઈ જાય. ઓમ નમ: શિવાયના મંત્રો ચોવીસે કલાક ચાલ્યા જ કરે. વરસાદ બધી ગતિવિધિ ઉપર પાણી છાંટે. કૃપાજળ વરસાવે. હવેલીઓમાં હીંડોળા, મંદિરોમાં ઝુલા શ્રાવણના ભાગ્યમાં ઝાઝા હોય છે.

ખેતરોમાં ધાનની સમૃદ્ધિ શ્રાવણની સાક્ષીએ થતી હોય છે. શ્રાવણના સરવડા ભલે કહેવાય પણ તડકામાં વરસાદ અને વરસાદમાં તડકાની તસવીરો જોવી હોય તો તમારે શ્રાવણ પાસે જ જવું પડે. શ્રાવણ કેવળ ભક્તિભાવનો જ નહિ, ધાનની પૃષ્ટિભાવનો પણ મહિનો છે. વર્ષાજળનો એટલે જ કૃપાજળ કરીએ છીએ.


Google NewsGoogle News